You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીનાં સત્તામાં નવ વર્ષ : તેમની સામે મુખ્ય નવ પડકારો કયા છે?
- લેેખક, ઝૂબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
નરેન્દ્ર મોદીનાં સત્તામાં નવ વર્ષ : તેમની સામે મુખ્ય નવ પડકારો કયા છે?
30 મે 2019ના દિવસે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વાર વડા પ્રધાનપદના શપથ લીધા હતા. ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે મંગળવારે સત્તામાં નવ વર્ષ પૂરાં કર્યાં છે.
આ સાથે જ નરેન્દ્ર મોદી કોઈ બિનકૉંગ્રેસી પાર્ટીના નેતા તરીકે સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાનપદ પર રહેનાર પહેલી વ્યક્તિ બની ગયા છે.
તેમના પ્રશંસકો અનુસાર, પાછલાં નવ વર્ષમાં મોદી સરકારની આ ખાસ ઉપલબ્ધિઓ રહી —
- મોદી સરકારે ગરીબી હઠાવવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે જેમાં જનધન યોજના પણ સામેલ છે. આ સાથે જ ‘હર ઘર શૌચાલય’, સ્વચ્છ ભારત અભિયાન અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ પણ વિશેષ છે.
- જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ-370 હઠાવ્યા પછી ત્યાં સરકારે ઝડપથી વિકાસ કરાવ્યો હોવાનો દાવો કરાય છે.
- વડા પ્રધાન મોદીના સમર્થકો કહે છે કે દિલ્હીમાં પૂર્વોત્તરનાં રાજ્યોના વિકાસ અંગે આટલું ધ્યાન આપનારી સરકાર પહેલાં ક્યારેય નથી આવી.
- મોદી સરકારની વિદેશનીતિઓને કારણે સમગ્ર વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે, તેમની ટીકા કરનારા લોકો પણ આ વાત માને છે.
કઈ બાબતોમાં નિષ્ફળ મનાય છે મોદી સરકાર?
જોકે ઘણી વિવાદાસ્પદ બાબતોને કારણે કેટલાક લોકો મોદી સરકારને નિષ્ફળ માને છે, ખાસ કરીને આ ક્ષેત્રોમાં—
- આર્થિક સુધારો : કેટલાક લોકોનું એવું માનવું છે કે મોદી સરકારની આર્થિક નીતિઓ બધા જ વર્ગોને ફાયદો પહોંચાડવામાં સફળ રહી નથી. તેઓ દાવો કરે છે કે નોકરીઓ વધવાની જગ્યાએ બેરોજગારી વધી રહી છે અને આવકનું વિતરણ વધુ અપ્રમાણસર બન્યું છે. અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓને સંપત્તિઓમાં અનેક ગણો વધારો થયો છે, જ્યારે ગરીબોની આવક ઘટી છે. તેઓ એવું પણ માને છે કે નોટબંધી કાળાં નાણાંની સિસ્ટમને ખતમ કરવા માટે અસફળ પગલું સાબિત થઈ છે. સિસ્ટમમાં કાળું નાણું નોટબંધી પહેલાંના સ્તરે ફરી એક વાર પહોંચી ગયું છે.
- ખેડૂતો માટેની નીતિઓ : મોદી સરકારની કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી કેટલીક નીતિઓ અંગે વધુ વિવાદ જોવા મળ્યો છે. ખેડૂતઆંદોલન દરમિયાન ખેડૂતસંગઠનો દ્વારા કૃષિકાયદાનો વિરોધ કરાયો હતો. આંદોલનકારી ખેડૂતોને આ કાયદાથી તેમની આવક ઓછી થવાનો અને ખેતીને મોટી કંપનીઓને હવાલે કરી દેવાય એવો ભય હતો.
- ધાર્મિક મુદ્દા : કેટલાક લોકો અનુસાર મોદી સરકારના સમયમાં સમાજમાં વિભાજન વધી ગયું છે. ચૂંટણી દરમિયાન હિન્દુ-મુસ્લિમ મુદ્દાઓનો આશરો લેવાય છે જેના કારણે દેશની વિવિધતા અને ધાર્મિક સદ્ભાવને ઠેસ પહોંચે છે.
