'હિંદુ સફાઈ કર્મચારીને બચાવવા માટે મુસ્લિમ યુવક ગટરમાં ઊતરી ગયો', બંનેનાં ગૂંગળામણથી મોત

મેનહોલમાં દલિત સફાઈ કામદારનું મૃત્યુ, બીબીસી મરાઠી, મુસ્લિમ યુવકનું મૃત્યુ, સંગમનેર, હિંદુ મુસ્લિમ એકતા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pravin Sindhu/BBC

    • લેેખક, પ્રવીણ સિંધુ
    • પદ, બીબીસી સંવાદદાતા, સંગમનેરથી

"હિંદુ યુવકનો જીવ બચાવવા માટે શહીદ થયેલા મુસ્લિમ યુવક રિયાઝ પિંજારીએ બતાવેલી બહાદુરી અને હિંમત આપણે ક્યારેય ભૂલીશું નહીં," આવું લખાણ ધરાવતા મહારાષ્ટ્રના સંગમનેરમાંના એક બૅનર વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.

સફાઈ કામદાર અતુલ પવારને બચાવવા માટે રિયાઝ પિંજારી ગટરમાં ઊતર્યા હતા અને બન્ને મૃત્યુ પામ્યાં હતાં.

મદદનો પોકાર સાંભળતાંની સાથે જ કોઈ જાતનો વિચાર કર્યા વિના રિયાઝ પિંજારી ગટરમાં ઊતરી ગયા હતા. પંચક્રોશીમાં રિયાઝના નિસ્વાર્થ કાર્યની પ્રશંસા કરવામાં આવી રહી છે, પરંતુ તેની સાથે-સાથે બે યુવાનોનાં એક સાથે મૃત્યુને કારણે આ વિસ્તારમાં શોકની લાગણી પણ છે.

બૅનર પર લખ્યું છે, "ધર્મના નામે દીવાલો ઊભી કરવામાં આવી છે, પરંતુ રિયાઝે એ દીવાલ તોડી નાખી, એક અજાણી વ્યક્તિ માટે પોતાનો જીવ આપી દીધો. તે ફક્ત મિત્ર ન હતો. તે માનવતાનો સાચો ચહેરો હતો."

આ ઘટના સંગમનેરની પાબલે વસ્તી પાસેના કોલ્હેવાડી રોડ પર બની હતી. એ વિસ્તારના નાગરિકોએ ઉપરોક્ત બૅનર ત્યાં લગાવ્યું છે.

કાયદા દ્વારા પ્રતિબંધિત હોવા છતાં, ઊંડી ગટર સાફ કરવા કામદાર તેમાં ઊતર્યો કેવી રીતે? આ બે યુવાનોનાં કેવી રીતે મૃત્યુ થયાં? તેના માટે કોણ જવાબદાર છે? આ પ્રશ્નો અનુત્તરિત છે.

આ ઘટનાના સંદર્ભમાં અત્યાર સુધી શું થયું છે? એફ.આઈ.આર.માં શું જણાવવામાં આવ્યું છે? પીડિતોના પરિવારો શું કહે છે? સંગમનેર નગરપાલિકાએ શું સ્પષ્ટતા કરી છે? આરોપીઓએ પોતાના બચાવમાં શું કહ્યું છે? જાણીએ.

એફ.આઈ.આર.માં શું જણાવવામાં આવ્યું છે?

મેનહોલમાં દલિત સફાઈ કામદારનું મૃત્યુ, બીબીસી મરાઠી, મુસ્લિમ યુવકનું મૃત્યુ, સંગમનેર, હિંદુ મુસ્લિમ એકતા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pravin Sindhu/BBC

ઇમેજ કૅપ્શન, રિયાઝ શેખ અને અતુલ પવાર

સંગમનેર નગરપાલિકાના સૅનિટેશન ઇન્સ્પેક્ટર અમજદ બશીર પઠાણની ફરિયાદને આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ક્રમાંક 105, 125એ, 125બી અને 3(5) હેઠળ આ વર્ષની 11 જુલાઈએ ગુનો દાખલ કર્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ કેસમાં કૉન્ટ્રેક્ટર આર. એમ. કાતોરે અને નિખિલ કાતોરેને આગોતરા જામીન આપવામાં આવ્યા હતા.

બી. આર. ક્લિનિંગના સફાઈ કૉન્ટ્રેક્ટર મુશ્તાક બશીર શેખની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે 30 જુલાઈના રોજ તેમને પણ જામીન પર મુક્ત કર્યા હતા.

