You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાપુઆ ન્યૂ ગિની: ભૂસ્ખલન બાદ હજારો લોકો લાપતા હોવાની આશંકા
ભયંકર ભૂસ્ખલનની આ ઘટના બાદ પાપુઆ ન્યૂ ગિનીના નેશનલ ડિઝાસ્ટર સેન્ટરના ડાયરેક્ટરે એક પત્રમાં જણાવ્યું છે કે 2000થી વધુ લોકો આ ઘટના બાદ ફસાયા છે.
સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ ગઈકાલે જણાવ્યું હતું કે પાપુઆ ન્યૂ ગિનીમાં ભયંકર ભૂસ્ખલનને કારણે લગભગ 670 લોકો ફસાયા હોવાનું અનુમાન છે.
આ આંકડો હજુ પણ વધે તેવી આશંકા સેવાઈ રહી છે. ચોક્કસ આંકડાઓ મેળવવામાં હજુ વાર લાગી શકે છે કારણ કે કેટલીક જગ્યાએ 10 મીટર જેટલો કાટમાળ છે.
પાપુઆ ન્યૂ ગિનીમાં ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશનના અધ્યક્ષ સેરહાન એક્તોપ્રાકે કહ્યું કે દેશમાં દૂર આવેલા એન્ગા પ્રાંતમાં શુક્રવારે બનેલી ભૂસ્ખલનની ઘટના ઘાર્યા કરતાં વધારે ભયાનક છે.
એક્તોપ્રાકે જણાવ્યું કે લગભગ 150થી વધારે ઘરો ભૂસ્ખલનને કારણે દબાઈ ગયાં છે.
આ ઘટનામાં અસરગ્રસ્ત વિસ્તાર દક્ષિણ પશ્ચિમ મહાસાગરમાં આવેલા આઇલૅન્ડ પાપુઆ ન્યૂ ગિનીમાં ઉત્તરે ઊંચાઈ પર આવેલો એન્ગા પ્રાંત છે.
એક્તોપ્રાકે કહ્યું કે બચાવકર્મીઓ પર પણ હજુ જોખમ છે કારણ કે જમીન હજી પણ ખસી રહી છે.
તેમણે કહ્યું કે પાણી વહી રહ્યું છે અને આ કારણે બચાવકાર્યમાં સામેલ લોકો પર પણ જોખમ તોળાઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારમાં લગભગ ચાર હજાર લોકો રહે છે.
જોકે, બચાવકાર્યમાં મદદ કરનારી કૅર ઑસ્ટ્રેલિયાએ એજન્સીએ ચેતવણી આપી છે કે ફસાયેલા લોકોની સંખ્યાનો આંકડો વધી શકે છે. કારણ કે ઘણા લોકો પાડોશી વિસ્તારોમાં ચાલી રહેલા આદિવાસીઓ વચ્ચેના સંઘર્ષોથી બચવા માટે મોટી સંખ્યામા લોકો અહીં આવ્યા હતા.
આ પ્રાકૃતિક આપત્તિને કારણે લગભગ એક હજાર લોકોએ સ્થળાંતર કર્યું હતું. એક્તોપ્રાકે કહ્યું કે જે બગીચાઓમાં પાક ઉગાડવામાં આવતો હતો તે બગીચાઓ અને પાણીના પુરવઠાની વ્યવસ્થા સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે.
આ ભૂસ્ખલન શુક્રવારે 24મે ના રોજ સ્થાનિક સમય પ્રમાણે ત્રણ વાગ્યે થયું હતું. એ સમયે મોટાભાગના લોકો તેમનાં ઘરોમાં ઊંઘી રહ્યા હતા.
કૅર ઑસ્ટ્રેલિયાના પ્રવક્તાએ કહ્યું, "ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોની ચોક્કસ સંખ્યા વિશે અમને ખ્યાલ નથી અને થોડા સમય સુધી તેની તપાસ કરવી મુશ્કેલ છે."
"જે સમયે ભૂસ્ખલન થયું તેનાથી લાગે છે કે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા હજુ પણ વધી શકે છે."
એક્તોપ્રાકે કહ્યું કે પીડિતોને બહાર કાઢવા માટે બચાવકર્મીઓ જે પણ સંભવ છે એ બધું જ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, "લોકો કાટમાળ હઠાવવા માટે અને મૃતદેહોને બહાર કાઢવા માટે પાવડા, કોદાળી અને કૃષિ કામમાં ઉપયોગમાં લેવામાં આવતાં દરેક ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યાં છે."
