સુરત :‘મારી ચાર વર્ષની દીકરીને ટીચરે 35 લાફા માર્યા’, બાળકોને શિક્ષા કરવાથી કેવી માનસિક અસર થાય છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"એક સ્કૂલના વર્ગખંડમાં એક મહિલા શિક્ષિકા સફેદ કલરની પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠાં છે, તેમની સામે બે ભાગમાં લાલ કલરની ટીશર્ટ પહેરીને નાનાં બાળકો બેન્ચ પર બેઠેલાં છે. આ મહિલા શિક્ષિકા એ બાળકીને કંઈક સૂચના આપે છે અને અચાનક એક બાળકી ઉપર તૂટી પડે છે, આ બાળકીને થપ્પડ મારે છે, પીઠ પર ધબ્બા મારે છે, એકસાથે 35 વાર થપ્પડ અને ધબ્બા મારે છે."

આ ઉપરોક્ત ઘટના દર્શાવતા સીસીટીવી ફૂટેજ સુરત શહેરના વરાછા વિસ્તારની સાધના નિકેતન શાળાના જુનિયર કે.જી. ના વર્ગખંડના છે, આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ગત તા. 9 ઑક્ટોબર 2023ના દિવસે સાધના નિકેતન સ્કૂલનાં શિક્ષિકા જશોદાબહેને તેમના વર્ગખંડમાં ભણતી ચાર વર્ષની બાળકીને માર માર્યો હોય એવો આરોપ લાગ્યો છે.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ તા. 11 ઑક્ટોબર 2023ના દિવસે બહાર આવ્યા હતા.

આ ઘટનાની વાલીને જાણ થતાં તેમણે સ્કૂલના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો મહિલા શિક્ષિકા તેમની બાળકીને માર મારતાં હોય એવું જણાયું હતું.

આ અંગે તા. 11 ઑક્ટોબર 2023ના રોજ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં આરોપી મહિલા શિક્ષિકા જશોદાબહેન સામે જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટની કલમ 75 અને 82 અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ શાળાના સંચાલકો દ્વારા શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

ઘટના બહાર આવ્યા બાદ સરકારે પણ આ અંગે નોંધ લઈને આ અંગેના નિયમોનું કડકાઈથી પાલન કરવાનું સૂચન બહાર પાડ્યું છે.

ગ્રે લાઇન

‘શરીર પર લાલ ચાઠાં થઈ ગયાં હતાં’

સુરત શાળામાં બાળકને મારવાની ઘટના

ઇમેજ સ્રોત, સીસીટીવી ફૂટે/Rupesh Sonwane

ઇમેજ કૅપ્શન, સુરતની શાળામાં બાળકને મારવાની ઘટના
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ ઘટના બાદ ફરી વાર સ્કૂલોમાં બાળકોને થતી શારીરિક અને માનસિક શિક્ષા રોકવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

આ અંગે શિક્ષણના જાણકારો શિક્ષકોની તાલીમની જરૂરિયાત વ્યક્ત કરી રહ્યાં છે જ્યારે રાજ્ય સરકારે આ પ્રકારની ઘટના ન બને અને તેને રોકવા માટે જરૂરી પગલાં લેવા માટે પરિપત્ર કરીને તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ કર્યો છે.

બાળકીનાં માતા ધારાબહેન સરવૈયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મારી દીકરી શાળામાંથી આવી ત્યાર બાદ હું તેનો યુનિફૉર્મ બદલી રહી હતી, મેં જોયું કે તેના શરીર પર લાલ ચાઠાં થઈ ગયાં હતાં. મેં તેને પૂછતાં દીકરીએ કહ્યું કે, મને ટીચરે માર માર્યો હતો. આથી હું મારી દીકરીને લઈને શાળાએ ગઈ હતી."

"શાળામાં જઈને શિક્ષિકાને વાત કરી તો તેમણે મને કહ્યું કે, મેં એક જ લાફો માર્યો હતો પરંતુ હવે આજ પછી હું તમારી દીકરી પર ગુસ્સો કરીશ નહીં. ઘરે આવીને મેં આ વાત મારા પતિને કરી હતી. બીજા દિવસે શાળામાં ગયા અને સીસીટીવી ચેક કર્યા તો ખબર પડી કે શિક્ષિકાએ મારી દીકરીને 35 થપ્પડ મારી હતી."

