પીએમ મોદીએ ઍરપૉર્ટ પર ઊતરવાનો ઇનકાર કર્યો? દક્ષિણ આફ્રિકામાં શું થયો વિવાદ?

દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં પૂર્ણ થયેલી બ્રિક્સની બેઠકમાં સામેલ થવા ગયેલા ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુદ્દે ત્યાંના મીડિયામાં કરાયેલા એક દાવાને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે.

દક્ષિણ આફ્રિકાના મીડિયામાં છપાયેલા સમાચારોમાં દાવો કરાઈ રહ્યો છે કે પીએમ મોદીનું પ્લેન જ્હોનિસબર્ગ ઍરપૉર્ટ પર લૅન્ડ થયું તો તેઓ બહાર ન નીકળ્યા, કેમ કે તેમના સ્વાગત માટે એક કૅબિનેટ મંત્રીને મોકલવામાં આવ્યા હતા.

સમગ્ર વિવાદ પર ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીની પ્રતિક્રિયા આવી છે.

અરિંદમ બાગચીએ ગુરુવારે સાપ્તાહિક પત્રકારપરિષદમાં આ વિવાદ સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં કહ્યું "આ સંપૂર્ણ ખોટું છે. સાચું કહું તો આ કોઈની કોરી કલ્પનાનું પરિણામ છે. દક્ષિણ આફ્રિકાની સરકારે પણ આ દાવાને ફગાવી દીધો છે. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ ઍરપૉર્ટ પર હતા અને તેમણે પીએમ મોદીની આગેવાની કરી હતી. અમે ખુશ છીએ કે તેમણે પીએમ મોદીની આગેવાની માટે ઍરપૉર્ટ સુધી આવવાનો કષ્ટ કર્યો. આ સંપૂર્ણ રીતે કાલ્પનિક છે."

23 ઑગસ્ટે દક્ષિણ આફ્રિકાની ન્યૂઝ વેબસાઇટ ડેલી મેવેરિકમાં એક અહેવાલ છપાયો હતો, જેનું શીર્ષક હતું - મુશ્કેલ પ્રેમકહાણી : રામાફોસાનું ધ્યાન શી જિનપિંગ પર હતું. મોદીએ નારાજગી દર્શાવી અને પ્લેનમાંથી ઊતરવાનો ઇનકાર કરી દીધો.

દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિના પ્રવક્તાએ પણ મેવરિકના અહેવાલને ફગાવી દીધો છે અને કહ્યું છે કે એવી કોઈ સ્થિતિ નહોતી બની.

દક્ષિણ આફ્રિકાની સરકારે કહ્યું કે બ્રિક્સ દેશના બધા જ સભ્યોને એની જાણકારી પહેલેથી જ આપી દેવામાં આવી હતી કે રાષ્ટ્રના અધ્યક્ષોનું સ્વાગત કોણ કરશે.

રિપોર્ટમાં અખબારે લખ્યું કે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ ચીની રાષ્ટ્રપતિને વધુ મહત્ત્વ આપ્યું અને મોદીના સ્વાગત માટે એક મંત્રીને મોકલ્યા, જેના કારણે દક્ષિણ આફ્રિકા પહોંચેલા ભારતીય પીએમ મોદીએ પ્લેનમાંથી ઊતરવાનો ઇનકાર કરી દીધો.

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની આગેવાનીમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ખુદ પહોંચ્યા હતા.

અખબારે લખ્યું કે સિરિલ રામાફોસાએ શી જિનપિંગને ઑર્ડર ઑફ સાઉથ આફ્રિકાથી નવાજ્યા જે ત્યાંનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ દરમિયાન બન્ને નેતાના સાથે કાર્યક્રમો યોજાવાના હતા.

ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાના મીડિયામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે સિરિલ રામાફોસા, શી જિનપિંગની આગેવાનીમાં વ્યસ્ત હતા અને વૉટરફ્લૂફ ઍરફૉર્સ બૅઝ પર પહોંચેલા મોદીને રિસીવ કરવા માટે પોતાના એક કૅબિનેટ મંત્રીને મોકલ્યા.

આ અહેવાલમાં દાવો કરાયો કે પીએમ મોદી ઍરપૉર્ટ પર કૅબિનેટ મંત્રીની આગેવાનીથી ખુશ નહોતા.

રિપોર્ટમાં દાવો કરાયો કે આ મુદ્દે ચર્ચા શરૂ થઈ તો રામાફોસાને ઉપરાષ્ટ્રપતિ પૉલ શિપોક્સા માશાતિલેને ઍરપૉર્ટ મોકલવા પડ્યા.

પીએમઓએ મોદીના દક્ષિણ આફ્રિકા પહોંચવાને લઈને જે ટ્વીટ કર્યું હતું, તેમાં પણ ઉલ્લેખ કરાયો હતો કે ઍરપૉર્ટ પર વડા પ્રધાન મોદીનું સ્વાગત દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ પૉલ શિપોક્સા માશાતિલેએ કર્યું હતું.

