You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અમે ભીખ માગીને પેટ ભરી રહ્યા છીએ', એ આફ્રિકન દેશ જ્યાં લોકો ભૂખે મરી રહ્યા છે
એપ્રિલમાં ખાદ્ય ભ્રષ્ટાચાર કૌભાંડનો પર્દાફાશ થયો ત્યારથી ટિગરેમાં ઓછામાં ઓછા 1,400 લોકો મૃત્યુ પામ્યા હોવાનો અંદાજ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ ફૂડ પ્રોગ્રામ (ડબલ્યુએફપી) અને અમેરિકાની અગ્રણી સહાય એજન્સી (યુએસએઇડ) દ્વારા આપવામાં આવતા દાનને સ્થાનિક બજારમાં મોકલી દેવામાં આવતું હોવાનું એપ્રિલમાં જાણવા મળ્યા પછી આ બન્ને એજન્સીઓએ સહાય અટકાવી દીધી હતી.
એક સ્થાનિક અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે આ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ લગભગ 500 લોકો સામે તપાસ ચાલી રહી છે.
ખાદ્ય સહાયની ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ તે સ્થગિત કરવામાં આવી પછી ઇથિયોપિયાના ઉત્તર ટિગરેમાં ઓછામાં ઓછા 1,400 લોકો ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
ડબલ્યુએફપી અને યુએસએઇડે ટિગરેને આપવામાં આવતી ખાદ્ય સહાય લગભગ ચાર મહિના પહેલાં અટકાવી દીધી હતી. અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે આ ચોરીમાં 500 લોકો સામેલ હોવાનું ટિગરેના સત્તાવાળાઓએ હાથ ધરેલી તપાસમાં બહાર આવ્યું હતું.
ટિગરેમાં 2020માં ઘાતકી સંઘર્ષ થયો હતો અને તેને કારણે ભૂખમરા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આફ્રિકન યુનિયન (એયુ) દ્વારા મધ્યસ્થી પછી ઇથિયોપિયન સરકાર અને ટિગરે પીપલ્સ લિબરેશન ફ્રન્ટ (ટીપીએલએફ) વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા હતા.
આ સંઘર્ષમાં એરિટ્રિયાના સૈનિકો ઇથિયોપિયાના સૈન્ય તરફથી લડ્યા હતા. યુદ્ધ દરમિયાન આ પ્રદેશ નાકાબંધી હેઠળ હતો. તેને લીધે માનવતાવાદી સહાય મોટા ભાગે અટકાવી દેવામાં આવી હતી.
યુદ્ધ બાદ પરિસ્થિતિ બગડી
એયુના રાજદૂત અને નાઇજીરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓલુસેગમ ઓબાસાંજોએ જણાવ્યું હતું કે બે વર્ષ ચાલેલા સંઘર્ષમાં લગભગ 6,00,000 લોકો માર્યા ગયા હતા.
ટિગરેના આશરે 60 લાખ લોકોની મદદ માટે ડબલ્યુએફપી અને યુએસએઇડ આગળ આવી હતી, પરંતુ એપ્રિલમાં જાણવા મળ્યું હતું કે તેમના દ્વારા આપવામાં આવતા દાનને સ્થાનિક બજારોમાં વાળવામાં આવી રહ્યું છે. એ પછી ખાદ્ય સહાય સ્થગિત કરવામાં આવી હતી. આ કૃત્ય પાછળ કોણ હતું એ તેમણે જણાવ્યું ન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડબલ્યુએફપીના પ્રવક્તાએ આ સપ્તાહે બીબીસીને જણાવ્યું હતું કે “અમે ગુનાઇત પ્રવૃત્તિ તરફ આંખ આડા કાન કરીને સહાય મોકલવાનું ચાલુ રાખી શકીએ નહીં.”
રાજધાની મેકેલે સહિતના ટિગરેનાં શહેરો તથા ગામોનાં બજારોમાં પૅકેજિંગ પર ડબલ્યુએફપી અને યુએસએઇડ જેવી સહાય એજન્સીઓનાં પ્રતીકો સાથેની ખાદ્યસામગ્રી બીબીસીએ નિહાળી છે.
