ચીનનું જાસૂસી નેટવર્ક વિશ્વમાં ફેલાઈ રહ્યું છે, પશ્ચિમી દેશોની ચિંતા વધી

    • લેેખક, ગૉર્ડન કોરેરા
    • પદ, બીબીસી સંવાદદાતા

પશ્ચિમી દેશોની ગુપ્તચર એજન્સીઓ વર્ષોથી ચીન પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત પર ભાર મૂકતી આવી છે. બ્રિટનની ગુપ્તચર એજન્સી જીસીએચક્યુના પ્રમુખે આ આઠવાડિયે તેને (ચીનના જાસૂસોના નેટવર્ક) આ યુગને પ્રભાવિત કરનાર પડકાર ગણાવ્યો છે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેટલાક લોકોની ચીન માટે જાસૂસી અને હેકિંગના આરોપમાં પશ્ચિમી દેશોમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ લોકો પર હૉંગકૉંગની ગુપ્તચર એજન્સીને સહાયતા કરવાના આરોપો લાગ્યા હતા. ત્યાર બાદ બ્રિટનના વિદેશ કાર્યાલયે ચીનના રાજદ્વારીને મળવા બોલાવ્યા હતા.

પશ્ચિમી દેશો અને ચીન વચ્ચે સત્તા અને પ્રભાવ માટે એક પ્રતિસ્પર્ધા ચાલી રહી છે ત્યારે આ પ્રકારની ધરપકડો આ સ્પર્ધાના ખૂલીને સામે આવવાના સંકેત છે.

અમેરિકા અને તેના સહયોગી દેશ ચીનના પડકારનો જવાબ આપવા માટે પ્રતિબદ્ધ છે.

જોકે, વરિષ્ઠ અધિકારીઓની ચિંતા છે કે પશ્ચિમના દેશોએ ચીનના પડકારને ગંભીરતાથી લીધો નથી. આ દેશો ગુપ્તચર પ્રવૃત્તિઓના મામલામાં પાછળ રહી ગયા છે.

પશ્ચિમી દેશોના અધિકારીઓને કઈ વાતની ચિંતા છે?

પશ્ચિમી દેશોના અધિકારીઓની ચિંતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સંકલ્પને લઈને છે. જિનપિંગ પ્રતિબદ્ધ છે કે ચીન એક નવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર આપશે.

બ્રિટનની વિદેશી ગુપ્તચર એજન્સી એમઆઈ 6ના વડા રિચર્ડ મૂરે ચીન અને પશ્ચિમી દેશો પર બીબીસીની નવી સિરીઝ માટે આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે અંતે તો તે (ચીન) અમેરિકાને સૌથી મોટી તાકાતના પદ પરથી હટાવવા માગે છે.

જોકે, વર્ષો સુધી આપેલી ચેતવણી છતાં પશ્ચિમી દેશોની એજન્સીઓ ચીનની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સંઘર્ષ કરી રહી છે.

વર્ષ 2006માં રિટાયર થતા પહેલાં એમઆઈ 6માં બીજા નંબરનું સ્થાન ધરાવતા નિગેલ ઇંકસ્ટરે કહ્યું કે ચીન એવા સમયે વૈશ્વિક તાકાત બનીને ઊભર્યું છે જ્યારે પશ્ચિમના દેશો બીજા મુદ્દાઓમાં ફસાયેલા હતા.

ચીન 2000ના દાયકામાં વૈશ્વિક શક્તિ બનીને ઊભરી રહ્યું હતું. આ સમયે પશ્ચિમના નીતિ નિર્માતા, સુરક્ષા અધિકારીઓ અને ગુપ્તચર એજન્સીઓનું ધ્યાન કથિત આતંક વિરુદ્ધ યુદ્ધ અને અફઘાનિસ્તાન અને ઇરાકમાં સૈન્ય હસ્તક્ષેપ પર હતું.

અમેરિકા અને યુરોપના અધિકારીઓ માને છે કે રશિયાનો ફરીથી ઉદય અને ઇઝરાયલ-ગાઝા યુદ્ધ મોટા પડકારો છે.

