You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેનના હુમલામાંથી બચવા માટે રશિયાએ 'સરહદે' કેવી તૈયારીઓ કરી છે?
- લેેખક, ડેનિયલ પાલુમ્બો અને અર્વાન રિવોલ્ટ
- પદ, બીબીસી વેરિફાય
મજબૂત કિલ્લેબંધી ધરાવતો બીચ રિસોર્ટ. ટૅન્કો પસાર ન થઈ શકે તેવા ખાડાવાળો મુખ્ય રસ્તો. યુક્રેન સામે વળતા હુમલાની તૈયારી રશિયા કરી રહ્યું છે ત્યારે રશિયા દ્વારા કરવામાં આવેલી સંરક્ષણની વ્યાપક વ્યવસ્થાની વિગત બીબીસી વેરિફાય દ્વારા કરવામાં આવેલા સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણમાં બહાર આવી છે.
મહિનાઓ સુધીની મડાગાંઠ બાદનો અપેક્ષિત હુમલો યુક્રેન માટે નિર્ણાયક કસોટી સાબિત થવાની સંભાવના છે, કારણ કે પશ્ચિમના દેશો પાસેથી મળેલાં શસ્ત્રો વડે પોતે યુદ્ધક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા મેળવી શકે તેમ છે એ યુક્રેન પુરવાર કરવા માગે છે.
બીબીસીએ હજારો સેટેલાઇટ ઇમેજીસની ચકાસણી કરીને, ઑક્ટોબરથી દક્ષિણ યુક્રેનમાં ખાઈઓ તથા કિલ્લેબંધીના અન્ય નિર્માણમાંની કેટલીક મહત્ત્વની બાબતો શોધી કાઢી છે.
આ ચાર સ્થાન સૂચવે છે કે રશિયા કેવા વળતા હુમલાની આશા રાખે છે અને યુક્રેનનાં દળોએ કેવા પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે.
1. ક્રાઇમિયાનો પશ્ચિમી કિનારો
રશિયા દ્વારા 2014માં કબજે કરવામાં આવેલું ક્રાઇમિયા અગાઉ તેના બીચ રિસોર્ટ્સ માટે વિખ્યાત હતું.
25 કિલોમીટર લાંબા આ દરિયાકિનારા પર સન લાઉન્જર્સ અને પેરાસોલ્સને બદલે હવે રશિયન સૈનિકો દ્વારા ઊભું કરવામાં આવેલું સંરક્ષણ માળખું જોવા મળે છે.
નીચેની તસવીર પશ્ચિમ કિનારા પરનો ખડકો કે ટેકરીઓ વિનાનો એકમાત્ર ખુલ્લો રેતાળ બીચ દર્શાવે છે.
અહીં સૌપ્રથમ તો કિનારા પર ડ્રેગન ટીથ જોવા મળે છે. તે કૉંક્રિટના પિરામિડ આકારના બ્લૉક્સ છે અને તેની રચના ટૅન્ક અને બીજાં લશ્કરી વાહનોનો માર્ગ અવરોધવા માટે કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેની પાછળ ખાઈ જે મોટા ખાડાઓ છે, તે હુમલા સામે રક્ષણ આપવાના હેતુસરના છે. ખાડાઓની સાથે કેટલાંક બન્કરો પણ જોવા મળે છે.
કાંઠા પરના લાકડાના ઢગલા, જમીન ખોદવાનાં મશીનો અને ડ્રેગન્સ ટીથની સામગ્રી સૂચવે છે કે માર્ચમાં આ ફોટોગ્રાફ લેવામાં આવ્યો ત્યારે નિર્માણકાર્ય ચાલુ હતું.
કેટલાક લશ્કરી નિષ્ણાતો સૂચવે છે કે યુક્રેનના નૌકાદળની ક્ષમતા મર્યાદિત છે. તેથી આ વ્યવસ્થા સાવચેતીના ભાગરૂપે કરવામાં આવી હોય તેવી શક્યતા છે. તે યુક્રેન દ્વારા સમુદ્રમાર્ગે સંભવિત હુમલા સામેની રશિયાની બચાવની વ્યવસ્થાનો સંકેત નથી.
ઇન્ટેલિજન્સ એનલિસ્ટ લયલા ગેસ્ટ કહે છે, “આ કિલ્લેબંધી, જમીનને બદલે સમુદ્રમાર્ગે યુક્રેનને ક્રાઇમિયા પર કોઈ સાહસિક હુમલો કરતું અટકાવવા માટે કરવામાં આવી હોય તેવી શક્યતા છે.”
