જી20માં આફ્રિકન યુનિયન સામેલ કરવાનો યશ લેવા માટે ભારત અને ચીન વચ્ચે સ્પર્ધા કેમ છે?

    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

જી20માં આફ્રિકન યુનિયનને સામેલ કરી દેવામાં આવ્યું છે. શનિવારે નવી દિલ્હીમાં શરૂ થયેલા જી20 સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું એલાન કર્યું.

જી20 સંમેલન પહેલા ઘોષણાપત્ર પર કામ કરી રહેલા સભ્યદેશોના શેરપાઓની બેઠકમાં તેની ચર્ચા થઈ હતી.

જી20 સંમેલનમાં 55 દેશોના સંઘ આફ્રિકન યુનિયનને આ સંગઠનની સદસ્યતા મળી ગઈ છે. તેને ગ્લોબલ સાઉથનું નેતૃત્વ કરવાની ભારતની મહત્ત્વાકાંક્ષાની નવી તાકત માનવામાં આવે છે.

ભારત હવે આ મામલે શ્રેય લઈ શકે છે કે તેની યજમાનીમાં થયેલા જી20 સંમેલનમાં આફ્રિકન યુનિયનને જી20ની સદસ્યતા આપવામાં આવી.

55 દેશોના આફ્રિકી દેશોના સંગઠન આફ્રિકન યુનિયનને જી20ની સદસ્યતા અપાવવાની કોશિશોમાં ભારત અને ચીન વચ્ચે ગ્લોબલ સાઉથના નેતા બનવાની હોડ તરીકે પણ જોવાઈ રહી છે.

આ જ કારણ છે કે ચીન આ દાવો કરે છે કે સૌથી પહેલા તેણે આફ્રિકન યુનિયનને જી20માં સામેલ કરવાની માગ ઉઠાવી હતી. રશિયા પણ આફ્રિકન યુનિયનને જી20માં સામેલ કરવાનો શ્રેય લેવા માગે છે.

રશિયાના મીડિયામાં રશિયાના જી20 શેરપાના હવાલે કહેવાયું છે કે તેમનો દેશ આ માગ ઉઠાવનારા શરૂઆતના દેશોમાં સામેલ હતો.

ગ્લોબલ સાઉથના નેતા કોણ, ભારત કે ચીન?

ભારત, ચીન, બ્રાઝિલ, અને આફ્રિકાને ગ્લોબલ સાઉથ કહેવાય છે. આ કોઈ ભૌગોલિક વિભાજન નથી કારણકે ઑસ્ટ્રોલિયા અને ન્યૂઝિલૅન્ડ પણ દક્ષિણી ગોળાર્ધમાં છે પરંતુ તે ગ્લોબલ સાઉથનો હિસ્સો નથી.

નવી દિલ્હી સ્થિત થિંક ટેન્ક કાઉન્સિલ ફૉર સ્ટ્રેટજિક ઍન્ડ ડિફેન્સ રિસર્ચના ફાઉન્ડર હેપ્પીમોન જેકબના જણાવ્યા પ્રમાણે ગ્લોબલ સાઉથ એક ભૌગોલિક, ભૂ-રાજનૈતિક અને વિકાસ સાથે જોડાયેલો મુદ્દો છે. જોકે આ અવધારણાના કેટલાક અપવાદ પણ છે.

ગ્લોબલ સાઉથના નેતા બનવા માટે ચીન અને ભારત વચ્ચે હોડ ચાલી રહી છે. આફ્રિકન યુનિયનને જી20માં સામેલ કરવાની કોશિશનો શ્રેય લેવાની હોડ આ વાતનો પુરાવો છે કે સ્પર્ધા કેટલી મોટી છે.

હકીકતમાં ભારતની આઝાદી જ્યારે મળી ત્યારે ચીનનો ઉદય થઈ રહ્યો હતો. પરંતુ ભારત અને ચીનની નીતિઓમાં અંતર છે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ઍસોસિયેટ પ્રોફેસર અને ચીન મામલાના જાણકાર અરવિંદ યેલેરી બીબીસીને જણાવે છે, “ભારતની વિદેશ નીતિ સમાવેશી રહી છે જ્યારે ચીનની વિદેશ નીતિમાં નાના-મોટાનો ભાવ રહ્યો છે. જૂથનિરપેક્ષ દેશોના સંગઠનથી લઈને સાર્ક જેવા સંગઠન ભારતની આ નીતિના પુરાવા છે, પરંતુ ચીન આ પ્રકારના સંગઠનોથી દૂર રહ્યું.”