"ત્યારબાદ અમે આ અંગે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. અમારા બાળક સાથે થયું એ બીજા કોઈના બાળક સાથે ન થાય તે માટે અમે પોલીસ ફરિયાદ કરી છે."

બાળકીના પિતા હિતેશભાઈ સરવૈયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અમે અમારી દીકરીને શાળામાં ભણવા માટે મોકલીએ છીએ. માર ખાવા માટે મોકલતાં નથી."

"મારી દીકરી ચાર મહિનાથી આ શાળામાં ભણે છે. મારી દીકરી તેના શિક્ષિકાથી ખૂબ જ ડરતી હતી પરંતુ અમે પહેલાં સમજી શક્યા ન હતા કે તે મારના કારણે ડરી રહી છે."

"અમને થયું હતું કે શાળામાં નવી નવી જાય છે તેથી ડરતી હશે. મારી દીકરી સ્કૂલેથી આવી પહેલાં લેસન કરવા બેસી જતી હતી. જો લેસનમાં થોડું પણ આઘાપાછું હોય તો તે રડવા લાગતી હતી. તેના મનમાં ડર ઘૂસી ગયો હતો. નાના ફૂલ જેવા બાળકને આટલી થપ્પડ મારવાનો જીવ પણ કેવી રીતે ચાલ્યો હશે."

ગ્રે લાઇન

‘સજા કરવી યોગ્ય નથી’

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કર્મશીલ સુખદેવ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "બાળક તોફાની તો હોવાનું જ અને હું માનું છું કે બાળકો થોડાંક તો તોફાની જ હોવાં જોઈએ પરંતુ બાળકોને કેવી રીતે ક્રfએટિવ બનાવવા તે માટે શિક્ષકોને તાલીમની જરૂર હોય છે. આ માટે બાળકોની સાઇકૉલૉજી સમજવી પડે છે.”

“બાળકોને ભણાવવા માટે તેમને શારીરિક કે માનસિક સજા કરવી યોગ્ય નથી. વર્ષ 2009માં આવેલા રાઇટ ટુ ઍજ્યુકેશન ઍક્ટમાં સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે, બાળકોને કોઈ પણ પ્રકારની માનસિક કે શારીરિક શિક્ષા કરી શકાય નહીં. આ મુદ્દાને ઍક્ટમાં સમાવવાનો હેતુ બાળકોની સાઇકૉલૉજીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.”

“હાલમાં જોવા જઈએ તો ખાનગી શાળાઓમાં તાલીમબદ્ધ શિક્ષકો હોતા નથી. આ શિક્ષકોને બાળકોની સાઇકૉલૉજી અંગે કંઈ ધ્યાન હોતું નથી. સરકારી શાળાઓના શિક્ષકોએ પીટીસી અથવા બીએડનો અભ્યાસ કરેલો હોય છે. તેમને બાળકોની સાઇકૉલૉજી અંગે ગિજુભાઈ બધેકાની 'દીવાસ્વપ્ન' ભણાવવામાં આવે છે.”

“ગિજુભાઈ બધેકાના શિક્ષણ અંગેના પ્રયોગો એક વિષય તરીકે તેમને ભણાવવામાં તો આવે છે પરંતુ આ પ્રયોગો અંગે હાલ ગુજરાતની એક પણ શાળામાં પ્રેક્ટિકલી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. આપણે ત્યાં વર્ષોથી એક જ પદ્ધતિથી ભણાવાઈ રહ્યું છે. ટિચિંગ મેથડૉલૉજી બદલવાની જરૂર છે. જો શીખવવાની પદ્ધતિ બદલવામાં આવે તો બાળકો સહજતાથી ભણે અને પ્રશ્નો પ્રમાણમાં ઓછા થઈ જાય."

તેઓ વધુમાં જણાવે છે કે, "શિક્ષણમાં બે પદ્ધતિની જરૂર છે. એક તો બાળકો સહજતાથી ભણતા થાય, જે માટે બાળકોને સમજી તે મુજબનું શિક્ષણ આપવામાં આવે. બાળકોની ધીરજ ખૂટી જાય તેવી સ્થિતિનું નિર્માણ ન થાય. બીજું જો કોઈ બાળકની ધીરજ ખૂટી જાય અથવા તો તે તે પ્રકારની પ્રવૃત્તિ કરતું હોય તો આ બાળકોને કઈ રીતે વાળી શકાય તે પ્રકારની શિક્ષકોમાં સમજ હોવી જોઈએ.”