આ ઉપરાંત ચીનનાં સુરક્ષા જોખમોનો સામનો કરવાની જગ્યાએ સરકાર અને વ્યવસાયોનું ધ્યાન ચીનના મોટા બજાર સુધી પહોંચવામાં રહ્યું છે.

આ દેશના નેતાઓ મોટે ભાગે પસંદ કરે છે કે ગુપ્તચર એજન્સીના વડા ચીનનું સીધું નામ ન લે. વ્યવસાયો પણ એ વાત માનવા તૈયાર ન હતા કે તેમની ગુપ્ત જાણકારીઓને નિશાન બનાવાઈ રહી છે.

નિગેલ ઇંકેસ્ટરે કહ્યું કે ચીનની એજન્સીઓ 2000ના દાયકાથી જ ઔદ્યોગિક જાસૂસી કરી રહી છે. જોકે, પશ્ચિમની કંપનીઓ આ વિશે ચૂપ રહી. કંપનીઓ ડરના કારણે આ વાત રિપોર્ટ કરવા માગતી નહોતી, કારણ કે તેમને બીક હતી કે આ કારણે ચીનના બજારમાં તેમની સામે ખતરો પેદા થઈ શકે છે.

ચીન અલગ હેતુ માટે જાસૂસી કરે છે

બીજો પડકાર એ છે કે ચીનની જાસૂસી પશ્ચિમના દેશો કરતાં અલગ છે. આ જાસૂસી પ્રવૃત્તિને ઓળખવી અને તેનો સામનો કરવો મુશ્કેલ બન્યું છે.

પશ્ચિમી દેશના એક પૂર્વ જાસૂસે કહ્યું કે મેં મારી સમકક્ષના ચીની જાસૂસને કહ્યું હતું કે ચીન ખોટી રીતે જાસૂસી કરી છે. પૂર્વ જાસૂસનો કહેવાનો અર્થ હતો કે પશ્ચિમી દેશો એવી ગુપ્ત માહિતીઓ એકઠી કરવાની કોશિશ કરે છે જેના થકી તેઓ વિરોધીઓને સમજી શકે.

“જોકે, ચીનના જાસૂસોની પ્રાથમિકતા અલગ છે. કૉમ્યુનિસ્ટ પાર્ટીનાં હિતોની રક્ષા કરવી તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. એફબીઆઈના અધિકારી રોમના રોજાવ્સકીએ કહ્યું કે સત્તાની સ્થિરતા તેમની પહેલી પ્રાથમિકતા છે.”

આ માટે આર્થિક વિકાસ જરૂરી છે. ચીનના જાસૂસો આ કારણે જ પશ્ચિમની ટેકનોલૉજીને મેળવવી રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી સમજે છે. પશ્ચિમી દેશોના જાસૂસો જણાવે છે કે તેમના સમકક્ષ ચીની જાસૂસો પોતાની જાણકારી ચીનની સરકારી કંપનીઓ સાથે શેર કરે છે. પશ્ચિમ દેશોની ગુપ્તચર એજન્સી આ પ્રકારની જાણકારી શેર કરતી નથી.

અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને ન્યૂઝીલૅન્ડની એજન્સીઓનું ગઠબંધન

ઑસ્ટ્રેલિયાની સુરક્ષા અને ગુપ્તચર સંગઠનના વડા માઇક બર્ગેસે મને સમજાવ્યું કે 74 વર્ષના ઇતિહાસમાં હવે મારી એજન્સી પહેલાં કરતાં ઘણી વ્યસ્ત છે.

તેમણે કહ્યું, “હું ક્યારેક જ કોઈ દેશ પર આરોપ લગાવું છું, કારણ કે જ્યારે જાસૂસીની વાત આવે તો અમે પણ તે જ કરીએ છીએ. જોકે, કૉમર્શિયલ જાસૂસી એક તદ્દન અલગ મામલો છે. અને આ જ કારણે ચીન સાથે અલગ વલણ અપનાવવામાં આવે છે.”

માઇકે માન્યું કે પશ્ચિમી દેશોએ આ ખતરાને સમજવામાં મોડું કર્યું હતું. તેમણે કહ્યું કે મને લાગે છે કે આ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને અમે સામૂહિક રૂપે તક ચૂકી ગયા.

