મોદી સરકાર પર ED અને CBIના દુરુપયોગના કેવા અને કેટલા આરોપ?

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા
  • સુપ્રીમ કોર્ટે 2013માં એવી ટિપ્પણી કરી હતી કે “સીબીઆઈ સરકારનો પોપટ છે.”
  • નરેન્દ્ર મોદી સરકાર વિરોધ પક્ષને ‘અંકુશ’માં લેવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરતી હોવાનો આરોપ મૂકવામાં આવે છે.
  • કેન્દ્રની સરકાર તેના હાથ હેઠળની એજન્સીઓનો ઉપયોગ તેના રાજકીય વિરોધીઓ સામે કરતી હોવાનો આરોપ નવો નથી.
  • બીબીસીએ કેટલાક કેસનો અભ્યાસ કરીને સમજવાનો પ્રયાસ કર્યો છે કે ગત નવ વર્ષમાં ઈડી અને સીબીઆઈનો ઉપયોગ રાજકીય વિરોધીઓ સામે કરવામાં આવ્યો છે કે કેમ.
  • એ ઉપરાંત વિરોધપક્ષના નેતાઓ પક્ષપલટો કરીને ભારતીય જનતા પાર્ટી(ભાજપ)માં સામેલ થયા પછી, તેમના વિરુદ્ધની તપાસનું શું થયું?

દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ ગત દિવસોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. દિલ્હી સરકારની 2021ની શરાબનીતિમાં થયેલી ગેરરીતિના સંદર્ભમાં સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ સિસોદિયાની ધરપકડ કરી છે.

આ ધરપકડને આમ આદમી પાર્ટી (આપ) સહિતના અનેક વિરોધ પક્ષોએ રાજકારણથી પ્રેરિત ગણાવી છે. એ પક્ષોનું કહેવું છે કે જે રાજ્યોમાં વિપક્ષી સરકાર છે તેના નેતાઓ તથા પ્રધાનોને કેન્દ્ર સરકાર ટાર્ગેટ કરી રહી છે.

આ જ રીતે છત્તીસગઢમાં એક અન્ય કેન્દ્રીય તપાસ એજન્સી ઍન્ફોર્સમૅન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) આજકાલ સક્રિય છે.

છત્તીસગઢની કૉંગ્રેસી સરકારના એક પછી એક પ્રધાનો તથા અનેક અમલદારોને 2020ના કોલસા સંબંધી એક કૌભાંડમાં ઑક્ટોબર-2022થી એક પછી એક પૂછરપછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

વિરોધ પક્ષને ‘અંકુશ’માં લેવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહી હોવાનું વિરોધ પક્ષ અને એક વર્ગ છેલ્લા કેટલાક મહિનાઓથી વારંવાર કહી રહ્યો છે.

અલબત્ત, દેશમાં યુનાઇટેડ પ્રોગ્રેસિવ ઍલાયન્સ (યુપીએ) સરકારનું શાસન હતું ત્યારે સુપ્રીમ કોર્ટે 2013માં એવી ટિપ્પણી કરી હતી કે “સીબીઆઈ સરકારનો પોપટ છે.” કેન્દ્રની સરકાર તેના હાથ હેઠળની એજન્સીઓનો ઉપયોગ તેના રાજકીય વિરોધીઓ સામે કરતી હોવાનો આરોપ નવો નથી.

આવા આરોપ ભૂતકાળમાં પણ સરકારો પર કરવામાં આવતા રહ્યા છે, પરંતુ નવો ટ્રૅન્ડ છેલ્લા નવ વર્ષમાં થયેલા ઈડીના જોરદાર ઉપયોગનો છે.

બીબીસીએ આવા જ કેટલાક કેસનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો છે, માહિતી મેળવી છે અને એ સમજવાનો પ્રયાસ કર્યો છે કે ગત નવ વર્ષમાં ઈડી અને સીબીઆઈનો ઉપયોગ રાજકીય વિરોધીઓ સામે કરવામાં આવ્યો છે કે કેમ.

એ ઉપરાંત એ પણ સમજવાનો પ્રયાસ કર્યો છે કે વિરોધપક્ષના નેતાઓ પક્ષપલટો કરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થયા પછી, તેમના વિરુદ્ધની તપાસનું શું થયું?