એફ.આઈ.આર. માં જણાવવામાં આવ્યું છે કે 2025ની 10 જુલાઈએ સંગમનેર શહેરના કોલ્હેવાડી રોડ પર ગટર સાફ કરતી વખતે એક કામદાર અતુલ રતન પવાર (19 વર્ષ) અને રિયાઝ જાવેદ પિંજારી (21 વર્ષ)નું મૃત્યુ થયું હતું.

સંગમનેર નગરપાલિકાએ ભૂગર્ભ ગટર યોજનાનું કામ રામહરિ મોહન કાતોરેની આર. એમ. કાતોરે ઍન્ડ કંપનીને 2021ની 12 જુલાઈએ સોંપ્યું હતું. ભૂગર્ભ ગટર યોજનાનું કામ આદેશ મુજબ પૂર્ણ થયું નથી. તેથી કૉન્ટ્રેક્ટરે તેને હજુ સુધી નગરપાલિકાને ટ્રાન્સફર કર્યું નથી.

નગરપાલિકા અને કંપની વચ્ચેના કરારની કલમ 38 અનુસાર, ભૂગર્ભ ગટર યોજનાનું સમગ્ર કામ પૂર્ણ થયા પછી તેને સુધરાઈને યોગ્ય રીતે સોંપવામાં ન આવે ત્યાં સુધી યોજનાનાં તમામ પાસાંની જાળવણી અને સમારકામની જવાબદારી કૉન્ટ્રેક્ટરની રહેશે.

ભૂગર્ભ ગટર યોજના હેઠળની ચૅમ્બરની જાળવણી તથા સમારકામની સંપૂર્ણ જવાબદારી પણ કૉન્ટ્રેક્ટરની જ છે.

સંગમનેર શહેર અને ઉપનગરોમાં ગટરોને સાફ કરવા માટે બી. આર. ક્લિનિંગના મુશ્તાક બશીર શેખને ઍક્સટેન્શન આપવામાં આવ્યું હતું.

ગટરોની સફાઈ માટેના કરારમાં કુલ 30 શરતો છે. કરાર મુજબ, ગટર સફાઈનું કામ આરોગ્ય વિભાગ વર્ક ઑર્ડર આપે પછી જ થવું જોઈએ. પરસ્પર અથવા વર્ક ઑર્ડર વિના કામ કરવું જોઈએ નહીં. આવી શરત હોવા છતાં તેમણે કરારનું ઉલ્લંઘન કર્યું હતું.

મુશ્તાક શેખે આરોગ્ય વિભાગની પરવાનગી લીધા વિના તેમના મજૂરો પાસે કોલ્હેવાડી રોડ પરની બંધ ગટરની સફાઈનું કામ શરૂ કરાવ્યું હતું. કૉન્ટ્રાક્ટરે કામદારોની સલામતીનું ધ્યાન રાખ્યું ન હતું અને કરારની શરત ક્રમાંક છનું ઉલ્લંઘન કર્યુ હતું.

ગટર સાફ કરતા કામદારોની સલામતી માટે રબરનાં મોજાં, રબરના બૂટ, માસ્ક, ગૉગલ્સ, કૅપ્સ તથા ઍપ્રન પૂરાં પાડવામાં આવ્યાં ન હતાં અને સક્શન પમ્પ્સનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

આ સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો ઉલ્લેખ કરારની કલમ 21માં છે. તેમ છતાં કૉન્ટ્રેક્ટર મુશ્તાક શેખે જરૂરી સામગ્રી પૂરી પાડ્યા વિના તેમના કામદાર અતુલ પવારને ગટર સાફ કરવા મોકલ્યો હતો, એવું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) યોજનાના કૉન્ટ્રેક્ટર રામહરિ કાતોરે અને નિખિલ કાતોરેએ નગરપાલિકા સાથેના કરાર મુજબ કામ કર્યું ન હતું તથા કરારનું ઉલ્લંઘન કર્યું હતું.

તેમણે એસ.ટી.પી. પ્લાન્ટમાં કામ કરતા કામદારોની સલામતીનું યોગ્ય ધ્યાન રાખ્યું ન હતું. ઉપરાંત કોલ્હેવાડી રોડ પરની ગટર સાફ કરવાની જવાબદારી જેમની હતી તે બંને કૉન્ટ્રેક્ટર્સ મુશ્તાક બશીર શેખ અને કાતોરેએ કરારની શરતો તથા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

કોઈ કામદારને જરૂરી સામગ્રી વિના ગટરમાં ઉતારવામાં આવશે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે, એવું જાણતા હોવા છતાં તેમણે બેદરકારી દાખવી હતી.