મોદી સરકારનાં નવ વર્ષ અને તેમની સામે રહેલા નવ પડકારો
હવે લોકોની નજર મોદી સરકારને સામે રહેલા પડકારો પર હશે. વિશેષજ્ઞો કહે છે કે 2024ની લોકસભા ચૂંટણી જીતવું એ તેમના માટે સૌથી મોટો પડકાર સાબિત થશે.
આ સિવાય પણ તેમની સામે અનેક પડકારો છે.
1. વિપક્ષની એકતા : વિપક્ષની એકતા મોદી સરકાર માટે મોટો પડકાર બની શકે છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને વરિષ્ઠ પત્રકાર આશુતોષ કહે છે, “કર્ણાટકમાં કૉંગ્રેસની મોટી જીત પછી સ્થાનિક સ્તરે એક થવાની કોશિશ કરી રહેલા વિપક્ષો નરેન્દ્ર મોદી સામે મોટો પડકાર ઊભો કરી રહ્યા છે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કર્ણાટકની જીતે એ ભ્રમ તોડી નાખ્યો છે કે જ્યારે ભાજપ તીવ્ર સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહ્યો હોય ત્યારે પણ મોદી તેને જિતાડી શકે છે. સંગઠિત વિપક્ષ 2024માં મોદી માટે સૌથી મોટી સમસ્યા બની શકે છે. જીત અને હારનો ચુકાદો વિપક્ષી એકતા સૂચકાંકથી નક્કી થશે.”
2. વધતી બેરોજગારી : વિશેષજ્ઞો માને છે કે વધતી બેરોજગારી મોદી સરકારની સામે રહેલા સૌથી મોટા પડકારોમાંથી એક છે. કારણ કે કોવિડ-19 મહામારીને કારણે ભારતીય અર્થતંત્રને જોરદાર ફટકો પડ્યો છે. મોદી સરકાર સામે અર્થતંત્રને પુન:જીવિત કરવાની અને કરોડો બેરોજગારો માટે નોકરીના અવસરો પેદા કરવાનો પડકાર છે.
3. ખેડૂતસંકટ : ભારતના ખેડૂતો અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે જેનું સમાધાન લાવવાની જરૂર છે. વિશેષજ્ઞો કહે છે કે મોદી સરકારને ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ લાવવાની જરૂર છે.
4. આત્મનિર્ભર ભારત અને સપ્લાય ચેઇન : વડા પ્રધાન મોદીએ કોરોનાકાળ દરમિયાન 12 મે, 2020 ના દિવસે દેશવાસીઓને આત્મનિર્ભર ભારત બનાવવાનું વચન આપ્યું હતું. તેમણે આયાત ઓછી કરવા અને નિકાસ વધારવા માટે યોજનાઓ લાવવાની પણ જાહેરાત કરી હતી.
આ નિર્ણયનો મતલબ ચીનથી થઈ રહેલી આયાતને ખૂબ ઓછી કરવાનો અને તેના પર આપણી નિર્ભરતા ઓછી કરવાનો હતો. પરંતુ આત્મનિર્ભરપણાની જાહેરાત પછી ચીન સાથેનો આપણો દ્વિપક્ષીય વેપાર સતત વધી રહ્યો છે. છેલ્લા એક વર્ષના અંત સુધીમાં આ વેપાર 130 અબજ ડૉલરને આંબી ચૂક્યો છે.
સરકારે દેશને ઉત્પાદનનું હબ બનાવવા માટે અને ભારતીય કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે એક યોજના પણ શરૂ કરી હતી જેને ‘પ્રોડકશન લિંક્ડ ઇન્સેન્ટીવ’ કહેવામાં આવે છે. તે અંતર્ગત કંપનીઓને ઉત્પાદન વધારવા માટે સરકારી મદદ મળે છે.
તેનાથી ઉત્પાદન વધ્યું છે અને ભારત હવે સ્માર્ટફોન બનાવનાર દુનિયાના સૌથી મહત્ત્વના દેશોમાંથી એક બની ગયું છે. વિશેષજ્ઞો કહે છે કે કોઈ પણ દેશને આત્મનિર્ભર બનવામાં સમય લાગે છે.
