શિવરાજસિંહ ચૌહાણ : મધ્ય પ્રદેશમાં ભાજપનો CMનો ચહેરો ન હોવા છતાં છવાઈ જનાર 'મામા'

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં રવિવારે આવેલાં ચાર રાજ્યના ચૂંટણીપરિણામ ભાજપ માટે ઉત્સાહવર્ધક રહ્યાં છે. છત્તીસગઢ-રાજસ્થાનમાં કૉંગ્રેસને હરાવીને પાર્ટી સત્તા પર આવી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં ગત વખત કરતાં વધુ મજબૂત જનાદેશ સાથે સરકાર બનાવશે.

તેલંગણામાં સત્તા સુધી પહોંચવાની શક્યતા ન હોવાથી અને રાજસ્થાન તથા છત્તીસગઢમાં સંભવિત જૂથબંધીને ટાળવા માટે પાર્ટી મુખ્ય મંત્રીપદના ઉમેદવારના નામની જાહેરાત વગર માત્ર મોદી કે પાર્ટીના નામ સાથે ચૂંટણીજંગમાં ઉતરે તે સમજી શકાય એવું છે.

રાજકારણમાં એવું જ્વલ્લે જ બનતું હોય છે કે કોઈ પાર્ટી વર્તમાન મુખ્ય મંત્રીને પક્ષના ચહેરા તરીકે રજૂ કર્યા વગર ચૂંટણીજંગમાં ઊતરે અને મધ્ય પ્રદેશમાં ભાજપે એવું જ કર્યું.

18 વર્ષમાં ચાર વખત ભાજપના મુખ્ય મંત્રી બનવા છતાં શિવરાજસિંહ ચૌહાણને મુખ્ય મંત્રીપદના ચહેરા તરીકે પ્રૉજેક્ટ કરવામાં નહોતા આવ્યા. રાજ્યમાં તેઓ 'મામા' તરીકે ઓળખાય છે. મહિલાઓ કેન્દ્રિત યોજનાઓને કારણે તેમને આ હુલામણું નામ મળ્યું છે. મધ્ય પ્રદેશમાં પાર્ટીને મજબૂત કરવામાં તેમણે મોટી ભૂમિકા ભજવી છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા, નરોત્તમ મિશ્રા અને કૈલાશ વિજયવર્ગીયને કારણે અગાઉ જ તેમના નેતૃત્વ સામે આંતરિક પડકાર ઊભા હતા. વધુમાં આ વખતે તેમની જ હરોળના કેન્દ્રીય પ્રધાનોને ટિકિટ આપીને કેન્દ્રીય મોવડી મંડળે તેના મનમાં શું ચાલી રહ્યું છે, તેના કદાચ અણસાર આપી દીધા છે. હવે પાર્ટી સતત પાંચમી વખત મધ્ય પ્રદેશમાં સરકાર રચવા જઈ રહી છે.

શિવરાજનો શરૂઆતી સંઘર્ષ

શિવરાજસિંહ તરૂણાવસ્થામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈ ગયા હતા અને ક્રમશઃ પ્રગતિ કરીને મુખ્ય મંત્રીના પદ સુધી પહોંચ્યા હતા.

ભાજપની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી વિગતો પ્રમાણે, શિવરાજસિંહનો અવિભાજિત મધ્ય પ્રદેશમાં (છત્તીસગઢ સાથે) તા. પાંચમી માર્ચ 1959ના રોજ પ્રેમસિંહ તથા સુંદરબાઈના ઘરે જન્મ થયો હતો. 13 વર્ષની ઉંમરે તેઓ આરએસએસ સાથે જોડાઈ ગયા હતા.

વર્ષ 1975માં વિદ્યાર્થીકાળમાં તેઓ શાળાના વિદ્યાર્થીસંઘના વડા બન્યા. એ જ વર્ષે તેઓ સંઘની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સહમંત્રી બન્યા.

જૂન-1975માં દેશમાં કટોકટી લાદવામાં આવી. વિદ્યાર્થીનેતા તરીકે તેમણે ભૂગર્ભમાં રહીને ઇમર્જન્સીનો વિરોધ કર્યો. જોકે, તેઓ ઝડપાઈ ગયા અને વર્ષ 1976- '77 દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો.

1977માં જેલમાંથી છૂટ્યા બાદ તેઓ એબીવીપીના સંગઠન મંત્રી બન્યા. શિવરાજસિંહે બરકતઉલ્લાહ યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્રમાં ગોલ્ડમેડલ સાથે એમ.એ. પૂરું કર્યું.