આ ઘટનામાં સફાઈ કામદાર અતુલ પવાર અને તેને બચાવવા ગયેલા રિયાઝ જાવેદ પિંજારી બંને ગટરમાં ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. તેમનાં મોત માટે કાતોરે અને શેખ જવાબદાર છે, એવું એફ.આઈ.આર.માં જણાવવામાં આવ્યું છે.

પીડિતોના પરિવાર શું કહે છે?

મેનહોલમાં દલિત સફાઈ કામદારનું મૃત્યુ, બીબીસી મરાઠી, મુસ્લિમ યુવકનું મૃત્યુ, સંગમનેર, હિંદુ મુસ્લિમ એકતા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pravin Sindhu/BBC

ઇમેજ કૅપ્શન, સંગમનેર ખાતે બે યુવાનોનો ભોગ લેનારી ગટર

સફાઈ કામદાર અતુલ પવારના પરિવારે અમને તેમના વકીલ સાથે વાત કરવા જણાવ્યું હતું.

પીડિત પરિવારનું પ્રતિનિધિત્વ કરતા વકીલ શ્રીરામ ગણપુલેએ બીબીસી સાથે વાત કરતાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

તેમણે માંગ કરી હતી કે ગુનેગારોને કેન્દ્ર સરકાર દ્વારા 2013માં બનાવવામાં આવેલા હ્યુમન સ્કેવેજિંગ ઍક્ટ મુજબ કઠોર સજા થવી જોઈએ.

તેમણે કહ્યું હતું, "આ ઘટનામાં એક ત્રીજો યુવક પણ હતો. તે આ ઘટનાનો સાક્ષી છે. તે પણ ગટરમાં ઊતર્યો હતો, પરંતુ ગટરમાં ઊતર્યા પછી શ્વાસ લેવામાં તકલીફ થતાં ઉપર ઊભેલા લોકોએ તેને બહાર ખેંચી લીધો હતો. તેથી તેનો જીવ બચી ગયો હતો."

ઍડવોકેટ ગણપુલેએ કહ્યું હતું, "જવાબદાર લોકોને સજા થવી જોઈએ. આ ક્ષેત્રમાં અનેક કામદારો કામ કરે છે. તેઓ સંગઠિત નથી. તેઓ સલામતીની માંગણી માટે એકઠા થઈ શકતા નથી. તેઓ તેમના અધિકારોથી વાકેફ નથી. અમારાં બાળકો મૃત્યુ પામ્યાં છે, પરંતુ અન્ય લોકો સાથે આવું ન થાય તેવી પીડિતોના પરિવારોની અપેક્ષા છે."

ઍડ્વોકેટ ગણપુલેએ સવાલ કરતા કહ્યું, "પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે ચૅમ્બર અને ગટર એક કૉન્ટ્રેક્ટરના નિયંત્રણ હેઠળ હતા. એનો કબજો નગરપાલિકાને આપવામાં આવ્યો ન હતો. બીજા કૉન્ટ્રાક્ટરે સલામતીનું ધ્યાન રાખ્યું ન હતું. "

"નગરપાલિકા સાથેના કરાર મુજબ કૉન્ટ્રાક્ટરે લેખિત આદેશ વિના કોઈ કામ કરવાનું ન હતું. નગરપાલિકાએ કોઈ લેખિત આદેશ આપ્યો હોય તો તે ક્યાં છે? કૉન્ટ્રેક્ટરે કોની સૂચનાથી કામ શરૂ કર્યું હતું?"

પુત્રનું મૃત્યુ અને ભાવુક પિતા

મેનહોલમાં દલિત સફાઈ કામદારનું મૃત્યુ, બીબીસી મરાઠી, મુસ્લિમ યુવકનું મૃત્યુ, સંગમનેર, હિંદુ મુસ્લિમ એકતા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pravin Sindhu/BBC

ઇમેજ કૅપ્શન, જ્યાં હિંદુ મુસ્લિમ યુવાનનાં મૃત્યુ થયાં, ત્યાં સ્થાનિકોએ બૅનર લગાડ્યાં છે

આ ઘટના બાબતે બીબીસી સાથે વાત કરતાં પીડિત રિયાઝ પિંજારીના પિતા જાવેદ પિંજારી ભાવુક થઈ ગયા હતા.

