દાદા-દાદીથી દૂર રહીને બાળકો શું ગુમાવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આદર્શ રાઠૌર
- પદ, બીબીસી હિન્દી માટે
10 સપ્ટેમ્બરના રોજ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ‘ગ્રાન્ડપેરેન્ટ્સ ડે’ મનાવવામાં આવ્યો હતો.
આ દિવસ સમર્પિત છે એ પેઢીને કે જેમણે પોતાનું જીવન પરિવાર માટે સમર્પિત કરી દીધું. પોતાના પુત્ર-પુત્રીઓ અને પૌત્ર-પૌત્રીઓનો પણ તેમણે ઉછેર કર્યો, તેમને ભણાવ્યા અને સમયે સમયે તેમનું માર્ગદર્શન કર્યું.
અલગ-અલગ દેશોમાં ‘ગ્રાન્ડપેરેન્ટ્સ ડે’ અલગ-અલગ દિવસે મનાવવામાં આવે છે પરંતુ અમેરિકાની દેખાદેખીમાં મોટાભાગના દેશો હવે તેને સપ્ટેમ્બર મહિનામાં મનાવે છે.
જોકે, અમેરિકામાં સપ્ટેમ્બરના પહેલા સોમવારે લેબર ડે મનાવવામાં આવે છે. તેના પછીના રવિવારે ‘ગ્રાન્ડપેરેન્ટ્સ ડે’ મનાવવાનો રિવાજ છે. એટલે દરેક વર્ષે આ તારીખ અલગ હોય છે.
સમગ્ર વિશ્વમાં ‘ગ્રાન્ડપેરેન્ટ્સ ડે’ની ઉજવણીની તારીખ અલગ-અલગ હોઈ શકે છે પરંતુ તેનો હેતુ એક જ છે - લોકોને તેમના દાદા-દાદીની નજીક લાવવાનો. વડીલોને આદર અને પ્રેમ આપવો તેમજ નવી પેઢીને તેમનું મહત્વ જણાવવું.
આ હેતુ માટે, મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં શાળાઓને વર્ષમાં એકવાર ‘ગ્રાન્ડપેરેન્ટ્સ ડે’ની ઉજવણી કરવાનો આદેશ આપ્યો હતો.

મહત્ત્વપૂર્ણ સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રણવ ઘાબરુ વ્યવસાયે વકીલ છે અને દિલ્હી હાઈકોર્ટમાં વકીલાત કરે છે. તેઓ કહે છે કે તેમના જીવનમાં તેમનાં દાદીએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
તેઓ કહે છે, “નાનપણથી જ હું જોતો હતો કે દાદી આખો દિવસ વ્યસ્ત રહેતાં, તેમ છતાં તે સમય કાઢીને અખબારો અને ધાર્મિક પુસ્તકો વાંચતાં. જ્યારે પણ હું તેની પાસે જતો ત્યારે તે મને ધાર્મિક સામયિકોની પ્રેરણાદાયી વાર્તાઓ કહેતા. આ કારણે મને પણ નાનપણથી જ વાંચન-લેખનનો શોખ લાગ્યો. વાંચવાની આ આદત આજે પણ ચાલુ છે અને તેનાથી મારા વ્યવસાયમાં પણ મને મદદ કરી રહી છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રણવની જેમ આપણામાંથી મોટાભાગના લોકો દાદા-દાદી પાસેથી કંઈક સારું શીખ્યા હશે. હિમાચલ પ્રદેશ યુનિવર્સિટી, શિમલામાં સમાજશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રૉફેસર ડૉ. સ્નેહ કહે છે કે આવું એટલા માટે થાય છે કારણ કે તેઓ નાનાં બાળકો માટે રોલ મૉડેલ છે.
તેઓ કહે છે, "બાળકોને તેમના દાદા-દાદી તરફથી માત્ર અપાર પ્રેમ, ભાવનાત્મક ટેકો અને સુરક્ષા જ નથી મળતી પરંતુ તેઓ બાળકના વિકાસ માટે પાયો નાખવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ બાળકોમાં સારી ટેવો કેળવે છે અને તેમને તેમની સંસ્કૃતિથી પણ વાકેફ કરે છે. આજે, ઘણા માતા-પિતાને આ ભૂમિકા નિભાવવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે તેમને કામમાંથી નવરાશ મળતી નથી.”
ડૉ. સ્નેહ દાદા-દાદીની બીજી ભૂમિકા પર પ્રકાશ પાડે છે જે બાળક માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે છે- પેરેન્ટિંગ એટલે કે બાળકોની સંભાળ રાખવી અને તેમનું ઘડતર કરવું.
તેઓ કહે છે, “જો તમારા વડીલો તમારી સાથે ન હોય, તો તમને પહેલીવાર તમારા બાળકની સંભાળ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેઓ તમને શીખવે છે કે કેવી રીતે શું કરવું.”
“તે જ રીતે, જો માતા-પિતા નોકરી કરે છે, તો તેમણે તેમના બાળકને કોઈ સંભાળ રાખનાર પાસે છોડવું પડશે. ઘણી વખત એવું બને છે કે બાળકોને તેમના દાદા-દાદી જેવી સંભાળ મળતી નથી.”