વર્ષ 1980માં એબીવીપીની મધ્ય પ્રદેશ પાંખના સૅક્રેટરી બન્યા. બે વર્ષ પછી ચૌહાણ એબીવીપીની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પણ બન્યા.

વર્ષ 1984માં શિવરાજસિંહ સંગઠનમાં એક પગથિયું ઉપર ચઢ્યા અને ભાજપની યુવા પાંખમાં તેમનો પ્રવેશ થયો. તેઓ મધ્ય પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના સંયુક્ત સચિવ બન્યા. આ પછી તેઓ ભારતીય જનતા યુવા મોરચાના મહાસચિવ (વર્ષ 1985) બન્યા. તેઓ મધ્ય પ્રદેશમાં ભાજપની યુવા પાંખના અધ્યક્ષ (વર્ષ 1988) પદ સુધી પહોંચ્યા.

રાજકારણમાં શિવરાજ

વર્ષ 1990માં 31 વર્ષની ઉંમરે શિવરાજસિંહ મધ્ય પ્રદેશની બુધની બેઠક પરથી પહેલી વખત ચૂંટાઈ આવ્યા આ દરમિયાન તેમણે મતક્ષેત્રની પદયાત્રા કરી હતી. અને વર્ષ 2023માં પણ એક લાખ કરતાં વધુ મતની રેકર્ડ સરસાઈ સાથે વિજયી થયા છે.

આ બેઠક પર શિવરાજસિંહને પ્રચાર કરવાની જરૂર જ નથી પડતી અને સ્થાનિક નેતાઓ જ આ જવાબદારી સંભાળી લે છે. શિવરાજની નજીકના લોકોનું કહેવું છે કે બેઠકના 90 ટકા લોકોને તેઓ નામજોગ ઓળખતા હશે.

વર્ષ 1991ની લોકસભા ચૂંટણી સમયે અટલ બિહારી વાજપેયીએ ઉત્તર પ્રદેશની લખનૌ અને મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી ચૂંટણી લડી હતી.તેઓ બંને બેઠક પરથી ચૂંટાઈ આવ્યા. નિયમ પ્રમાણે એક બેઠક ખાલી કરવાની હોવાથી વાજપેયીએ વિદિશા બેઠક છોડી.

પેટાચૂંટણીમાં શિવરાજસિંહનું નસીબ ચમક્યું. તેમણે ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું અને ચૂંટાઈ આવ્યા. વર્ષ 1992માં તેમણે સાધનાસિંહ સાથે લગ્ન કર્યું અને તેઓ બે દીકરાનાં માતા-પિતા છે.

એ પછી 1996, 1998 તથા 1999 એમ કુલ ચાર વખત આ બેઠક પરથી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. આ દરમિયાન તેમણે કેન્દ્રની અનેક સમિતિઓના સભ્ય કે અધ્યક્ષપદે રહ્યા.

આ દરમિયાન તેમણે અખિલ ભારતીય કેસરિયા વાહિનીના સંયોજક (1991), મધ્ય પ્રદેશ ભાજપના મહાસચિવ (1992, 1997) જેવી સંગઠનની ભૂમિકાઓ પણ ભજવી. વર્ષ 2000માં તેઓ ભાજપની યુવા પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા.

વર્ષ 2005માં તેઓ મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ બન્યા અને રાજકીય અસ્થિરતાની વચ્ચે તેમણે રાજ્યના શાસનની ધૂરા સંભાળવી પડી.

વર્ષ 2003માં મધ્ય પ્રદેશમાં ભાજપને પ્રથમ વખત સત્તા મળી. પાર્ટીએ 'ફાયરબ્રાન્ડ' નેતા ઉમા ભારતીને મુખ્ય મંત્રી બનાવ્યાં. તેઓ રાજ્યના અન્ય પછાત જ્ઞાતિના પ્રથમ મુખ્ય મંત્રી હતા. આ પહેલા કૉંગ્રેસ જ સત્તા ઉપર હતી અને સવર્ણ મુખ્ય મંત્રીઓનો દબદબો હતો.

ઉમા ભારતી માંડ એકાદ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા, એ પછી તેમના વિશ્વાસુ બાબુલાલ ગૌરને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા. જેઓ લગભગ 15 મહિના સુધી સત્તા ઉપર રહ્યા.

લગભગ બે વર્ષમાં બે મુખ્ય મંત્રી બદલાવ્યા બાદ 29 નવેમ્બર 2005ના ભાજપે તેમને શાસનની ધૂરા સોંપી અને આગામી 18 વર્ષ સુધી રાજ્યના રાજકારણમાં તેઓ પોતાનો દબદબો પ્રસ્થાપિત કરવાના હતા.

