ભારતના આધુનિક અને ફાઇટર ડ્રૉનનાં નિશાના પર કોણ છે?

    • લેેખક, નિયાઝ ફારુકી
    • પદ, બીબીસી ઉર્દૂ, દિલ્હી

જાન્યુઆરી 2018માં ઉત્તર પશ્ચિમ સીરિયામાં રશિયા પ્રશાસિત ખમીમ સૈન્ય મથક પર વિદ્રોહીઓના હુમલાના કેટલાંક દિવસો બાદ એ જ જગ્યા પર એક સાથે 13 ડ્રૉને હુમલો કર્યો.

યુદ્ધ ઇતિહાસમાં આ પ્રકારનો આ પહેલો હુમલો હતો, જેમાં એક સાથે ડ્રૉનના જથ્થાએ હુમલો કર્યો હતો.

રશિયાની સેનાએ એમાંથી 7 ડ્રૉનને તોડી પાડ્યાં અને બાકીના 6ને તેમણે જામ કરી દીધાં હતાં. આ હુમલામાં જાનમાલને કોઈ નુકસાન નહોતું થયું, પરંતુ એ ઘટનાક્રમ ચિંતાજનક હતો.

ખમીમનો હુમલો એક વિદ્રોહી જૂથ તરફથી કરવામાં આવ્યો હતો, પરંતુ હવે રશિયા અને યુક્રેન જેવી પારંપરિક સૈન્ય શક્તિઓ પણ દુશ્મનને નિશાન બનાવવા માટે ‘સ્વાર્મ ડ્રૉન’ એટલે કે ડ્રૉનના સમૂહનો ઉપયોગ કરી રહી છે.

સ્વાર્મ ડ્રૉન શું છે?

ડ્રૉન નાનકડું માનવરહિત ઉડતું ઉપકરણ હોય છે જેને ‘યુએવી’ (અનમૅન્ડ એરિયલ વ્હીકલ) કહેવામાં આવે છે. તે વિમાન જેવા આકારનું પણ હોઈ શકે છે.

તે અપેક્ષિત રીતે સસ્તા હોય છે અને તેને વાપરવાં પણ સરળ હોય છે. તેમાં એવી ક્ષમતા હોય છે જે પારંપરિક યુદ્ધ શૈલીને સંપૂર્ણ રીતે બદલી શકે છે. તે સામાન અને હથિયારો લઈ જવામાં સક્ષમ હોય છે, કેટલાક ડ્રૉન એવાં પણ હોય છે, જે ટાર્ગેટ સાથે અથડાઈને એને નષ્ટ કરી દે છે.

જોકે ખમીમ ઍરબૅઝ પર થયેલા હુમલા માટે વાપરવામાં આવેલાં ડ્રૉન, ડિઝાઇનની દૃષ્ટિએ પ્રાથમિક શૈલીનાં હતાં. પરંતુ તે યુદ્ધના એક ભવિષ્યનાં પ્રતીક હતાં, જેમાં એકથી વધુ ડ્રૉન એકબીજાના સહયોગ અને સામંજસ્ય સાથે ટાર્ગેટ પર હુમલો કરે છે અને મનુષ્યના હસ્તક્ષેપ વગર અસામાન્ય ઝડપે કામ કરે છે.

રક્ષા પ્રણાલીની ભાષામાં આ પ્રકારનાં ડ્રૉન અથવા યુએવી હુમલાને સ્વાર્મ ડ્રૉન કહેવામાં આવે છે. તેમાં ડ્રૉનનો એક સમૂહ જેમાં 10 અથવા 100 અથવા ક્યારેક 1 હજાર ડ્રૉનથી વધુ ડ્રૉન સામેલ હોય છે, તેને એક સાથે ઉડાણ ભરાવીને લક્ષ્યને નિશાન બનાવવામાં આવે છે.

તેમાં દરેક ડ્રૉન સ્વતંત્રરૂપે કામ કરવાની સાથે સાથે સમૂહનાં અન્ય ડ્રૉન સાથે એ રીતે તાલમેલ રાખે છે કે દરેક પળે તે મનુષ્ય (ઑપરેટર)ના હસ્તક્ષેપ વગર પોતાના કામને પ્રભાવક રીતે પાર પાડી શકે છે.