દિલ્હીમાં આવેલ ફોર સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટમાં ચીન સાથે જોડાયેલા મામલાઓના વિશેષજ્ઞ પ્રો. ફૈઝલ અહમદ કહે છે, “ચીનની સપ્લાય ચેઇન પર નિર્ભરપણું ઓછું કરવું એ એક લાંબી પ્રક્રિયા છે અને આત્મનિર્ભર ભારતની આપણી પહેલનો આપણી “આયાત સાથે જોડાયેલા અવરોધો”ને ઓછા કરવી અને તેની સાથે જ આપણી ઘરેલુ ઉત્પાદન ક્ષમતાને વધારવા માટે ઉપયોગ થવો જોઈએ. તેના કારણે આપણે વધુ ફ્લૅક્સિબલ બનીશું અને વૈશ્વિક પ્રતિસ્પર્ધાને વધારવામાં મદદ મળશે.”
5. વિદેશનીતિઓના પડકારો : વિદેશી મામલા પર નજર રાખતા લોકો પ્રમાણે, મોદી સરકાર માટે આવનારાં વર્ષોમાં ચીન સાથે કામ કરવું એ માથાનો દુખાવો બની રહેશે.
વરિષ્ઠ પત્રકાર આશુતોષ કહે છે કે, “વિદેશનીતિના સ્તરે ચીન વધતો જતો માથાનો દુખાવો છે અને આગળ જતાં પણ ચીન સાથે કામ કરવું એ એક મોટો પડકાર બની રહેશે. અત્યાર સુધી સરકારે ભારતીય ક્ષેત્રમાં ચીનની ઘૂસણખોરીના મુદ્દે લોકોને માત્ર ઠગ્યા છે.”
“ખોટી વાતો ફેલાવાઈ રહી છે અને સરકાર દ્વારા એક વાર્તા ઘડવામાં આવી રહી છે કે મોદી એક સુપરમૅન છે, જેમણે ચીનને પાઠ ભણાવ્યો છે. પરંતુ સામાન્ય રીતે લોકો તેના પર વિશ્વાસ કરી રહ્યા નથી.”
પ્રો. ફૈઝલ અહમદ કહે છે, “ચીન સાથે ભારતની તાલમેલ એક પડકારજનક મુદ્દો બનેલો છે. એ પછી સીમા વિવાદોને ઊકેલવાના હોય કે પછી ચીનની સપ્લાય ચેઇન પર નિર્ભરતા ઓછી કરવાની વાત હોય કે પછી હિંદ મહાસાગરમાં સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા જાળવી રાખવાની હોય, આ પડકારો હજુ સામે છે.”
તેમના જણાવ્યા પ્રમાણે, આ બધા જ પ્રશ્નોનું સમાધાન થઈ શકે છે અને એ ભારતના પક્ષમાં થઈ શકે છે. તેઓ કહે છે કે, “હકીકતમાં આ બધા જ મોરચે ભારત માટે લાભની સંભાવનાઓ દેખાય છે.”
તેઓ કહે છે કે, “ત્રણ રીતે આ મુદ્દાઓનો ઉકેલ લાવી શકાય તેમ છે. પહેલું ભારત-ચીન બૉર્ડર મામલાને લઈને બંને પક્ષોએ વાતચીત ચાલુ રાખવી જોઈએ અને ઉચ્ચ સ્તરીય વાતચીત માટે માહોલ બની શકે તેવી કોશિશ ચાલુ રહેવી જોઈએ.”
બીજું કે ચીન પરની આપણી નિર્ભરતા ઓછી કરવા માટે સપ્લાય ચેઇનને મજબૂત કરવી જોઈએ અને ઉત્પાદકતા વધારવા પર ભાર મૂકવો જોઈએ.”
પ્રો. ફૈઝલ અનુસાર, ત્રીજો રસ્તો એ છે કે બધાં ઐતિહાસિક અને ભૂ- રાજનૈતિક કારણોને લઈને ભારત હિંદ મહાસાગરમાં સુરક્ષા સમાધાન આપવાની સ્થિતિમાં છે. અમેરિકા કે ચીન જેવા દેશો આ ક્ષેત્રમાં પોતાની જાતને મજબૂત કરી શકે છે, પરંતુ ભારતે નૌસેના આધુનિકીકરણના કાર્યક્રમોનો વિસ્તાર કરીને હિંદ મહાસાગરમાં સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાઓનું સમાધાન કરનાર દેશની ભૂમિકા અદા કરવી પડશે.”