તેથી અમે મહારાષ્ટ્ર, આસામ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાંથી વિરોધ પક્ષના નેતાઓને સકંજામાં લેવામાં આવ્યા હોય તેવા કેસ પસંદ કર્યા છે.

મહારાષ્ટ્રઃ નવાબ મલિક અને નારાયણ રાણે

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા નવાબ મલિકની ઈડીએ કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ 2022ની 23 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી.

નવાબ મલિક પર એવો આરોપ છે કે તેમણે માફિયા ડૉન દાઉદ ઇબ્રાહીમનાં બહેન હસીના પારકરના ગાઢ સંબંધી સલીમ પટેલની સંપત્તિ બજાર ભાવ કરતાં ઘણા ઓછા ભાવે ખરીદી હતી. આ કેસ 22 વર્ષ જૂનો છે અને તેના સંદર્ભમાં ઈડીએ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ કાર્યવાહી કરી છે.

નવાબ મલિકના જમાઈ સમીર ખાનની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ 2021ની પહેલી જાન્યુઆરીએ ડ્રગ્ઝ સંબંધી મામલામાં ધરપકડ કરી હતી. અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યનની એનસીબીએ ઑક્ટોબર, 2021માં ધરપકડ કરી હતી.

આ મામલે નવાબ મલિકે અનેક પત્રકારપરિષદ યોજીને એનસીબી તથા ભાજપ પર આક્ષેપ કર્યા હતા. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે એનસીબીએ ષડ્યંત્રના એક ભાગરૂપે આર્યન ખાનનું અપહરણ કર્યું હતું. મલિકે આર્યન પરના કેસને બનાવટી ગણાવ્યો હતો.

આર્યન ખાનને અદાલતે પુરાવાના અભાવે ગત વર્ષે નિર્દોષ છોડી મૂક્યા હતા અને સમીર ખાનને જામીન પર મુક્ત કર્યા હતા, પરંતુ નવાબ મલિક હાલ જેલમાં છે. તબિયત સારી ન રહેતી હોવાનું કારણ આપીને તેઓ જામીન પર મુક્ત થવાના પ્રયાસ કરી રહ્યા છે.

નારાયણ રાણે મહારાષ્ટ્રના અગ્રણી રાજકારણી છે. તેઓ અગાઉ શિવસેના અને કૉંગ્રેસ બન્ને પાર્ટીમાં રહી ચૂક્યા છે. શિવસેના અને ભાજપની યુતિ સરકારના શાસનકાળમાં 1999માં તેઓ થોડા સમય માટે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી પણ બન્યા હતા.

ભાજપના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ નારાયણ રાણે પર 2016માં મની લૉન્ડરિંગનો આક્ષેપ કર્યો હતો. સોમૈયાએ ઈડીના તત્કાલીન જૉઇન્ટ ડિરેક્ટર સત્યબ્રત કુમારને પત્ર લખીને નારાયણ રાણે તથા તેમના પરિવારના બિઝનેસની તપાસ કરાવવાની માગણી કરી હતી.

નારાયણ રાણે પર રૂ. 300 કરોડના મની લૉન્ડરિંગનો આરોપ છે.

નારાયણ રાણે ઑક્ટોબર, 2017માં કૉંગ્રેસથી અલગ થઈ ગયા હતા તથા મહારાષ્ટ્ર સ્વાભિમાન પાર્ટી નામના પક્ષની રચના કરી હતી અને નેશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ (એનડીએ) સાથે યુતિની જાહેરાત કરી હતી. આજે નારાયણ રાણે કેન્દ્ર સરકારમાં મંત્રી છે.

નારાયણ રાણે પરના ગંભીર આક્ષેપોની તપાસ થઈ છે? કેન્દ્રીય એજન્સીઓએ કોઈ કાર્યવાહી કરી છે? આ સવાલનો જવાબ છેઃ ના.

