ગુજરાતમાં ઉનાળાની સાથે ચોમાસું પણ બદલાઇ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઉનાળાની તીવ્ર ગરમી પડી રહી છે અને હીટવેવ પણ ચાલી રહ્યા છે. તાપમાનનો મહત્તમ પારો 45 ડિગ્રીને સ્પર્શી રહ્યો છે. ઘણી વાર મહત્તમ તાપમાનનો પારો 45 ડિગ્રીને પણ વટાવી જાય છે. પરંતુ કલ્પના કરો કે જો આ મહત્તમ તાપમાન હજુ પાંચ ડિગ્રી વધી જાય તો કેવી સ્થિતિ થાય? એટલું જ નહીં તમને ખબર પડે કે આવનારાં વર્ષોમાં ચોમાસાંની પેટર્નમાં પણ બદલાવ જોવા મળવાના છે તો?
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મિટિરિયૉલૉજી (આઈઆઈટીએમ) ના એક નવા અભ્યાસમાં તારણો બહાર આવ્યાં છે. જેમાં સદીના અંત સુધીમાં ઉનાળો વધુ આકરો અને લાંબો થવાની આગાહી છે. જો ઉનાળો વધુ આકરો અને લાંબો પણ થઈ જાય તો ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
વધુ કાર્બન ઉત્સર્જનના પરિસ્થિતિની અસર આધારિત અભ્યાસમાં જાણવા મળ્યું કે ભારતના ઉત્તર ભાગોમાં 21મી સદીના અંત સુધીમાં ઉનાળા દરમિયાન (માર્ચથી જૂન દરમિયાન) તાપમાન દિવસમાં લગભગ 4.5 ડિગ્રી વધારે નોંધાશે જ્યારે શિયાળામાં રાતનું તાપમાન પાંચ ડિગ્રી વધારે રહેશે.
આઈઆઈટીએમના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. જે. એસ. ચૌધરીએ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “સદીના શરૂઆતના દશકોમાં તાપમાનમાં વધારો થયો હોવાનું નોંધાયું છે. જે સૂચવે છે કે, પરંપરાગત ઉનાળો વધુ જલદી શરૂ થશે, લાંબો ચાલશે તથા વધુ તીવ્ર રહેશે. આના લીધે હીટ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે અને ક્લાઇમેટ ચેન્જના લીધે ઉનાળા દરમિયાન મોતનું જોખમ પણ વધી શકે છે.”
આ સમગ્ર સ્થિતિની ગુજરાતમાં પણ નોંધપાત્ર અસર જોવા મળશે તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

ચોમાસામાં કેવો બદલાવ થઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. ચૌધરી કહે છે, “મોટાભાગના પ્રદેશોમાં મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે, જેમાં મધ્ય ભારત, અને ભારતના દ્વીપકલ્પીય ઉપરાંત ઉત્તરપૂર્વના ભાગો અપવાદ રહી શકે છે. પરંતુ સદીના અંત સુધીમાં આખા જ પ્રદેશમાં વ્યાપકપણે તાપમાનનો વધારો નોંધાઈ શકે છે.”
આ અભ્યાસ આંતરરાષ્ટ્રીય જર્નલ ‘ગ્લોબલ ઍન્ડ પ્લેનેટરી ચેન્જ’માં પ્રકાશિત થયો હતો. એમાં એસઆરએમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી – ચેન્નાઈ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી રુડકી, સેન્ટર ફૉર ક્લાઇમેટ ચેન્જ અને સસ્ટેનેબિલિટી, અઝીમ પ્રેમજી યુનિવર્સિટી, બૅંગ્લુરૂ અને નેશનલ સેન્ટર ફૉર મીડિયમ રેન્જ વેધર ફૉરકાસ્ટિંગ, મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સ પણ એનો ભાગ હતા.
આ અભ્યાસમાં અન્ય તારણોમાં એવું પણ જાણવા મળ્યું છે કે 21મી સદીના અંત સુધીમાં મધ્ય ભારત, હિમાલય ક્ષેત્રો અને ઉત્તરપશ્ચિમ ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાની સિઝનમાં નોંધપાત્ર વરસાદ નોંધાઈ શકે છે. બંને પરિસ્થિતિ દર્શાવે છે કે સદીના મધ્ય ભાગ પછીથી ચોમાસામાં વરસાદ સરવાળે વધશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે સૌથી રસપ્રદ વાત એ રહી કે 21 સદીના અંત સુધીમાં વરસાદી દિવસો ઘટી શકે છે જ્યારે ભારતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ તીવ્ર બની શકે છે.
સંશોધકો કહે છે કે આ નવાં તારણો અગાઉ થયેલા અભ્યાસ કરતાં વધુ ઉપયોગી છે. કેમ કે તેમાં પૂર્વાગ્રહો સુધારવામાં આવ્યા છે અને મૉડલના આઉટપુટને ડાઉનસ્કૅલ કરાયા છે. એટલે એમાં ઓછા પ્રમાણમાં સિસ્ટમ સંબંધિત પૂર્વાગ્રહો રહેશે અથવા નોંધાયેલા ડેટા અને ક્લાઇમેટ મૉડલના સિમ્યુલેશન્સ વચ્ચેની અસંગતતાઓ ઓછી રહેશે. આથી સંશોધકો માને છે કે આનાથી વધુ ચોક્કસ પરિણામો મળી શકે છે તથા આનાથી વિશ્વની વાસ્તવિક સ્થિતિની વધુ નિકટના પરિણામો જાણી શકાય છે.

