ભારત સામે ચીન માટે મહત્ત્વનું પાકિસ્તાનનું ‘ગ્વાદર’ બંદર કેમ ડૂબી રહ્યું છે?

    • લેેખક, રિયાઝ સોહૈલ
    • પદ, બીબીસી ઉર્દૂ ડોટ કોમ, કરાચી

કઝબાનો બલોચનું ઘર ગ્વાદર બંદરના જૂના વિસ્તારમાં છે, જે હાલમાં વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ પામ્યું છે. તેમની એક પુત્રી છે અને તેમના જમાઈ દરજી પાસે દૈનિક મજૂરીનું કામ કરે છે.

કઝબાનો ફિશ હાર્બર રોડસ્થિત ઘરમાં રહેતાં હતાં.

તેમનું કહેવું છે કે સતત 16 કલાક સુધી વરસાદ આવ્યો અને એ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું અને એ પણ ખૂબ વધારે પાણી હતું. કઝબાનો અનુસાર આ તોફાન વર્ષ 2021માં આવેલા વાવાઝોડા કરતાં પણ વધુ હતું.

વરસાદની સાથે સાથે રસ્તા પરનું પાણી ઘરની અંદર આવી ગયું.

ત્યાર બાદ કઝબાનોનું ઘર, રસોઈઘર, રસ્તાની પેલે પાર બનેલી એક દુકાન પણ ધરાશાયી થઈ ગઈ.

કઝબાનો તેમનું ઘર પડી ગયા બાદ ભાડાના મકાનમાં રહે છે.

ગ્વાદરમાં ભારે વરસાદ કેમ પડે છે?

હવામાન વિભાગ અનુસાર આ અસામાન્ય વરસાદ હતો. ફેબ્રુઆરીના અંતે અને માર્ચની શરૂઆતમાં એક અઠવાડિયા દરમિયાન લગભગ 250 મિમી વરસાદ થયો હતો.

આ પહેલાં ગ્વાદરમાં માર્ચ મહિનામાં વરસાદનો રેકૉર્ડ 38 મિમી હતો.

કુદરતી આપત્તિઓ સામે લડવા માટે રાજ્યની સંસ્થા પીડીએમએ (પ્રૉવિન્શિયલ ડિઝાસ્ટર મૅનૅજમૅન્ટ ઑથૉરિટી) અનુસાર હાલમાં વરસાદને કારણે 450 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યાં છે, જ્યારે 8,200 ઘરો અને ઇમારતોને આર્થિક નુકસાન થયું છે.

આ વરસાદને કારણે ગ્વાદર શહેરે એક તળાવનું રૂપ ધારણ કરી લીધું છે. આવું પહેલી વાર બન્યું નથી. વર્ષ 2005થી લઈને 2024 સુધીમાં ગ્વાદર પાંચ વાર જળમગ્ન થઈ ચૂક્યું છે.

સવાલ એ છે કે પૂર જેવી પરિસ્થિતિ માત્ર વરસાદને કારણે છે કે પછી તેમાં ગ્વાદરમાં ઝડપથી થઈ રહેલાં નિર્માણકાર્યો અને પ્રોજેક્ટનો પણ હાથ છે.

બીબીસીએ આ તમામ સવાલોના જવાબ જાણવાની કોશિશ કરી છે.

પ્રાકૃતિક જળમાર્ગ બંધ

ગ્વાદર એ માછીમારોની એક વસ્તી હતી. પરંતુ વર્ષ 2007માં પૂર્વ સૈન્ય રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે ત્યાં બંદરનું ઉદ્ધાટન કર્યું ત્યારથી ત્યાં ઝડપથી બદલાવો થવા લાગ્યા. આ બંદરનું નિર્માણ ચીને કર્યું હતું.

ચીન અને પાકિસ્તાન વચ્ચે જ્યારે વર્ષ 2015માં આર્થિક કૉરિડૉર સીપેક (ચીન-પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડૉર) ની જાહેરાત થઈ ત્યારે ગ્વાદર આ પ્રૉજેક્ટનું કેન્દ્ર બની ગયું. આ સીપેક એ એશિયાના વેપારમાં પોતાનું પ્રભુત્વ સ્થાપવા અને પોતાના પરંપરાગત સ્પર્ધક દેશ ભારત સામે પોતાનો દબદબો જાળવી રાખવા માટેની ચીનની આર્થિક વ્યૂહરચનાનો એક મહત્ત્વાકાંક્ષી ભાગ હતો.

