તૃણમૂલ કૉંગ્રેસના નેતા સાકેત ગોખલે તેમને મળેલા રૂ. 500 માટે ગુજરાતની જેલમાં કેમ બંધ છે?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કૉંગ્રેસના નેતા સાકેત ગોખલે છેલ્લા બે-અઢી મહિનાથી ગુજરાતમાં ચર્ચામાં છે
  • ચર્ચા પાછળનું કારણ તેમની સોશિયલ મીડિયાની પોસ્ટ અને તેની પછી થયેલી પોલીસ કાર્યવાહી છે. ગુજરાતમાં તેઓની સામે ત્રણ કેસો છે
  • સાકેત ગોખલે સામે નોંધાયેલી ફરિયાદમાં તેમણે ક્રાઉડ ફંડીગના નામે ઉઘરાવેલા નાણાંનો વ્યક્તિગત ખર્ચ કર્યો હોવાના આરોપ લગાવાયો છે
  • ફરિયાદ અનુસાર, ગોખલે દ્વારા વર્ષ 2019થી 2021 વચ્ચે ક્રાઉડ ફંડિંગથી 76 લાખ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા
  • ફંડના આ નાણાંનો તેમણે પોતાના અંગત ખર્ચ માટે ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ કરતી પોસ્ટ પણ ફરિયાદીએ જોઈ હતી
  • અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગત 30 ડિસેમ્બરે દિલ્હીથી સાકેતની ધરપકડ કરી હતી
  • તા.4 ડિસેમ્બર સુધી સાકેત ગોખલેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા

"I Raised Funds For My Sustenance-Like a Salary to be able to do My Work full time And that's been clear as day 1."

અર્થાત કે "મારા જીવનનિર્વાહ માટે મેં પગાર અને એ અર્થનું ભંડોળ એકઠું કર્યું, જેથી આખો સમય મારું કામ કરી શકું. પહેલા દિવસથી જ આ સ્પષ્ટ કર્યું હતું."

તૃણમૂલ કૉંગ્રેસના નેતા અને આરટીઆઇ ઍક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ કરેલા આ ટ્વીટનો ઉલ્લેખ તા.28 ડિસેમ્બર 2022ના રોજ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદમાં કરાયો છે.

સાકેત ગોખલે સામે નોંધાયેલી ફરિયાદમાં તેમણે ક્રાઉડ ફંડીગના નામે ઉઘરાવેલા નાણાંનો વ્યક્તિગત ખર્ચ કર્યો હોવાના આરોપ લગાવાયા છે.

તેમણે સોશિયલ મીડિયામાં આ આરોપ લાગ્યા હતા ત્યારે ગત 1લી જાન્યુઆરીએ એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટને આધાર બનાવીને ફરિયાદીએ તૃણમૂલ કૉંગ્રેસના નેતા સાકેત ગોખલે સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શું છે ફરિયાદમાં?

ફરિયાદીએ આરોપ મૂકતા આગળ ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, સાકેત ગોખલેએ વર્ષ 2019થી 2021 દરમિયાન અવરડેમૉક્રસી.ઈન નામની સંસ્થા ઊભી કરી તેમાં ક્રાઉડ ફંડિંગના નામે રૂપિયા ભેગા કરીને વ્યક્તિગત ખર્ચ માટે વાપર્યા છે.

ફરિયાદી છે ગાંધીનગરના સેક્ટર 19 ખાતે રહેતાં 46 વર્ષીય આનંદ નગીનદાસ બિહોલા. તેમનું અમદાવાદમાં શાહીબાગ ખાતે પણ મકાન છે અને તેઓ રાજ્ય સરકારમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

આનંદ બિહોલાએ સાકેત ગોખલે સામે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના પત્નીનું નામ નંદિતા છે. તેમના પત્નીએ આરોપી સાકેત ગોખલેએ ક્રાઉડ ફંડીગ માટે ઊભી કરેલી અવરડેમૉક્રસી ડોટ ઈન સંસ્થાના ક્રાઉડ ફંડીગમાં તા. 8 મે 2021ના રોજ ઑનલાઈન 500 રૂપિયા જમા કરાવ્યા હતા જેનો ઉપયોગ આરોપી સાકેત ગોખલેએ વ્યક્તિગત ખર્ચ માટે કર્યો છે.

ફરિયાદ અનુસાર, બાદમાં ફરિયાદીને જાણ થઈ કે મોરબી ઝુલતા પૂલની દુર્ઘટનાના અનુસંધાને પોસ્ટ કરવા બદલ સાકેત ગોખલેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેમનો ફોટો પ્રસિદ્ધ થયો હતો.

