મધ્ય પ્રદેશ ચૂંટણી: લાડલી બહેન યોજના અને શિવરાજસિંહની લોકપ્રિયતાએ કેવી રીતે બગાડ્યો કૉંગ્રેસનો ખેલ?

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં દેખાઈ રહેલાં વલણોમાં ભાજપને જંગી બહુમતી મળતી દેખાઈ રહી છે, જ્યારે કૉંગ્રેસને ઘણું નુકસાન વેઠવું પડ્યું હોય એવી સ્થિતિ ઊભી થતી દેખાઈ રહી છે.

વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી હતી. વર્ષ 2018ની ચૂંટણીમાં રાજ્યમાં કૉંગ્રેસે 114 બેઠકો પર જીત મેળવી હતી જ્સારે ભાજપને 109 બેઠક મળી હતી.

પહેલાં કૉંગ્રેસે સરકાર તો બનાવી લીધી પરંતુ આ સરકાર 20 મહિના સુધી જ ટકી શકી.

આ વખત વિધાનસભા ચૂંટણીમાં રાજકીય વિશ્લેષકો એવું માની રહ્યા હતા કે કૉંગ્રેસ ભાજપને ભારે ટક્કર આપશે અને બની શકે છે કે ભાજપ પાછળ રહી જાય, પરંતુ એવું ન થયું.

રાજ્યની 230 બેઠકોમાં ભાજપ 150 કરતાં વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યો છે જ્યારે કૉંગ્રેસ 70 પર સમેટાતી જોવા મળી રહી છે.

ઍક્ઝિટ પોલમાં પણ કૉંગ્રેસ-ભાજપમાં ભારે ટક્કરનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું હતું પરંતુ વલણ એકદમ ઊલટ છે.

તો આખરે ભાજપે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ પર આવી મજબૂત સરસાઈ મેળવી એ પાછળ કયાં કારણ જવાબદાર છે, સમજીએ આ પાંચ ફૅક્ટરની મદદથી.

શિવરાજસિંહ ચૌહાણની લોકપ્રિયતા

મધ્ય પ્રદેશમાં મામાના નામથી ચર્ચિત રાજ્યના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ એક લોકપ્રિય નેતા છે. ભાજપે તેમને મુખ્ય મંત્રીના ચહેરા તરીકે જાહેર નહોતા કર્યા પરંતુ સમગ્ર ચૂંટણીપ્રચારની જવાબદારી તેમણે પોતાના પર લઈ લીધી હતી.

શિવરાજસિંહ ચૌહાણની છબિ એક ઉદાર નેતા તરીકેની રહી છે. સાથે જ જનતા સાથે જોડાવાની તેમની કળા એ તેમને રાજ્યમાં ખાસ ઓળખ અપાવી છે.

ભાજપને જીત અપાવવામાં આદિવાસી અને પછાત વર્ગના મતોની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. શિવરાજસિંહ ચૌહાણ પોતે કિરાર જાતિના છે, જે મધ્ય પ્રદેશમાં ઓબીસી શ્રેણીમાં આવે છે.

ભાજપે પ્રથમ વખત એક પછાત વર્ગની વ્યક્તિને પ્રદેશના મુખ્ય મંત્રી બનાવ્યાં હતાં અને એ હતાં ઉમા ભારતી.

આઠ ડિસેમ્બર, 2003 પહેલાં મધ્ય પ્રદેશના તમામ મુખ્ય મંત્રી સવર્ણ જ રહ્યા હતા.

સ્પષ્ટ છે કે ભાજપને આ વાતનો લાભે પણ થયો. મધ્ય પ્રદેશ કૉંગ્રેસમાં આજેય કે એ અગાઉ પણ કોઈ મોટો ઓબીસી ચહેરો સામે નથી આવી શક્યો.

2008માં પૉલિટિકલ સાયન્ટિસ્ટ તારિક થાચિલ અને રોનાલ્ડ હેરિંગનું એક રિસર્ચ પેપર આવ્યું હતું. જેમાં મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારોમાં આરએસએસની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી હતી.

તેમાં કહેવાયું હતું કે આદિવાસી વિસ્તારોમાં સપાટીએ આરએસએસે પોતાના પગ જમાવ્યા છે.