એમપીમાં મામાની મોહિની

મુખ્ય મંત્રી તરીકેના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમણે એપ્રિલ-2007માં 'લાડલી લક્ષ્મી યોજના' લૉન્ચ કરી. જે મુજબ બાળકી શાળામાં પ્રવેશ મેળવે અને જેમ-જેમ ભણતી જાય તેમ-તેમ તેના નામે પૈસા ઉમેરાતા જાય અને 18 વર્ષની ઉંમર પહેલાં લગ્ન ન કરે તો તેને 21 વર્ષની ઉંમરે રૂ. એક લાખ સુધીની રકમ મળે તેવી જોગવાઈ કરવામાં આવી.

આ યોજના ખૂબ જ લોકપ્રિય બની અને ચૌહાણને 'મામા'નું ઉપનામ અપાવ્યું. આ યોજના આજે પણ ચાલુ છે.

ચૂંટણી પહેલાં 'લાડલી બહના' યોજના જાહેર કરવામાં આવી. માર્ચ-2023માં તેની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેને સંપૂર્ણપણે અમલમાં લાવતા ત્રણેક મહિનાનો સમય નીકળી ગયો હતો.

યોજના હેઠળ રાજ્યની 23થી 60 વર્ષની એક કરોડ 25 લાખ મહિલાઓને તેમના ખાતામાં માસિક રૂ. એક હજાર આપવાની યોજના છે.

કેટલાક રાજકીય નિષ્ણાતોના મતે વર્તમાન ચૂંટણી દરમિયાન આ યોજના ભાજપને માટે ગૅમચેન્જર બની રહી છે. જંગી લીડમાં આ યોજનાની ભૂમિકા હોવાનું પણ જણાવાય છે.

ગ્વાલિયરસ્થિત પત્રકાર દેવ શ્રીમાલીના કહેવા પ્રમાણે, 'શિવરાજસિંહ ચૌહાણની છાપ ઉદારમતવાદી નેતાની છે. બીજી બાજુ, ભાજપના ટોચના નેતા જે વિચારધારાને આગળ કરી રહ્યા હતા તેની અસર મધ્ય પ્રદેશમાં પણ જોવા મળી હતી.'

કોમી આધાર ઉપર વિવાદાસ્પદ નિવેદન આપનારા મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા પોતે એક સમયે ઇફતાર પાર્ટી યોજતા અને ટોપી પહેરીને તેમાં સામેલ પણ થતા, જોકે છેલ્લા ત્રણેક વર્ષથી આ ક્રમ બંધ થઈ ગયો હતો.

શિવરાજના સંકટની શરૂઆત

વર્ષ 2008 અને 2013માં શિવરાજસિંહે મધ્ય પ્રદેશમાં ભાજપને ચૂંટણી વૈતરણિ પાર કરાવી. જોકે, પ્રવેશપરીક્ષામાં ગેરરીતિ માટે પંકાયેલું 'વ્યાપમ' અને વાહન ખરીદીમાં કૌભાંડ જેવા આરોપ પણ તેમની સરકાર ઉપર લાગ્યા.

વર્ષ 2013ની ચૂંટણી દરમિયાન ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના 'વડા પ્રધાનપદના ઉમેદવાર' તરીકે રાજ્યમાં ઠેર-ઠેર સભાઓ કરી અને પાર્ટીનો વિજય થયો.

જોકે, ડિસેમ્બર-2018થી શિવરાજના સંકટની શરૂઆત થઈ. 230 ધારાસભ્યો વાળા ગૃહમાં પાર્ટી 116નો આંકડો પાર નહોતી કરી શકી અને 109 ધારાસભ્યો સાથે બહુમતથી હાથવેંતનું છેટું રહી ગયું હતું. એટલું જ નહીં પાર્ટીના મતોની ટકાવારી પણ ઘટી હતી.

કૉંગ્રેસે ગ્વાલિયર તથા આસપાસના વિસ્તારમાં સારું પ્રદર્શન કર્યું હતું, એટલે એવું માનવામાં આવતું હતું કે અહીંના પૂર્વના રાજવી પરિવારના સભ્ય અને રાહુલ ગાંધીની નજીક મનાતા જ્યોતિરાદિત્યને મુખ્ય મંત્રી બનાવવામાં આવશે. આમ છતાં કૉંગ્રેસના નેતા કમલનાથ રાજ્યના મુખ્ય મંત્રી બન્યા.

