You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાન મોદીએ રશિયા, ચીન અને ધાર્મિક સહિષ્ણુતા પર શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અમેરિકા સાથે વધુ ગાઢ સંબંધો અને વૈશ્વિક સંસ્થાઓમાં જડમૂળ પરિવર્તનો માટે આહ્વાન કર્યું છે.
આ ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો અત્યાર સુધીમાં સૌથી મજબૂત છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભૌગોલિક-રાજનૈતિક ઊથલપાથલ વચ્ચે પણ ભારત વૈશ્વિક મંચ પર પોતાની જગ્યાને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવી રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે અમેરિકાના ચાર દિવસીય પ્રવાસે રવાના થયા છે. આ એમનો અમેરિકાનો પહેલો અધિકૃત રાજકીય પ્રવાસ છે. આ પ્રવાસ પહેલાં વડા પ્રધાન મોદીએ અખબાર સાથે ભારતની વિદેશનીતિ સંદર્ભે વાતચીત કરી હતી.
નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમેરિકા અને ભારતના નેતાઓ વચ્ચે ‘અભૂતપૂર્વ ભરોસો’ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા સાથે રક્ષા ક્ષેત્રમાં વધી રહેલા સહયોગને બંને દેશો વચ્ચે મજબૂત થઈ રહેલા સંબંધોનો આધારસ્તંભ ગણાવ્યો છે. એમણે કહ્યું છે કે ભારત અને અમેરિકાની ભાગીદારી કારોબાર, ટેક્નોલૉજી અને ઊર્જા ક્ષેત્રમાં પણ છે.
મોદી તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન અનેક મહત્ત્વના સોદા પણ કરી શકે છે. ભારતમાં જ જેટ ફાઈટર એન્જિન બનાવવાનો સોદો પણ કરી શકે છે. ભારત અમેરિકા પાસેથી ઊંચાઈ પર ઊડી શકે તેવા પ્રિડેટર ડ્રોન પણ ખરીદી શકે છે.
'ભારતનો સમય આવી ગયો છે'
રશિયા-યુક્રેન યુદ્ધ પછી પશ્ચિમી દેશોના પ્રતિબંધોને અવગણીને ભારતે રશિયા પાસેથી સસ્તા દરે કાચું તેલ ખૂબ મોટી માત્રામાં ખરીદ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમ છતાં પણ અમેરિકા તેના ભારત સાથેના સંબંધો મજબૂત કરી રહ્યું છે, કારણ કે અમેરિકાને એ આશા છે કે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં વધતા ચીનના પ્રભાવને ભારત વડે ખાળી શકાશે.
વૉલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત વૈશ્વિક રાજકારણમાં ભૂમિકા નિભાવી રહ્યું છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પણ યોગદાન આપી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતનો સમય આવી ગયો છે.
અખબાર અનુસાર ઇન્ટરવ્યૂ દરમિયાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સાઉથના નેતા તરીકે ભારતનો પરિચય કરાવ્યો અને કહ્યું કે વિકાસશીલ દેશોની લાંબા સમયથી કરવામાં આવી રહેલી અવગણનાનો ભારત આશાભર્યો અવાજ બની શકે છે.
મોદીએ કહ્યું હતું કે, ‘ભારત એક ઉચ્ચ, વ્યાપક અને મોટી ભૂમિકાનું હકદાર છે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વૈશ્વિક સંસ્થાઓમાં પણ પરિવર્તન લાવવાનું આહ્વાન કર્યું હતું.
એમણે કહ્યું હતું કે આ સંસ્થાઓએ બહુધ્રુવીય બની રહેલા વિશ્વ અનુસાર પોતાનામાં પણ બદલાવ લાવવો જોઈએ. જેથી કરીને તેઓ દુનિયાના ઓછા પ્રભાવશાળી દેશોની જળવાયુ પરિવર્તન જેવી પ્રાથમિકતાઓનું પણ વ્યાપકપણે પ્રતિનિધિત્વ કરી શકે.
'ભારતમાં દરેક ધર્મના લોકોનું સ્વાગત'
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સૌથી ચર્ચિત નેતાઓમાં સામેલ છે. એમના નેતૃત્વમાં ભાજપે 2014 અને 2019માં પૂર્ણ બહુમતીથી લોકસભાની ચૂંટણી જીતી છે. ભારતમાં આવતા વર્ષે ચૂંટણીઓ થવાની છે. વૉલ સ્ટ્રીટ જર્નલે લખ્યું છે કે ભારતમાં મોદીની સ્વીકાર્યતાનું રેટિંગ હજુ પણ ઊંચું છે.
ભારતમાં ભાજપના રાજનૈતિક વિરોધીઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓ ભાજપ પર દેશમાં ધર્મને આધારે ભાગલા પડાવવાનો આરોપ લગાવે છે. વિવેચકો મીડિયા સ્વતંત્રતા વિશે, કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવો જેવા સવાલો પણ ઉઠાવે છે.
આ ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત તેની વિવિધતા પ્રત્યે માત્ર સહિષ્ણુ નથી પરંતુ તેની ઉજવણી પણ કરે છે.
મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, “હજારો વર્ષોથી, ભારત એક એવી ભૂમિ છે જ્યાં દરેક ધર્મ અને માન્યતા ધરાવતા લોકોને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને સમૃદ્ધિની સ્વતંત્રતા મળી છે. દુનિયાના દરેક ધર્મના લોકોને તમે ભારતમાં શાંતિ અને સૌહાર્દથી રહેતા જોઈ શકશો.”