તેમણે કહ્યું, "રિયાઝ ફૅબ્રિકેશનનું કામ કરતો હતો. એ બપોરે જમવા માટે ઘરે આવ્યો હતો. ભોજન કર્યા પછી પાછો કામ પર જઈ રહ્યો હતો. રસ્તામાં એક માણસે તેને મદદ કરવા કહ્યું હતું."

"રિયાઝે તે માણસને કહ્યું હતું કે દોરડું લાવો હું મદદ કરીશ, પરંતુ પેલા માણસે કહ્યું કે વિલંબ થશે તો ગટરમાંના કામદારનું મોત થશે. એટલે રિયાઝ ઉતાવળે ગટરમાં ઊતર્યો હતો. પછી ગટરનું ગંદું પાણી રિયાઝના નાક અને મોંમાં ઘૂસી ગયું હતું."

ગટર સફાઈનું કામ કરતા કૉન્ટ્રાક્ટરે દોરડા વિના રિયાઝને ગટરમાં ઉતાર્યો હતો. ગટરમાં ઑક્સિજન છે કે નહીં, એ કોઈને ખબર ન હતી. અંદર ગયેલો રિયાઝ બેભાન થઈ ગયો અને તેને બહાર કાઢવામાં આવ્યો ત્યારે એકવાર પડી ગયો હતો, એવું રિયાઝનાં માતા શબાના પિંજારીએ જણાવ્યું હતું.

રિયાઝના પિતરાઈ ભાઈ અને સંગમનેર પિંજારી સમાજના પ્રમુખ આસિફ પિંજારીએ કહ્યું હતું, "નગરપાલિકાના કર્મચારી અતુલ પવાર 15-20 ફૂટની ચૅમ્બરના ખાડામાં બેભાન પડ્યા હતા. એ સમયે તેમને બચાવવા માટે બીજું કોઈ નહીં, પણ રિયાઝ આગળ આવ્યો હતો."

"તેણે દોરડું લાવવા કહ્યું હતું અને ગટરમાં ઊતરી ગયો હતો. દોરડું આવ્યું ત્યાં સુધીમાં, ગટરમાં રહેલા ઝેરી વાયુને કારણે રિયાઝ બેભાન થઈ ગયો હતો."

આસિફ પિંજારાએ ઉમેર્યું હતું, "તેને બહાર કાઢવા માટે લગભગ એક કલાક પ્રયાસ કરવામાં આવ્યા હતા. એક જે.સી.બી. લાવવામાં આવ્યું હતું. ગટરની ચૅમ્બરના દરવાજા પાસે ખાડો ખોદવામાં આવ્યો હતો અને ચૅમ્બર તોડી નાખવામાં આવી હતી."

"તેને કારણે ઝેરી વાયુનું પ્રમાણ ઓછું થયું હતું. એ પછી ભૂતપૂર્વ સૈનિક પ્રકાશ કોટકર શ્વાસ રોકીને ગટરમાં ઊતર્યા હતા અને તેમણે રિયાઝને બહાર કાઢ્યો હતો. રિયાઝને હૉસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન રિયાઝનું મૃત્યુ થયું હતું. અતુલ પવારને મૃત અવસ્થામાં ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા."

ભૂતપૂર્વ નગરસેવક નૂર મોહમ્મદ શેખે જણાવ્યું હતું કે ગટરમાં ઊતરેલા કામદારો 10થી 15 સેકન્ડમાં બેભાન થઈ ગયા હતા. ફાયર ફાઇટરો ત્યાં પહોંચ્યા પછી તેમણે બે બાટલા ઉઘાડીને ઑક્સિજન ગટરમાં છોડ્યો હતો, પરંતુ તેની કોઈ અસર થઈ ન હતી.

નૂર મોહમ્મદ શેખના કહેવા મુજબ, નગરપાલિકાના કર્મચારી રવિ ગાયકવાડ માત્ર ઑક્સિજન બાટલા લાવ્યા હતા. તેઓ ગટરમાં ફસાયેલા બન્ને યુવાનોને બહાર કાઢી શક્યા ન હતા.

સાક્ષીઓ અને મદદકર્તાઓએ શું જોયું?