ડ્રૉન ક્ષેત્રે ભારત ભવિષ્યમાં શું કરવા માગે છે?

ભારતની રક્ષા સંસ્થાઓ તકનિકમાં થઈ રહેલા બદલાવોથી સંપૂર્ણ રીતે પરિચિત છે.

સીરિયામાં થયેલી ઘટનાનો ઉલ્લેખ કરતા 2021માં એ સમયના સેના અધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું હતું, “કમ્પ્યૂટર અલ્ગોરિધમ પર આધારિત ડ્રૉનના આક્રમક ઉપયોગે યુદ્ધ દરમિયાન પારંપરિક સૈનિક હાર્ડવેરને પડકાર આપ્યો, જેમ કે ટૅન્ક, તોપખાના અને ભૂમિદળ.”

તેમનું કહેવું હતું, “ડ્રૉનનો ઉપયોગ પહેલા સીરિયાના શહેર ઇદલિબ અને પછી આર્મેનિયા – અજરબૈજાનનાં યુદ્ધમાં થયો હતો.”

તેમણે એ પણ કહ્યું હતું કે મહત્ત્વપૂર્ણ સંયંત્રો પર હુમલો રોકવા માટે ભારત ડ્રૉનના આક્રમક ઉપયોગ તથા ડ્રૉન વિરોધી પ્રણાલી એમ બંને પર કામ કરી રહ્યો છે.

હાલના વર્ષોમાં ભારતમાં જે પગલાં લેવામાં આવ્યાં છે, તેનાથી આ જ સંકેતો મળે છે.

ભારત સરકારે પોતાની ડ્રૉન નીતિને એક સ્વતંત્ર રૂપ આપ્યું છે, ડ્રૉનની સ્થાનિક સ્તર પર તૈયારી માટે સરકારે 2022-2023ના બજેટમાં 120 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને ડ્રૉન બનાવવાની ક્ષમતાને વધારવા માટે ભારતે ખાનગી કંપનીએ સાથે પણ સહયોગ કર્યો છે.

આ સરકારની 2030 સુધી ભારતને ડ્રૉનનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાની કોશિશનો ભાગ છે.

ભારતીય વાયુસેના માટે સ્વાર્મ ડ્રૉન તૈયાર કરનારી એક કંપની ‘ન્યૂઝ સ્પેસ’ના સંસ્થાપક સમીર જોશી કહે છે કે સ્વાર્મ ડ્રૉન જ યુદ્ધનું ભવિષ્ય છે અને ભારત પણ એમાં ભાગીદારીની કોશિશ કરી રહ્યો છે.

ડ્રૉન સ્ટાર્ટઅપને ભારતમાં પ્રોત્સાહન

‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમ હેઠળ સરકાર આવા સ્ટાર્ટઅપ્સને મદદ કરી રહી છે, જે નવી તકનિક લાવવામાં કોશિશ કરી રહી છે.

આ કોશિશ હેઠળ ભારતે 2018માં એક ડ્રૉન સ્ટાર્ટઅપ ઍવૉર્ડ શરૂ કર્યો, જેને પહેલી વાર સમીર જોશીની ‘ન્યૂઝ સ્પેસ’ કંપનીએ જીત્યો હતો.

સમીર જોશીએ એક ઍર શૉ દરમિયાન રક્ષા ડ્રૉનની વાત કરતી વખતે કહ્યું હતું, "વર્ષ 2018માં ભારતમાં 50થી 60 સ્ટાર્ટઅપ્સ એક હજાર ડ્રૉન ઑર્ડર માટે સ્પર્ધા કરી રહ્યાં હતાં. હવે અઢી હજાર ડ્રૉન ઑર્ડર માટે 200 કંપની છે. આ વિગતો ડ્રૉનના ઉપયોગ અને એની માગમાં વૃદ્ધિ દર્શાવે છે."

