રાજકોટ ગેમ ઝોન : મનપાના ચાર અધિકારીની ધરપકડ, 12 દિવસના રિમાન્ડ મંજૂર

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ બાદ રાજકોટ મહાનગરપાલિકાના ચાર અધિકારીની ફરિયાદ બાદ ધરપકડ કરાઈ છે.

રાજકોટથી બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર બિપિન ટંકારિયાએ જણાવ્યું કે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં રાજકોટ મહાનગરપાલિકાના ચાર અધિકારી ‘જવાબદાર’ હોવાનું જણાયું છે.

આ અધિકારીઓ છે રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ (ટાઉન પ્લાનિંગ ઑફિસર) મનસુખ સાગઠિયા, એટીપીઓ (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઑફિસર) મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તેમજ ફાયર સ્ટેશન ઑફિસર રોહિત વિગોરા.

આ લોકોની સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરાઈ હતી અને તેમને સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સરકારી વકીલ તુષાર ગોકાણી અનુસાર, ચારેય આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 25 મેના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી અને સત્તાવાર રીતે આ દુર્ઘટનામાં 27 લોકોનાં મોત થયાં છે.

મૃતકો એટલી હદે બળી ગયા હતા કે ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવા પડ્યા હતા અને પછી પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા.

'ગેમ ઝોનમાં 2023માં પણ આગ લાગી હતી'

સરકારી વકીલ તુષાર ગોકાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સંબંધિત અધિકારીઓએ અગાઉથી આ મામલે ગંભીર બેદરકારી દાખવી હોવાનું જણાઈ આવે છે.

તેમણે કહ્યું, "આ અધિકારીઓનો રોલ જોવામાં આવે તો ટીપીઓ દ્વારા 2023માં ગેમ ઝોનનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું જાણવા છતાં અને તે બાંધકામ પાડી દેવાનું જણાવવા છતાં તે બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જે બાબતે તેમની વિશેષ પૂછપરછ કરવાની જરૂર છે."

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ જ ગેમ ઝોનમાં લાગેલી અગાઉની કથિત આગનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું, "આ આગની ઘટના વેલ્ડિંગને કારણે બની એવી જ ઘટના આ શેડમાં 04-9-2023માં બની હતી અને અહીં આગ લાગી હતી અને ફાયરની ટીમે આગ ઓલવી હતી. તેમ છતાં ફાયર ઑફિસર દ્વારા 2023માં વેલ્ડિંગને કારણે આગ લાગી હોવા છતાં ફાયર એનઓસી માટે આજ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી."

મીડિયા રિપોર્ટ અનુસાર રાજકોટ પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઑફિર વિભાગે એપ્રિલ 2023માં ગેમ ઝોનને કારણ બતાઓ નોટિસ ફટકારી હતી, તેને ગેરકાયદે ગણાવ્યાં છતાં તેની પર કોઈ કાર્યવાહી કરી નહોતી.

રાજકોટના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે ગુરુવારે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, "જે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે તેમને પૉશ વિસ્તાર ગણાતા નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનના માલિકો દ્વારા 50 મીટર પહોળો, 60 મીટર લાંબો અને ત્રણ માળનો શેડ ઊભો કરીને શરૂ કરાયાની માહિતી હતી પરંતુ તેમણે તેની સામે પગલાં લીધાં ન હતાં."

ગોહિલે કહ્યું કે, "ગત જૂનમાં વિભાગે ટીઆરપી ઝોનને ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની નોટિસ આપી હતી. જોકે, બે નોટિસ ફટકાર્યાના એક વર્ષ પછી અધિકારીઓની ગેમિંગ ઝોન સામે પગલાં ન લેવાં બદલ ધરપકડ કરવામાં આવી છે."

ઉલ્લેખનીય છે કે ગેમ ઝોનમાં લાગેલી આગનું મુખ્ય કારણ ત્યાં થતી વેલ્ડિંગની કામગીરી પણ માનવામાં આવે છે.

રાજકોટ ગેમ ઝોનમાં થયેલી કાર્યવાહી

આ કેસમાં અત્યાર સુધીમાં કુલ સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમાં બે પોલીસ અધિકારીઓ અને રાજકોટ મહાનગરપાલિકાના પાંચ અધિકારી સામેલ છે.