"ઉપરાંત એવી વ્યવસ્થા પણ હોવી જોઈએ કે જો કોઈ બાળક વધુ તોફાન કરે અથવા તો શિક્ષક તેને કંટ્રોલ કરી શકતા નથી તો આ અંગે શું કરવું જોઈએ તે અંગે શિક્ષક પૂછી શકે તેવા અનુભવી અને નિષ્ણાતોની ટીમ ઍજ્યુકેશન વિભાગમાં હોવી જોઈએ."

તેઓ વધુમાં જણાવે છે કે, "રાજ્ય સરકાર કે શિક્ષણ વિભાગ દ્વારા માત્ર પરિપત્ર કરીને છૂટી જાય છે પરંતુ રાજ્ય સરકારે આ મુદ્દે સેન્સિટીવિટી લાવવાની જરૂર છે. બાળકોમાં શિક્ષકોનો ભય હોય છે. જ્યારે બીજી તરફ ખાનગી શાળાના શિક્ષકો માથે પર્ફૉર્મન્સ પ્રેસર હોય છે."

"જેના કારણે તેમને પણ નોકરી જવાનો ભય હોય છે. બાળકોને સમજાવવા જોઈએ. દરેક બાળક અલગ હોય છે. દરેક બાળકની શીખવાની ક્ષમતાઓ પણ અલગ હોય છે. ગુજરાતીમાં કહેવત છે કે, એક લાકડીએ ઢોર હાંકી શકાય નહીં. જો એક લાકડીએ ઢોર ન હાંકી શકાય તો આ તો બાળકો છે."

ગ્રે લાઇન

શિક્ષકો બાળકોને કેમ મારે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, FAMILY ALBUM

સુરતની આ ઘટના સામે આવ્યા બાદ રાજ્ય સરકાર પણ સક્રિય થયું અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સેક્રેટરી વિનોદ રાવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "નાનાં બાળકોને ન મારવા તે માણસાઈની વાત છે. આ માટે અમે પરિપત્ર કરીને સૂચના પણ આપી છે. બાળકોને મારવા ન જોઈએ એ શીખવવા કોઈ તાલીમની જરૂર ન હોય."

ચાઇલ્ડ ઍન્ડ એડોલ્ટસન્ટ સાઇકોલૉજિસ્ટ ચિન્મય દેસાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "બાળકો સાથે વધારે પડતી શિક્ષા કરવામાં આવે તો બાળકોને ટ્રોમા થવાની શક્યતા વધી જાય છે. બાળકોમાં નેગેટિવિટી જોવા મળે છે."

"તેમનામાં રેગ્યુલારિટી આવતી નથી. તેમને અભ્યાસમાં રુચિ ઘટતી જાય છે. બાળકોનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. બાળકો પોતાની અભિવ્યક્તિ કરી શકતા નથી."

"બાળકોને શાળામાં જ નહીં પરંતુ જો ઘરે પણ વધારે શિક્ષા કરવામાં આવતી હોય અથવા પરિવારમાં વધારે ઝઘડા થતા રહેતા હોય તો પણ બાળકોની સાઇકૉલૉજી પર ખૂબ ખરાબ અસર થાય છે."

પરિવારના માહોલની પણ બાળકો પર અસર થતી હોય છે.

ચિન્મય દેસાઈ કહે છે કે, "ઘરની અંદર પણ બાળકો માટે સમજભર્યું વાતાવરણ રાખવું જોઈએ. બાળકો કુમળાં છોડ જેવાં હોય છે. જે રીતે છોડને આપણે પ્રેમથી પ્રમાણસર ખાતર, સૂર્યપ્રકાશ, પાણી વગેરે આપીએ તેમ બાળકોને પણ પ્રેમથી ખીલવવા માટેનું વાતાવરણ પૂરું પાડવું જોઈએ."