26મે સુધીમાં કાટમાળમાંથી માત્ર પાંચ મૃતદેહો જ કાઢી શકાયા હતા.
કેટલાક વિસ્તારોમાં મોટા પથ્થરો, વૃક્ષો અને ખસી ગયેલી જમીનને કારણે 26 ફૂટથી પણ ઊંચો દેખાય છે.
ઍન્ગા પ્રાંત સુધી માત્ર એક જ હાઈવે જાય છે. કેર ઑસ્ટ્રેલિયાનું કહેવું છે કે ભૂસ્ખલનને કારણે આ રસ્તાના એક મોટા ભાગ પર કાટમાળ પડેલો છે. જેના કારણે બચાવકાર્યમાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
સમાચાર એજન્સી એએફપી અનુસાર, કાટમાળ હઠાવવા માટે મોટાં મશીનો 26મે ની રાત્રિ સુધીમાં આવી જવાનું અનુમાન હતું.
પાપુઆ ન્યૂ ગિની અને ભારત
ગત વર્ષે જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનમાં જી7 શિખર સંમેલનમાં ભાગ લીધા પછી પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા ત્યારે આ દેશની ચર્ચા થઈ હતી.
પાપુઆ ન્યૂ ગિનીના વડા પ્રધાન જેમ્સ મારાપે સ્વયં તેમનું સ્વાગત કરવા માટે ઍરપૉર્ટ પહોંચ્યા હતા.
સમાચાર એજન્સી રોઇટર્સ પ્રમાણે પાપુઆ ન્યૂ ગિનીની વસ્તી અંદાજે 90 લાખ છે.
વિદેશ મંત્રાલય તરફથી બંને દેશોના સંબંધો પર જાહેર કરવામાં આવેલ એક પ્રેસ નોટ અનુસાર, પાપુઆ ન્યૂ ગિનીમાં અંદાજે ત્રણ હજાર ભારતીયો રહે છે. જોકે, આ આંકડો વર્ષ 2020 સુધીનો છે.
તેમાંથી મોટાભાગના લોકો સીએ, યુનિવર્સિટીના પ્રોફેસર, શાળાના શિક્ષકો અને ડૉક્ટર છે.
પાપુઆ ન્યૂ ગિનીએ ભારતમાં તેનું હાઇકમિશન એપ્રિલ, 1996માં ખોલ્યું હતું. તેનાં 10 વર્ષ બાદ 2006માં પાપુઆ ન્યૂ ગિનીએ ભારતમાં પોતાની હાઇકમિશનની ઓફિસ ખોલી હતી.
2016 માં, પ્રણવ મુખર્જી પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ હતા.
જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચરમસીમા પર હતી અને મોટા વૅક્સિન ઉત્પાદક દેશો તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી રહ્યા હતા ત્યારે ભારતે પાપુઆ ગિનીને કોરોના રસીના 1 લાખ 31 હજાર ડોઝ આપ્યા હતા.
પાપુઆ ન્યૂ ગિની દ્વીપ
પાપુઆ ન્યૂ ગિની ઘણીવાર જ્વાળામુખી, ધરતીકંપ અને સમુદ્રી તોફાનનો શિકાર બનતો રહ્યો છે.
વર્લ્ડ બૅન્ક અનુસાર, ભાષાકીય રીતે તેની ગણતરી દુનિયાના એવા વૈવિધ્યસભર દેશોમાં થાય છે કે જેની પાસે 800થી વધુ ભાષાઓ છે.
પાપુઆ ન્યૂ ગિનીની અંદાજે 80 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, જ્યાં નગણ્ય સુવિધાઓ છે.
દૂરસુદુરના પહાડી વિસ્તારોમાં અનેક જનજાતિઓ એવી છે, જેનો બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક નથી. તેઓ ખેતીથી જીવન ચલાવે છે.
વર્ષ 1906માં તેનું નિયંત્રણ બ્રિટન પાસેથી ઑસ્ટ્રેલિયાને મળ્યું અને વર્ષ 1975માં આ દેશ ઑસ્ટ્રેલિયાથી સંપૂર્ણ રીતે આઝાદ થઈ ગયો હતો.
જેમ્સ મોરાપે પાપુઆ ન્યૂ ગિનીના સર્વોચ્ચ નેતા છે.