સંબંધોમાં ‘અંતર’

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા કેટલાક સમયથી ‘ગ્રાન્ડપેરેન્ટ્સ ડે’ મનાવવાની જરૂર એટલે પડી રહી છે કારણ કે અલગ-અલગ પેઢીઓના સંબંધોને ઘણા સામાજિક કારણો પ્રભાવિત કરી રહ્યા છે.
આજે વિભક્ત કુટુંબો વધી રહ્યા છે જેમાં બાળકો તેમનાં માતા-પિતા સાથે રહે છે પરંતુ તેમનાં દાદા-દાદી સાથે નથી રહેતાં.
બેંગલુરુમાં રહેતાં અનીશા જામવાલ (નામ બદલ્યું છે) જે મૂંઝવણનો સામનો કરી રહ્યા છે તેના વિશે તેઓ વાત કરે છે.
તેઓ કહે છે, "અમારા દીકરાને તેનાં દાદા-દાદીએ એટલો લાડ લડાવ્યો કે તેનું વર્તન ખૂબ જ ખરાબ થઈ ગયું. જો તે નુકસાન પહોંચાડે તેવા તોફાન કરે તો પણ તેનાં દાદા-દાદી તેને રોકવા કે ઠપકો આપવાં દેતાં નથી. પછી જ્યારે અમે મારા પતિની નોકરીને કારણે બેંગલુરુ શિફ્ટ થયા, ત્યારે તેના વર્તનમાં સુધારો થયો."
વિભક્ત પરિવારોમાં કેટલાક ફાયદા છે, પરંતુ દાદા-દાદી અને પૌત્ર-પૌત્રીના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આવા પરિવારો પણ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
સમાજશાસ્ત્રના પ્રૉફેસર ડૉ.સ્નેહ કહે છે કે ભલે આપણે આપણા વડીલોની ભૌતિક જરૂરિયાતો પૂરી કરતા હોઈએ છીએ, પરંતુ આપણે તેમની ભાવનાત્મક જરૂરિયાતોને પણ સમજવી જોઈએ.
"દાદા દાદી એકલતા અનુભવી શકે છે. તેમને તેનાં પૌત્ર-પૌત્રીઓમાં એક સાથી મળે છે. પરંતુ જ્યારે વાત કરવા માટે કોઈ ન હોય ત્યારે તેઓ સામાજિક અલગતાની લાગણીને કારણે ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. બાળકો પણ તેમનાં દાદા-દાદીથી અલગ થવા પર દુઃખી થઈ શકે છે."
અનીશાનાં સાસુ અને સસરા સાથે પણ એવું જ થયું. તેઓ જણાવે છે કે જ્યારે તેઓ બેંગલુરુ આવ્યાં ત્યારે તેમનો પુત્ર કેટલાક દિવસો સુધી ખૂબ જ ઉદાસ રહ્યો અને દાદા-દાદી પણ ઉદાસ રહેવાં લાગ્યાં.
તેઓ કહે છે, "અમને પણ ખરાબ લાગતું હતું. પછી અમે પ્રયત્ન કર્યો છે કે રજાઓમાં મમ્મી-પપ્પા અહીં આવે અથવા અમે દિલ્હી જઈએ. ઉપરાંત, દર બીજા-ત્રીજા દિવસે અમે અમારા પુત્રને તેનાં દાદા-દાદી સાથે વીડિયો કૉલ પર વાત કરાવીએ છીએ."