આ બે કેસ એક જ રાજ્યના છે, જ્યાં રાણે કૉંગ્રેસમાં હતા ત્યારે તેમના પર મની લૉન્ડરિંગનો આક્ષેપ થયો હતો, પરંતુ હવે તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી છે. બીજી તરફ 22 વર્ષ પહેલાંના એક પ્રોપર્ટી સોદાને કારણે નવાબ મલિક છેલ્લા એક વર્ષથી જેલમાં છે.

2019માં કાયદામાં ફેરફાર પછી ઈડીની તાકાત વધી

કેન્દ્ર સરકારે 2019માં એક નોટિફિકેશન બહાર પાડીને પીએમએલએમાં ફેરફાર કર્યો હતો. તે મુજબ ઈડીને મની લૉન્ડરિંગના મામલાઓમાં ખાસ સત્તા આપવામાં આવી હતી.

પીએમએલએના સેક્શન 17ના સબ-સેક્શન (1)માં તથા સેક્શન 18માં ફેરફાર કરવામાં આવ્યો હતો અને ઈડીને આ કાયદા હેઠળ લોકોના ઘર પર દરોડા, સર્ચ તથા ધરપકડની સત્તા આપવામાં આવી હતી.

આ અગાઉ કોઈ અન્ય એજન્સી દ્વારા નોંધાવવામાં આવેલી એફઆઈઆર તથા ચાર્જશીટમાં પીએમએલએની જોગવાઈ લગાવવામાં આવી હોય ત્યારે જ ઈડી તપાસ કરતી હતી, પરંતુ હવે ઈડી પોતે એફઆઈઆર નોંધીને ધરપકડ કરી શકે છે.

રસપ્રદ વાત એ છે કે પીએમએલએમાં ફેરફારના ખરડાને નાણાં ખરડાની માફક રજૂ કરવામાં આવ્યો હતો. નાણાં ખરડાને રાજ્ય સભામાં રજૂ કરવો પડતો નથી. સીધી રાષ્ટ્રપતિની સહમતિ લઈને તેને લોકસભામાં રજૂ કરવામાં આવે છે અને ત્યાંથી જ તે કાયદો બની જાય છે.

એ પણ નોંધવું જોઈએ કે એ સમયે એટલે કે 2019માં રાજ્યસભામાં ભાજપની બહુમતી નહોતી. વિરોધ પક્ષે ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે પીએમએલએમાં નાણાં ખરડા જેવું કશું ન હોવા છતાં તેને નાણાં ખરડાની માફક લોકસભામાં પસાર કરાવવાનો કેન્દ્ર સરકારનો હેતુ એ કાયદાનો મનસ્વી ઉપયોગ કરવાનો છે.

પીએમએલએમાંના ફેરફારને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યા હતા, પરંતુ અદાલતે તે સુધારાને વાજબી ગણાવ્યા હતા.

કેન્દ્ર સરકારની દલીલ એ હતી કે ગંભીર નાણાકીય ગેરરીતિઓની તપાસ માટે ઈડીને વધુ સત્તા આપવામાં આવે તે જરૂરી છે.

આસામનું શારદા કૌભાંડ અને હિમંત બિસ્વા શર્મા

આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા શર્મા છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમનાં નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ભૂતકાળમાં આસામની કૉંગ્રેસ સરકારમાં આરોગ્યમંત્રી તરીકે કામ કરી ચૂકેલા હિમંત બિસ્વા આજે આસામમાં ભાજપની સરકારના મુખ્ય મંત્રી છે તથા ભાજપના ચૂંટણી અભિયાનમાં સ્ટાર પ્રચારક છે.

આસામની તરુણ ગોગોઈ સરકારમાં સૌથી શક્તિશાળી મંત્રી ગણાતા હિમંત બિસ્વા શર્મા અને ગોગોઈ વચ્ચેનો સંબંધ 2011ની ચૂંટણી બાદ ઉત્તરોતર બગડ્યો હતો.

હિમંત બિસ્વા શર્માએ જુલાઈ, 2014માં કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં તેમનું નામ શારદા ચિટફંડ કૌભાંડમાં જોડાઈ ગયું હતું.

