રફાહ પર ઇઝરાયલે કરેલા હુમલાથી 45 લોકોનાં મોત, ગાઝાને ‘ધરતી પરનું નર્ક’ કોણે ગણાવ્યું?

રવિવારે 26મેના રોજ મોડી સાંજે ઇઝરાયલની સેનાએ ગાઝાપટ્ટીમાં આવેલા દક્ષિણી શહેર રફાહમાં વિસ્થાપિત થયેલા પેલેસ્ટિનિયનોના શરણાર્થી કૅમ્પ પર હુમલો કર્યો હતો.

હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે આ હુમલામાં 45 પેલેસ્ટિનિયનોનાં મૃત્યુ થયાં છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.

ઘટનાસ્થળેથી આવી રહેલા વીડિયોમાં દેખાય છે કે રવિવારની રાત્રે અલ-સુલ્તાન વિસ્તારમાં ભયંકર વિસ્ફોટ થયો હતો અને મોટી આગ લાગી હતી.

ઇઝરાયલી ડિફેન્સ ફોર્સીસનું કહેવું છે કે તેમણે હમાસના બે વરિષ્ઠ અધિકારીઓને માર્યા છે અને આ હુમલામાં નાગરિકોનાં થયેલાં મૃત્યુ અંગેના અહેવાલોની સમીક્ષા કરી રહ્યા છે.

સ્થાનિક લોકોએ આ હુમલાને પાગલપણું ગણાવ્યું હતું.

એક મહિલાએ કહ્યું હતું કે, “ત્રણ બાળકો ઘાયલ છે. આ કેવું તમારું જમીર છે અને કેવો ધર્મ છે? આ કેવી માનવતા છે? દુનિયા કયાં છે? દેશ કયાં છે?”

આ હુમલા પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ઇઝરાયલને સતત ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ આ હુમલાને દુ:ખદ દુર્ઘટના ગણાવી છે.

નેતન્યાહુએ શું કહ્યું?

વધતાં જતાં આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે નેતન્યાહુએ કહ્યું છે કે, “કોઈપણ પ્રકારનું નાગરિકને થયેલું નુકસાન અમારા માટે એક ત્રાસદી છે. જ્યારે હમાસ માટે આ તેમની રણનીતિ છે.”

તેમણે કહ્યું, “રફાહમાં અમે 10 લાખ લોકોને બચાવ્યા છે. અમારી કોશિશ એ રહે છે કે નાગરિકોને નુકસાન ન પહોંચે. પરંતુ આ ઘટના તાજેતરમાં બની છે અને અમે તેની તેમાંથી શીખીશું.”

ઇઝરાયલની સંસદમાં પણ નેતન્યાહુએ કહ્યું છે કે, “અમે એ દરેક શક્ય કોશિશ કરીએ છીએ કે જેનાથી ગાઝામાં નાગરિકોની રક્ષા કરી શકાય.”

ઇઝરાયલી સેનાનો બચાવ કરતાં નેતન્યાહુએ કહ્યું કે હમાસ વિરુદ્ધ જંગમાં સેનાની એ કોશિશ રહે છે કે જે લોકો આ યુદ્ધમાં સામેલ નથી તેને નુકસાન ન થાય.

તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય કોર્ટે આપેલા આદેશ પછી નેતન્યાહુએ કહ્યું હતું કે, “જ્યાં સુધી લક્ષ્ય હાંસલ ન થઈ જાય ત્યાં સુધી યુદ્ધ રોકવાનો મારો કોઈ ઇરાદો નથી.”

હમાસે શું કહ્યું?

ગાઝામાં હમાસની મીડિયા ઑફિસના ડાયરેક્ટર જનરલ ઇસ્માઇલ અલ-થબ્તાએ ઇઝરાયલ પર બેવડા ધોરણોનો આરોપ મૂક્યો હતો.

તેમણે કહ્યું, "ઇઝરાયલી સેનાએ આ વિસ્તારોને સુરક્ષિત વિસ્તારો તરીકે જાહેર કર્યા હતા અને નાગરિકો અને વિસ્થાપિત લોકોને આ સુરક્ષિત વિસ્તારોમાં જવા માટે કહ્યું હતું. જ્યારે શરણાર્થીઓ આ વિસ્તારોમાં ભાગીને પહોંચ્યા ત્યારે ઇઝરાયલી સેનાએ ત્યાં નરસંહાર અને હત્યાઓ કરી હતી."

100થી વધુ ડૉક્ટરો અને નર્સો ધરાવતી ચેરિટી સંસ્થા મૅડગ્લોબલના પ્રમુખ ડૉ. ઝહેર સાહલોલે બીબીસીને જણાવ્યું હતું કે, "આ એક દુ:ખદ હુમલો છે. એવું લાગે છે કે યુદ્ધવિમાનોએ બ્રિક્સેટ નામના વિસ્તારમાં ઘણી મિસાઇલો છોડી હતી. આ વિસ્તાર ગાઝાના અન્ય વિસ્તારોમાંથી વિસ્થાપિત થયેલા લોકોના તંબુઓથી ભરેલો છે."