તારિક અને રોનાલ્ડના રિસર્ચ રિપોર્ટ અનુસાર આનાથી ન માત્ર આરએસએસની લોકપ્રિયતામાં વધારો થયો પરંતુ હિંદુ ઓળખનેય પ્રોત્સાહન મળ્યું. પાછલી ત્રણ ચૂંટણીથી ભાજપ આદિવાસી વિસ્તારોમાં મોટો વિજય હાંસલ કરતો આવ્યો છે.

શિવરાજસિંહ ચૌહાણે રાજકીય જીવનની શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી કરી હતી.

1988માં ભારતીય જનતા યુવા મોરચાના તેઓ અધ્યક્ષ બન્યા. 1990માં પ્રથમ વખત ભાજપે ચૌહાણને બુધનીથી વિધાનસભાની ચૂંટણીમાં ઉતાર્યા.

ચૌહાણે સમગ્ર વિસ્તારમાં પદયાત્રા કરેલી અને પોતાની પ્રથમ જ ચૂંટણીમાં જીત મેળવવામાં સફળ રહેલા. ત્યારે ચૌહાણની ઉંમર માત્ર 31 વર્ષ હતી.

1991માં દસમી લોકસભાની સામાન્ય ચૂંટણી થઈ. અટલ બિહારી વાજપેયી આ ચૂંટણીમાં બે બેઠકો પરથી ઊભા હતા. એક બેઠક હતી ઉત્તરપ્રદેશની લખનૌ બેઠક અને બીજી મધ્ય પ્રદેશની વિદિશા બેઠક.

વાજપેયીને આ બંને જગ્યાએથી જીત હાંસલ થઈ. જોકે, તેઓ લખનૌના સાંસદ તરીકે ચાલુ રહ્યા અને વિદિશાની સીટ ખાલી પડી. સુંદરલાલ પટવાએ વિદિશાની પેટાચૂંટણીમાં શિવરાજસિંહ ચૌહાણને પાર્ટીના ઉમેદવાર બનાવ્યા અને તેઓ પ્રથમ વખતમાં જ ચૂંટણી જીતીને લોકસભા પહોંચી ગયા.

લાડલી બહેન યોજના

શિવરાજસિંહ ચૌહાણની સરકાર ઘણી લોકપ્રિય યોજનાઓ માટે જાણીતી છે. આ સરકાર છોકરીઓના જન્મ પર એક લાખ રૂપિયાનો ચેક આપે છે, જે છોકરી 18 વર્ષની થાય ત્યારે મળે છે.

ગરીબના ઘરે મૃત્યુના કિસ્સામાં અંત્યેષ્ટિ સહાય સ્વરૂપે પાંચ હજાર રૂપિયા અપાય છે. સરકાર સમૂહ લગ્નો કરાવે છે અને ખર્ચ પણ જાતે ઉપાડે છે.

આદિવાસી અને દલિતોમાં સરકારની આ યોજના ખૂબ લોકપ્રિય થઈ છે.

આ સિવાય શિવરાજ સરકારની લાડલી બહેન યોજના ખૂબ ચર્ચિત છે. આ યોજનાને ભાજપની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર કારણ ગણાવાઈ રહી છે.

આ યોજના અતંર્ગત મધ્યપ્રદેશમાં 23થી માંડીને 60 વર્ષી સુધીની ઉંમરની એક કરોડ 23 લાખ મહિલાઓનાં ખાતાં ખોલાયાં, જેમાં પ્રતિ માસ એક હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવાની પ્રકિયા ચાલી રહી છે.

આમ તો યોજના શરૂ કરવાની જાહેરાત માર્ચ મહિનામાં જ કરી દેવાઈ હતી. પરંતુ તેના સંપૂર્ણ અમલ માટે ત્રણ માસનો સમય લાગી ગયો.

આ દરમિયાન પ્રદેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને આ વિશે જણાવાયું હતું અ પછી તેમનાં ખાતાં ખોલવા અને યોજના માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાઈ.

સિંધિયાની ભૂમિકા

વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં ગ્વાલિયર-ચંબલ સંભાગની કુલ 34 બેઠકોમાંથી કૉંગ્રેસને 26 બેઠકો પર જીત મળી હતી.