અલબત, આ ખાદ્ય સહાય ભ્રષ્ટ રીતે ડાઇવર્ટ કરવામાં આવી હતી કે પછી જેમના માટે રોકડ મેળવવાનું અત્યંત જરૂરી હતું એ સહાય પ્રાપ્તકર્તાઓએ તે સ્થાનિક બજાર માલિકોને વેચી મારી હતી તે અસ્પષ્ટ છે.
બાકીના ઇથિયોપિયામાં પણ ખાદ્ય સહાય સ્થગિત કરવાની જાહેરાત પણ ડબલ્યુએફપી અને યુએસએઇડે જૂનમાં કરી હતી.
યુએસએઇડ ઇથિયોપિયામાં સૌથી વધુ ખાદ્ય સામગ્રીનું દાન કરે છે અને સંઘર્ષ, દુકાળ તથા ઊંચા જીવનનિર્વાહ ખર્ચ સામે ઝઝૂમી રહેલા લાખો લોકોને મદદ કરે છે.
એક સ્વતંત્ર દાતા જૂથનો મેમો જૂનમાં લીક થયો હતો. જૂનમાં અનેક મીડિયા જૂથોએ તેને ટાંકીને અહેવાલો પ્રકાશિત કર્યા હતા. તે મેમોમાં જણાવવામાં આવ્યું હતું કે સંઘ સરકાર અને પ્રાદેશિક સરકારોએ સાથે મળીને ગુનાઇત યોજના બનાવી હતી, જેમાં દેશભરનાં લશ્કરી એકમોને લાભ થયો હતો.
ઇથિયોપિયા સરકારે જણાવ્યું છે કે આ આરોપોની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ એ તપાસનાં તારણ હજુ સુધી બહાર પાડવામાં આવ્યાં નથી. ચોરવામાં આવેલી ખાદ્ય સહાયથી પોતાના સૈનિકોને કોઈ લાભ મળ્યો હોવાનો ઇથિયોપિયાના સૈન્યએ ઇનકાર કર્યો છે.
ટિગરેની વચગાળાની સરકારના ડિઝાસ્ટર રિસ્ક મૅનેજમૅન્ટ વિભાગના કમિશનર ડૉ. ગેબ્રેહિવેટ ગેર્બેઝગાબેરે બીબીસીને જણાવ્યું હતું કે ખાદ્ય સહાય અટકાવી દેવામાં આવી હોવાથી પૂર્વ, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ એમ ત્રણ ઝોનમાં 1,411 લોકો ભૂખને કારણે મૃત્યુ પામ્યા છે.
ટિગરેના અન્ય ત્રણ ઝોનમાંથી હજુ સુધી આંકડા એકત્ર કરવામાં આવ્યા નથી. તે આંકડા મળશે પછી મૃત્યુઆંક ઘણો વધારે હશે, એમ ડૉ. ગેબ્રેહિવેટે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે 492 શકમંદ સામે તપાસ ચાલી રહી છે અને આ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ 198 લોકો સામે આરોપ મૂકવામાં આવ્યા છે.
ડૉ. ગેબ્રેહિવેટના જણાવ્યા મુજબ, શકમંદોમાં સરકારી અધિકારીઓ, બિન-સરકારી સંસ્થાઓના કર્મચારીઓ, સંઘર્ષને લીધે વિસ્થાપિત થયેલા લોકો માટેની રાહત શિબિરોના સંકલનકર્તાઓ અને ખાદ્ય સહાયનું વિતરણ કરતા લોકોનો સમાવેશ થાય છે.
ખાદ્ય સામગ્રીની ચોરી અને ભ્રષ્ટાચાર
“ખાસ કરીને ફૂડ સ્ટોર તથા મિલો ધરાવતા વેપારીઓ પણ તેમાં સામેલ છે,” એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે તેમની તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.
ભૂખમરાની અસરનો તાગ મેળવવા બીબીસીએ ટિગરેનાં સૌથી મોટાં નગરો પૈકીના એક શાયરની મુલાકાત લીધી હતી. ત્રણ સંતાનોનાં નિર્બળ માતા જણાતાં મેબ્રહિત હૈલેએ જણાવ્યું હતું કે ખોરાકના અભાવે હવે તેમણે ભીખ માગવી પડે છે. 28 વર્ષનાં મેબ્રહિતે કહ્યું હતું, “મોટા ભાગના દિવસોમાં અમે ઇન્જેરા(પેનકેક જેવી આથાવાળી બ્રેડ)ને મીઠા સાથે ખાઈએ છીએ. ડૉક્ટરે મને સંતુલિત આહાર લેવાની સલાહ આપી છે, પરંતુ સંતુલિત આહાર ક્યાંથી મેળવવો?”