આ સમારોહને સંબોધિત કરતા ડ્રૉન સ્ટાર્ટઅપ ‘આઇડિયા ફૉર્સ’ નામની કંપનીના સીઈઓ અંકિત મહેતાએ એ જણાવ્યું કે ભારતનું રક્ષાક્ષેત્ર હવે ડ્રૉનના વપરાશને ગંભીરતાથી જોઈ રહ્યું છે.

તેમણે કહ્યું હતું, “હું એક રીતે ડ્રૉનના નિયમોની અવગણના કરવાથી લઈને તેને નકારવા અને પછી એના સમર્થન બાદ એનો સ્વીકાર થવા સુધીના બદલાવનો સાક્ષી રહ્યો છું.”

મેહતાના સ્ટાર્ટઅપે 2009માં બોલીવૂડ બ્લૉકબસ્ટર ફિલ્મ 3 ઇડિયટ્સમાં ઉપયોગમાં લેવાયલા વર્ટિકલ ડ્રૉનનો પ્રોટોટાઇપ બનાવ્યો હતો. હવે ભારતીય સેના તેમની કંપનીએ બનાવેલાં ડ્રૉનનો ચીન સાથેની લાઇન ઑફ કંટ્રોલ સરહદ પર ઉપયોગ શરૂ કરી રહી છે.

સેનાએ તેમની કંપની સાથે ઊંચાઈ પર ઊડી શકે અને ઊભી દિશામાં ઉડાણ ભરી શકતાં ડ્રૉન ઉપલબ્ધ કરાવવા માટે કેટલાક કરારો પણ કર્યાં છે, જે સરહદી ક્ષેત્રોમાં નિગરાની માટે સેના માટે એક કારગત હથિયાર પુરવાર થઈ શકે છે.

આ ડ્રૉન સંભવતઃ અત્યંત ઊંચાઈ પર શૂન્યથી પણ નીચા તાપમાનમાં પણ ઊડી શકે છે અને લાંબો સમય સુધી આકાશમાં દુશ્મન સૈન્ય દ્વારા પકડાયા વિના પોતાનું કામ પાર પાડી શકે છે.

તેમની કંપનીનાં ડ્રૉનને સિવિલ કામની સાથે સાથે કાશ્મીરમાં ચરમપંથીઓને શોધવા માટે પણ વાપરવામાં આવી ચૂક્યાં છે.

ભારતમાં ડ્રૉન વિષયક તૈયારીઓ કેવી છે?

ભારતનો સ્થાનિક ડ્રૉન કાર્યક્રમ અમેરિકન ડ્રૉનના ઉપયોગથી શરૂ થયો હતો. આ ડ્રૉનની મદદથી ભારતના ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ ‘લક્ષ્ય’ નામનું ડ્રૉન તૈયાર કર્યું છે, જે મનુષ્યની દૃષ્ટિક્ષમતા કરતાં પણ વધુ અંતર સુધી જોઈ શકે છે.

ત્યાર પછી ડીઆરડીઓ દ્વારા ‘નિશાંત’ અને ‘ગગન’ જેવા કેટલાક શૉર્ટ રૅન્જના ડ્રૉન પણ તૈયાર કર્યા જેમાં હાઈ રેઝલ્યૂશન થ્રીડી તસવીરો બનાવવાની ક્ષમતા છે. આ જ રીતે ‘રુસ્તમ 2’ ખુદ જ લૅન્ડિંગની ક્ષમતા ધરાવે છે અને તે નિગરાની તથા જાસૂસી બંને માટેનું એક શ્રેષ્ઠ ડ્રૉન છે.

જોકે, ભારતે સૌથી વધુ ડ્રૉન ઇઝરાયલ પાસેથી આયાત કર્યાં છે. ભારતે પહેલી વખત ઇઝરાયલ પાસેથી 1998માં ડ્રૉન આયાત કર્યું હતું.

ફેડરેશન ઑફ ઇન્ડિયન ચૅમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ (ફિક્કી) અનુસાર ભારતમાં ડ્રૉનના ઉત્પાદનની ક્ષમતા 2025 સુધી 4.2 અબજ ડૉલર્સની થઈ જશે અને વર્ષ 2030 સુધી તેની ક્ષમતા 23 અબજ ડૉલર્સ સુધી પહોંચી જશે.