હિમંત બિસ્વા શર્માના ગૌહાટીસ્થિત નિવાસસ્થાન અને તેમની ચેનલ ન્યૂઝ લાઇવની ઑફિસ પર ઑગસ્ટ, 2014માં સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. શર્માનાં પત્ની રિંકી ભુયન ન્યૂઝ લાઇવ ચેનલનાં માલિક છે. સીબીઆઈએ તેમની કોલકાતા ઑફિસમાં નવેમ્બર, 2014માં હિમંત બિસ્વા શર્માની કલાકો સુધી પૂછપરછ કરી હતી.

એ સમયે મીડિયામાં પ્રકાશિત અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે શારદા ગ્રૂપના માલિક અને આ કેસના મુખ્ય આરોપી સુદીપ્તો સેન આસામમાં સારી રીતે બિઝનેસ કરી શકે એટલા માટે હિમંત બિસ્વા શર્મા તેમની પાસેથી દર મહિને રૂ. 20 લાખ લેતા હતા.

ગૌહાટી હાઈકોર્ટે ચિટફંડના તમામ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ જાન્યુઆરી, 2015માં આપ્યો હતો અને હિમંત બિસ્વા શર્મા ઑગસ્ટ, 2015માં ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

આસામ કૉંગ્રેસના નેતા પ્રદ્યોત બર્દોલોઈએ ફેબ્રુઆરી, 2019માં એક પત્રકારપરિષદમાં આક્ષેપ કર્યો હતો કે “હિમંત બિસ્વા શર્મા ભાજપમાં સામેલ થતાંની સાથે જ આસામમાં શારદા ચિટફંડ કૌભાંડની તપાસ બંધ કરી દેવામાં આવી છે.”

આ કેસમાં તપાસ ક્યાં સુધી પહોંચી છે તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ એક વાત નક્કી છે કે શર્મા ભાજપમાં સામેલ થયા અને આસામના મુખ્ય મંત્રી બન્યા પછી સીબીઆઈએ તેમને પૂછપરછ માટે ક્યારેય બોલાવ્યા નથી.

ભાજપએ હિમંતને પૂર્વોત્તરની યુતિ નોર્થ-ઇસ્ટ ડેવલપમૅન્ટ ઍલાયન્સ (નેડા)ના વડા પણ બનાવ્યા છે. તેમને ભાજપના પૂર્વોત્તરમાં વિકાસના હીરો માનવામાં આવે છે.

મમતા બેનરજીના ભત્રીજાનો કેસ

આસામના પાડોશી રાજ્ય પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીના ભત્રીજા અને તૃણમૂલ કૉંગ્રેસના મહામંત્રી અભિષેક બેનરજીને ઈડીએ ગયા ઑગસ્ટમાં કોલસા ચોરી સંબંધી કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા.

અભિષેક બેનરજીને ઈડીની કોલકાતાસ્થિત ઑફિસમાં ત્રીજી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

કરોડો રૂપિયાના કોલસાના ગેરકાયદે ખનનના કેસની તપાસ સીબીઆઈ તથા ઈડી બન્ને કરી રહ્યાં છે.

આ મામલે સીબીઆઈએ 2022ની 19 મેએ ચાર્જશીટ દાખલ કરી હતી અને 41 લોકોને આરોપી બનાવ્યા હતા. જોકે, તેમાં અભિષેક બેનરજીનું નામ નથી.

આ કેસ નવેમ્બર, 2020નો છે. એ વખતે ઇસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડની વિજિલન્સ વિંગને પશ્ચિમ બીરભૂમ વિસ્તારમાં ‘કોલસાની મોટા પાયે ચોરી થતી હોવાના’ પુરાવા મળ્યા હતા અને તેને આધારે તેણે ફરિયાદ નોંધાવી હતી.

અહીંની કોલસાની ખાણોમાં વહેલી સવારે ગેરકાયદે ખોદકામ કરી, કોલસો કોથળાઓમાં ભરીને ટ્રક તથા સાઇકલ મારફત ચોરી કરવામાં આવતો હોવાનો આરોપ છે.

અભિષેક બેનરજી તથા તેમનાં પત્ની રુચિરાને ઈડીએ 2021માં પૂછપરછ માટે બોલાવ્યાં ત્યારે આ કેસમાં રાજકીય વળાંક આવ્યો હતો.

