You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેંકડો કિમી દૂર સર્જાયેલું એ વાવાઝોડું જેણે અમેરિકાનું 'શહેર બાળીને ખાખ કરી નાખ્યું'
“ઘરના નામે મારી પાસે કંઈ જ બચ્યું નથી, બધું બળીને ખાખ થઈ ગયું. બધું ફરી ઊભું કરવામાં વર્ષો લાગી જશે.”
અમેરિકાના હવાઈ રાજ્યના મોઈ ટાપુ પર ફાટી નીકળેલા દાવાનળમાં પોતાનું સર્વસ્વ ગુમાવી દેનારા 44 વર્ષીય ટોમ લીયોનાર્ડ વૉર મેમોરિયલ સ્ટેડિયમ ખાતે બનાવાયેલ હંગામી શેલ્ટરમાં બે દિવસથી રહેવા મજબૂર બન્યા છે. તેઓ પોતાની આપવીતી જણાવતાં ઉપરોક્ત વાત કહે છે.
વાવાઝોડાને કારણે ભારે પવનો અને વરસાદના કારણે વિનાશ વેરાયાનું તમે ઘણી વાર સાંભળ્યું હશે. પરંતુ શું ક્યારેય એવું સાંભળ્યું છે કે વાવાઝોડાના કારણે વિનાશક બનેલા અગ્નિમાં આખો ટાપુ સળગી રહ્યો હોય.
કંઈક આવું જ મોઈ ટાપુ પર બની રહ્યું છે.
ગત મંગળવારે મોઈમાં દાવાનળ ફાટી નીકળ્યો હતો. જેણે ટાપુથી સેંકડો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલા ડોરા વાવાઝોના પવનોને કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
હોનારતની તીવ્રતા એ વાત પરથી સમજી શકાય છે કે હવાઈના ગવર્નર જોશ ગ્રીને ટાપુ પર ફાટી નીકળેલી આ આગને ‘હવાઈ રાજ્યના ઇતિહાસની સૌથી મોટી કુદરતી હોનારત’ ગણાવી હતી.
તેમજ ગવર્નરે કહ્યું હતું કે ટાપુના દરિયાકાંઠે આવેલા ઐતિહાસિક શહેર લહાઇના લગભગ 80 ટકા સુધી ‘તબાહ’ થઈ ગયું છે.
ઘટના બાદથી અત્યાર સુધી 55 લોકોનાં મૃત્યુના સમાચાર આવી ચૂક્યા છે, જ્યારે એક હજાર લોકો હજુ ગુમ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુરક્ષાદળો અને અગ્નિશમન દળોના જવાનોએ અસરગ્રસ્ત ટાપુ પરથી અત્યાર સુધી હજારો લોકોને બચાવ્યા છે, જ્યારે ટાપુના પશ્ચિમ ભાગે હજુ 11 હજાર લોકો વગર વીજળીએ રહે છે.
અગ્નિશમન દળો મોઈના દાવાનળને કાબૂમાં લેવા માટે હજુ ઝઝૂમી રહ્યાં છે. બીજી તરફ રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. હજારો લોકો સુરક્ષિત સ્થળે, હંગામી રાહતકેન્દ્રો ખાતે રહેવા મજબૂર બન્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને હોનારત સંદર્ભે સહાય જાહેર કરી શકાય એ હેતુથી ‘મોટી હોનારતની જાહેરાત’ કરી છે.
ભીષણ આગ
વાવાઝોડાના કારણે ભીષણ બનેલી આગથી હજારો લોકો પ્રભાવિત થયા હતા, તે પૈકી સદનસીબે પોતાનું જીવ બચાવવામાં સફળ રહેલા લોકો પૈકી જ એક છે ડેંગ પરિવાર.
ત્રણ બાળકોનાં માતા ટી ડેંગે કહ્યું હતું કે તેમણે લહાઇના ખાતે ફાટી નીકળેલી આગથી બચવા માટે પોતાનાં બાળકો સાથે સમુદ્રમાં ઝંપલાવવું પડ્યું હતું.