પરંતુ નિષ્ણાતો માને છે કે ડ્રૉન ઉત્પાદનમાં થનારું વિસ્તરણ મોટાભાગે સરકારની નીતિઓ પર નિર્ભર કરશે. હાલ સરકારે રિસર્ચ અને સુરક્ષાના હેતુ સિવાયના અન્ય હેતુઓ માટે અન્ય દેશોમાંથી તમામ પ્રકારનાં ડ્રૉનની આયાત કરવા પર પ્રતિબંધ લગાવેલ છે. જેથી ભારતમાં તેના ઉત્પાદનને પ્રોત્સાહન મળી શકે.

‘ભારત 2030 સુધી ડ્રૉન ઉત્પાદનનું કેન્દ્ર બનવા માગે છે’

ભારતનાં ડ્રૉનની ક્ષમતા, સ્થાનિક સ્તરે હોય કે પછી આયાત થયાં હોય, મૂળ ઓછી અને મધ્ય ઊંચાઈ સુધી ઊડી શકતાં ડ્રૉન સુધી જ મર્યાદિત છે.

વધુ ઊંચાઈ પર ઉડાણ ભરવાની ક્ષમતા ધરાવતાં આધુનિક ડ્રૉન માટે ભારતે બીજા દેશો પર નિર્ભર રહેવું પડે છે.

તાજેતરના અમેરિકા પ્રવાસ વેળા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 31 પ્રિડેટર ડ્રૉન માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. આ ડ્રૉન વધુ ઊંચાઈ પર કામ કરે છે, તેને ‘હાઈ ઍલ્ટિટ્યૂડ લૉંગ ઍન્ડ્યૂરન્સ ડ્રૉન કહેવામાં આવે છે.’

રક્ષાક્ષેત્રના નિષ્ણાત બ્રિગેડિયર (નિવૃત્ત) રાહુલ ભોંસલે આ વાત પર પ્રકાશ પાડતા કહે છે કે ભારત પાસે આ પ્રકારનાં ડ્રૉન સ્થાનિક રીતે બનાવવાનો કોઈ વિકલ્પ નથી અને ન તો કોઈ બીજા દેશ સાથે એ બનાવવા માટે સમજૂતી કરેલી છે.

તેઓ કહે છે, “જ્યાં સુધી તેની નિગરાનીની ક્ષમતાનો સવાલ છે, તો આ ડ્રૉન અત્યાર સુધીનાં સૌથી શ્રેષ્ઠ ડ્રૉન છે. નિગરાની સિવાય તે ટાર્ગેટને નિશાન બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે.”

જમ્મુ ઍરબૅઝ પર વર્ષ 2021માં ડ્રૉન હુમલાનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે, “જમ્મુ પછી અમે ઘણાં ડ્રૉન અવરોધક ડ્રૉન તૈયાર કર્યાં છે. મને વિશ્વાસ છે કે ભારતીય વાયુસેનાએ એને તહેનાત કરી દીધા છે.”

ભારત અને એના પાડોશી દેશોમાં શું સ્થિતિ છે?

ચીન અને પાકિસ્તાન સાથે ભારતના સંબંધો તણાવપૂર્ણ રહે છે પરંતુ જો ચીનની ક્ષમતાઓની વાત કરીએ તો તેણે પોતાની સ્થાનિક ડ્રૉન ઉત્પાદન સિસ્ટમ તૈયાર કરી લીધી છે.

સમીર જોશી કહે છે, “2000ના દાયકાની શરૂઆતમાં ચીને નિર્ણય કર્યો હતો કે જે પણ તેમની પાસે છે તે વધુ સારું નથી પરંતુ તેઓ જે ઇચ્છે છે, તે સારું અને એકદમ અજોડ હોય. ચીન જે ઇચ્છતું હતું, તેણે તેના પર કામ કરી દીધું. ગત 20 વર્ષોમાં તેમણે બધું જ બદલી નાખ્યું.”