તેમને 2021માં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલાં બોલાવવામાં આવ્યા હતા એટલે કે પૂછપરછની પૃષ્ઠભૂમિ વિધાનસભાની ચૂંટણી હતી.

મમતા બેનરજીએ ઈડીના સમન્સને ‘ભાજપ દ્વારા ડરાવવાનો નિષ્ફળ પ્રયાસ’ ગણાવ્યા હતા. હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે.

શુભેન્દુ અધિકારીના કેસનું શું થયું?

ડિસેમ્બર, 2020માં તૃણમૂલ કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા શુભેન્દુ અધિકારી એક સમયે મમતા બેનરજીના વિશ્વાસુ અને તૃણમૂલના શક્તિશાળી નેતા ગણાતા હતા, પરંતુ 2021માં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ શુભેન્દુ ભાજપમાં જોડાયા હતા અને આજે તેઓ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે.

સેમ્યુઅલ મેથ્યુ નામના પત્રકારે 2014માં એક સ્ટિંગ ઑપરેશન કર્યું હતું. શુભેન્દુ અધિકારી, મુકુલ રૉય અને ફિરહાદ હકીમ જેવા અન્ય અનેક નેતાઓ લાખોની લાંચ લીધાની વાત કૅમેરા સમક્ષ સ્વીકારતા હોવાનો દાવો તે ઑપરેશનમાં કરવામાં આવ્યો હતો. તે નારદા સ્ટિંગ કેસ નામે ઓળખાય છે.

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલના વિજય બાદ તરત જ મે, 2021માં સીબીઆઈએ આ કેસમાં તૃણમૂલના ચાર નેતાની ધરપકડ કરી હતી. તેમાં રાજ્યના કૅબિનેટ મંત્રી ફિરહાદ હકીમ તથા પંચાયત મંત્રી સુબ્રતા મુખરજીનો પણ સમાવેશ થતો હતો.

આ મામલે ઈડીએ સપ્ટેમ્બરમાં એક ચાર્જશીટ દાખલ કરી હતી અને તેમાં ફિરહાદ હકીમ, સુબ્રતા મુખરજી, તૃણમૂલ વિધાનસભ્ય મદન મિત્રા અને તૃણમૂલના ભૂતપૂર્વ નેતા સોવન ચેટરજીનાં નામ સામેલ હતાં.

સોવન ચેટરજી પણ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલાં તૃણમૂલ છોડીને ભાજપમાં જોડાયા હતા, પરંતુ મનપસંદ બેઠક માટે ટિકિટ ન મળતાં તેમણે થોડા મહિનામાં જ ભાજપ પણ છોડી દીધો હતો.

નારદા સ્ટિંગમાં શુભેન્દુ અધિકારી પાંચ લાખ અને મુકુલ રોય 15 લાખ રૂપિયા લાંચપેટે લેવા સહમત થયા હોવા છતાં ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં શુભેન્દુ કે મુકુલનું નામ ન હતું. આ બન્ને હાલ ભાજપમાં છે.

વિપક્ષી નેતાઓ પર કસાઈ રહેલો સકંજો

ગયા વર્ષે લોકસભામાં આપેલા એક સવાલના જવાબમાં નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે 2004થી 2014 દરમિયાન ઈડીએ 112 સ્થળે દરોડા પાડ્યા હતા અને રૂ. 5346 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

પરંતુ 2014થી 2022 સુધીના ભાજપનાં આઠ વર્ષના શાસનકાળમાં ઈડીએ 3010 દરોડા પાડ્યા હતા અને લગભગ રૂ. એક લાખ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે ગયા વર્ષે જણાવ્યું હતું કે છેલ્લાં આઠ વર્ષમાં રાજકીય નેતાઓ વિરુદ્ધની ઈડીની કાર્યવાહીમાં ચાર ગણો વધારો થયો છે.

2014થી 2022 દરમિયાન 121 મોટા રાજકીય નેતાઓ સંબંધી મામલાઓની તપાસ ઈડી કરી રહી છે. તેમાં 115 નેતા વિરોધપક્ષના છે એટલે કે 95 ટકા મામલા વિરોધપક્ષના નેતાઓ વિરુદ્ધના છે.

