You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રેવંત રેડ્ડી : પાર્ટીમાંથી હાંકી કઢાયા, પોલીસે પકડીને જેલ મોકલ્યા, હવે બનશે મુખ્ય મંત્રી
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ કૉંગ્રેસ માટે સારા-માઠા સમાચાર લઈને આવ્યા. એક તરફ પાર્ટીએ રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા ગુમાવી છેતો બીજી તરફ દક્ષિણના રાજ્ય તેલંગણામાં પ્રથમ વખત પાર્ટી શાસનની ધૂરા સંભાળશે.
પાર્ટીએ રેવંત રેડ્ડીને તેલંગણાના મુખ્ય મંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે અને દલિત નેતાને નાયબમુખ્ય મંત્રીનું પદ સોંપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.
આ વિજયનો શ્રેય રેડ્ડીને આપવામાં આવે છે, જેઓ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષપદે હતા. ચૂંટણીપરિણામો પહેલાં પ્રચારઅભિયાન દરમિયાન મીડિયામાં તથા પાર્ટીના વર્તુળોમાં તેમને મુખ્ય મંત્રીપદના દાવેદાર તરીકે જોવામાં આવતા હતા.
જોકે, રેવંતે ક્યારેય સાર્વજનિક રીતે મુખ્ય મંત્રીપદ માટે પોતાનો દાવો રજૂ નહોતો કર્યો અને પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકની જેમ હાઈકમાન્ડ નક્કી કરે તેનું પાલન કરવાની વાત કહી હતી.
રેવંતે તેમની સાર્વજનિક જીવનની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખથી કરી હતી અને કૉંગ્રેસમાં જોડાતા પહેલાં તેઓ તેલુગુ દેશમ્ પાર્ટીના સભ્ય હતા અને વિધાનગૃહમાં તેના નેતા પણ હતા.
રેવંતના કૅમ્પે પાર્ટીની અંદર અને બહાર તેમના પત્તાં સમજી વિચારીને ઉતર્યા હતા. આ સિવાયના કેટલાંક પરિબળોએ કૉંગ્રેસને જીત અપાવવામાં મદદ કરી હતી.
હારીને જીતનાર બાજીગર
વ્યક્તિગત રીતે તેલંગણાના ચૂંટણીપરિણામ રેવંત રેડ્ડી માટે મિશ્ર રહ્યા હતા. તેઓ એક બેઠક પરથી હારી ગયા, જ્યારે બીજી બેઠક પરથી વિજયી થયા હતા.
રેવંતે તેલંગણાના મુખ્ય મંત્રી તથા બીઆરએસના સર્વોચ્ચ નેતા કેસીઆર સામે કમ્મારેડ્ડી બેઠક પરથી ઉમેદવારી કરી હતી. જોકે, ભાજપના કે. વેંકટ રમન્ના રેડ્ડીએ કે. ચંદ્રશેખર રાવ તથા રેવંત રેડ્ડીને પરાજય આપીને જાયન્ટ કિલર તરીકે પ્રસ્થાપિત થયા હતા. રાવનો છ હજાર 741 મતે પરાજય થયો હતો, જ્યારે રેવંત રેડ્ડી ત્રીજાક્રમે રહ્યા હતા. તેમને વિજયી ઉમેદવાર કરતાં 11 હજાર 736 મત ઓછા મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી બાજુ કોડાનાંગલ બેઠક ઉપર તેમણે બીઆરએસના ઉમેદવાર પી. નરેન્દર રેડ્ડીને 32 હજાર 532 મતથી પરાજય આપ્યો હતો.
રેવંત રેડ્ડીનું આખું નામ અનુમુલા રેવંત રેડ્ડી છે અને તેમનો જન્મ અવિભાજિત આંધ્ર પ્રદેશના મહેબૂબનગર જિલ્લામાં વર્ષ 1969માં થયો હતો. તેમણે વિદ્યાર્થીજીવનથી જ રાજકારણમાં ઝંપલાવી દીધું હતું.
ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન કરનારા રેડ્ડી વિદ્યાર્થીકાળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા હતા.
વર્ષ 1992માં તેમણે આંધ્ર કૉંગ્રેસના દિગ્ગજ નેતા જયપાલ રેડ્ડીનાં ભત્રીજી ગીતા સાથે લગ્ન કર્યું. વર્ષ 2004માં તેઓ તેલુગુ દેશમ્ પાર્ટીમાં જોડાઈ ગયા. વર્ષ 2006માં પાર્ટીએ તાલુકાસ્તરની ટિકિટ ન આપતા રેવંતે અપક્ષ ઝંપલાવ્યું અને સનસનાટી મચાવી દીધી.
