You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધ્ય પ્રદેશના નવા મુખ્ય મંત્રી ડૉ. મોહન યાદવ કોણ છે?
ડૉ. મોહન યાદવ મધ્ય પ્રદેશના નવા મુખ્ય મંત્રી બનશે. મધ્ય પ્રદેશમાં ભાજપે તમામ અટકળોનો અંત લાવતાં આ ચોંકાવનારો નિર્ણય લીધો છે. મોહન યાદવને ધારાસભ્યદળના નેતા ચૂંટવામાં આવ્યા છે.
મોહન યાદવ ત્રીજી વાર ધારાસભ્ય બન્યા છે. તેઓ શિવરાજસિંહ ચૌહાણની સરકારમાં ઉચ્ચ શિક્ષણમંત્રી હતા. રાજ્યના મુખ્ય મંત્રી તરીકે મોહન યાદવની જાહેરાત કરાતાં જ શિવરાજસિંહ ચૌહાણની વિદાય નક્કી થઈ ગઈ છે.
ભારતીય જનતા પક્ષે તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશની 230 બેઠકોમાંથી 163 બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો. ચૂંટણી પહેલાં ભાજપે મુખ્ય મંત્રી તરીકે કોઈ પણ નેતાનું નામ આગળ નહોતું કર્યું.
ચૂંટણીપરિણામોની જાહેરાત 3 ડિસેમ્બરે થઈ હતી. સોમવારે હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર સહિત ત્રણ પર્યવેક્ષકોની હાજરીમાં નવા ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડૉ. મોહન યાદવને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
મોહન યાદવ : MPના નવા CM કોણ છે?
મોહન યાદવ 2013માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નજીક માનવામાં આવે છે. મોહન યાદવ અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે પણ સંકળાયેલા હતા. 'મધ્ય પ્રદેશ કુસ્તી ઍસોસિએશન'ના તેઓ અધ્યક્ષ પણ છે.
તાજેતરની ચૂંટણીમાં તેમણે ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથી વિજય હાંસલ કર્યો હતો. તેમણે લગભગ 13 હજાર મતોના અંતરે જીત મેળવી હતી.
આ પહેલાં રાજ્યના વર્તમાન મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપરાંત અન્ય કેટલાય નેતાઓ મુખ્ય મંત્રીની રેસમાં સામેલ હોવાનું મનાઈ રહ્યું હતું. આ રેસમાં નરેન્દ્રસિંહ તોમર, પ્રહ્લાદ પટેલ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનાં નામ ચર્ચાઈ રહ્યાં હતાં.
જોકે, મોહન યાદવના નામની જાહેરાત સાથે જ હવે તમામ અટકળોનો અંત આવી ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
CM પસંદ કરવા માટે બોલાવાયેલી બેઠકમાં શું થયું?
આ પહેલાં ભાજપે રાજ્યના મુખ્ય મંત્રી પસંદ કરવા માટે હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરની આગેવાનીમાં ત્રણ પર્યવેક્ષકોને ભોપાલ મોકલ્યા હતા.
પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે પર્યવેક્ષકોએ આજે ભોપાલમાં બેઠક યોજી હતી. યાદવે બેઠક દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ 'ઍક્સ' પર નવા ધારાસભ્યોનો ગ્રૂપ ફોટો પણ શૅર કર્યો હતો.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણાની ચૂંટણીનાં પરિણામો 3 ડિસેમ્બરે આવ્યાં હતાં. ભાજપે તેલંગણા સિવાયનાં તમામ રાજ્યોમાં બહુમત હાંસલ કર્યો હતો.
નોંધનીય છે કે આ પહેલાં છત્તીસગઢમાં રવિવારે વિષ્ણુદેવ સાયને ભાજપે ધારાસભ્યોના દળના નેતા તરીકે પસંદ કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
તો આ દરમિયાન રાજસ્થાનનમાં નવા મુખ્ય મંત્રીની પસંદગી માટે મંગળવારે ધારાસભ્યોની બેઠક બોલાવાઈ છે.