અમારી મુલાકાત ગયા વર્ષે ઑક્ટોબરમાં કૅલિફોર્નિયામાં થઈ હતી. તેઓ ત્યાં “ફાઇવ આઈ”ની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. “ફાઇવ આઈ” ગુપ્ત જાણકારી શેર કરવા માટે અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને ન્યૂઝીલૅન્ડની ગુપ્તચર એજન્સીઓનું ગઠબંધન છે.

આ અભૂતપૂર્વ મુલાકાતનો ઉદ્દેશ્ય ચીનની તરફથી વધી રહેલા ખતરા વિશેની ચેતવણીનો હતો, કારણ કે ખતરો હોવા છતાં કેટલીક કંપનીઓ અને સંગઠનો સાંભળી રહ્યાં નથી.

મુલાકાતની જગ્યા તરીકે સિલિકૉન વેલીની પસંદગી પણ ખૂબ જ સાવધાની સાથે કરવામાં આવી હતી, કારણ કે આ જગ્યા ટેકનોલૉજી ચોરીના સંદર્ભમાં ખૂબ જ સંવેદનશીલ છે. આ જગ્યા (સિલિકૉન વેલી) સાઇબર જાસૂસી માટે તો ક્યારેક અંદરની જાસૂસીનાં માધ્યમો થકી ચીનના નિશાને પર છે.

ચીન પાસે જાસૂસી માટે મોટા પાયે સંસાધનો ઉપલબ્ધ છે. એક પશ્ચિમી અધિકારીના અંદાજ પ્રમાણે આખા વિશ્વમાં લગભગ છ લાખ લોકો ચીન માટે ગુપ્તચર તરીકે કામ કરે છે. આ આંકડો વિશ્વના કોઈ પણ અન્ય દેશથી વધારે છે.

“ગંભીર પરિણામો આવી શકે છે”

બ્રિટિશ ગુપ્તચર એજન્સી એમઆઈ 5 પ્રમાણે, બ્રિટનમાં જ માત્ર 20 હજાર લોકોનો સંપર્ક ચીની જાસૂસોએ કર્યો હતો. તેમનો સંપર્ક કરવા માટે ચીની જાસૂસોએ લિન્કડઇન જેવી પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ કર્યો હતો.

એમઆઈ 5ના પ્રમુખ કેન મૈક્કલમે મને કૅલિફોર્નિયામાં થયેલી બેઠક દરમિયાન જણાવ્યું, “લોકો એ વાતથી અજાણ હોઈ શકે કે તેઓ કોઈ અન્ય દેશના ઇન્ટેલિજન્સ ઑફિસર સાથે વાત કરી રહ્યા છે. જોકે, લોકોને છેલ્લે અનુભવ થાય છે કે તેમને જે જાણકારી ઇન્ટેલિજન્સ ઑફિસરને આપી છે તેને કારણે તેમની કંપનીનું ભવિષ્ય ખતરામાં પડી શકે છે.”

કેને કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી તો તેનાં ગંભીર પરિણામ આવી શકે છે, તેનાં ખરાબ આર્થિક પરિણામો પણ આવી શકે છે. ચીન પોતાના ગુપ્તચર તંત્રનો ઉપયોગ વિદેશોમાં થઈ રહેલી દેશની ટીકાઓને ઘટાડવા માટે પણ કરે છે.

હાલમાં જ ચીનના જાસૂસો પશ્ચિમ દેશોની રાજનીતિને નિશાન બનાવી રહ્યા છે તેવા અહેવાલો સામે આવ્યા હતા. ત્યાર બાદ બ્રિટન, બેલ્જિયમ અને જર્મનીમાં કેટલીક ધરપકડો પણ કરવામાં આવી હતી. અને કૅનેડામાં પણ તપાસ ચાલી રહી છે.