જોકે, યુદ્ધની સ્થિતિમાં ઉપયોગ નહીં હોવાથી ચીનનાં સ્થાનિક ડ્રૉનની ક્ષમતાનો અંદાજો લગાવવો મુશ્કેલ છે, પરંતુ એ સ્પષ્ટ છે કે તેણે ડ્રૉનની એક રૅન્જ તૈયાર કરી છે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને એને તૈયાર કરી રહ્યું છે.

આ જ રીતે પાકિસ્તાન પાસે ચીન અન તુર્કીની મદદથી મળેલાં ડ્રૉન છે. તુર્કીથી મળેલાં ડ્રૉન કેટલાં પ્રભાવી છે, તે અઝરબૈજાન-આર્મેનિયા અને યુક્રેન-રશિયા જેવા યુદ્ધોમાં સ્પષ્ટ થઈ ગયું છે.

ભોંસલે કહે છે, “ઇઝરાયલ અને અમેરિકી ડ્રૉન આપણને પાકિસ્તાન અને કેટલીક હદે ચીન પર પણ સરસાઈ અપાવે છે કેમ કે તેમનો યુદ્ધમાં ઉપયોગ થઈ ચૂક્યો છે.”

શું ભારત ડ્રૉન બનાવવાનું વૈશ્વિક કેન્દ્ર બની શકે છે?

એક એવા ઉદ્યોગમાં પગ જમાવવા જ્યાં અમેરિકા અને ચીનનું વર્ચસ્વ છે. હવે તુર્કી અને ઈરાન જેવી વિકસી રહેલી શક્તિઓ પણ જે ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહી છે. ભારત સમીર જોશી અને મહેતા જેવા લોકો પર નિર્ભર છે.

ભારતમાં સ્થાનિક સ્તરે ડ્રૉન બનાવતાં એમાં આવનારી મુશ્કેલીઓ વિશે જણાવે છે. આ મુશ્કેલીમાં સૉફ્ટવેરનું લાયસન્સ અને ભવિષ્યના ડ્રૉનમાં ઉપયોગ થનારા હાર્ડવેરની આયાત જેવા પડકારો સામેલ છે.

જોકે, એ સરકાર તરફથી કરવામાં આવેલી કોશિશની પ્રશંસા પણ કરે છે, પરંતુ કહે છે કે આ ક્ષેત્રમાં ફંડિગની સમસ્યાઓ સતત રહેતી હોય છે.

રક્ષા અને આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાત કમર આગાનું કહેવું છે કે દુનિયાભરમાં ભારતનો એક મોટો ટેકનિકલ વર્ગ પ્રસરેલો છે, જે ડ્રૉન ઉદ્યોગ માટે લાભકારી સાબિત થઈ શકે છે. તેમનું કહેવું છે કે આ હેતુઓ માટે ભંડોળ શોધવું અત્યંત મુશ્કેલ કામ છે.

તેઓ કહે છે, “હવે તકનિક પર કોઈ એકનો જ અધિકાર નથી. પરંતુ ભંડોળની વધુ જરૂર છે. જો સરકાર ભંડોળ ઉપલબ્ધ કરાવે છે, તો ભારતમાં ઘણી ક્ષમતા રહેલી છે.”

પરંતુ શું ભારતમાં ઉપલબ્ધ તકનિકી ક્ષમતાઓ એ પડકારોને પાર કરી શકે જેનો સામનો આ નવો ઉદ્યોગ સામનો કરી રહ્યું છે?

જ્યાં સમીર જોશી કહે છે કે ગત 2-3 વર્ષોથી સરકાર ઘણા ધ્યાન આપીને ડ્રૉનની તૈયાર કરનારાઓની વાત સાંભળી રહી છે. પરંતુ તેઓ કહે છે, “મારું માનવું છે કે અમને પહેલો સંકેત 2025થી 2027 વચ્ચે મળશે કે શું સરકાર ડ્રૉન સૅક્ટર માટે જે ઇચ્છે છે, અમે એના માટે તૈયાર છીએ કે નહીં.”