તેમણે કહ્યું, “લોકો ત્યાં પડાવ નાખી રહ્યા હતા. કારણ કે તેઓ માનતા હતા કે અહીં તેઓ જોખમથી બહાર છે. મારી દૃષ્ટિએ માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોની સંખ્યા ઘણી વધારે છે અને આપણે એ જોઈ રહ્યા છીએ કે ઘણાં બાળકો પણ મૃત્યુ પામ્યાં છે. બાળકોને મારવા અને જીવિત સળગાવવાની વાતને કોઈ ન્યાયી ઠેરવી શકે નહીં."

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ શું બોલી?

પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે કામ કરી રહેલી સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ હુમલા પછી આવી રહેલા અહેવાલોને હૃદયદ્રાવક ગણાવ્યા છે અને કહ્યું છે કે તેઓ રફાહમાં રહેલી તેમની ટીમનો સંપર્ક કરવામાં પણ અસમર્થ છે.

એજન્સીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ગાઝા એ પૃથ્વી પરનું નર્ક છે. ગઈકાલથી આવી રહેલી ભયાવહ તસવીરો તેનો પુરાવો છે"

મેડિસિન સેન્સ ફ્રન્ટિયર્સ એટલે કે એમએસએફનું કહેવું છે કે આ હુમલા પછી ઓછામાં ઓછા 28 લોકોના મૃતદેહ તેના સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા.

એમએસએફ એક બિન-સરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જેને ડૉકટર્સ વિધાઉટ બૉર્ડર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ સંગઠને તેના એક નિવેદનમાં કહ્યું છે કે કુલ 180 ઘાયલ પેલેસ્ટિનિયનોની સારવાર તેમણે કરી છે. હજુ ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે.

એમએસએફે ઇઝરાયલના એ દાવાઓને ફગાવી દીધા છે કે હુમલો હમાસને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.

સંગઠનનું કહેવું છે કે આ હુમલો સામાન્ય રીતે સુરક્ષિત વિસ્તારમાં વસ્તીવાળા કૅમ્પમાં કરવામાં આવ્યો હતો. એ દર્શાવે છે કે અહીં માનવજીવનનું મૂલ્ય શું છે.

અમેરિકાએ શું કહ્યું?

સોમવારે સાંજે અમેરિકાએ રફાહની તસવીરોને હૃદયદ્રાવક ગણાવી હતી.

જોકે, અમેરિકાએ એમ પણ કહ્યું હતું કે ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે.

અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાના પ્રવક્તા જૉન કિર્બીએ કહ્યું હતું કે, “ઇઝરાયલને હમાસને નિશાન બનાવવાનો અધિકાર છે. રફાહમાં થયેલા આ હુમલામાં બે મોટા હમાસના આતંકવાદીઓ માર્યા ગયા છે. તેઓ ઇઝરાયલી નાગરિકોની હત્યા માટે જવાબદાર હતા"

અમેરિકાએ ફરી એકવાર ઇઝરાયલને કહ્યું છે કે ઇઝરાયલે એ દરેક પગલાં ભરવાં જોઈએ જેનાથી સામાન્ય નાગરિકોની સુરક્ષા થઈ શકે.

ઇઝરાયલ શું કરી રહ્યું છે?

ઇઝરાયલી અધિકારીઓ આ હુમલા બાદ એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે આખરે રફાહમાં ગડબડ કેવી રીતે થઈ ગઈ.

આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદા પછી સમગ્ર દુનિયાની નજર ઇઝરાયલ પર મંડાયેલી છે. ઇઝરાયલ એ વાત જાણે છે કે તેના પર દબાણ છે.

ઇઝરાયલના અધિકારીઓ એ વાતની તપાસ કરી રહ્યા છે કે આ હુમલાની યોજના કઈ રીતે બનાવવામાં આવી કે જેમાં ક્ષતિ રહી ગઈ. સેનાના ઉચ્ચ અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.

પરંતુ નેતન્યાહુ જે રીતે વાત કરી રહ્યા છે કે તેનાથી એવું પ્રતીત થતું નથી કે આ હુમલાથી તેમનો વિચાર બદલાશે.

પરંતુ જમીન પર સૈનિકો હવે સાવધાની વર્તી રહ્યા હોય તેવું લાગે છે.

એક વાત સ્પષ્ટ છે કે ઇઝરાયલની છબીને તેનાથી મોટો ઝટકો લાગ્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય કોર્ટે ઇઝરાયલને રફાહમાં તેની કાર્યવાહી રોકવા માટે કહ્યું હતું. યુરોપીય સંઘે પણ આ નિર્ણય માનવા માટે અપીલ કરી હતી.