તેની સરખામણીએ યુપીએના શાસનકાળમાં 2004થી 2014 દરમિયાન ઈડીએ 26 નેતાઓ વિરુદ્ધ તપાસ કરી હતી અને તેમાંથી 14 નેતા વિરોધપક્ષોના હતા.

જોકે, કેન્દ્ર સરકારે ડિસેમ્બર, 2022માં લોકસભામાં આપેલા એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે સંસદસભ્યો અને વિધાનસભ્યો વિરુદ્ધના મામલાઓની કોઈ માહિતી તેની પાસે નથી. સરકારે કહ્યું હતું કે “અમે સામાન્ય કેસ અને રાજકીય નેતાઓ સામેના કેસને અલગ-અલગ ગણતા નથી.”

ઈડીની માફક સીબીઆઈના કેસના આંકડાની વાત કરીએ તો યુપીએના શાસનકાળનાં 10 વર્ષમાં 72 રાજકીય નેતાઓ સીબીઆઈના સપાટામાં આવ્યા હતા અને એ પૈકીના લગભગ 60 ટકા એટલે કે 43 નેતા વિરોધપક્ષના હતા.

2014થી 2022 સુધી એનડીએ સરકારના શાસનકાળમાં 124 રાજકીય નેતાઓ સીબીઆઈના સકંજામાં આવ્યા હતા અને એ પૈકીના 95 ટકા એટલે કે 118 નેતા વિરોધપક્ષના છે.

વિરોધ પક્ષ સામેનું હથિયાર?

ઈડીનો રાજકીય ઉપયોગ કરવાના આક્ષેપ નરેન્દ્ર મોદી સરકાર પર વારંવાર થતા રહે છે. કેટલાક જાણકારો મહારાષ્ટ્રને આ તરકીબનું ટેસ્ટિંગ ગ્રાઉન્ડ પણ કહે છે.

ગત વર્ષે મેમાં શિવસેનાનાં એક જૂથે એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવો કર્યો હતો. બળવાખોર વિધાનસભ્યોને પહેલાં ગુજરાત અને પછી રાતોરાત ગૌહાટી લઈ જવામાં આવ્યા હતા.

હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા પછી મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથની સરકાર રચાઈ હતી અને એ માટે જુલાઈમાં થયેલી પહેલી ફ્લોર ટેસ્ટમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓએ વિધાનસભામાં ‘ઈડી, ઈડી’ના નારા લગાવ્યા હતા.

એ નારાના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ હતું કે, “આ ઈડીની સરકાર જ છે અને આ ઈડીનો અર્થ છે એકનાથ અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર.”

ઉદ્ધવ જૂથે શિંદે જૂથ પર આક્ષેપ કર્યો હતો કે ઈડીના ડર અને પૈસાની લાલચને કારણે તેમણે શિવસેનાના વિધાનસભ્યોને તોડીને ભાજપ સાથે સરકાર બનાવી છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ઊથલપાથલ ચાલી રહી હતી ત્યારે શિવસેનાના ભાજપવિરોધી નેતા સંજય રાઉતને ઈડીએ 2022ની 27 જુલાઈએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. મુંબઈના ગોરેગાંવસ્થિત પાત્રા ચાલ રીડેવલપમૅન્ટ સંબંધી મની લૉન્ડરિંગના કેસમાં રાઉતની 2022ની પહેલી ઑગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી.

પાત્રા ચાલના રીડેવલપમૅન્ટનું કામ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપની અને મહારાષ્ટ્ર હાઉસિંગ ડેવલપમૅન્ટ ઑથૉરિટી સાથે મળીને કરી રહ્યા હતા.

ઈડીનું કહેવું છે કે ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન કંપની, હાઉસિંગ ડેવલપમૅન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ(એચડીઆઈએલ)ની સહાયક કંપની છે.

