ભાજપ નવા મુખ્ય મંત્રીની પસંદગી માટે 'ગુજરાત મૉડલ' અપનાવી રહ્યો છે?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સોમવારે મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં ફોટો પડાવતી વખતે ઉજ્જૈન દક્ષિણની બેઠક પરથી ધારાસભ્ય મોહન યાદવ ત્રીજી હરોળમાં બેઠા હતા.

ગણતરીની કલાકોમાં કિસ્મતનું પાસું પલટાયું હતું અને મુખ્ય મંત્રી તરીકે તેમના નામની જાહેરાત થઈ.

કંઈક આવું જ મંગળવારે પણ બન્યું. પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ભજનલાલ શર્માને મુખ્ય મંત્રી જાહેર કરવામાં આવ્યા. રાજ્યના સર્વોચ્ચ પદની દોડ માટે અગ્રેસર મનાતાં દીયાકુમારીને નાયબ મુખ્ય મંત્રી જાહેર કરવામાં આવ્યાં છે.

ત્રણેય પદનામિત મુખ્ય મંત્રીની પસંદગી પાછળ ટૂંકા તથા લાંબા ગાળાની રાજકીય ગણતરી જોવામાં આવે છે. આ સાથે જ ત્રણેય રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રીઓનાં રાજકીય ભાવિ અંગે પણ ચર્ચા થવા લાગી છે.

ત્રીજી ડિસેમ્બરે મધ્ય પ્રદેશ, રાજસ્થાન ઉપરાંત છત્તીસગઢનાં ચૂંટણીપરિણામો જાહેર થયાં હતાં. ત્રણેય સ્પષ્ટ બહુમત મળવા છતાં પાર્ટીને નવા મુખ્ય મંત્રીનાં નામોની જાહેરાત કરવામાં સમય લાગી ગયો હતો.

મંગળવારે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્ય મંત્રી વિષ્ણુ દેવ સાયે શપથ લીધા હતા.

ત્રણ નેતા, પૅટર્ન એક

ભાજપે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ તથા રાજસ્થાનમાં મુખ્ય મંત્રી તરીકે કોઈ નામની જાહેરાત નહોતી કરી. પાર્ટીએ સ્થાનિક મુદ્દા અને મોદીના ચહેરા ઉપર ચૂંટણી લડી હતી. પાર્ટીને અનુક્રમે 163, 54 અને 115 બેઠક મળી હતી.

છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન એમ એક પછી એક ત્રણ રાજ્યમાં મુખ્ય મંત્રીના નામનું અટવાઈ ગયેલું કોકડું ઉકેલાયું હતું. ત્રણ અલગ-અલગ દિવસે મળેલી બેઠકોમાં એક સરખી પૅટર્ન જોવા મળી હતી.

રવિવારે છત્તીસગઢના રાયપુરમાં વિષ્ણુ દેવ સાયના નામનો પ્રસ્તાવ ખુદ ડૉ. રમણસિંહે મૂક્યો હતો. તેઓ 15 વર્ષ મુખ્ય મંત્રી રહ્યા હતા અને આ વખતે પણ તેમનું નામ ચર્ચાતું હતું.

સોમવારે જ્યારે નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ જ્યારે મધ્ય પ્રદેશના નવા મુખ્ય મંત્રી તરીકે મોહન યાદવના નામની જાહેરાત થઈ, ત્યારે ખુદ શિવરાજસિંહ ચૌહાણે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેઓ ચાર વખત રાજ્યના મુખ્ય મંત્રીપદે રહ્યા હતા અને રાજ્યની મહિલાઓમાં તેઓ ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. ચૌહાણ પણ મુખ્ય મંત્રીપદની સ્પર્ધામાં હતા.

મંગળવારે નારાજ મનાતાં રાજસ્થાનનાં પૂર્વ મુખ્ય મંત્રી વસુંધરારાજે સિંધિયાએ જ ભજનલાલ શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સિવાય દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવા નાયબ મુખ્ય મંત્રી બનશે.

દીયા કુમારી રાજપૂત છે અને પૂર્વ રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે, જ્યારે પ્રેમચંદ બૈરવા અનુસૂચિત જાતિના છે.

રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકરના કહેવા પ્રમાણે, "ભાજપે એવા નેતાઓની મુખ્ય મંત્રી તરીકે પસંદગી કરી છે કે જેમની સામે લાંબી રાજકીય કારકિર્દી છે અને લાંબી મજલ કાપી શકે તેમ છે. પાર્ટીએ સ્થાનિક જ્ઞાતિ-જાતિના અને સત્તાનું સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો છે."