તેના પછાત વિસ્તારને બીજું ‘શેનઝેન’ બનાવવાનો દાવો કરવામાં આવ્યો, જે ક્યારેક ગ્વાદરની જેમ માછીમારોની વસ્તી ગણાતી હતી.

હાલમાં શેનઝેન ચીનનું ત્રીજું સૌથી મોટું શહેર બની ચૂક્યું છે.

કોહ-એ-બાતિલ (પહાડી)ની તળેટીમાં બનનારા આ બંદરે સ્થાનિક લોકો માટે તો અવરોધો સર્જ્યા, પરંતુ વરસાદી પાણીનો રસ્તો પણ રોકી દીધો.

જ્યારે હું કોહ-એ-બાતિલ અને બંદરની વચ્ચે સ્થિત સરકારી હાઇસ્કૂલ, ગોત્રી બજાર પહોંચ્યો ત્યારે મેદાનની સાથેસાથે શાળાની અંદર પણ પાણી ભરાયેલું જોયું.

શાળાના પ્રિન્સિપાલ મોહમ્મદ હસને મને પલળી ગયેલાં રજિસ્ટર બતાવ્યાં અને હાથથી ઇશારો કર્યો કે સામે કમ્પ્યૂટર લૅબ છે, જેમાં બધાં કમ્પ્યૂટર પાણીમાં ડૂબી ગયાં છે.

પ્રિન્સિપાલ મોહમ્મદ હસનનું કહેવું હતું કે એવું નથી કે વરસાદ પહેલી વાર થયો છે. એ પહેલાં પણ ભારે વરસાદ થતો હતો, પરંતુ પાણી સમુદ્રમાં વહી જતું હતું.

તેમના અનુસાર, “પહેલાં જેટી બની હતી, પછી બંદર બન્યું અને પછી અહીં એક્સપ્રેસ-વે બનાવવામાં આવ્યો. તેના કારણે પાણી આ વસ્તીની તરફ આવી રહ્યું છે. પહેલાં પાણી વહેવા માટેનો કુદરતી રસ્તો હતો, જ્યાંથી પસાર થઈને પાણી સમુદ્રમાં જતું હતું.”

“પરંતુ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા અને અન્ય વૈકલ્પિક રસ્તા ન બનાવાયા. હવે, પાણીને રસ્તો તો જોઈએ ને? તેના કારણે પાણી વસ્તી તરફ જતું રહ્યું અને ઘરો પણ પડી ભાંગ્યાં.”

ગ્વાદર બંદરની ચારે બાજુ કૉંક્રિટની દીવાલ હતી, જે વસ્તીને અલગ પાડે છે. મલાબંદના એક વિસ્તારમાં એક ખૂણામાંથી દીવાલ તોડવામાં આવી, જેથી વરસાદના પાણીનો નિકાલ થઈ શકે.

આવું પહેલીવાર નથી બન્યું. પહેલાં પણ આ રીતે વરસાદના પાણીનો નિકાલ કરવા માટે દીવાલો તોડવામાં આવી અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

ગ્વાદર ડૅવલપમૅન્ટ ઑથૉરિટીના ચીફ એન્જિનિયર સૈયદ મોહમ્મદ એ વાત માને છે કે પહેલાં પાણીનું વહેણ પૉર્ટવાળા વિસ્તાર તરફ હતું. ત્યાર બાદ ત્યાં ઑપન ડ્રેઇન બનાવવામાં આવી જે બંધ હતી.

તેમના અનુસાર આ ડ્રેન કેમ બંધ હતી, એ તો બંદરનું વ્યવસ્થાપન કરનારા લોકો જ જાણે છે. તેના કારણે જ બધું પાણી કબ્રસ્તાનવાળા વિસ્તારમાં થઈને મલાબંદ વિસ્તારમાં આવી ગયું.

સમુદ્રકિનારાની સામે મરીન ડ્રાઇવ નામનો એક પહોળો અને છ લેનવાળો રસ્તો બનાવવામાં આવ્યો છે. આ રસ્તાને કારણે વિસ્તારની સુંદરતા તો વધી, પરંતુ તેણે રહેણાક વિસ્તાર અને સમુદ્રની વચ્ચે એક બંધનું સ્વરૂપ ધારણ કરી લીધું.

ગ્વાદરમાં પ્રાથમિકતા બંદર અને પછી તેની સાથે જોડાયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે.

2018માં સરકારે બંદરથી કાર્ગોના પરિવહન માટે છ-લેનવાળો 19-કિમીનો પૂર્વીય એક્સપ્રેસ-વે બનાવ્યો હતો.