તેઓ કહે છે, “જ્યારે હવે ચીનને લાગે છે કે તે ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ અને ઓછા વિકસિત દેશોનું નેતૃત્વ કરી શકે છે તો તેની સામે ભારત સૌથી મોટા પ્રતિદ્વંદ્વી તરીકે ઊભેલું જોવા મળે છે. આ જ કારણ છે કે તે નેતૃત્વ કરવા માટે તે પોતાની નીતિઓને બદલવાની કોશિશ કરી રહ્યું છે.”

આફ્રિકામાં ભારત અને ચીનની હોડ?

વિશેષજ્ઞોનું માનવું છે કે આફ્રિકામાં ચીન અને ભારત બંને પહેલાથી જ ઉપસ્થિત છે.

ભારતની ઉપસ્થિતિ ત્યાં માત્ર રોકાણ કરવા કે ત્યાંના સંસાધનોના ઉપયોગ માટે નથી. જ્યારે ચીનની ઉપસ્થિતિ પોતાના કારોબારી ધ્યેયને કારણે છે. તે ત્યાં રોકાણ એટલા માટે કરે છે કે ત્યાંની કુદરતી સંપત્તિ પર તેની નજર છે. તે ઇચ્છે છે કે ગ્લોબલાઇઝેશનનો જે ફાયદો આફ્રિકા કરાવી શકે છે તેનો ઉપયોગ તે પોતાના ફાયદા માટે કરે.

ચીન બ્રિક્સ સંમેલન પહેલા અને બાદમાં પણ કહેતું રહ્યું છે કે તે આફ્રિકામાં સૌથી વધુ રોકાણ કરે છે તેથી તે તેમનો સૌથી શ્રેષ્ઠ મિત્ર છે. ભલે ચીન આફ્રિકાને જી20માં લાવવાનો શ્રેય લે પરંતુ યેલેરીની નજરમાં ચીનને આ શ્રેય લેવાનો અધિકાર નથી.

તેઓ કહે છે, “ભારતે ચીનથી પહેલા આફ્રિકામાં પોતાનો સૉફ્ટ પાવર વધારવાનો શરૂ કરી દીધો હતો. એવું કહેવું સદંતર ખોટું છે કે આફ્રિકાને આંતરરાષ્ટ્રીય સબંધોની મુખ્યધારામાં લાવવાનો શ્રેય ચીનને જાય છે. ભારતનો આફ્રિકા સાથે સબંધ ભૂ-રાજનૈતિક નથી. ચીનનો સબંધ ભૂ-રાજનૈતિક છે.”

ભારતે આફ્રિકામાં 1950, 60, 70ના દશકમાં પોતાના સબંધો બહેતર બનાવવા રોકાણ શરૂ કર્યું હતું. પરંતુ આ દરમિયાન ચીનનું વલણ તકવાદી હતું.

યેલેરી કહે છે, “જ્યારે ચીનને ખબર પડી કે આફ્રિકામાં ભરપૂર પ્રાકૃતિક સંપત્તિ છે ત્યારે તેણે ત્યાં રોકાણ શરૂ કર્યું.”

“જ્યારે કે ભારતે ત્યાં જમીનીસ્તર પર કામ કર્યું અને તેને હંમેશાં આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના ભાગીદાર અને સહયોગી તરીકે જોયું. ઘાના, તાંઝાનિયા, કોંગો અને નાઇજિરીયા જેવા દેશોમાં ભારતીય પેઢીઓ વર્ષોથી રહે છે. પરંતુ આ દેશમાં ચીની લોકો દ્વારા વસવાટ એટલો જૂનો નથી.”

યેલેરી કહે છે, “ચીનને લાગે છે કે જો ચીન આફ્રિકી દેશોનો ધ્વજ પોતાના ખભા પર લઈને ચાલશે તો તે ગ્લોબલ લીડર બની શકે છે. આ જ કારણ છે કે આફ્રિકાને તે સાથે લેવાની કોશિશ પર દાવેદારી ઠોકે છે.”