હિમાલયના પ્રદેશોમાં ગરમી વધશે
વૈજ્ઞાનિક ડૉ. જે. એસ. ચૌધરી અનુસાર હિમાલય પાસેના પ્રદેશોમાં તાપમાન સૌથી વધુ રહેવાની શક્યતા છે. જ્યારે ભારતના ગંગાતટના મેદાની વિસ્તારોમાં સૌથી વધુ ઉત્સર્જનની સ્થિતિમાં વ્યાપકપણે લઘુતમ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.
તેઓ કહે છે, “ભારતીય ઉપમહાખંડમાં તાપમાનમાં સતત વધારો જોવા મળશે જેમાં 2050 સુધીમાં અંદાજે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની શક્યતા છે. તથા સદીના અંત સુધીમાં ઉપમહાખંડમાં ગ્રીનહાઉસ ગૅસના ઊંચા ઉત્સર્જનની સ્થિતિમાં તાપમાનમાં 4.5 ડિગ્રી કરતાં પણ વધુનો વધારો નોંધાઈ શકે છે.”
આ અભ્યાસમાં કહેવાયું છે કે, મધ્ય ભારત, ઉત્તરપશ્ચિમના પ્રદેશો અને હિમાલય પ્રદેશોને ખાસ અસર થઈ શકે છે, આ પ્રદેશોમાં તાપમાનનો વધારો જોવા મળી શકે છે. ઉપખંડના અન્ય ભાગો કરતાં આ પ્રદેશોમાં તાપમાનમાં વધુ ફેરફારો જોવા મળી શકે છે.
“અને આ તીવ્ર ફેરફારોને કારણે વધુ તીવ્ર હીટ વેવ સર્જાઈ શકે છે.”