"અગાઉ રાજ્યોમાં નાયબ મુખ્ય મંત્રી નીમવામાં નહોતા આવતા,પરંતુ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આમ કરવામાં આવ્યું છે અને છત્તીસગઢમાં પણ એમ થઈ શકે છે એવી ચર્ચા છે. સીએમ તથા ડેપ્યુટી સીએમ ઉપર પર્ફૉર્મ કરવાનું દબાણ પણ રહેશે."

"કોઈપણ પાર્ટી હોય હાઈકમાન્ડનું પીઠબળ હોય તો જ નેતાઓ સર્વોચ્ચ પદ મેળવી શકે. આ સિવાય ઊડીને આંખે વળગે એવી બાબત એ છે કે ત્રણેય પદનામિત મુખ્ય મંત્રીઓ ભાજપ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પૃષ્ઠભૂમિ ધરાવે છે."

શર્મા અને યાદવે સંઘની વિદ્યાર્થી પાંખ એબીવીપીથી (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) સાર્વજનિક જીવનની શરૂઆત કરી હતી, જ્યારે સાય વનવાસી કલ્યાણ યોજના સાથે સંકળાયેલા હતા.

રાજકીય વિશ્લેષકો એક વાતથી સહમત છે કે રાજે, ચૌહાણ કે રમણસિંહ બળવો કરવાનું નહીં વિચારે અને પાર્ટી તેમના અનુભવ અને પૃષ્ઠભૂમિના આધારે તેમને સન્માનજનક પદ આપીને તેમની સેવાઓનો લાભ અન્યત્ર લેશે.

ચૌહાણે લોકસભાની ચૂંટણી લડવાની અટકળો ઉપર પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો છે અને કહ્યું છે કે પાર્ટી તેમને સોંપશે તે જવાબદારીનું નિર્વહન કરશે. સાથે જ કામ માગવા માટે દિલ્હી જતાં પહેલાં મૃત્યુ પસંદ કરશે એવી વાત પણ કહી છે.

રમણસિંહને છત્તીસગઢ વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવે તેવી શક્યતા છે. પૂર્વ રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવતાં વસુંધરા રાજેએ કોઈ રાજકીય પ્રતિક્રિયા નથી આપી.

ત્રણ સીએમ, એક લક્ષ્ય

રાજસ્થાનના મુખ્ય મંત્રી બ્રાહ્મણ, નાયબ મુખ્ય મંત્રી રાજપૂત અને બીજા ડેપ્યુટી સીએમ દલિત છે. મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી ઓબીસી સમાજના યાદવ છે, જેઓ ગુજરાતમાં આહીર તરીકે ઓળખાય છે. આ સિવાય મધ્ય પ્રદેશના ડેપ્યુટી સીએમ જગદીશ દેવડા અનુસૂચિત જાતિના તથા રાજેન્દ્ર શુક્લ સવર્ણ સમાજના બ્રાહ્મણ છે.

વિષ્ણુ દેવ સાય અનુસૂચિત જનજાતિના છે અને તેમને આદિવાસી બહુલ છત્તીસગઢના પ્રથમ ટ્રાયબલ મુખ્ય મંત્રી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. અહીં પણ યુપી, એમપી અને રાજસ્થાનની જેમ બે નાયબ મુખ્ય મંત્રી નીમવામાં આવે તેવી અટકળો છે. આ તમામ નિમણૂકોને આગામી લોકસભા ચૂંટણી સાથે જોડીને જોવામાં આવે છે.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજય નાયકના મતે, "ત્રણેય રાજ્યોમાં જે-જે નામોની જાહેરાત કરવામાં આવી છે, તેમાં આગામી લોકસભા ચૂંટણી પહેલાં સોશિયલ એંજિનિયરિંગ સાધવાનો પ્રયાસ સ્પષ્ટપણે દેખાઈ આવે છે."

"આ સિવાય ભાજપના કાર્યકરોને પણ એક સંદેશ આપવાનો પ્રયાસ થયો છે કે નાનામાં નાના કાર્યકરની નિષ્ઠા અને ક્ષમતા જોઈને તેને પદ મળી શકે છે. ભજનલાલ શર્મા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે, પરંતુ તેમને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે."