ડેલી મેવેરિકનો આરોપ

સમગ્ર મુદ્દે ચર્ચા ત્યારે વધી ગઈ જ્યારે ડેલી મેવેરિકે પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલ પર દાવો કર્યો કે આ રિપોર્ટ છપાયા બાદ તેમના પર સાયબર હુમલો થયો છે.

અખબારે એક બાદ એક દસ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો કે અહેવાલ છપાયા બાદ તેમના પર મોટો સાયબર હુમલો થયો છે. ત્યાર બાદ વેબસાઇટની સુરક્ષા માટે તેમણે આ વેબસાઇટને ભારતમાં બ્લૉક કરવી પડી છે.

અખબારે લખ્યું, "આ રિપોર્ટ છપાયા બાદ અમારા પર ડીડીઓએસ ઍટેક (એક પ્રકારનો સાયબર હુમલો) થયો છે. અખબારના સુરક્ષા કૉ-ઑડિનેટરનું કહેવું છે કે તેની તપાસથી ખબર પડી છે કે આ હુમલા કોઈ ભારતીય સર્વરથી કરાઈ રહ્યા છે. વેબસાઇટ કેટલાક સમય સુધી બ્લૉક થઈ જાય તેના માટે હજારો બૉટ વેબસાઇટ પર હુમલો કરી રહ્યા છે."

"અખબારે ભારતથી આવી રહેલા ઑનલાઇન ટ્રાફિકને રોકવા માટે અસ્થાયી રીતે ફાયરવૉલ લગાવી. અખબારના સંપાદકે કહ્યું અમારી પાસે અખબારની સુરક્ષા માટે તેને આખા ભારતમાં પૂર્ણત: બ્લૉક કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી."

અખબારે ઉલ્લેખ કર્યો કે દક્ષિણ આફ્રિકાની સરકારે તેમના લગાવેલા આરોપોનું ખંડન કર્યું છે. અખબારે પોતાના નિવેદનમાં લખ્યું, "ઉપરાષ્ટ્રપતિ ઑફિસે આ અહેવાલોનો ઇનકાર કર્યો છે. પણ ડેલી મેવરિક પોતાના રિપોર્ટનું મજબૂતીથી સમર્થન કરે છે. અખબાર પ્રયત્ન કરી રહ્યું છે કે ભારતમાં પણ લોકો આ અહેવાલને જોઈ શકે. પરંતુ તે મુશ્કેલ થઈ રહ્યું છે."

સરકાર તરફથી ખંડન

દક્ષિણ આફ્રિકાની ન્યૂઝ વેબસાઇટ ન્યૂઝ 24એ કહ્યું છે કે દક્ષિણ આફ્રિકાની સરકારે કહ્યું કે બ્રિક્સ દેશોના બધા જ સભ્યોને તેની જાણકારી પહેલેથી જ અપાઈ હતી કે રાષ્ટ્રના અધ્યક્ષોનું સ્વાગત કોણ કરશે.

રિપોર્ટમાં દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહયોગ વિભાગ (વિદેશ મંત્રાલય)ના પ્રવક્તા લુંગા નચેનગેલેલે તરફથી લખાયું કે ભારતને પહેલેથી જ જણાવાયું હતું કે એક મંત્રી ઍરપૉર્ટ પર મોદીનું સ્વાગત કરશે.

રિપોર્ટ અનુસાર બુધવારે સવારે સિરિલ રામાફોસાએ કથિત તણાવ ઘટાડવા માટે તસવીર લેતા સમયે પીએમ મોદી સાથે વાત કરી અને બાદમાં બન્ને નેતાની એક મુલાકાત પણ થઈ.

ધ સિટીઝને પણ લુંગા નચેનગેલેલેનું નિવેદન છાપ્યું છે. જેમાં તેમણે ભારતીય પ્રતિનિધિમંડળની સાથે તણાવના સમાચારોનો ઇનકાર કર્યો અને બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાનું સ્વાગત કરવા પહોંચેલા વિદેશમંત્રી નાલેદી પૈન્ડોરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સત્તાવાર પ્રવાસ સમયે મંત્રીઓના રાષ્ટ્ર અધ્યક્ષોનું સ્વાગત કરવું એ સામાન્ય વાત છે.

દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિના પ્રવક્તા વુકાની એમદેએ ડેલી મેવેરિકમાં પીએમ મોદી અંગે છપાયેલા અહેવાલોને ફગાવ્યા છે અને તેને નિરાધાર ગણાવ્યા છે.

તેમણે વિયોન ટેલિવિઝનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે "ડેલી મેવેરિકે જે કાંઈ પણ છાપ્યું છે તેનો એક પણ શબ્દ સાચો નથી."