આ રસ્તાને કારણે સ્થિતિ વધુ ગંભીર બની હતી. આ એક્સપ્રેસ-વેની સપાટી રહેણાક વિસ્તાર કરતાં ઊંચી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેના કારણે પાણીના નિકાલના કુદરતી માર્ગો પણ બંધ થઈ ગયા હતા.

મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધ્યક્ષ શરીફ મિયાંદાદ કહે છે કે તેને મેગા સિટી, દુબઈ સિટી, સીપેક સિટી કહેવામાં આવે છે, પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે અગાઉનું ગ્વાદર આના કરતાં સારું હતું.

તેમના કહેવા પ્રમાણે અગાઉ જ્યારે પણ વરસાદ પડતો, ત્યારે તેનું પાણી દરિયામાં જતું હતું.

અહીં જમણી અને ડાબી બાજુએ પાણીના નિકાલ માટેના બે રસ્તા હતા. આ બંને માર્ગો પરથી પાણી દરિયામાં વહી જતું હતું, પરંતુ બંને તરફ વિકાસના નામે બનાવેલા રસ્તામાં બાંધકામ સમયે પ્લાસ્ટિકની શીટ લગાવવામાં આવી છે.

દરિયાનું પાણી ન આવે તે માટે આવું કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદનું પાણી પણ ત્યાં જતું નથી.

ગટરવ્યવસ્થા પણ સારી નહીં

મુરાદ બલોચ માછીમાર છે. 2010ના વરસાદમાં તેમના ત્રણ ઓરડા પડી ભાંગ્યા હતા.

હાલમાં જ થયેલા વરસાદને કારણે બીજી વાર તેમના ઘરના બે ઓરડા, ટૉઇલેટ અને રસોઈઘરમાં તિરાડો પડી ગઈ છે.

જ્યારે તેમની સાથે અમારી મુલાકાત થઈ એ સમયે તેઓ ઘરમાંથી જનરેટરની મદદથી પાણી કાઢી રહ્યા હતા.

મુરાદ બલોચે કહ્યું કે તેમણે પહેલાં બાલટીઓથી પાણી કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ થાકી ગયા. સ્થાનિક કૉર્પોરેટર પાસે તેઓ ગયા અને જનરેટર માંગ્યું તો તેમણે કહ્યું કે પેટ્રોલ નથી.

મુરાદ બલોચે પોતે પેટ્રોલ ખરીદ્યું. મિત્રો અને પાડોશીઓ પાસેથી પાઇપના ટુકડા જમા કરીને એક લાંબો પાઇપ બનાવીને પાણીનો નિકાલ કર્યો.

મુરાદ બલોચે આ બધા પ્રયત્નો એટલા માટે કરવા પડ્યા, કારણ કે તેમના વિસ્તારમાં ગટરવ્યવસ્થા સારી નથી.

તાજેતરના વરસાદ ઉપરાંત છેલ્લાં 15 વર્ષમાં જ્યારે પણ વરસાદ પડે છે, ત્યારે શહેરમાંથી ખાડા ખોદીને પાણીનો નિકાલ કરવામાં આવે છે. બીજી પદ્ધતિ પાઇપ દ્વારા પાણી કાઢવાની છે.

ગ્વાદર ડેવલપમૅન્ટ ઑથૉરિટી પણ આ જ પદ્ધતિ અપનાવે છે. આ બધું કરવાથી રસ્તા ફરી ક્ષતિગ્રસ્ત થાય છે.

2004માં જ્યારે ગ્વાદર ડૅવલપમૅન્ટ ઑથૉરિટી (જીડીએ)ની સ્થાપના કરવામાં આવી ત્યારે શહેરનો માસ્ટરપ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આ માસ્ટરપ્લાનમાં કેન્દ્ર સરકારે શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 25 અબજ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

જીડીએના અધિકારીઓના જણાવ્યા મુજબ 20 વર્ષ પછી પણ માત્ર અડધી રકમ જ મળી છે. આમાં શહેરનાં ગટરનિર્માણ માટેનાં નાણાંનો સમાવેશ થતો નથી.

બલૂચિસ્તાનમાં ડૉ. મલિક બલોચની સરકાર સત્તામાં આવ્યા પછી રાજ્ય સરકારે ગ્વાદરની ડ્રેનેજ સિસ્ટમ માટે 1.35 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. તેમાંથી માત્ર અડધી રકમ જ ખર્ચાઈ છે અને એક તબક્કાનું કામ પૂર્ણ થયું છે.