એચડીઆઈએલ કંપની સામે પંજાબ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બૅન્ક સાથે રૂ. 4300 કરોડની છેતરપિંડીના કેસમાં તપાસ ચાલી રહી છે. ઈડીનું કહેવું છે કે એચડીઆઈએલે પ્રવીણ રાઉતના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પ્રવીણ રાઉત સંજય રાઉતના ગાઢ સંબંધી છે.

સંજય રાઉતને નવેમ્બર, 2022માં એક સેશન્સ કોર્ટે જામીન પર મુક્ત કર્યા ત્યારે અદાલતે કહ્યું હતું કે “કોર્ટમાં જે પુરાવા રજૂ કરવામાં આવ્યા અને ચર્ચા થઈ તેમાં પ્રવીણ રાઉત સામે ભ્રષ્ટાચારનો કેસ છે, પરંતુ સંજય રાઉતની ધરપકડ કારણ વગર કરવામાં આવી હતી.”

હવે ઉદ્ધવ જૂથ છોડીને શિંદે જૂથમાં ભળેલા નેતાઓની અને તેમના વિરુદ્ધના ઈડી, સીબીઆઈના કેસનું શું થયું તેની વાત કરીએ.

શિવસેનાના નેતા અર્જુન ખોતકર 2016થી 2019 દરમિયાન ભાજપ-શિવસેનાની યુતિ સરકારમાં પ્રધાન હતા. ઈડી તેમની સામે મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બૅન્ક કૌભાંડ સંબંધે તપાસ કરી રહી છે.

ઈડીએ ખોતકરના નિવાસસ્થાન પર જૂન, 2022માં દરોડો પાડ્યો હતો અને તેમની રૂ. 78 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.

ખોતકર જુલાઈમાં ઉદ્ધવ ગ્રૂપ છોડીને શિંદે જૂથમાં સામેલ થઈ ગયા હતા. શિંદે જૂથમાં સામેલ થયા ત્યારે તેમણે કહ્યું હતું કે “હું પરિસ્થિતિને કારણે મજબૂર છું.”

ખોતકર શિંદે જૂથમાં સામેલ થયા પછી તેમના વિરુદ્ધ કોઈ પ્રકારની કાર્યવાહી થયાના સમાચાર નથી.

આવો જ કિસ્સો શિવસેનાનાં નેતા ભાવના ગવલીનો પણ છે. મહારાષ્ટ્રમાં ભાવના ગવલીની ડિગ્રી કૉલેજો છે અને તેમના પર નાણાંની હેરાફેરીનો આરોપ છે. ઈડી ગવલી સામે મની લૉન્ડરિંગના કેસની તપાસ કરી રહી હતી.

ઈડીનો આરોપ છે કે ભાવના ગવલીએ એક સ્વયંસેવી સંગઠનને પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પરિવર્તિત કરી નાખ્યું હતું. તેમના પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. ગવલી શિંદે જૂથના વડપણ હેઠળની શિવસેનામાં સામેલ થયાં પછી તેમની વિરુદ્ધના મની લૉન્ડરિંગના કેસમાં ઈડી શું કરી રહી છે તેના કોઈ સમાચાર નથી.

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસ

આજે જે નેશનલ હેરાલ્ડ કેસમાં કૉંગ્રેસનાં નેતા સોનિયા તથા રાહુલ ગાંધી આરોપી છે તેની ફરિયાદ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં નોંધાવી હતી.

આ કેસમાં 120 (ગુનાહિત ષડ્યંત્ર) અને 420 (છેતરપિંડી)ની જેવી કલમો લગાવવામાં આવી છે.

તેમાં પીએમએલએની કોઈ કલમ લગાવવામાં આવી નથી, પરંતુ ઈડીએ આ કેસની તપાસ એવી દલીલ સાથે શરૂ કરી હતી કે તેમાં આઈટી વિભાગની ચાર્જશીટ છે અને તેમાં આ બન્ને કલમ છે.

તેથી ઈડી આ કેસની તપાસ કરી શકે છે. હકીકતમાં આ મામલો 2019 પહેલાંનો છે અને એ વખતે ઈડી પાસે, પીએમએલએની કલમો લગાવવામાં આવી હોય તેવા કેસની તપાસ કરવાની જ સત્તા હતી.

કઈ રીતે વધી ઈડીની સત્તા?