"ભાજપનો કાર્યકર ધારાસભ્ય, સંસદસભ્ય કે મુખ્ય મંત્રી બનવાની મહત્ત્વાકાંક્ષા રાખી શકે છે અને તે પાર્ટીમાં સંતોષાઈ શકે છે એવો સંદેશ પાર્ટી આપવા માગે છે. જ્યારે વિપક્ષમાં આવું શક્ય નથી. ત્યાં જૂના કે સ્થાપિત નેતાને જ પહેલી તક મળે છે."

"ભાજપ કદાવર મનાતાં વસુંધરારાજેને પણ હાંસિયામાં ધકેલી શકે છે અને ચાર વખતના મુખ્ય મંત્રી ચૌહાણને પણ હઠાવી શકે છે. સત્તા વિરોધી વલણને નાથવા માટે પાર્ટી ગમે તેવાં કડક પગલાં લઈ શકે છે, જેનો સકારાત્મક સંદેશ જનતામાં જતો હોય છે."

નાયક ઉમેરે છેકે પ્રથમ વખત ધારાસભ્ય બનનાર નેતાને મુખ્ય મંત્રી બનાવવામાં આવે તો સ્વાભાવિક રીતે વહીવટમાં મુશ્કેલી પડી શકે છે, પરંતુ સરકારી કામગીરી સુપેરે જાણતા અને કામોને નિર્ધારિત લક્ષ્યો સુધી લઈ જઈ શકે તેવા વફાદાર સરકારી અધિકારીઓને ગોઠવીને આ સમસ્યાને ઉકેલી શકાય છે.

ઉલ્લેખનીય છે કે મોહન યાદવ ઉત્તર પ્રદેશના સુલતાનપુરના જમાઈ છે. જે બિહાર સાથે જોડાયેલાં પૂર્વાંચલનો જિલ્લો છે. યુપીમાં 80 અને બિહારમાં 40 લોકસભા બેઠક છે, જ્યાં યાદવો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેમને સપા-રાજદ પાસેથી ખેરવવા માટે ભાજપ મોહન યાદવનો ચહેરો આગળ કરી શકે છે.

આ સિવાય યુપીમાં શર્માના બ્રાહ્મણ ચહેરા તથા અનુસૂચિત જાતિના બે ડેપ્યુટી સીએમના ચહેરાને પણ આગળ કરી શકે છે.

સત્તાપરિવર્તનનું ગુજરાત મૉડલ?

ત્રણેય રાજ્યોમાં નવા મુખ્ય મંત્રીઓની નિયુક્તિને સત્તાપરિવર્તનના ગુજરાત મૉડલ તરીકે પણ જોવામાં આવે છે. અજય નાયકના મતે, "જે નામ ચર્ચામાં હોય તે ન આવે અને કોઈ નવું જ સરપ્રાઇઝ મળે તે દૃષ્ટિએ આ જાહેરાતોને 'ગુજરાત મૉડલ' ગણી શકાય. ગુજરાતમાં મુખ્ય મંત્રી તરીકે નીતિન પટેલના નામની ચર્ચા હતી ત્યારે આનંદીબહેન પટેલ તથા વિજય રૂપાણીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યાં હતાં."

અમદાવાદસ્થિત ભાજપના વરિષ્ઠ નેતાએ નામ ન છાપવાની શરત સાથે કહ્યું, "નવા મુખ્ય મંત્રીઓની નિમણૂક પાછળ 'સરપ્રાઇઝ' આપવાની મોદી-શાહની કાર્યશૈલી કરતાં આગામી સમયની રાજકીય ગણતરીઓ વધુ છે."

"અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પછી ઊભા થનાર લોકજુવાળનું અનુમાન પાર્ટીને છે, છતાં તે કોઈપણ ઢીલ છોડવા નથી માગતી. એટલે જ શક્ય એટલાં તમામ સમીકરણ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે."

"આને 'ગુજરાત મૉડલ' ન કહી શકાય, કારણ કે વર્ષ 2014માં રાજનાથસિંહે પાર્ટીનો પદભાર છોડ્યો અને અમિતભાઈ શાહ અધ્યક્ષ બન્યા, એ પછી પાર્ટીએ હરિયાણા વિધાનસભાની ચૂંટણી જીતી હતી. ત્યારે અનેક વરિષ્ઠ નેતાઓને છોડીને નવા ચૂંટાયેલા મનોહરલાલ ખટ્ટરને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ પણ પ્રથમ વખત મુખ્ય મંત્રી બન્યા હતા અને નવેક વર્ષથી આ પદ પર છે."