વર્ષ 2008માં તેમણે અપક્ષ આંધ્ર પ્રદેશની વિધાનપરિષદ માટે ઉમેદવારી કરી અને ચૂંટાઈ આવ્યા.
વર્ષ 2009માં ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુના દીકરા નારા લોકેશ તેમને ફરી પાર્ટીમાં લઈ આવ્યા. એજ વર્ષે તેઓ આંધ્ર પ્રદેશની કોડાનાંગલ બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા.
વર્ષ 2014માં આંધ્ર પ્રદેશનું વિભાજન થયું તથા અલગ રાજ્ય તરીકે તેલંગણા અસ્તિત્ત્વમાં આવ્યું ત્યારે વિધાનગૃહમાં તેમને પાર્ટીના નેતા બનાવવામાં આવ્યા હતા.
વર્ષ 2015માં તેમના ઉપર ધારાસભ્યનું હૉર્સ ટ્રૅડિંગ કરવાના આરોપ લાગ્યા હતા અને તેમનો એક વીડિયો વાઇરલ થયો હતો.
તેમની વિરૂદ્ધ ઍન્ટી-કરપ્શન બ્યૂરો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે તેમને શરતી જામીન ઉપર છોડ્યા હતા.
વર્ષ 2017માં તેઓ કૉંગ્રેસમાં જોડાવાના છે એવા સમાચાર વહેતા થતાં તેમને વિધાનસભામાં પાર્ટીના નેતાના પદ પરથી હઠાવી દેવામાં આવ્યા.
હાથનો સાથ
ચૂંટણીપ્રચાર દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા જ્યાં-જ્યાં જતા ત્યાં-ત્યાં રેવંત તેમની સાથે રહેતા હતા.
વર્ષ 2017માં રેવંત રેડ્ડી કૉંગ્રેસમાં જોડાઈ ગયા. પછીના વર્ષે રાજ્યમાં કૉંગ્રેસે ત્રણ કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કરી અને 'ફાયરબ્રાન્ડ' નેતા તરીકેની છાપ ધરાવતા રેવંત પણ તેમાંથી એક હતા.
અગાઉથી જ જૂથબંધીથી ઘેરાયેલી કૉંગ્રેસમાં રેવંતની છાપ 'બહારના નેતા' તરીકેની ઊભી થઈ હતી અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાં કચવાટ ફેલાયો હતો. વિપરીત પરિસ્થિતિની વચ્ચે રેવંતે ખુદને પાર્ટીના નેતા તરીકે પ્રસ્થાપિત કરવાના હતા.
વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી સાથે જ તેલંગણા વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી, પરંતુ કે. ચંદ્રશેખર રાવે (કેસીઆર) વિધાનસભાને ભંગ કરવાની ભલામણ કરી અને વહેલી ચૂંટણી યોજી દીધી. ડિસેમ્બર-2018માં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની સાથે તેલંગણામાં પણ ચૂંટણી યોજાઈ.
ટીઆરએસનો ભવ્ય વિજય થયો અને ખુદ રેવંત પણ પોતાની બેઠક પરથી હારી ગયા. ગણતરીના મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાઈ, જેમાં તેઓ મલકાજગિરિ બેઠક પરથી દસ હજાર 919 મતની સરસાઈથી ચૂંટાઈ આવ્યા.
કૉંગ્રેસ સામે વધુ એક સમસ્યા ઊભી થઈ અને લોકસભાની ચૂંટણી પછી 18માંથી 12 ધારાસભ્ય પાર્ટી છોડી ગયા. રેવંતે બીઆરએસનો હાથ પકડવાના બદલે તેમની ઉપર આક્રમક પ્રહાર ચાલુ રાખ્યા.
ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાં આઠ ધારાસભ્ય રહેવા પામ્યા હતા અને બહુમત માટે 60નો આંકડો જરૂરી હતો, જે પાર્ટી હાંસલ કરવા તરફ અગ્રેસર છે.
માર્ચ-2020માં તેલંગણાના મુખ્ય મંત્રી કેસીઆરના ફાર્મહાઉસનું ડ્રોન મારફત ગેરકાયદેસર શૂટિંગ કરવાના આરોપસર રેવંતની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. રેવંતે 10 કરતાં વધુ દિવસ જેલમાં વિતાવવા પડ્યા.