સસ્પેન્ડ કરવામાં આવેલા અધિકારીઓમાં રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, રાજકોટ રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના એમ.આર. સુમા, રાજકોટ મહાનગરપાલિકાની ફાયર અને ઇમરજન્સી સર્વિસ શાખામાં સ્ટેશન ઑફિસર તરીકે ફરજ બજાવતાં રોહિત વિગોરા તથા નાયબ કાર્યપાલક ઇજનેર પારસ કોઠિયા સામેલ છે.

જ્યારે બે પોલીસ ઇન્સપેક્ટર વીઆર પટેલ અને એનએલ રાઠોડને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ કેસમાં આઈપીએસ અધિકારીઓ રાજુ ભાર્ગવ, વિધિ ચૌધરી અને સુધીર દેસાઈની રાજકોટથી બદલી કરી દેવામાં આવી હતી.

રાજુ ભાર્ગવના સ્થાને રાજકોટ પોલીસ કમિશનર તરીકે બ્રિજેશકુમાર ઝાની નિમણૂક કરવામાં આવી છે.

વિધિ ચૌધરીના સ્થાને મહેન્દ્ર બગરિયાની રાજકોટના ઍડિશનલ પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મહાનગરપાલિકાઓને આદેશ આપતાં કોર્ટે શું કહ્યું હતું?

રાજકોટની ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો નોંધ લીધી હતી અને કહ્યું હતું કે આ માનવસર્જિત દુર્ઘટના છે.

બૅન્ચે કહ્યું હતું કે, “પ્રથમ દૃષ્ટિએ જ આ માનવસર્જિત આપત્તિ છે જેમાં નિર્દોષ બાળકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટનાને કારણે અનેક પરિવારો શોકગ્રસ્ત છે અને તેમનાં સ્વજનો ગુમાવ્યાં છે.”

તેમજ કોર્ટે રાજકોટ સહિત અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરપાલિકાઓના કમિશનરને જુલાઈ 2021થી અત્યાર સુધી જીડીસીઆર રેગ્યુલેશન, ફાયર એનઓસી, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી વગેરે અંગે અલગ-અલગ સ્થળોએ શું પગલાંઓ લીધાં તેના વિશે ઍફિડેવિટ ફાઇલ કરીને કોર્ટને જાણકારી આપવાનો નિર્દેશ આપ્યો હતો.

એ સિવાય કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે ચીફ ફાયર ઑફિસરોએ પણ સમયાંતરે ફાયર હાઇડ્રન્ટ્સ, ફાયર સેફ્ટી ઍક્ઝિટ, ફાયર સેફ્ટી સાધનો, મંજૂરીઓ અંગે આ સમયગાળામાં શું પગલાં લીધાં હતાં તે અંગે કોર્ટ સમક્ષ ઍફિડેવિટ ફાઇલ કરવાની રહેશે.

3 જૂન સુધીમાં તેમને કોર્ટમાં જવાબ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.

રાજકોટ ગેમ ઝોનમાં આગ કેવી રીતે લાગી હતી?

ટીઆરપી ગેમ ઝોનમાં થોડા દિવસોમાં સ્નો પાર્કનો ઉમેરો થવાનો હતો. આ સ્નો પાર્ક ગ્રાઉન્ડ ફ્લોર પર બનવાનો હતો. તેને બનાવવા માટે વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી.

પોલીસનું માનવું છે કે આગનું કારણ વેલ્ડિંગની કામગીરી હોઈ શકે છે. જેના તણખાથી ફૉમની શીટે આગ પકડી અને જોત-જોતામાં આગ પ્રસરી ગઈ. વેલ્ડિંગની કામગીરી સમયે સંસ્થાપકે જે ધ્યાન રાખવાનું હતું તે નથી રાખ્યું, પરંતુ ઊલટું ટિકિટના દર ઓછા કરીને લોકોની ભીડમાં વધારો કર્યો, જે ખૂબ જ ગંભીર બાબત છે.