ફરિયાદ અનુસાર, સાકેત ગોખલેનો ફોટો જોઈને ફરિયાદીને જાણ થઈ કે, આ એજ વ્યક્તિ છે જેને 2019થી 2021 દરમિયાન પોતાના જુદા-જુદા સોશિયલ મીડિયાના એકાઉન્ટથી પોતે આરટીઆઈ એક્ટિવીસ્ટ તેમજ સામાજિક કાર્યકર્તા હોવાનું જણાવી પ્રજાલક્ષી કાર્ય કરવા માટે આર્થિક મદદ મેળવવા માટે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લૅટફૉર્મ ઉપર અપીલ કરી હતી.

ફરિયાદમાં આગળ લખ્યું છે કે આવી જ એક અપીલ વાંચીને ફરિયાદીના પત્નીએ 500 રૂપિયા જમા કરાવ્યા હતા.

આ અંગે ફરિયાદીએ ગોખલેની સંસ્થા અંગે ઑનલાઇન સર્ચ કર્યું હતુ. તેઓને ધ્યાને આવ્યું હતુ કે, ગોખલે દ્વારા વર્ષ 2019થી 2021 વચ્ચે ક્રાઉડ ફંડિંગથી 76 લાખ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા અને આ નાણાંનો તેમણે પોતાના અંગત ખર્ચ માટે ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ કરતી પોસ્ટ પણ ફરિયાદીના જોવામાં આવી હતી.

સોશિયલ મીડિયામાં થઈ રહેલા આક્ષેપો સામે સાકેત ગોખલેએ ટ્વીટ કરતા લખ્યું હતું કે, ‘I raised funds for my substance like a salary to be able to do my work full time. And that's been clear as day 1.’ 

સાકેત ગોખલે સામે ક્રાઉડ ફંડિંગના નામે નાણાં ઉઘરાવીને તેનો દુરુપયોગ કરવા બદલ આઇપીસીની કલમ 406, 420, 465, 467, 471, 120(બી) તેમજ આઇટી એક્ટની કલમ 66બી અને 66સી મુજબ ગુનો દાખલ કરાયો હતો.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગત 30 ડિસેમ્બરે દિલ્હીથી સાકેતની ધરપકડ કરી હતી. તા.4 ડિસેમ્બર સુધી સાકેત ગોખલેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ સાકેત ગોખલે જામીન અરજી દાખલ કરી હતી.

સાકેત ગોખલેએ આ ફરિયાદને રાજકીય કિન્નાખોરીવાળી ગણાવી હતી અને પોતે નિર્દોષ હોવાનું કહ્યું હતું અને બિમાર હોવાથી જામીન આપવા અરજી કરી હતી.

સાકેત સામેના અન્ય બે કેસમાં શું છે?

પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કૉંગ્રેસના નેતા સાકેત ગોખલે છેલ્લા બે-અઢી મહિનાથી ગુજરાતમાં ચર્ચામાં છે.

ચર્ચા પાછળનું કારણ તેમની સોશિયલ મીડિયાની પોસ્ટ અને તેની પછી થયેલી પોલીસ કાર્યવાહી છે. ગુજરાતમાં તેઓની સામે ત્રણ કેસો છે.

પહેલાં બે કેસમાં તેઓને જામીન મળી ગયા છે જ્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા નોંધવામાં આવેલા ક્રાઉડ ફંડીગના નામે ઠગાઇના કેસમાં તેઓ હાલ જેલમાં છે.

પહેલા કેસની વિગતો એવી છે કે સાકેત ગોખલે ગત તા. 1 ડિસેમ્બરે ટ્વીટ કર્યું હતું કે, મોરબી પૂલ દુર્ઘટના બાદ પીએમ મોદીના મોરબી પ્રવાસની વ્યવસ્થા પાછળ રૂપિયા 35 કરોડનો ખર્ચ કરાયો હતો.

સાકેત ગોખલેએ એક ગુજરાતી અખબારનું કતરણ ટ્વીટ પર શેર કર્યું હતું. જેમાં આરટીઆઈના હવાલાથી દાવો કરવામાં આવ્યો હતો કે, પીએમની મોરબી વિઝીટ પાછળ 30 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

સાકેત ગોખલેએ દાવો કર્યો હતો કે, પીએમ મોદીના સ્વાગત માટે ફોટોગ્રાફી પાછળ 5.5 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો.

તેમણે એમ પણ કહ્યું હતું કે, પીએમનું ઇવેન્ટ મૅનેજમૅન્ટ 135 લોકોનાં જીવનથી વધારે છે.

સાકેત ગોખલેના આ ટ્વીટને લઈને 1 ડિસેમ્બરે ભલાભાઈ કોઠારી નામના વ્યક્તિએ અમદાવાદ સાબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ખોટી માહિતી ફેલાવવાનો આરોપ હતો.

આ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે સાકેતની 6 ડિસેમ્બરે જયપુરથી ધરપકડ કરી હતી.