શું કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
સમાજશાસ્ત્રીઓ કહે છે કે બદલાયેલ સામાજિક-આર્થિક વાતાવરણ આપણને, આપણાં માતા-પિતાને અને આપણાં બાળકોને એમ ત્રણેય પેઢીઓને અસર કરી રહ્યું છે.
લોકોને તેમના કામ અને સામાજિક જવાબદારીઓ વચ્ચે સંતુલન સાધવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. તેઓ તેમનાં માતા-પિતા કે બાળકો બંનેમાંથી કોઇને સમય આપી શકતા નથી.
આવી સ્થિતિમાં વૃદ્ધ માતા-પિતાના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે અને ઘણી વખત બાળકો પણ ખરાબ આદતોનો શિકાર બની રહ્યા છે.
ઘણીવાર એવું જોવા મળે છે કે દાદા-દાદી અલગ શહેરમાં રહે છે અને તેમનાં પૌત્ર-પૌત્રીઓ તેમનાં માતાપિતા સાથે અલગ શહેરમાં રહે છે. ક્યારેક તેઓ વિદેશમાં પણ રહેતા હોય છે.
આવી સ્થિતિમાં રજાઓમાં વારંવાર એકબીજાની મુલાકાત લેવી તેમના માટે શક્ય નથી. આમ માત્ર ઇન્ટરનેટ અને વીડિયો કૉલિંગ દ્વારા સંપર્ક કરવો એ જ રસ્તો બની શકે છે.
પરંતુ હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રૉફેસર ડૉ. સ્નેહ કહે છે કે આ શૂન્યતા ભરવા માટે ટેક્નોલોજી પર વધુ પડતો આધાર રાખવો યોગ્ય નથી કારણ કે 'માનવસ્પર્શ'નું પોતાનું મહત્વ છે જે ફક્ત એકબીજાની પ્રત્યક્ષ હાજરીમાં જ શક્ય બની શકે છે.
તેઓ કહે છે, "તમારે આવક મેળવવા માટે ઘરથી દૂર રહેવું પડી શકે છે, પરંતુ તમારે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ."
"જો કોઈ કારણોસર માતા-પિતા સાથે રહી શકતાં નથી, તો કોઈએ વારંવાર તેમના સ્થાનની મુલાકાત લેવી જોઈએ અથવા તેમને બોલાવતા રહેવું જોઈએ."

ઇમેજ સ્રોત, Getty Images
"તેમજ, જ્યારે બાળકો પોતાની જાતે મુસાફરી કરી શકે તેટલાં મોટાં થઈ જાય, ત્યારે તેમને તેમનાં દાદા-દાદીની જાતે મુલાકાત લેવાં જવાં દો. દાદા-દાદી પણ આ બધી બાબતોથી ખુશ થશે અને તમારાં બાળકોને પણ ઘણું શીખવાં મળશે.”
તેવી જ રીતે, શાળાઓમાં ‘ગ્રાન્ડપેરેન્ટ્સ ડે’ ની ઉજવણી એ એક સારી પહેલ છે પરંતુ વર્ષમાં આ વિષયને માત્ર એક દિવસ આપવો પૂરતો નથી.
નિષ્ણાતો કહે છે કે બાળકોને આ સંબંધનું મહત્ત્વ સમજાવવા માટે શિક્ષકોએ નાનાં બાળકોને સમયાંતરે પૂછતાં રહેવું જોઈએ કે તેમનાં દાદા-દાદી શું કરે છે, તેઓ તેમની સાથે ક્યારે વાત કરે છે, તેઓ તેમની પાસેથી શું શીખ્યાં અથવા તેમણે તેમની પાસેથી કઈ વાર્તા સાંભળી વગેરે વગેરે.
ઍડવોકેટ પ્રણવ ધાબરૂ કહે છે કે તેમનાં માતા-પિતા બંને લોકો નોકરી કરતાં હતાં. જેના કારણે તેમને નજીકના શહેરમાં રહેવાનું થતું હતું જ્યારે તેમનાં દાદી ગામમાં રહેતાં હતાં.
તેઓ કહે છે, "હું પણ મારાં માતા-પિતા સાથે રહેતો હતો. તેઓ જાણતા હતા કે હું દર શનિવારની કેટલી આતુરતાથી રાહ જોતો હતો. શનિવારે સાંજે અમે ગામમાં પહોંચીએ ત્યારે દાદી પણ અમારી રાહ જોઈ રહ્યાં હોય."
"હું માનું છું કે દરેક વ્યક્તિએ તેમનાં બાળકો અને તેમનાં માતાપિતા બંનેની ભાવનાત્મક જરૂરિયાતોને સમાન રીતે સમજવી જોઈએ અને તેની કાળજી લેવી જોઈએ."