તેમણે અખબારના અહેવાલને કાલ્પનિક અને ખોટો ગણાવતા કહ્યું "ઉપરાષ્ટ્રપતિ માશાતિલેને ભારતીય વડા પ્રધાન મોદીના આવવાની સૂચના પહેલેથી જ હતી અને તેઓ પ્લેનના લૅન્ડ કરતાં પહેલાં જ તેમના સ્વાગત માટે ઍરપૉર્ટ પહોંચી ચૂક્યા હતા."

વુકાની એમદેએ કહ્યું કે આ વાત પણ ખોટી છે કે મોદી નારાજ હતા, એટલે છેલ્લી ઘડીએ ઉપરાષ્ટ્રપતિએ તેમના સ્વાગત માટે જવું પડ્યું.

તેમણે ઉમેર્યું "મોદીનું વિમાનને લૅન્ડ થવાના અડધો કલાક પહેલાં જ તેની જાણકારી આપી દીધી હતી તેથી ઉપરાષ્ટ્રપતિને તેમના સ્વાગતની તૈયારી માટે યોગ્ય સમય મળ્યો હતો."

તેમણે કહ્યું, "આ રીતની કાલ્પનિક વાતોનો પ્રચાર કરવા પાછળ અખબારના ઉદ્દેશ્યને લઈને હું પરેશાન છું આ અહેવાલ ભ્રામક છે અને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે."

શું કહે છે અન્ય અખબારો, સોશિયલ મીડિયા

ધ ફેડેરલે પોતાના રિપોર્ટમાં લખ્યું, "અખબારે દાવો કર્યો હતો કે ઉપરાષ્ટ્રપતિ માશાતિલે, શી જિનપિંગ માટે આયોજિત કરાયેલા સ્વાગત કાર્યક્રમમાં હતા અને તેમણે કાર્યક્રમ છોડીને ભારતીય વડા પ્રધાનને લેવા જવું પડ્યું. પરંતુ ઉપરાષ્ટ્રપતિએ તેને ફગાવી દીધો છે."

રિપોર્ટમાં કહેવાયું છે કે ઉપરાષ્ટ્રપતિના પ્રવક્તાએ કહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિના દિવસનો કાર્યક્રમ એવી રીતે બનાવાયો હતો કે તેના માટે પહેલેથી જ મોદીના સ્વાગત માટે સમય રખાયો હતો.

ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુમ મુસ્લિમીન (એઆઇએમઆઈએમ)ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સમગ્ર ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર લખ્યું, "દક્ષિણ આફ્રિકાથી સમાચાર આવ્યા છે કે મોદીના સ્વાગત માટે દક્ષિણ આફ્રિકાના કોઈ સાધારણ મંત્રી આવ્યા હતા અને તેમના રાષ્ટ્રપતિ ચીનના રાષ્ટ્રપતિ સાથે વ્યસ્ત હતા. આ વાત સાંભળીને મોદીજી ચીડાઈ ગયા અને ફ્લાઇટથી નીચે ઊતરવાનો ઇનકાર કરી દીધો. જો આ સાચું હોય તો વિચારવાની જરૂર છે કે એક વડા પ્રધાનને શું આવી બાળકો જેવી હરકત શોભે છે?"

ભારતમાં સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ડેલી મેવેરિકના અહેવાલની સત્યતા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

જગદીશ શેટ્ટીએ રિપોર્ટ શેર કરતા લખ્યું છે કે, "શું એ સાચું છે? દક્ષિણ આફ્રિકાની સરકાર પીએમ મોદીની સાથે એવું કેવી રીતે કરી શકે? અને મીડિયા તેનું રિપોર્ટિંગ પણ કરી રહ્યું છે!"

બ્રિક્સ સમિટમાં ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના અખબાર મેલ ગાર્ડિયનને ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં પીએમ મોદીએ કહ્યું છે કે ભારત પાસે જી-20ની અધ્યક્ષતા છે અને આ દરમિયાન તેમણે આફ્રિકાને પ્રાથમિકતા આપી છે.

પીએમ મોદીએ કહ્યું કે વિશ્વની વિકાસયાત્રામાં આફ્રિકાનો અવાજ ખૂબ જરૂરી છે. તેમણે ઊમેર્યું કે ગ્લોબલ સાઉથ અને ખાસ કરીને આફ્રિકા સાથે તેમનો ભાવાત્મક સંબંધ છે.

પીએમ મોદીએ કહ્યું કે તેમને અંગત રીતે એવા પગલાં ઉઠાવ્યાં છે જેમાં આફ્રિકન યુનિયનને જી-20નું પૂર્ણકાલીન સભ્યપદ મળે. પીએમ મોદીએ કહ્યું કે જી-20 સમિટ આવતા મહિને ભારતમાં થવા જઈ રહી છે અને એ દરમિયાન પણ આ અંગે વાતચીત થશે.