સરહદો પર શાંતિ રહેશે તો સંબંધો સુધરશે
ભારતે ગત બે વર્ષોમાં દેશમાં ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો છે અને મોદી સરકારે પણ અમલદારશાહીમાં ઘટાડો કરવાનો પ્રયાસ કર્યો છે.
વૉલ સ્ટ્રીટ જર્નલના એક પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું કે, “હું સ્પષ્ટ કરવા માગું છું કે અમે ભારતને કોઈ અન્ય દેશનું સ્થાન લેતા જોઈ રહ્યા નથી. અમે આ પ્રક્રિયાને એ રીતે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે ભારત વિશ્વમાં તેનું યોગ્ય સ્થાન મેળવે છે. આજની દુનિયા પહેલાં કરતાં વધુ એકબીજા સાથે જોડાયેલી છે અને પરસ્પર નિર્ભરતા પણ વધી છે.”
ચીન સાથેના સંબંધો મુદ્દેના સવાલ પર વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “ચીન સાથે સામાન્ય દ્વિપક્ષીય સંબંધો માટે સરહદી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જરૂરી છે.”
અહીં ઉલ્લેખનીય છે કે ગલવાનમાં સૈનિકોની અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ વધી ગયો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરવું, કાયદાના શાસનનું પાલન કરવું અને વિવાદો તથા મતભેદોનું શાંતિપૂર્ણ સમાધાન કરવું એ અમારો મૂળ મંત્ર છે. અને બીજી બાજુ ભારત પોતાની સંપ્રભુતા અને સન્માનની રક્ષા કરવા માટે પણ સંપૂર્ણપણે તૈયાર છે અને પ્રતિબદ્ધ પણ છે.”
શાંતિ ભારતની પ્રાથમિકતા છે
ભારતે અમેરિકા સાથેના સંબંધો મજબૂત કર્યા છે, વેપાર વધાર્યો છે અને બીજી તરફ રશિયા સાથેની નિકટતા પણ જાળવી રાખી છે.
યુક્રેન પર રશિયાના આક્રમણ પછી ભારતે ક્યારેય રશિયાની ટીકા કરી નથી અને ભારત સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાન કરવાથી પણ દૂર રહ્યું હતું.
રશિયાને લઈને ભારતના પક્ષની ટીકા સાથે જોડાયેલા સવાલ પર મોદીએ કહ્યું કે, "મને નથી લાગતું કે આ ધારણા અમેરિકામાં વ્યાપકપણે છે. હું સમજું છું કે ભારતની સ્થિતિ આખી દુનિયાના તમામ લોકો સારી રીતે જાણે છે અને સમજે પણ છે. આખી દુનિયાને એ વાત પર સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતની પ્રથમ પ્રાથમિકતા શાંતિ જ છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "જ્યારે યુક્રેન યુદ્ધની વાત આવે છે, ત્યારે કેટલાક લોકો કહે છે કે તેઓ તટસ્થ છે. પણ અમે તટસ્થ નથી, અમે શાંતિના પક્ષમાં છીએ.”
મોદીએ કહ્યું, "બધા દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને બીજા દેશોની સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ. મુત્સદ્દીગીરી અને વાટાઘાટ દ્વારા વિવાદોનો ઉકેલ લાવવો જોઈએ. ભારત યુદ્ઘનો અંત લાવવાના તમામ સાચા પ્રયાસોને સમર્થન આપે છે અને સ્થાયી શાંતિ અને સ્થિરતા લાવવા માટે તમામ સંભવિત પગલાં ભરવા માટે તૈયાર છે."
સંયુક્ત રાષ્ટ્રમાં મોટી ભૂમિકાનો સંકેત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "આતંકવાદ, ગોરીલા યુદ્ધો અને વિસ્તારવાદ જેવી વિશ્વની મોટા ભાગની સમસ્યાઓનું કારણ એક જ છે કે- વૈશ્વિક સંસ્થાઓનું નિષ્ફળ થઈ જવું."
વડા પ્રધાન મોદીએ કહ્યું કે આ સંસ્થાઓની નિષ્ફળતાથી ખાલી પડેલી જગ્યામાં નાનાં પ્રાદેશિક જૂથો ઊભાં થયાં. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાઓમાં બદલાવ આવવો જ જોઈએ.
મોદીએ કહ્યું, "મુખ્ય સંસ્થાઓના સભ્યોને જુઓ, શું તે હકીકતમાં લોકતાંત્રિક મૂલ્યોનો અવાજ રજૂ કરે છે? આફ્રિકા જેવા દેશો પાસે શું તેમનો અવાજ છે? ભારતની આટલી મોટી વસ્તી છે અને તે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પણ ચમકી રહ્યું છે, પરંતુ શું ભારતને તેમાં સ્થાન મળ્યું છે?"
શાંતિ અભિયાનમાં ભારતીય સૈનિકોની ભૂમિકા પર બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સામેલ થવાની ભારતની ઇચ્છાનો પણ સંકેત આપ્યો હતો.
મોદીએ કહ્યું, "હાલની સદસ્યતાનું મૂલ્યાંકન કરવું જોઈએ અને વિશ્વને પૂછવું જોઈએ કે શું તે ઇચ્છે છે કે ભારતને તેમાં સામેલ કરવામાં આવે?"