તેમણે કહ્યું કે, “સમુદ્રમાં ઝંપલાવી દીધા બાદ અમને ખાતરી હતી કે અમે નહીં બચીએ, તેથી અમે બધાએ એકબીજાને ગૂડબાય કહી દીધું હતું. પરંતુ અમારો ચમત્કારિક બચાવ થયો.”
આ પરિવારની જેમ ઘણા લોકોએ જીવ સટોસટની બાજી ખેલીને બચવું પડ્યું હતું.
ઘણા લોકોએ આગથી બચવા સમુદ્રમાં ઝંપલાવવું પડ્યું અને ત્યાં જ કલાકો સુધી રહેવું પડ્યું.
આગથી માંડ જીવ બચાવીને આવેલા વિક્શય ફોનેક્સિલિંખમ નામની વ્યક્તિ પોતાના પરિવારે હોનારતથી બચવા માટે વેઠવી પડેલી યાતનાઓને યાદ કરતાં રડી પડ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, “આગને કારણે ઠેરઠેર ધડાકા સાંભળવા મળી રહ્યા હતા, તેમજ ભારે પવન સાથે કોલસા ઊડતા નજરે પડી રહ્યા હતા.”
વિસ્તારના ફાયર ચીફ બ્રેડ વેન્ચુરાએ મોઈ ટાપુ પર ફાટી નીકળેલી આગને લઈને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, “સમગ્ર ટાપુ પર ઘણી જગ્યાએ મોટી આગ ફાટી નીકળી છે. આગ સેંકડો એકર જમીનને ઘેરી વળી છે.”
તેમણે કહ્યું હતું કે, “વિસ્તારમાં અન્ય સ્થળોએ પણ નાના પ્રમાણમાં આગ ફાટી નીકળી છે, જેના કારણે અગ્નિશમન દળો દબાણમાં છે.”
“હજુ પણ સ્થિતિ ભયજનક છે.”
આગળ વેન્ચુરાએ લોકોને આગથી પ્રભાવિત વિસ્તારોથી દૂર રહેવા સલાહ આપી હતી.
આગે વેરેલા વિનાશ અંગે માહિતી આપતાં ગવર્નર ગ્રીન કહ્યું હતું લહાઇનાના પુનર્નિમાણમાં વર્ષો લાગી જશે.
નોંધનીય છે કે લહાઇના મોઈ ટાપુ પર ફાટી નીકળેલી આગનું કેન્દ્ર હતું.
તેમણે કહ્યું, “તમે લહાઇના પર વેરાયેલા વિનાશને જોઈને ચોંકી ઊઠશો.”
“એ બધી ઇમારતોને ફરીથી બનાવવી પડશે. જેના માટે ઘણા બિલિયન ડૉલરનો ખર્ચ થશે.”
મોઈ પોલીસના ચીફ જૉન પેલેસીઅરે કહ્યું હતું કે, “અમને અત્યાર સુધી 53 લોકોના મૃતદેહ મળ્યા છે.”
તેમણે હોનારતની તીવ્રતા અંગે સૂચક નિવેદન કરતાં કહ્યું હતું કે, “મને ખબર નથી કે આ આંકડો કેટલા સુધી પહોંચશે, પરંતુ એ ખૂબ ભયાનક અને દુખદ હશે.”
લહાઇના ખાતે આગમાં સેંકડો ઘરો તબાહ થવાના કારણે હજારો લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે. શરણાર્થીઓ માટે રૂમો અને શેલ્ટરોમાં વ્યવસ્થા કરાઈ છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બચાવી લવાયેલા લોકોને આગળની સૂચના ન મળે ત્યાં સુધી પરત ન ફરવા ચેતવ્યા છે.
કુદરતી હોનારતને પરિણામે સત્તાધીશોએ ઘણા ટૂરિસ્ટોને સલામત સ્થળે ખસેડ્યા છે.