જીડીએના ચીફ એન્જિનિયર સૈયદ મોહમ્મદના જણાવ્યા અનુસાર, તેમણે 8.5 કિલોમીટર અને 16 કિલોમીટર ગટરનું નિર્માણ કર્યું હતું. તે ઑલ્ડ ટાઉનના 15થી 16 ટકા વિસ્તારને આવરી લે છે.

આ બાંધકામમાં તેમણે એવા વિસ્તારોને પ્રાધાન્ય આપ્યું, જ્યાં પાણી જમા થતું હતું. તેમના દાવા મુજબ તેમણે જ્યાં પણ બાંધકામ કર્યું હતું, ત્યાંથી પાણી નીકળી ગયું હતું.

આગળ વધતો સમુદ્ર અને ભૂગર્ભજળ

અલહદાદ બલોચના ઘરમાં અને અંદર ગલીમાં પાણી ભરાયેલું હતું. તેઓ ઘરનું પાણી બહાર કાઢે છે, પરંતુ સવાર થતાં જ ફરીથી પાણી ભરાઈ જાય છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે ભૂગર્ભજળનું સ્તર ઉપર આવી ગયું છે. આના કારણે એક તરફ ગટરના પાણીને રસ્તો નથી મળતો અને બીજી તરફ સમુદ્રી ધોવાણ છે, જેનું પાણી આગળ વધી ગયું છે.

પજીર બલોચ ભૂગર્ભશાસ્ત્રી છે, જેમનું કહેવું છે કે સમુદ્રસપાટીમાં વધારો થઈ રહ્યો છે.

તેમના કહેવા પ્રમાણે “ગટરવ્યવસ્થા રહી નથી, જ્યાં ગટરવ્યવસ્થા છે તે સારી રીતે કામ કરી રહી નથી. પાણી ફરીથી બહાર આવી રહ્યું છે.”

તેમના અનુસાર, “વસ્તી વધવાની સાથેસાથે નિર્માણકાર્યમાં પણ વૃદ્ધિ થઈ છે. તેના કારણે પાણીના વહેણનો કુદરતી રસ્તો હતો બદલાઈ ગયો છે. જયારે ઓવરપમ્પિંગ થાય છે, ત્યારે સમુદ્રનું પાણી આપોઆપ આગળ વધી જાય છે. તેના કારણે આવેલા બદલાવને કારણે જમીન અંદર ધસી રહી છે.”

ગ્વાદર ડેવલપમૅન્ટ ઑથૉરિટીના ચીફ એન્જિનિયર સૈયદ મોહમ્મદનું કહેવું છે કે સ્થિતિ ચિંતાજનક છે.

શહેરના જૂના વિસ્તારોમાં દોઢ ફૂટ પછી દરિયાનું પાણી બહાર આવે છે. ઘણી જગ્યાએ તેમણે રાતોરાત પાણી ઉલેચીને નાળાં બનાવ્યાં છે.

તેમના કહેવા પ્રમાણે, “તમે ઘરનો પાયો નાખો તો પણ તેના માટે ભૂગર્ભજળ કાઢવું પડે છે. જો વસ્તી વધુ ગીચ બનશે, તો જમીન પરનો ભાર વધશે. પહેલાં કાચાં મકાનો હતાં, હવે લોકો કૉંક્રિટનાં પાકાં મકાન બનાવી રહ્યા છે.”

ગ્વાદર પૉર્ટનું સંચાલન પૉર્ટ ઑથૉરિટી પાસે છે અને બાકીના શહેરનું આયોજન ગ્વાદર ડૅવલપમૅન્ટ ઑથૉરિટી પાસે છે. આ બંને વચ્ચે બીજી સંસ્થા છે - મ્યુનિસિપલ કમિટી, ગ્વાદર. આ સ્થાનિક જનપ્રતિનિધિઓની સંસ્થા છે.

રસપ્રદ વાત એ છે કે આયોજન મેગા સિટીનું છે, પરંતુ સ્થાનિક સંસ્થા ગ્રામ્ય છે. તેની પાસે ન તો સંસાધનો છે કે ન ડ્રેનેજ સિસ્ટમ.

ગ્વાદરમાં પીવાના પાણીની અછત છે. અહીં પહેલો પ્રશ્ન એ હતો કે આ પાણી ક્યાંથી આવશે.

હવે એ પ્રશ્ન પણ ગંભીર બન્યો છે કે આ વપરાયેલું પાણી ક્યાં જશે, કારણ કે જો ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ, નવા રહેણાક પ્રોજેક્ટ અને ફ્રી ઝોનમાં ઉદ્યોગો સ્થપાય તો ત્યાંના પાણીનો પણ નિકાલ કરવો પડે.