યુરોપ અને અમેરિકામાં ચીની પોલીસ સ્ટેશન હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા. સુરક્ષા અધિકારીઓ જણાવે છે કે વાત જ્યારે પશ્ચિમી દેશોમાં ચીની અસંતુષ્ટોની કરવામાં આવે તો ચીનની ગુપ્તચર એજન્સીઓ દૂરથી જ ઑપરેટ કરે છે. ચીનની એજન્સીઓ ક્યારેક પ્રાઇવેટ જાસૂસોને કામ પર રાખે છે તો ક્યારેક-ક્યારેક ધમકી ભરેલો ફોન કૉલ પણ કરે છે.

યુકે સરકારની સિસ્ટમ્સ પર 2000ના દાયકાની શરૂઆતમાં થયેલો પહેલો સાઇબર હુમલો રશિયાએ નહીં પણ ચીને કર્યો હતો. આ હુમલાનો ઉદ્દેશ્ય તિબેટિયન અને વીગર સમુદાયના અસંતુષ્ટો વિશે જાણકારી એકઠી કરવાનો હતો.

પશ્ચિમી દેશો નવા કાયદાઓ પણ બનાવી રહ્યા છે

ઑસ્ટ્રેલિયા રાજકીય હસ્તક્ષેપ વિશે ચિંતા જાહેર કરનાર દેશોમાં સૌથી આગળ હતો. ઑસ્ટ્રેલિયન સિક્યૉરિટી ઇન્ટેલિજન્સ ઑર્ગેનાઇઝેશનનું કહેવું છે કે અમે વર્ષ 2016ની આસપાસ આ પ્રવૃત્તિઓ વિશે તપાસ કરવાની શરૂઆત કરી હતી, જેમાં કોઈ રાજકીય ઉમેદવારને આગળ વધારવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ પણ સામેલ છે.

માઇક બર્ગેસે બીબીસીને જણાવ્યું કે અમે અમારા એજન્ડાને આગળ વધારવાની કોશિશ કરી રહ્યા છીએ. અમે ઇચ્છતા નથી કે તે (ચીન) આ પ્રવૃત્તિ ગુપ્ત રીતે ચાલુ રાખે.

ઑસ્ટ્રેલિયાએ આ પ્રકારની ગુપ્ત પ્રવૃત્તિઓ પર લગામ લગાડવા માટે વર્ષ 2018માં નવા કાયદાઓ પાસ કર્યા હતા.

એમઆઈ 5એ જાન્યુઆરી 2022માં એક ચેતવણી જાહેર કરીને આરોપ લગાવ્યો હતો કે યુકેસ્થિત સૉલિસિટર ક્રિસ્ટિન લી, બીજિંગના એજન્ડાને આગળ વધારવા માટે કેટલાક બ્રિટિશ રાજકીય દળોને દાન આપી રહ્યા હતા. એમઆઈ 5ના આ દાવાને લઈને હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

બ્રિટને વર્ષ 2023માં એક નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પાસ કર્યો હતો. આ કાયદા પ્રમાણે વિદેશી રાજ્યનાં હસ્તક્ષેપ અને બીજી પ્રવૃત્તિઓને ખતમ કરવા માટે નવી શક્તિઓ આપવામાં આવી છે. જોકે, ટીકાકારો કહે છે કે આ મામલે ખૂબ જ મોડું થયું છે.

એ બાબતે કોઈ શંકા નથી કે પશ્ચિમી દેશો પણ ચીનમાં જાસૂસી કરી રહ્યા છે જેવી રીતે ચીન પશ્ચિમી દેશમાં કરે છે. જોકે, ચીન વિશે ગુપ્ત જાણકારીઓ એકઠી કરવી એમઆઈ 6 અને સીઆઈએ જેવી પશ્ચિમી ગુપ્તચર સંસ્થાઓ માટે એક મોટો પડકાર છે.

ચીનથી ગુપ્ત જાણકારી એકઠી કરવી ખૂબ જ મુશ્કેલ છે

ચીનમાં મોટા પાયે સર્વિલન્સ, ફેશિયલ રિકગ્નિશન અને ડિજિટલ ટ્રેકિંગ કરવામાં આવે છે. આ કારણે એજન્ટો માટે એકબીજાને મળવું અત્યંત મુશ્કેલ છે.