ક્લાઇમેટ ચેન્જ પર આઈપીસીસીનો રિપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગત માર્ચ મહિનામાં ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (આઈપીસીસી)નો છઠ્ઠો ઍસેસમૅન્ટ રિપોર્ટ જાહેર થયો હતો. ક્લાઇમેટ ચેન્જ પર વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થાને એ માટે આઠ વર્ષનો સમય લાગ્યો હતો.
એમાં 700થી વધુ વૈજ્ઞાનિકોનાં અભ્યાસ અને તારણો સામેલ છે. અને ક્લાઇમેટ ચેન્જ માટે ઉપલબ્ધ આ સૌથી સર્વગ્રાહી અને વ્યાપક મૂલ્યાંકન છે.
એમાં ગ્રીનહાઉસ ગૅસના વધતા ઉત્સર્જનના પ્રમાણ, મકાનોને નુકસાન, આજીવિકા ગુમાવવી અને સમુદાયો વિખેરાઈ જવા સહિતની અસરો જણાવાઈ છે.
એનાં તારણોમાં કહેવાયું છે કે પહેલાંથી જ વિશ્વનું તાપમાન 1.1 ડિગ્રી સેલ્સિયસ વધેલું છે અને એનાથી વિશ્વમાં સદીઓમાં ક્યારેય નથી થયા એવા ફેરફારો આવ્યા છે. એટલે દરિયાની સપાટી વધી રહી છે તથા ઝડપથી વધુ તીવ્ર પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને દરિયાનો બરફ જલદીથી પીગળી રહ્યો છે.
એમાં ચેતવણી અપાઈ છે કે તાપમાનમાં હજુ વધુ વધારો નોંધાઈ શકે છે. હીટવેવ જે મોટા ભાગે દર દસ વર્ષે નોંધાય છે એ ક્લાઇમેટ ચેન્જના કારણે 4.1 વખત વધુ સર્જાશે અને તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.
આઈપીસીસીના હાલના રિપોર્ટમાં જે દસ મુખ્ય તારણો છે એમાં માનવનિર્મિત ગ્લોબલ વૉર્મિંગે 1.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા પૃથ્વીના ક્લાઇમેટમાં ફેરફાર કર્યો છે જે તાજેતરના માનવ ઇતિહાસમાં ક્યારેય નથી જોવા મળ્યો.
ઉપરાંત એમાં બીજું તારણ એ પણ છે કે માનવજાત અને પર્યાવરણ પર એની વ્યાપક અસરો થઈ છે જે અપેક્ષા કરતાં પણ વધુ છે અને જેમ જેમ થોડું પણ તાપમાન વધી રહ્યું છે એના લીધે ઝડપથી જોખમ પણ વધી રહ્યું છે. એમાં ચિંતા વ્યક્ત કરાઈ છે કે અસરકાર પગલાંથી ટકાઉ પ્રતિરોધ ઊભો કરી શકાય છે પણ એના માટે વધુ ઉકેલો અને ભંડોળની જરૂર છે.
માત્ર વિકાસશીલ દેશોને વર્ષ 2030 સુધીમાં પ્રતિ વર્ષ 127 બિલિયન ડૉલરની જરૂર રહેશે જ્યારે 2015 સુધીમાં 295 બિલિયન ડૉલરની જરૂર પડશે જેથી તેઓ ક્લાઇમેટ ચેન્જને કારણે આવેલા ફેરફારોને સંબોધી શકે અને એના માટે અનુકૂળતા સાધી શકે.
જોકે રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે કેટલાક ફેરફારો એવા આવ્યા છે કે જેનું નુકસાન અને અસરો હવે ઠીક નથી કરી શકાતી. એમાં જાનમાલના નુકસાનની પણ વાત છે.

દુનિયામાં તાપમાન 50 ડિગ્રીને પાર જાય એવા દિવસોની સંખ્યા બમણી થઈ

વર્ષ 2021માં બીબીસીના એક અધ્યયનમાં સામે આવ્યું હતું કે 1980ના દાયકાથી દર વર્ષે સૌથી વધુ તાપમાન નોંધાય તેવા દિવસોની સંખ્યા બમણી થઈ ગઈ છે.
એટલું જ નહીં તાપમાનમાં ધરખમ વધારો નોંધાયો હોય એવા વિસ્તારોની સંખ્યા પણ વધી છે, તેનાથી મનુષ્યોના આરોગ્ય તથા જીવનશૈલી માટે અભૂતપૂર્વ પડકારો ઊભા થયા છે.
છેલ્લા ચાર દાયકામાં એવા દિવસોની સંખ્યા વધી છે કે જ્યારે તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હોય.
1980થી 2009 વચ્ચે વર્ષે સરેરાશ 14 દિવસોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું, આવા દિવસોની સંખ્યા 2010થી 2019ની વચ્ચે 26 રહી હતી.
આ સમયગાળામાં દર વર્ષે તાપમાન 45 ડિગ્રી અને તેનાથી ઉપર નોંધાયું હતું.
ક્લાઇમેટ ચેન્જ બાબતોના અગ્રણી પત્રકાર ડૉ. ફ્રેડરિક ઑટોએ કહ્યું, "આ વધારાની પાછળ સો ટકા અશ્મીભૂત ઈંધણને બાળવું એ જ કારણ છે."

હીટવેવ શું છે?

સરળ શબ્દોમાં સમજીએ તો ગુજરાતના અનેક વિસ્તારોમાં આપણે જેને લૂ પડવી કહીએ તે હીટ વેવ છે. જે વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધી જાય ત્યારે હીટ વેવ જાહેર કરવામાં આવે છે.
ભારતના હવામાન વિભાગના કહેવા પ્રમાણે મેદાની પ્રદેશોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય, ત્યારે તેને હીટ વેવ કહેવામાં આવે છે.
હીટ વેવની ઍલર્ટ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે સામાન્ય તાપમાનમાં એટલે કે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 4.5થી 6.4 ડિગ્રી સુધીનો વધારો જોવા મળે છે.
સિવિયરર હિટ વેવની ચેતવણી ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે સામાન્ય તાપમાનમાં 6.4 ડિગ્રી કરતાં વધારો જોવા મળે છે.
માર્ચથી જૂન મહિના દરમિયાન ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, ઝારખંડ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણા જેવાં રાજ્યોમાં વધારે ગરમી અનુભવાય છે.ક્યારેક તામિલનાડુ અને કેરળમાં પણ તેની અસર વર્તાય છે. જોકે હવે હિમાલયનાં કેટલાંક રાજ્યોમાં પણ લૂની અસર જોવા મળી રહી છે.