પોલીસ તપાસ કરી રહી છે કે રાજકોટના ગેમ ઝોનમાં કેટલી બેદરકારી હતી. જેમ કે ફાયર બ્રિગેડ પાસેથી NOC મેળવવામાં નહોતી આવી. જે પ્રમાણે ત્યાં સામગ્રી હતી તે મુજબનાં ત્યાં ફાયર સેફ્ટીનાં સાધનો નહોતાં, કોઈ સેફ્ટી ઓડિટ નહોતું વગેરે.

જાણકારો કહે છે કે જ્યાં આગ લાગી તે ટીઆરપી ગેમ ઝોનમાં સિમેન્ટ કૉંક્રિટનું બાંધકામ નહોતું.

રાજકોટ ફાયરબ્રિગેડ વિભાગના અધિકારી વી. આર. ખેરે અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “આખું સ્ટ્રક્ચર પૈકી કેટલુંક બાંધકામ ફોમથી બનેલું હતું. તે પૈકી કેટલીક જગ્યાએ થર્મોકોલ કે પ્લાયવૂડની શીટ લગાડેલી હતી. બાળકો માટે ગેમ ઝોન હતો એટલે તેમને વાગે નહીં તે માટે તેમણે વિવિધ જગ્યાએ ફોમનું લેયર બનાવ્યું હતું. શેડનાં પાર્ટિશન પણ વૂડનશીટનાં બનેલાં હતાં.”

તેમના કહ્યા અનુસાર, “આ ફોમ અને થર્મોકોલ અતિજ્વલનશીલ પદાર્થો છે જેને કારણે આગ કાબૂ બહાર ફેલાઈ ગઈ.”

કેટલાક મીડિયામાં અહેવાલો હતા કે આ ગેમ ઝોનમાં કામકાજ ચાલુ હતું તેથી ત્યાં પેટ્રોલ અને ડિઝલનો પણ સંગ્રહ કરવામાં આવ્યો હતો જેને કારણે પણ આ આગ ઝડપથી ફેલાઈ.

વી.આર. ખરેના જણાવ્યા મુજબ, “શેડની આગળ કામકાજ ચાલતું હતું. રંગકામ પણ થઈ રહ્યું હતું. સાથે ટર્પેઇન્ટાઇનનાં ટીન પણ જોવાં મળ્યાં છે. તેઓ સ્પ્રે કરીને રંગકામ કરતા હતા જે પણ જ્વલનશીલ હોય છે. તેને કારણે પણ આગ વધુ ફેલાઈ હોઈ શકે.”

આગ વધારે ફેલાવવાનાં અન્ય કારણો ગણાવતાં વી. આર. ખરે જણાવે છે, “સૅન્ટ્રલ એસી હતું. ઍન્ટ્રી અને ઍક્ઝિટ માટે એક જ પ્રવેશદ્વાર હતો.”

નજરે જોનારાઓનું કહેવું છે કે આખો ડૉમ કે શેડ ટૅમ્પરરી હોવાને કારણે અને તેમાં આરસીસીનો ઉપયોગ ન થવાને કારણે આગ લાગવાથી તે તૂટી ગયો અને અંદર રહેલા લોકો તેની નીચે ફસાઈ ગયા.

આગ લાગી ત્યારે પવન વધારે હતો. તેને કારણે પણ તે વધારે ફેલાઈ હોવાનું ફાયર બ્રિગેડનું માનવું છે.

રાજકોટ ગેમ ઝોનની તપાસ માટે સીટની રચના

ગુજરાત સરકારે આ ઘટનાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરી છે.

આ પાંચ સભ્યોની એસઆઈટીના અધ્યક્ષની જવાબદારી સી.આઈ.ડી ક્રાઇમના પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદીને સોંપવામાં આવી છે.

એસઆઈટીના બીજા ચાર સભ્યો બંછાનિધિ પાની, એચ.પી. સંઘવી, જે.એન. ખડિયા અને એમ.બી.દેસાઈ છે.

એસઆઈટીએ એક વિસ્તૃત અહેવાલ 10 દિવસમાં સરકારને સોંપવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટની ઘટનાના આખા ગુજરાતમાં પડઘા પડ્યા હતા અને વિપક્ષોએ સત્તાધારી પક્ષ પર બેદરકારી અને મિલીભગતનો આરોપ મૂક્યો હતો. રાજકોટના લોકોએ પણ સરકારી તંત્ર પર ગંભીર બેદરકારીના આરોપ મૂક્યા હતા.