ભારતને જાપાનનું સમર્થન

ભારતના અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ'એ જાપાની કટારલેખકના હવાલે લખ્યું છે કે જાપાન ચીનની તુલનામાં ભારતને ગ્લોબલ સાઉથની કમાન સંભાળતું જોવા માગે છે.

જાપાનને લાગે છે કે તેના માટે પશ્ચિમી દેશોને ગ્લોબલ સાઉથના દેશો સાથે જોડવા માટે ચીનની તુલનામાં ભારત વધારે અનુકૂળ રહેશે. મે મહિનામાં થયેલી જી7ની બેઠકમાં જાપાને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હિરોશિમા બોલાવ્યા હતા. જેના પરથી ભારત પ્રત્યે જાપાનનું કેટલું સમર્થન છે તે જોઈ શકાય છે.

યેલેરી કહે છે, “જાપાન પણ આફ્રિકામાં પોતાનો પ્રભાવ વધારવા ઇચ્છે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આફ્રિકામાં જાપાનની મદદ વધી છે. ભારત જાપાનની સરખામણીએ આફ્રિકામાં વધુ જોડાયેલું છે. જાપાન જેવા દેશો ભારતની મદદથી આફ્રિકામાં પોતાની પહોંચ વધારવા માગે છે. જાપાનની નજરમાં આફ્રિકામાં ચીનનું વલણ અસ્થિર અને લેણદેણવાળુ છે. ઐતિહાસિકરીતે પણ જોઈએ તો જાપાનને ચીન પર વિશ્વાસ નથી. તેથી આફ્રિકામાં પણ જાપાન ભારત સાથે મળીને કામ કરવા માગે છે.”

યેલેરી કહે છે કે, "આફ્રિકના દેશો લગભગ નસ્લવાદની છાયામાંથી બહાર આવી ગયા છે. હવે તેઓ ઇચ્છે છે કે ત્યાં લોકતંત્ર વિકસે. પરંતુ ચીનને લઈને આશંકા છે. આ દેશોમાં ચીન મદદ માટે આગળ તો આવે છે પરંતુ તે લોકતંત્ર માટે સમર્થન નથી કરતું. તેથી આફ્રિકાના દેશો હવે ધીરે-ધીરે સમજી રહ્યા છે કે ચીનની તરફ વધારે ઝુકવાને કારણે લોકતંત્ર માટે ખતરો પેદા થઈ શકે છે."

આફ્રિકામાં યુરોપની છાયા અને તેની સામે એશિયાનું આકર્ષણ

યેલેરીના મત પ્રમાણે આફ્રિકામાં ઘણા દેશોમાં હજુ પણ ઉપનિવેશની છાયા છે. તેથી આ દેશોમાં વિકાસ નથી થયો. આફ્રિકાનો આંતરરાષ્ટ્રીય સંબંધ યુરોપ કેન્દ્રિય રહ્યો છે. જોકે યુરોપ અને અમેરિકા હજુ આફ્રિકાના દેશોને તેમના નિર્ભર રહે તેમ ઇચ્છે છે.

તેઓ કહે છે, “આફ્રિકાના દેશો હવે ઇટાલી, ફ્રાંસ અને જર્મનીથી અંતર જાળવવા માગે છે. તેમનો ઝુકાવ ભારત, ચીન અને જાપાન તથા અન્ય એશિયાઈ દેશો તરફ વધી રહ્યો છે. હવે મલેશિયા, સિંગાપુર અને ફિલિપીન્સ જેવા આસિયાન દેશો પણ આફ્રિકામાં રસ લેતા થયા છે.

યેલેરી કહે છે, “આફ્રિકાના દેશોની એશિયા સાથે સાંસ્કૃતિક સમાનતા છે. જ્યારે યુરોપિય દેશો ત્યાં હંમેશાં સોનું, હિરા, કિંમતી ધાતુઓ, પેટ્રોલ અને લાકડા માટે જાય છે. વિકાસની દૃષ્ટિએ જોઈએ તો આફ્રિકાના દેશો 50 વર્ષોમાં પણ યુરોપમાં નહીં બની શકે. 100 વર્ષમાં ભારત બની શકે છે. 150 વર્ષોમાં ચીન બની શકે છે. યુરોપ બનવા માટે તેમને કદાચ 200 વર્ષો લાગશે.”