તેમનાં પાંચ અને અઢી વર્ષનાં બે સંતાનો કૃશકાય દેખાય છે, તેમની આંખો ઊંડી ઉતરી ગઈ છે અને તેમનાં શરીરનાં હાડકા પર વસ્ત્રો લટકી રહ્યાં હોય તેવું લાગે છે.
મેબ્રહિતના જણાવ્યા મુજબ, નસીબમાં હોય તો તેમને દિવસમાં એક વખત ભોજન મળે છે, પરંતુ બાકીના દિવસોમાં તેમણે ભૂખ્યા પેટે ઊંઘી જવું પડે છે. બીબીસીના પ્રતિનિધિ મેબ્રહિતને મળ્યા ત્યારે તેઓ ગર્ભવતી હતાં. થોડા દિવસ પછી તેમણે બીબીસીને જણાવ્યું હતું કે તેમણે એક બાળકીને જન્મ આપ્યો છે, જે સદનસીબે સ્વસ્થ છે.
સ્થાનિક હૉસ્પિટલમાં કિબ્રા મેબ્રાહતુ નામનાં એક નર્સે જણાવ્યું હતું કે ભૂખને કારણે ઘણી માતાઓ તેમનાં સંતાનોને સ્તનપાન કરાવી શકતી નથી અને “મૃત્યુ પામવાની અણી પર હોય એવાં ઘણાં બાળકોને હૉસ્પિટલમાં લાવવામાં આવે છે.”
તેમણે ઉમેર્યું હતું, “આ મહિને ચાર બાળકો મૃત્યુ પામ્યાં છે. સંઘર્ષની અસર અને ખોરાક તથા પરિવહનવ્યવસ્થાના અભાવની અસર સ્પષ્ટ જોવા મળે છે.”
બીબીસીને હૉસ્પિટલમાં આઠ વર્ષની રાહેલ ટેવેલ્ડેની ખુલ્લી પાંસળી જોવા મળી હતી. રાહેલનું વજન માત્ર 10 કિલો હતું. આટલું વજન સામાન્ય રીતે એક વર્ષની વયના બાળકનું હોય છે. રાહેલનાં માતા હિવેટ લેબાસીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારને કારણે ખાદ્ય સહાય સ્થગિત કરવામાં આવી છે. “ખાદ્ય સહાયનું વિતરણ યોગ્ય રીતે કરવામાં આવ્યું હોત તો તે બંધ ન થાત,” એમ હિવેટે કહ્યું હતું.
યુએસએઇડે જૂનમાં જણાવ્યું હતું કે “રાહત સામગ્રી નિર્ધારિત લોકો સુધી પહોંચશે તેની ખાતરી થયા પછી જ” ખાદ્ય સહાય ફરી શરૂ કરવામાં આવશે.
ડબલ્યુએફપીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ખાદ્ય સહાય ફરી શરૂ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. વાસ્તવમાં, ખાદ્ય સહાય ફરીથી ખોટા હાથમાં ન જાય તે સુનિશ્ચિત કરવાનાં નવાં કડક પગલાંના પરીક્ષણ માટે એજન્સીએ મર્યાદિત વિસ્તારોમાં મર્યાદિત માત્રામાં ખાદ્ય સામગ્રીનું વિતરણ ફરી શરૂ કર્યું છે.
પ્રવક્તાએ ઉમેર્યું હતું, “રાહત સહાય અટકાવવાથી પીડિતો પરિવારો પર થનારી અસરથી ડબલ્યુએફપી અત્યંત ચિંતિત છે. તેથી અમે ખાદ્ય સહાય તેના ખરા લાભાર્થીઓ સુધી પહોંચે અને તેનો એ લોકો જ ઉપયોગ કરે એ સુનિશ્ચિત કરવા અમે તમામ વ્યવહારુ પગલાં લઈ રહ્યા છીએ.”