માર્ચ-2020માં દેશમાં કોરોનાના આગમનના અણસારની વચ્ચે સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા અને તેમને કેન્દ્રમાં ઉડ્ડયનમંત્રી બનાવવામાં આવ્યા. એક તબક્કે તેમના પિતા માધવરાવ આ વિભાગ સંભાળતા.

એક પછી એક સિંધિયા સમર્થક ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને કૉંગ્રેસની સરકાર લઘુમતીમાં આવી ગઈ. શિવરાજસિંહના નેતૃત્ત્વમાં ભાજપે સત્તા સંભાળી લીધી. ચૌહાણ-સિંધિયાના પ્રયાસોથી પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો અને વિધાનસભાના નિર્ધારિત કાર્યકાળ માટે પાર્ટીની સત્તા ઉપર તોળાતું જોખમ દૂર થયું.

પક્ષ તથા સરકારમાં સિંધિયા અને તેમના સમર્થકોનો દબદબો વધ્યો હતો અને તેમને સારા અને મહત્ત્વપૂર્ણ પદ આપવામાં આવ્યા હતા.

પદ એક, ચહેરા અનેક

મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ અને નરેન્દ્ર તોમરને વ્યૂહરચના બનાવવાની જવાબદારી સોંપી હતી. પાર્ટીએ મુખ્ય મંત્રીપદના ઉમેદવારના નામની જાહેરાત નહોતી કરી.

શિવરાજસિંહ માટે તેને નિર્ગમનના સિગ્નલ સમાન માનવામાં આવતું હતું, આમ છતાં તેમણે ચૂંટણીપ્રચાર દરમિયાન તનતોડ મહેનત કરી અને તેમને સારો જનપ્રતિસાદ પણ મળ્યો.

આવા જ એક પ્રચારકાર્યક્રમ દરમિયાન જ્યારે બીબીસી હિંદીના સંવાદદાતા સલમાન રાવીએ તેમને મુખ્ય મંત્રીપદ વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું, 'અમે વૈભવશાળી, ગૌરવશાળી, સમૃદ્ધ અને સંપન્ન ભારત બનાવવાના મિશન ઉપર છીએ. આ મિશનના અમે નાનકડા અંગમાત્ર છીએ.'

'આ મિશનના અંગરૂપ અમે શું કામ કરીશું એ અમારો પક્ષ અને વિચારધારા નક્કી કરે છે. કોણ ક્યાં જશે એ વાતની અમે લગીરેય ચિંતા નથી કરતા. અમે માત્ર એક જ વાત વિચારીએ છીએ કે અમને સોંપવામાં આવેલું કામ કેવી રીતે સુપેરે પાર પાડીએ.'

એવું પણ કહેવાતું હતું શિવરાજ સરકારમાં 'નંબર-ટુ' મનાતા નરોત્તમ મિશ્રાને પણ મુખ્ય મંત્રીપદના દાવેદાર માનવામાં આવે છે. જોકે તેઓ ચૂંટણી હારી ગયા છે. તેમને દતિયાથી ભાજપના નરોત્તમ મિશ્ર (જે પ્રદેશના ગૃહમંત્રી હતા)ને કૉંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર ભારતીને ટક્કર આપી હતી અને 7700 મતોથી હરાવી દીધા હતા

ભાજપે સંગઠનમાં રહેલા કૈલાશ વિજયવર્ગીયને ઇંદૌરમાંથી ચૂંટણી લડાવી છે. ઉમેદવારોની યાદીમાં પોતાના નામ અંગે વિજયવર્ગીયે મીડિયા સમક્ષ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જાણકારોના કહેવા પ્રમાણે, તેઓ પોતાના દીકરાને ટિકિટ મળે તે માટે લોબિંગ કરી રહ્યા હતા.

તોમર ઉપરાંત ફગ્ગનસિંહ કુલસ્તે અને પ્રહ્લાદ પટેલ જેવા કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા. આ સિવાય સિંધિયાને પણ દાવેદારમાં માનવામાં આવે છે.

ફગ્ગનસિંહ કુલસ્તે કેન્દ્રીય મંત્રી છે અને તેઓ નિવાસ બેઠકથી કૉંગ્રેસના ચેનસિંહ વરકડેથી 9,700 મતોના અંતરથી હારી ગયા છે.

ભાજપના જે કોઈ નેતા મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી બને, પણ તેમના જીતની જેટલી ચર્ચા હશે તેના કરતાં કદાચ વધારે પદ નહીં પામી શકવાની શિવરાજસિંહ ચૌહાણની હારની ચર્ચા વધારે થશે.