પરંતુ 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કમલનાથની સરકાર પાડી દીધી હતી અને 22 ધારાસભ્યોએ કૉંગ્રેસ અને ધારાસભ્યપદેથી રાજીનામાં આપી દીધાં.

એ બાદ આ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ, જેમાં 22માંથી 16 લોકો ભાજપની ટિકિટ પર બેઠક જીતવામાં સફળ રહ્યા.

આ વખત ભાજપે સિંધિયાના આ તમામ 16 વફાદારને ટિકિટ આપી હતી. સિંધિયા 22 પૈકી એ લોકોને પણ ભાજપની ટિકિટ અપાવવામાં સફળ રહ્યા હતા, જેમણે પેટાચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ વખત પણ આ વિસ્તારમાં ભાજપને સરસાઈ મળતી દેખાઈ રહી છે.

કૉંગ્રેસમાં સવર્ણ નેતાઓનો દબદબો

જંગમાં વિરોધ પક્ષની નબળાઈ પણ જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપતું પરિબળ બને છે. કૉંગ્રેસે આ વખતેય ચૂંટણીની જવાબદારી કમલનાથને આપી હતી.

આ પહેલાં પણ જ્યારે રાજ્યમાં કૉંગ્રેસની સરકાર આવી છે ત્યારે સત્તાની ધુરા સવર્ણ નેતાઓના હાથમાં જ રહી છે. અર્જુનસિંહ, દિગ્વિજયસિંહ અને કમલનાથ ત્રણેય પછાત જાતિમાંથી નહોતા.

પછાત જાતિના પ્રથમ મુખ્ય મંત્રી બનાવવાનું શ્રેય ભાજપને મળ્યું.

વર્ષ 1993માં કૉંગ્રેસને સુભાષ યાદવને મુખ્ય મંત્રી બનાવવાની તક મળી હતી, જેઓ ઓબીસી સમુદાયના હતા, પરંતુ તેમના સ્થાને કૉંગ્રેસે એ સમયે દિગ્વિજયસિંહ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ 42 વર્ષ સુધી સત્તામાં રહી. આ 42 વર્ષમાં 20 વર્ષ બ્રાહ્મણ, 18 વર્ષ ઠાકુર અને ત્રણ વર્ષ વાણિયા (પ્રકાશચંદ્ર સેઠી) મુખ્ય મંત્રી રહ્યા. એટલે કે 42 વર્ષ સુધી કૉંગ્રેસરાજમાં સત્તાની ટોચે સવર્ણ રહ્યા.

એક અનુમાન પ્રમાણે મધ્ય પ્રદેશમાં સવર્ણોની વસતિ માત્ર દસ ટકા છે જ્યારે અન્ય દલિત, આદિવાસી અને ઓબીસી છે.

કમલનાથ અને દિગ્વિજયસિંહના અલગ-અલગ ધ્રુવ

તાજેતરનાં વર્ષોમાં મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ પાર્ટીમાં ઘણા ધ્રુવો જોવા મળે છે. અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયા, કમલનાથ અને દિગ્વિજયસિંહનું જૂથ હતું.

સિંધિયાની કૉંગ્રેસમાંથી બાદબાકી બાદ કમલનાથ અને દિગ્વિજયસિંહનાં જૂથ બની ગયાં. ટિકિટ ફાળવણી દરમિયાન બંને નેતાઓ વચ્ચે મતભેદના સમાચાર સામે આવ્યા.

સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાઇરલ થયો જેમાં મધ્ય પ્રદેશના રાજ્ય પ્રમુખ કમલનાથ પાર્ટી કાર્યકર્તાઓને કહેતા દેખાઈ રહ્યા છે કે ‘દિગ્વિજયસિંહ અને તેમના દીકરા જયવર્ધનસિંહનાં કપડાં ફાડી નાખો.’

જયવર્ધનસિંહ પણ કૉંગ્રેસની ટિકિટ પર પોતાની પરંપરાગત બેઠક રાઘોગઢથી ઉમેદવાર છે.

કમલનાથે આ વીડિયોમાં ઘણી ટિકિટોના વહેંચણીમાં દિગ્વિજયસિંહની ભૂમિકા હોવાની વાત કહેલી. એવું મનાઈ રહ્યું છે કે ટિકિટની ફાળવણી માટે બે ધ્રુવોનું નુકસાન કૉંગ્રેસને ભોગવવું પડ્યું છે.