અતિશય ગરમીનો શું પ્રભાવ?

50 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછા તાપમાનમાં પણ અતિશય ગરમી અને ભેજને કારણે મનુષ્યના આરોગ્યને નુકસાન થઈ શકે છે.
રટગર્સ યુનિવર્સિટીના ગત વર્ષે હાથ ધરાયેલા અભ્યાસ અનુસાર જો આ રીતે જ ગ્લોબલ વૉર્મિગ ચાલતું રહ્યું તો વર્ષ 2100 સુધી લગભગ આખા વિશ્વમાં 1.2 અબજ લોકો અતિશય ગરમીને કારણે પ્રભાવિત થઈ શકે છે. હાલના સમયમાં જેટલા લોકો અતિશય ગરમીને કારણે પ્રભાવિત થાય છે તેના કરતાં ચાર ગણા લોકો પ્રભાવિત થશે.
અતિશય ગરમીને કારણે દુષ્કાળ તથા જંગલમાં આગની પરિસ્થિતિ ઉત્પન્ન થતા આજુબાજુના વિસ્તારોમાં આવતા ફેરફારથી પણ લોકોની મુશ્કેલી વધે છે.
વૈશ્વિક સ્તરે ધરતીની સપાટી અને સમુદ્રના સરેરાશ તાપમાનની વાત કરીએ તો, છેલ્લે 2016 સૌથી વધુ ગરમ વર્ષ નોંધાયું હતું. જેમાં સર્વાધિક તાપમાન વધારો નોંધાયો હતો.
- વર્ષ 2016 – તાપમાનમાં વધારો 0.99 ડિગ્રી સેલ્સિયસ
- વર્ષ 2020 - તાપમાનમાં વધારો 0.98 ડિગ્રી સેલ્સિયસ
- વર્ષ 2019 - તાપમાનમાં વધારો 0.94 ડિગ્રી સેલ્સિયસ
- વર્ષ 2015 - તાપમાનમાં વધારો 0.93 ડિગ્રી સેલ્સિયસ
- વર્ષ 2017 - તાપમાનમાં વધારો 0.91 ડિગ્રી સેલ્સિયસ

ક્લાઇમેટ ચેન્જ શું છે?

કેટલાંક વર્ષો દરમિયાન એક સ્થળના સરેરાશ હવામાનને ક્લાઇમેટ કહેવામાં આવે છે. આ સરેરાશ હવામાનોમાં બદલાવને ક્લાઇમેટ ચેન્જ કહેવાય છે.
પણ હવે જે ઝડપે ક્લાઇમેટ ચેન્જ જોવા મળે છે તેની પાછળ માનવજાત દ્વારા ઑઇલ (ઈંધણ તેલ)નો ઉપયોગ, ઘરો, ફૅક્ટરી, વાહન-વ્યવહારમાં ગૅસ અને કોલસાનો ઉપયોગ કારણભૂત છે.
જ્યારે આ અશ્મિગત બળતણો બળે છે ત્યારે તે કેટલાક ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન કરે છે. તેમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ (CO2) છે. આ બધા ગૅસ સૂર્યની ગરમીને ઘેરી લે છે, જેથી ગ્રહનું તાપમાન વધે છે.
19મી સદી કરતાં હાલ વિશ્વ 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ છે. એટલે કે તેનું તામપાન 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. વળી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 50 ટકા વધ્યું છે.
વૈજ્ઞાનિકો કહે છે કે જો આપણે ક્લાઇમેટ ચેન્જનાં દૂરગામી ગંભીર પરિણામોથી બચવું હોય તો તાપમાનમાં થતા વધારાને ફરજિયાત ધીમો પાડવો પડશે. તેઓ કહે છે કે ગ્લોબલ વૉર્મિંગ (જળવાયુ પરિવર્તન) 2100 સુધી 1.5 સેલ્સિયસ જ રાખવું પડશે.
જોકે, ભાવિ પગલાં નહીં લેવામાં આવે તો પૃથ્વીનું તાપમાન આ સદીના અંત સુધીમાં વધી શકે છે.
જો કંઈ જ નહીં કરવામાં આવે તો વૈજ્ઞાનિકો માને છે કે જળવાયુ પરિવર્તન 4 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી શકે છે.