"બાળકો પર આપણા વિચારો થોપવા જોઈએ નહીં. આજકાલ દરેક લોકો થોડા કે વધારે તણાવમાં જીવતા હોય છે, જેના કારણે સ્વભાવ ચીડચીડિયો થઈ ગયો હોય છે. ક્યારેક પોતાના તણાવને બાળક પર ઉતારવામાં આવે છે. બાળકો સાથે કામ કરતા શિક્ષકો પણ તણાવમાં હોય છે. તે પણ ક્યારેક પોતાનો ગુસ્સો બાળક પર ઉતારે છે. શિક્ષકોએ બાળકો સાથે તેમની સાથે પ્રેમથી વર્તવું જોઈએ. દરેક બાળકની શીખવાની ક્ષમતા અલગ હોય છે. જરૂરી નથી કે દરેક બાળક દરેક વિષયમાં અવ્વલ જ હોય."

ચાઇલ્ડ રાઇટ્સ એક્ટિવિસ્ટ દિલીપ મેરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "બાળકોને કૉર્પોરલ પનિશમેન્ટ કરવી એ રાઇટ ટુ ઍજ્યુકેશન ઍક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ બંન્ને કાયદાઓમાં પ્રતિબંધિત છે. આ બંને કાયદાઓમાં આ અંગે સજાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. આ અંગે કાયદામાં સજા અને દંડ બંનેની જોગવાઈ કરવામાં આવેલી છે."

આ અંગે સુરતની સાધના નિકેતન શાળાના પ્રિન્સિપાલ સાથે બીબીસી ગુજરાતીએ સંપર્ક કરી આ અંગે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમણે આ અંગે વાત કરવાનું ટાળ્યું હતું.

ગ્રે લાઇન

આરટીઈનો કાયદો શું કહે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ સુરતની ઘટના બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા. 16 ઑક્ટોબર 2023ના રોજ ગુજરાતની તમામ શાળાઓમાં 'બાળકોને શારીરિક ત્રાસ અને માનસિક ત્રાસ આપવા પર પ્રતિબંધ મૂકવા' સંદર્ભમાં એક પરિપત્ર કરવામાં આવ્યો હતો.

આ પરિપત્રમાં જણાવ્યું હતું કે, "ભારત સરકાર દ્વારા સંસદમાં રાઇટ ઑફ ચિલ્ડ્રન ટુ ફ્રી ઍન્ડ કમ્પલસરી ઍજ્યુકેશન ઍક્ટ 2009 પસાર કરી તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર આપેલા છે તથા આરટીઈ ઍક્ટ 2009 અન્વયે ગુજરાત આરટીઈ એક્ટ વર્ષ 2012માં ગુજરાતમાં અમલમાં છે."

"આરટીઈ ઍક્ટ 2009ની કલમ 17 અનુસાર કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા, માનસિક કનડગત કે માનસિક ત્રાસ આપી શકાશે નહી આમ છતાં રાજ્યની શાળામાં અભ્યાસ કરતાં બાળકોને શારીરિક શિક્ષા અને માનસિક ત્રાસ આપવામાં આવતા હોવાની ઘટના કચેરીની ધ્યાનમાં આવેલી છે."

"આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રીએ તકેદારી રાખવા જણાવેલું છે. આવી ઘટના ખૂબ જ દુઃખદ અને નીંદનીય છે. જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે છેવટે શાળામાં આવવાનો ઉત્સાહ અને આત્મિશ્વાસ ગુમાવી બેસે છે."

"આથી આવી ઘટના કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. વિદ્યાર્થીઓને શાળામાં સલામતી ભર્યું અને બાળ મૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરું પાડવું એ આપણા સૌની ખાસ ફરજ અને જવાબદારી છે."

"આ પ્રકારની ઘટના ન બને તે માટે સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી કોઈ પણ પ્રકારની શાળાઓ તથા સંસ્થાઓને પુનઃ જરૂરી સૂચનાઓ આપવા અને આ પ્રકારની ઘટનાઓ બને તો જવાબદારો સામે તાત્કાલિક નિયમ અનુસાર કાર્યવાહી કરી હકીકતલક્ષી અહેવાલ બિનચૂક રજૂ કરવામાં આવે તેવો આદેશ કરાયો છે."

રેડ લાઇન
રેડ લાઇન