આ ગુનામાં જામીન મળ્યા બાદ મોરબી પોલીસ દ્વારા બીજા કેસમાં 8 ડિસેમ્બરે ફરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પણ તેઓને જામીન મળી ગયા હતા.

અગાઉના બે કેસમાં સાકેત ગોખલેના વકીલ રહી ચૂકેલા મજીદ મેમણ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "સાકેત ગોખલે સામે કોઈ ગંભીર ગુનો નથી પરંતુ કોઈને ફસાવવા માટે કરવામાં આવેલું કાવતરૂ છે. એક ગુનામાં જામીન આપ્યા બાદ બીજા ગુનામાં ધરપકડ કરવી ગેરકાનૂની છે.”

તેઓ ઉમેરે છે, “હાલના ગુનામાં સાકેત ગોખલેને સેશન્સ કોર્ટમાંથી જામીન મળી જવા જોઈએ. તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય સ્પર્ધા ચાલી રહી છે. જેથી ભાજપ દ્વારા સાકેત ગોખલે સામે કરવામાં આવેલી ફરિયાદો રાજનીતિ પ્રેરિત છે. જેને તૃણમૂલ કૉંગ્રેસ દ્વારા ઉચ્ચ ન્યાયાલયમાં પડકારવામાં આવશે."

29 ડિસેમ્બરે સાકેત ગોખલેએ ટ્વીટ કરતા લખ્યું હતું કે, “જાહેર કરતાં આનંદ થાય છે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે 3 અઠવાડિયા પહેલાની મારી ધરપકડ અંગે ગુજરાત પોલીસ સામે કેસ નોંધ્યો છે.

આ કેસ મને ટ્રાન્ઝિટ રિમાન્ડ વિના (અને સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના) જયપુરથી અમદાવાદ સુધી ગેરકાયદેસર કસ્ટડીમાં લેવાનો છે.”

સાકેત અને સરકારી વકીલ શું કહે છે?

સાકેત ગોખલે દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, " તેઓ બીમાર છે. તેઓ રોજની 14 જેટલી દવાઓ લે છે.”

સાથે તેમણે દલીલ કરી હતી કે, અવર ડેમોક્રસી મારફતે આવેલી રકમ બૅન્ક ખાતામાં જમા થાય છે. અમે ફંડનો કોઈ દુરુપયોગ કર્યો નથી તેથી છેતરપિંડીનો કોઈ ગુનો બનતો નથી. મેં પૂરેપૂરો ટૅક્સ ચૂકવ્યો છે. મારી સામે અત્યારે માત્ર રૂ. 500ની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે.

“ફરિયાદીએ મે 2021માં ફંડ આપ્યું હતું જેની ફરિયાદ ડિસેમ્બર 2022માં નોંધાઈ છે. ફરિયાદી ખુદ સરકારી નોકરી કરે છે. તેમણે દ્વેષ ભાવ રાખીને મારી સામે ફરિયાદ કરેલી છે."

ત્રીજી ફરિયાદમાં સાકેત ગોખલેના વકીલ વાય.એન. રવાનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "સાકેત ગોખલે વિરુદ્ધ ગુજરાત સરકારમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કામ કરતા એક અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. આ અધિકારીએ સાકેત ગોખલેને ક્રાઉડ ફંડિંગમાં રૂ. 500 લોકસેવા વપરાશ માટે આપ્યા હતા. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સાકેત ગોખલે દ્વારા લોક સેવાના પૈસા પોતાના ખર્ચ માટે વાપરવામાં આવ્યા હતા. આ 500 રૂપિયાની ફરિયાદ છે. સાકેત ગોખલે વિરુદ્ધ એક જ મહિનામાં ગુજરાતમાં આ ત્રીજી ફરિયાદ છે. ફરિયાદ દાખલ થઈ તેના બીજા જ દિવસે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોતાનો પક્ષ રજૂ કરવાનો મોકો પણ આપવામાં આવ્યો નથી. તેઓએ ભાજપ અંગે ટ્વીટ કરી ત્યારથી તેમને હેરાન કરવાના ઇરાદા સાથે ફરિયાદો કરવામાં આવી રહી છે."

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ સાકેત ગોખલેની ધરપકડની નિંદા કરતા કહ્યું, "આ પ્રકારની સતામણી લાંબા ગાળે ક્યારેય કામમાં આવતી નથી. લોકો બધુ જુએ છે અને વિરોધ વધુ મજબૂત બને છે."

સાકેતે ઑગસ્ટ 2018માં બરતરફ આઈપીએસ સંજીવ ભટ્ટને સમર્થન આપતી ઝુંબેશ માટે સહયોગ આપવા માટે પણ અપીલ કરી હતી.

જેમાં તેમણે ફેસબૂક પર એક લાંબી લાગણીશીલ પૉસ્ટ લખીને કૅમ્પેનને સહયોગ આપવાની અપીલ કરી હતી.