દાવાનળ કેવી રીતે ફાટી નીકળ્યો?
હવાઈમાં અગાઉ પણ ઘણી વાર દાવાનળ ફાટી નીકળ્યા છે. ગવર્નર ગ્રીને આ ઘટના અંગે કહ્યું હતું કે ‘કદાચ આ રાજ્યના ઇતિહાસની સૌથી મોટી હોનારત’ છે.
હજુ સુધી દાવાનળના મૂળ કારણ અંગે ચોક્કસ ખબર પડી શકી નથી. પરંતુ એટલું જરૂર કહી શકાય કે ‘ક્લાઇમેટ ચેન્જના કારણે વિકટ બનેલી’ વિવિધ પરિસ્થિતિના સંયોજને આ વિનાશ વેર્યો છે. પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલ વાવાઝોડાના કારણે ફૂંકાતા પવનો અને શુષ્ક વાતાવરણે દાવાનળ માટે ઈંધણનું કામ કર્યું હતું.
આ સિવાય દુષ્કાળ અને મોઈ અને હવાઈના મોટા વિસ્તારમાં સર્જાયેલી શુષ્ક પરિસ્થિતિએ પણ આમાં ભાગ ભજવ્યો છે.
આગમાં તબાહ થઈ ગયેલા શહેર લહાઇનાના રહેવાસી કીઓમોકુ કાપુએ ઍસોસિએટેડ પ્રેસ ન્યૂઝ એજન્સીને વાવાઝોડાના કારણે ફૂંકાઈ રહેલા ભારે પવનો અને દાવાનળે સર્જેલા વિનાશક સંયોજન અંગે જણાવ્યું હતું.
કાપુ શહેરમાં એક સાંસ્કૃતિક કેન્દ્ર ચલાવતા હતા. તેઓ પવનથી ત્યાંની વસ્તુઓને ઊડતી બચાવવા માટે બધું બાંધી રહ્યા હતા. પરંતુ અચાનક જ તેમનાં પત્નીએ કહ્યું તેમણે સ્થળ છોડી દેવું પડશે.
તેમણે બુધવારે એજન્સીને કહ્યું કે, “પવનનો જોર વધતાં વિનાશ વધુ તીવ્ર બન્યો.”
તેઓ થોડા અંતરે આગ અને ધુમાડો જોઈ શકતાં હતાં. તકનો લાભ લઈ બંને પોતાની પીક-અપ ટ્રકમાં બેસીને સલામત સ્થળ તરફ જતાં રહ્યાં.
તેમણે કહ્યું, “અમે પાછું વળીને જોયું એટલી વારમાં તો અમારી ઇમારત સળગી ઊઠી હતી. આ બધું ખૂબ જલદી બન્યું.”
પૂર્વ પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલા ‘ફિશ વાવાઝોડા’ ડોરાને કારણે પરિસ્થિતિ વધુ દયનીય બની હોવાની વાત વારંવાર કરાઈ રહી છે.
હવામાનશાસ્ત્રીઓ પ્રમાણે ફિશ વાવાઝોડાં એટલે એવાં વાવાઝોડાં જેમની માણસો પર સીધી કોઈ અસર હોતી નથી.
હવાઈના દક્ષિણે 700 માઈલ દૂરથી ડોરા વાવાઝોડું પસાર થતાં અને ટાપુની ઉત્તર દિશાએ સર્જાયેલ ઉચ્ચ દબાણની સ્થિતિને કારણે મધ્ય ભાગમાં પવનની પૅટર્ને દબાણ સર્જ્યું હતું. જેના કારણે વિસ્તારમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા અને દાવાનળની સ્થિતિ વિકટ બની ગઈ.
જોકે, ગુરુવારે અને શુક્રવારે વાવાઝોડું પશ્ચિમ તરફ જતા પવનની ઝડપ જરૂર ઓછી થઈ છે.