યુપીએ સરકાર દ્વારા કરાયેલા સુધારા પહેલાં આતંકવાદ જેવા મામલાઓને બાદ કરતાં રૂ. 30 લાખ કે તેથી વધુની હેરાફેરી થઈ હોય તેવા કિસ્સામાં જ મની લૉન્ડરિંગની કલમો લાગુ કરવામાં આવતી હતી. તેથી 2012 સુધી મની લૉન્ડરિંગના મામલાઓની કુલ સંખ્યા 165 જ હતી, પરંતુ 2013માં કરાયેલા સુધારા પછી રૂ. 30 લાખની મર્યાદા હટાવી લેવામાં આવી હતી અને ગમે તેટલી ઓછી રકમ હોય તો પણ તેને તપાસના દાયરામાં લાવવામાં આવ્યા હતા.

જોકે, પીએમએલએમાં સૌથી ગંભીર સુધારા 2019માં કરવામાં આવ્યા હતા. તેમાં ઈડીને જબરી સત્તા આપવામાં આવી હતી. યુપીએના કાર્યકાળમાં પીએમએલએનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો હતો, જ્યારે મોદી સરકારે તેને વધુ આકરો બનાવ્યો છે.

આ કાયદામાં કલમ ક્રમાંક 45નો ઉમેરો કરવામાં આવ્યો છે. એ કલમ હેઠળ ઈડીના અધિકારીઓને કોઈ પણ વ્યક્તિની વૉરંટ વિના ધરપકડ કરવાની સત્તા આપવામાં આવી છે.

ગેરકાયદે નાણાં વડે ખરીદવામાં આવેલી સંપત્તિનો વ્યાપ પણ વધારવામાં આવ્યો હતો. તે મુજબ, “કોઈ સંપત્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગેરકાયદે કમાણીના પૈસામાંથી ખરીદવામાં આવી છે એવું જણાય તો ઈડી એ બાબતે પણ કાર્યવાહી કરી શકે છે.”

પોલીસ કોઈને સમન્સ પાઠવે તો એ વ્યક્તિ જણાવવામાં આવે છે કે તેને આરોપી તરીકે સમન કરવામાં આવી છે કે સાક્ષી તરીકે. ઈડીના સમન્સની બાબતમાં આવી જાણકારી આપવી જરૂરી નથી. ઈડીની પૂછપરછમાં ઈડીના અધિકારીઓ સમક્ષ આપેલા નિવેદનને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરી શકાય છે. અન્ય મામલાઓમાં નિવેદન મૅજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ ક્રમાંક 164 હેઠળ નોંધવામાં આવ્યું હોય તો જ કાયદેસરનું ગણાય છે, પરંતુ પીએમએલએ હેઠળ ઈડીની ઉપર મૅજિસ્ટ્રેટની કોઈ દેખરેખ હોતી નથી.

સામાન્ય એફઆઈઆરમાં જેની સામે આરોપ હોય તે વ્યક્તિને એફઆઈઆરની કોપી માગવાનો અધિકાર હોય છે, પરંતુ મની લૉન્ડરિંગના કેસમાં આરોપીને આવી કૉપી આપવાની કોઈ જોગવાઈ નથી.

સંબંધિત મામલમાં ઈડી કોર્ટમાં ચાર્જશીટ દાખલ ન કરે ત્યાં સુધી આરોપીને ખબર નથી હોતી કે તેના પર કઈ કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો છે. ઈડીને ચાર્જશીટ દાખલ કરવા માટે 60 દિવસનો સમય મળે છે.

પીએમએલએના વિરોધમાં એક એવી દલીલ કરવામાં આવે છે કે આ કાયદા હેઠળના કેસમાં પોતાને નિર્દોષ સાબિત કરવાનો બોજ આરોપી પર હોય છે. જામીન પર મુક્તિ મેળવવામાં પણ અનેક મુશ્કેલી હોય છે, કારણ કે એફઆઈઆર ન થઈ હોવાને કારણે પોતાના પરના આરોપો સામે કોર્ટમાં દલીલ કરવાનું આરોપી માટે લગભગ અશક્ય હોય છે.