નરેન્દ્ર મોદી અને તેમના સમર્થકો એવું કહે છે કે મોદીકાળમાં ભારત એક વિશ્વગુરુ બની ચૂક્યું છે અને ભારતનું ગૌરવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધ્યું છે.
જોન્સ હૉપકિન્સ યુનિવર્સિટીમાં અપ્લાઇડ ઇકૉનૉમિક્સ વિભાગના પ્રોફેસર સ્ટીવ એચ. હેંકી અનુસાર, “વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત ભલે એક વૈશ્વિક શક્તિ ન બન્યું હોય પરંતુ વૈશ્વિક પટલ પર એક મહત્ત્વપૂર્ણ દેશ બની ચૂક્યો છે.”
ડૉ. હેંકીનું કહેવું છે કે ભારતની પ્રભાવશાળી વિદેશનીતિનો લાભ તેને મળી રહ્યો છે. મોદી તેમની વિદેશનીતિના કાર્ડનો ખૂબ અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યા છે.”
તેમના અનુસાર વિશ્વગુરુ બનવા માટે મોદી સરકારને કેટલાય પ્રકારના પડકારોનો સામનો કરવો પડશે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં તટસ્થ વલણ જાળવી રાખવું એ એક મોટો પડકાર છે. ડૉ. ફૈઝલ કહે છે કે ભારત માટે અમેરિકા-પશ્ચિમના દેશો અને રશિયા વચ્ચે નિષ્પક્ષતા જાળવી રાખવી એ મોટો પડકાર બની રહેશે.
6. વિભાજિત સમાજને જોડવો એક મોટો પડકાર : સામાજિક કાર્યકર્તા અને ઉદારમતવાદી રાજનીતિક વિશ્લેષકો વચ્ચે એક બાબતે સમાન વિચાર છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સમાજમાં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે, ઊંચી અને નીચી જાતિઓ વચ્ચે વિભાજન ખૂબ વધી ગયું છે.
આશુતોષ કહે છે, “તેમની રાજનીતિ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની છે. તેમનો સમાજની એકતા વધારવાનો કોઈ ઇરાદો નથી કારણ કે તેઓ હિંદુત્વના રસ્તે ચાલે છે જે મુસ્લિમવિરોધી ભાવના પર આધારિત છે. એમને ખ્યાલ છે કે ધાર્મિક આધાર પર ધ્રુવીકરણ એ ચૂંટણીમાં જીતનું સૂત્ર છે. એટલે મને તેમના તરફથી સમાધાનના પ્રયાસોની કોઈ સંભાવના દેખાતી નથી.”
7. લોકશાહીને ધર્મનિરપેક્ષ ભારતને બચાવવું : લોકશાહી અને ધર્મનિરપેક્ષતાના ઍક્ટિવિસ્ટો કહે છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં લોકતંત્રની પીછેહઠ થઈ રહી છે અને બંધારણની ધર્મનિરપેક્ષ પ્રકૃતિને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી.”
8. પર્યાવરણ સંરક્ષણ : મોદી સરકારે જળવાયુ પરિવર્તન સાથે કડકાઈથી વર્તવા માટે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યો નિર્ધારિત કર્યાં છે. જોકે, પર્યાવરણ સંરક્ષણ નીતિઓનો કડકાઈથી અમલ કરવો જરૂરી છે.
9. ભ્રષ્ટાચાર અને નોકરશાહી : કેટલાય વિદેશી રોકાણકારો અને દેશના વેપારીઓ સામાન્ય રીતે એ ફરિયાદ કરે છે કે ભારતમાં હજુ પણ ભ્રષ્ટાચાર અને નોકરશાહી ચાલે છે, જે આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં અવરોધરૂપ છે. મોદી સરકારે ભ્રષ્ટાચાર અને અધિકારીરાજ સામે લડવા માટેના ઉપાયોને વધુ કારગત બનાવવાની જરૂર છે.