દરિયાકિનારા પરની કિલ્લેબંધી મોટા ખાડાઓનું વિશાળ નેટવર્કનું એક ઉદાહરણ છે. ઓપન સોર્સ એનલિસ્ટ બ્રેડી અફ્રિકના કામના આધારે તે નીચેના નકશામાં કાળાં બિંદુઓ દ્વારા દર્શાવવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પરના વીડિયો મારફત મોટા ખાડાઓના ચોક્કસ સ્થળની ઓળખ વડે બીબીસી વેરિફાય કિલ્લેબંધીનાં મુખ્ય સ્થળોની ભાળ મેળવી શક્યું છે.
એક વખત ચોક્કસ સ્થાન મળી ગયા પછી ખાડાઓના સમગ્ર નેટવર્કની ભાળ સેટેલાઇટ ઇમેજીસ દ્વારા મેળવવાનું આસાન બની ગયું હતું.
ટોકમાક
નાનકડું ટોકમાક શહેર દેશના દક્ષિણ-પૂર્વમાં વિસ્તારમાંના એક મહત્ત્વના માર્ગ પર આવેલું છે. યુક્રેનનાં દળો તેનો ઉપયોગ ક્રાઇમિયાને રશિયા હસ્તકના અન્ય વિસ્તારોથી અલગ પાડવા માટે કરી શકે છે.
શહેરને લશ્કરી કિલ્લો બનાવવા માટે યુક્રેનના નાગરિકોને અન્યત્ર મોકલી આપવામાં આવ્યા હોવાના અહેવાલ છે. તેનાથી સૈનિકોને પૂરવઠો આસાનીથી ઉપલબ્ધ થશે અને તેમને પીછેહઠમાં પણ આધાર મળશે.
ઉપરોક્ત સેટેલાઇટ ઇમેજ દર્શાવે છે કે ટોકમાકની ઉત્તરે બે લાઇનમાં મોટા ખાડાઓ ખોદવામાં આવ્યા છે. યુક્રેન તે દિશામાંથી હુમલો કરી શકે છે.
આ ખાડાઓની પાછળ શહેરની કિલ્લેબંધીની વધુ એક હરોળ છે. તેમાં સંરક્ષણની ત્રી-સ્તરીય વ્યવસ્થા છે, જે સેટેલાઇટ ઇમેજના ક્લોઝ-અપમાં જોઈ શકાય છે.
ઉપરની સેટેલાઇટ ઇમેજમાં ટૅન્ક-વિરોધી ખાડાઓ જોવા મળે છે. આ ખાડા સામાન્ય રીતે અઢી મીટર ઊંડા હોય છે અને તેનો હેતુ આગળ વધવાનો પ્રયાસ કરતી શત્રુ દેશની ટૅન્કોને તેમાં ફસાવવાનો હોય છે.
ખાડાઓની પાછળ ડ્રેગન્સ ટીથની અનેક હરોળ જોવા મળે છે અને તેના પછી બીજા સંખ્યાબંધ ખાડાઓ દેખાય છે.
યુક્રેનનાં દળોએ બીજાં છટકાંઓનો સામનો પણ કરવો પડે તે શક્ય છે.
સેન્ટર ફૉર સ્ટ્રેટેજિક ઍન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના માર્ક કેન્સિયનના જણાવ્યા મુજબ, ટોકમાકની ત્રણ સંરક્ષણ હરોળની વચ્ચે સુરંગ બિછાવવામાં આવી હોય તેવી શક્યતા પ્રબળ છે.
માર્ક કહે છે, “માઇનફિલ્ડ્ઝ એટલે કે સુરંગ દરેક સંરક્ષણ વ્યવસ્થાનો અનિવાર્ય હિસ્સો હોય છે અને રશિયાએ સમગ્ર યુદ્ધ દરમિયાન તેનો વ્યાપક ઉપયોગ કર્યો છે.”
તેમણે ઉમેર્યું હતું કે “આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં અને સારી રીતે સુરંગ બિછાવવામાં આવી હશે. તેનાથી યુક્રેનનો હુમલો ધીમો પડી જશે અને રશિયન આર્ટિલરી અને પાયદળને હુમલાખોર દળો પર વળતો પ્રહાર કરવામાં મદદ મળશે.”
ટોકમાક નજીકનાં અન્ય ત્રણ નગરની પણ આ રીતે જ કિલ્લેબંધી કરવામાં આવી હોવાનું બીબીસી વેરિફાયએ શોધી કાઢ્યું હતું.
ઈ-105 હાઈવે
ટોકમાકની પશ્ચિમે આવેલા મુખ્ય ઈ-105 હાઈવેની સમાંતરે 35 કિલોમીટર સુધી શ્રેણીબદ્ધ ટૅન્ક-વિરોધી ખાડાઓ જોવા મળે છે.