ચીને એક દાયકા પહેલાં સીઆઈએ એજન્ટોના મોટા નેટવર્કનો સફાયો કરી દીધો હતો. જીસીએચક્યૂ અને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સંસ્થા માટે ચીનથી જાણકારી એકઠી કરવી ટેકનિકલ રીતે ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે ચીન કૉમ્યુનિકેશનને ઇન્ટરસેપ્ટ કરવા અને ડિજિટલ ઇન્ટેલિજન્સ એકઠી કરવા માટે પશ્ચિમની નહીં પરંતુ પોતાની ટેકનોલૉજીનો ઉપયોગ કરે છે.

પશ્ચિમના એક અધિકારીએ જણાવ્યું કે અમને હકીકતમાં નથી ખબર કે ચીનનો પોલિત બ્યૂરો કેવી રીતે વિચારે છે.

જાણકારીનો આ અભાવ ગેરસમજ ઊભી કરી શકે છે અને તેનાં ગંભીર પરિણામો આવી શકે છે.

કોલ્ડ વૉર દરમિયાન એક સમયે એવો પણ આવ્યો હતો જ્યારે પશ્ચિમી દેશો એ સમજવામાં અસફળ રહ્યા હતા કે રશિયા કેટલું અસુરક્ષિત અનુભવી રહ્યું હતું. પરિણામે, બન્ને પક્ષો વિનાશકારી યુદ્ધની નજીક પહોંચ્યા હતા, જે બન્ને પક્ષો ઇચ્છતા ન હતા.

ચીનની તાઇવાન પર નિયંત્રણ મેળવવાની ઇચ્છા વિશે આ જ પ્રકારના ખોટા આકલનની બીક આજે પણ છે. દક્ષિણ ચીની સાગરમાં પણ તણાવ વધ્યો છે, અહીં પણ સંઘર્ષ થઈ શકે છે.

એમઆઈ 6ના વડા રિચર્ડ મૂરે મને કહ્યું કે આપણે ખતરનાક વિશ્વમાં રહીએ છીએ. આપણે સંઘર્ષને લઈને હંમેશાં ચિંતિત રહેવું જોઈએ અને તેનાથી બચવા માટે તૈયાર રહેવું જોઈએ.

એમઆઈ 6ની ભૂમિકા વિશે તેમણે કહ્યું કે એજન્સીનું કામ સંભવિત જોખમોને ખતમ કરવા માટે જરૂરી માહિતી એકઠી કરવાનું છે.

તેમણે કહ્યું, “ગેરસમજણ હંમેશાં ખતરનાક હોય છે. વાતચીતના દરવાજા હંમેશાં ખુલ્લા રહે તે સારી વાત છે. તમે જેની સાથે સ્પર્ધા કરી રહ્યા છો તેના શું ઇરાદા છે તેની જાણ રાખવી સારી વાત છે.”

વાતચીતના રસ્તો ખુલ્લો રહે તે વાતને સુનિશ્ચિત કરવી પ્રાથમિકતા છે. આતંકી ખતરાઓને લઈને એમઆઈ 6 અને ચીનની ગુપ્તચર એજન્સી વચ્ચે સંપર્ક છે. તથ્ય એ પણ છે કે અમેરિકા અને ચીન વચ્ચે સૈન્ય સંપર્ક પણ ફરીથી શરૂ થયો છે, જે સ્વાગત યોગ્ય છે.

ચીન અને અમેરિકા વચ્ચે હાલમાં સૈન્ય અને રાજકીય સંપર્કને કારણે વાતાવરણ થોડું શાંત છે. જોકે, લાંબા સમયની વાત કરીએ તો ખતરાની ઘંટી વાગી જ રહી છે.

જે રીતે જાસૂસીને લઈને ખુલાસાઓ થઈ રહ્યો છે, તેનાથી બંને બાજુના લોકોમાં અવિશ્વાસ અને આશંકા વધવાનો ભય છે. જીવલેણ સંઘર્ષ ટાળવા માટે એકબીજા સાથે રહેવા અને સમજવાનો માર્ગ શોધવો મહત્ત્વપૂર્ણ રહેશે.