મેનહોલમાં દલિત સફાઈ કામદારનું મૃત્યુ, બીબીસી મરાઠી, મુસ્લિમ યુવકનું મૃત્યુ, સંગમનેર, હિંદુ મુસ્લિમ એકતા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pravin Sindhu/BBC

ઇમેજ કૅપ્શન, સફાઈ કામદાર અતુલ પવારનાં માતા

આ ઘટનાના સાક્ષી અને પીડિત રિયાઝ પિંજારીને બચાવવા પ્રયાસ કરનાર ભૂતપૂર્વ સૈનિક પ્રકાશ કોટકરે બીબીસીને કહ્યું હતું, "ઘટના બની એ દિવસે હું કોલ્હેવાડી રોડ પરથી જોર્વે જઈ રહ્યો હતો."

"ઘટનાસ્થળે લોકોની ભીડ અને ટ્રાફિકજામ હતો. તેથી ત્યાં રોકાઈને મેં પૂછપરછ કરી, ત્યારે મને ખબર પડી કે બે યુવાનો ગટરમાં ઊતર્યા છે અને બેભાન થઈ ગયા છે. અનેક લોકોની ભીડ હતી, પરંતુ ગટરમાં ઊતરવાની હિંમત કોઈ કરતું ન હતું."

પ્રકાશ કોટકરે કહ્યું હતું, "પહેલાં એક યુવાનને ગટરમાં અડધે સુધી ઉતારવામાં આવ્યો હતો, પરંતુ નીચે ઊતરતી વખતે અસ્વસ્થતા અનુભવાતાં તેને પાછો ઉપર ખેંચી લેવામાં આવ્યો હતો. બીજા એક યુવાનને પણ આવો જ અનુભવ થયો હતો."

"ફાયર બ્રિગેડે ગટરમાં ઑક્સિજન છોડ્યો હતો. ઑક્સિજન માસ્ક પહેરીને ફાયર બ્રિગેડનો એક કર્મચારી ગટરમાં ઊતર્યો હતો, પણ અડધે રસ્તે અસ્વસ્થતા અનુભવતાં તેને પણ બહાર કાઢવામાં આવ્યો હતો."

પ્રકાશ કોટકરે ઉમેર્યું હતું, "મેં ગટરમાં એક યુવાનને હલનચલન કરતો જોયો. એટલે તેને બચાવવા મારે કંઈક કરવું જોઈએ, એવું વિચારીને મેં મારી કમરે દોરડું બાંધ્યું હતું અને ગટરમાં ઊતર્યો હતો."

"હું રિયાઝ પિંજારીની છાતી પર દોરડું બાંધી રહ્યો હતો, ત્યારે હું પણ અસ્વસ્થ થઈ જઈશ એવું વિચારીને લોકોએ મને ઉપર ખેંચી લીધો હતો. મારી સાથે રિયાઝને પણ બહાર કાઢવામાં આવ્યો હતો. રિયાઝને દોરડું બરાબર બંધાયું ન હતું. હું તેનો હાથ પકડીને ઉપર લાવ્યો હતો, પરંતુ દોરડું છૂટી જતાં રિયાઝ ફરી ગટરમાં પડ્યો હતો."

"ઉપર આવ્યા પછી થોડી અસ્વસ્થતા અનુભવતો હતો તેથી હું થોડીવાર બેઠો. ફરી ગટરમાં ઊતર્યો અને રિયાઝ તથા બીજા યુવાનને ગટરમાંથી બહાર કાઢ્યા હતા."

એસટીપી યોજનાનું કામ પૂર્ણ ન થવા છતાં ગટરનું પાણી કેવી રીતે અંદર આવ્યું?

મેનહોલમાં દલિત સફાઈ કામદારનું મૃત્યુ, બીબીસી મરાઠી, મુસ્લિમ યુવકનું મૃત્યુ, સંગમનેર, હિંદુ મુસ્લિમ એકતા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pravin Sindhu/BBC

ઇમેજ કૅપ્શન, રિયાઝનાં માતા શબાના તથા પિતા જાવેદ

સંબંધિત ગટર નગરપાલિકાને ટ્રાન્સફર કરવામાં આવી નથી. તેથી બન્ને યુવાનોના મોત માટે કૉન્ટ્રેક્ટર જ જવાબદાર છે, એવો મુદ્દો સંગમનેર નગરપાલિકાએ એફ.આઈ.આર. દાખલ કરતી વખતે ઉઠાવ્યો હતો.

બીજી તરફ આરોપી કૉન્ટ્રેક્ટરે સવાલ કર્યો હતો કે ગટરનું કામ અધુરું હતું અને તે ટ્રાન્સફરનું કામ પૂર્ણ થયું ન હતું ત્યારે તે ગટરમાં ગંદું પાણી શા માટે છોડવામાં આવ્યું હતું?