ઈ-105 હાઈવે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો છે. તે દક્ષિણમાં રશિયા હસ્તકના મેલિટોપોલને યુક્રેન દ્વારા કબજે કરવામાં આવેલા ઉત્તરના શહેર ખાર્કિએવ સાથે જોડે છે. આ હાઈવે પર જેનો કબજો હોય તેનું સૈન્ય આ પ્રદેશમાં આસાનીથી હેરફેર કરી શકે છે.
યુક્રેનનાં દળો આ માર્ગના ઉપયોગનો પ્રયાસ કરશે તો રશિયા પોતાની સંરક્ષણ હરોળ પાછળથી તેના પર જોરદાર બૉમ્બમારો કરશે. ટી-401 નામનો નજીકનો એક અન્ય માર્ગ પણ રશિયન દળોની રેન્જમાં છે. તેઓ તેને પણ નિશાન બનાવી શકે છે.
કેન્સિયન કહે છે, “યુક્રેને તાજેતરમાં તેના બખ્તરિયા એકમને મજબૂત બનાવ્યું છે અને રશિયા તેનાથી ચિંતિત છે. આ યુનિટ મુખ્ય હાઈવે પર પહોંચી જાય તો બહુ ઝડપથી આગળ વધી શકે છે. રશિયાનો હેતુ તેમને માર્ગથી દૂર રાખવાનો અને તેમની ગતિ ઘટાડવાનો છે.”
મારિયુપોલની ઉત્તરે આવેલું રિવ્નોપિલ
મારિયુપોલ બંદર પૂર્વ તથા દક્ષિણે ક્રાઇમિયા વચ્ચેના રશિયા હસ્તકના પ્રદેશો વચ્ચેના વ્યૂહાત્મક સ્થળે આવેલું છે. આ શહેરને ઘેરી લેવામાં આવ્યું ત્યારે તે આક્રમણ સામેના પ્રતિકારનું પ્રતીક બન્યું હતું.
યુક્રેન તેને ફરી કબજે કરવાના પ્રયાસ કરશે તેવું રશિયા માનતું હોવાથી બીબીસી વેરિફાયએ શહેરની આસપાસના પ્રદેશો પર નજર નાખી ત્યારે ત્યાં ચારેય બાજુ મોટા શ્રેણીબદ્ધ ખાડાઓ જોવા મળ્યા હતા.
મારિયુપોલની ઉત્તરે આશરે 55 કિલોમીટર દૂર આવેલા નાનકડા રિવ્નોપિલ ગામની નજીકના વર્તુળાકારમાં ફેલાયેલા ખાડાઓની મધ્યમાં માટીનો ઢગલો જોવા મળ્યો હતો. સશસ્ત્ર દળોની સલામતી માટે કે બંદુકોને સ્થિર રાખવા માટે તેવું કરવામાં આવ્યું હોય તે શક્ય છે.
વર્તુળાકાર ખાડાઓમાં સૈનિકો આડશ લઈ શકે છે અને સશસ્ત્ર દળો કોઈ પણ દિશામાં ગોળીબાર કરી શકે છે. તે દર્શાવે છે કે પહાડ અને નદીઓ જેવા કુદરતી રક્ષણના અભાવે રશિયાએ મેદાની વિસ્તારમાં મોટા શ્રેણીબદ્ધ ખાડાઓ વડે પોતાના બચાવની તૈયારી કરી છે.
જોકે, કેટલાક વિશ્લેષકો નોંધે છે કે આવી સંરક્ષણ વ્યવસ્થાની ભાળ મેળવવા અને તેને બાયપાસ કરવા યુક્રેનનાં દળો પણ સેટેલાઇટ ઇમેજીસ અને ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરી શકે છે.
વ્યૂહાત્મક સલાહકાર કંપની સિબીલિન લિમિટેડના ઍલેકઝાન્ડર લૉર્ડ કહે છે, “આ પરિસ્થિતિમાં રશિયાનાં દળો યુક્રેનના સૈન્યને મોટા પ્રમાણમાં સુરંગ બિછાવવામાં આવી છે તેવા અને રશિયન સશસ્ત્ર દળો દ્વારા પૂર્વ-લક્ષિત માર્ગો પર હાંકી કાઢવાના પ્રયાસ કરશે.”
સેટેલાઇટ ઇમેજીસમાં સ્પષ્ટ સંરક્ષણ વ્યવસ્થા જોવા મળે છે, પરંતુ તે રશિયાની યોજનાનો વ્યૂહાત્મક હિસ્સો હોઈ શકે છે.
(પૂરક માહિતીઃ ટોમ સ્પેન્સર)