રેવંતનો આરોપ હતો કે પર્યાવરણના નિયમોનો ભંગ કરીને ફાર્મ-હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના આધારે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે કેસીઆરને નોટિસ પણ કાઢી હતી. એ પછી તેમણે સતત કેસીઆર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું.
વર્ષ 2021માં તેમને તેલંગણા પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા હતા. કાર્યકરોમાં તેઓ 'મશાલચી' તરીકે ઓળખાય છે. વિપક્ષમાં હોવા છતાં તેઓ આગળ રહીને તેમણે કાર્યકરોને નેતૃત્વ આપ્યું છે.
પહેલો સગો પાડોશી
કર્ણાટકમાં પાર્ટીનો વિજય થાય તે માટે તેલંગણા કૉંગ્રેસના કાર્યકરોએ પણ મહેનત કરી અને ભાજપને હરાવવામાં પાર્ટીને સફળતા મળી.
ઑક્ટોબર-2022માં રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' તેલંગણામાંથી પસાર થઈ હતી. જેણે 16 દિવસ દરમિયાન 375 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો. આ યાત્રા 19 વિધાનસભા બેઠકમાંથી પસાર થઈ હતી.
આ બેઠકો ઉપરનું કૉંગ્રેસનું પ્રદર્શન સંપૂર્ણ ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે. કહેવાય છે કે આ દરમિયાન પ્રદેશાધ્યક્ષ તરીકેની રેડ્ડીની કામગીરીથી રાહુલ ગાંધી ખાસ્સા પ્રભાવિત થયા હતા.
ચૂંટણીપ્રચાર દરમિયાન રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી વાડ્રા જ્યાં-જ્યાં જતાં, ત્યાં-ત્યાં રેવંત રેડ્ડી તેમની સાથે જોવા મળતા.
ચૂંટણીની તૈયારીના ભાગરૂપે 180 જેટલા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી, તેમાંથી 54 જેટલા નેતા ટીડીપીની પૃષ્ઠભૂમિ ધરાવતા હતા,એટલે જૂના કૉંગ્રેસીઓને રેવંતના કૅમ્પ ઉપર પ્રહાર કરવાનો મોકો મળ્યો હતો.
આ સિવાય દાયકાઓ સુધી પાર્ટી માટે પરસેવો પાડનાર કૉંગ્રેસના નેતાઓને સોશિયલ મીડિયા ઉપર બદનામ કરવાના આરોપ પણ રેવંત ઉપર લાગ્યા હતા. આ તકે રેવંતકૅમ્પ તેના પત્તાં સાવચેતીપૂર્વક ઉતર્યું તથા અનેક નેતાઓએ જવાબદારીમાંથી રાજીનામાં આપી દીધાં. તેમનું કહેવું હતું કે 'કેસીઆરને હઠાવવા માટે તેઓ કંઈપણ કરવા તૈયાર છે.'
કર્ણાટકમાં ડીકે શિવકુમારને પાર્ટીના વિજયના શિલ્પી માનવામાં આવે છે. તેમની ટીમના સુનિલ કનુગોલુની ટીમને તેલંગણામાં પાર્ટીના વિજયની જવાબદારી સોંપવામાં આવી હતી.
ઍક્ઝિટ પોલ્સ પછી તેલંગણામાં કૉંગ્રેસની મજબૂત સ્થિતિ દેખાતી હતી, ત્યારે શિવકુમાર સહિતના નેતાઓને જ મોકલવામાં આવ્યા હતા, જેથી કરીને પાર્ટીના ધારાસભ્યો તૂટવા ન પામે.
જૂન-2024માં તેલંગણા અને આંધ્ર પ્રદેશનું વિભાજન સંપૂર્ણપણે અમલી બનશે. રેવંત ઉપર આ કામને સુપેરે પાર પાડવાની જવાબદારી રહેશે.
આ સિવાય રાજ્યમાં પ્રથમ વખત બનેલી કૉંગ્રેસની સરકારને સક્ષમ નેતૃત્વ પૂરું પાડવાની તથા પાર્ટીએ જનતાને આપેલા છ વાયદાને અસરકાર રીતે પૂર્ણ કરવાની જવાબદારી પણ તેમના ઉપર રહેશે.