આરોપી કૉન્ટ્રેક્ટર નિખિલ કાતોરેએ કહ્યું હતું, "અમે લગભગ 30 કિલોમીટર લાંબી ગટર લાઇનનું નિર્માણ કર્યું છે. એ ગટરમાં સ્થાનિક નાગરિકો અને નગરપાલિકાએ પોતપોતાની ગટરનું પાણી છોડી દીધું હોવાને કારણે તે ગટર કાર્યરત થઈ ગઈ હતી આ ગટર સદંતર ખોટી રીતે કાર્યાન્વિત કરવામાં આવી છે."

ત્રણ વર્ષ પહેલાં ફરિયાદ છતાં નગરપાલિકાએ કોઈ કાર્યવાહી કેમ કરી નહીં?

મેનહોલમાં દલિત સફાઈ કામદારનું મૃત્યુ, બીબીસી મરાઠી, મુસ્લિમ યુવકનું મૃત્યુ, સંગમનેર, હિંદુ મુસ્લિમ એકતા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pravin Sindhu/BBC

ઇમેજ કૅપ્શન, પૂર્વ સૈનિક પ્રકાશ કોટકર

આરોપી નિખિલ કાતોરેએ કહ્યું હતું, "સરકારના આયોજન મુજબ, પ્રસ્તુત ગટરમાં માત્ર સેપ્ટિક ટેન્કનું પાણી જ ચૅમ્બર-ટુ-ચૅમ્બર વહેવું જોઈએ. સપાટી પરનું પાણી કે કચરો તેમાં જવો ન જોઈએ. એસટીપી પ્લાન આ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે, પરંતુ આ ચૅમ્બર્સમાં એક કાણું પાડીને તેમાં ગટર જોડવામાં આવી હતી."

રસપ્રદ વાત એ છે કે નિખિલ કાતોરેએ ત્રણ વર્ષ પહેલાં પત્ર લખીને નગરપાલિકાને જણાવ્યું હતું કે લોકોએ મ્યુચ્યુઅલ ડ્રેઈનને એસટીપી લાઇન સાથે જોડી છે. ભવિષ્યમાં આ લાઇન ચોક-અપ શકે છે.

એ વાતને ત્રણ વર્ષ પસાર થઈ ગયાં હોવા છતાં નગરપાલિકાએ આ સંદર્ભે કોઈ પગલાં લીધાં નથી અને આ જ કારણસર લાઇન ચોક-અપ થઈ ગઈ હતી, એમ નિખિલે જણાવ્યું હતું.

'મુખ્ય ગુનેગારને બચાવવા નગરપાલિકાની એફ.આઈ.આર.'

મેનહોલમાં દલિત સફાઈ કામદારનું મૃત્યુ, બીબીસી મરાઠી, મુસ્લિમ યુવકનું મૃત્યુ, સંગમનેર, હિંદુ મુસ્લિમ એકતા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pravin Sindhu/BBC

ઇમેજ કૅપ્શન, આરોપી નિખિલ કાતોરે

કાતોરેના વકીલે તેમના અસીલની આગોતરા જામીન માટેની અરજીની સુનાવણી વખતે દલીલ કરી હતી કે ફરિયાદી સંગમનેર નગરપાલિકાના સૅનિટેશન ઇન્સ્પેક્ટર છે. તેઓ પણ આ ઘટનામાં આરોપી છે. તેનું કારણ એ છે કે ગટર સફાઈ વખતે જરૂરી સાવચેતી સુનિશ્ચિત કરવાની તેમની જવાબદારી છે. માત્ર મુખ્ય ગુનેગારને બચાવવા માટે જ નગરપાલિકાએ એફ.આઈ.આર. દાખલ કરી છે.

કાતોરેના વકીલે સુનાવણી વખતે જણાવ્યું હતું કે આ ગુના માટે નગરપાલિકા જવાબદાર છે, કારણ કે એસટીપી પ્રોજેક્ટ ટ્રાન્સફર ન કરવામાં આવ્યો છતાં નગરપાલિકાએ સહ-આરોપીઓને ગટર સફાઈનો કૉન્ટ્રેક્ટ આપી દીધો હતો.

'સફાઈ કામદારના મોત માટે સંગમનેર નગરપાલિકાના અધિકારીઓ સામે પગલાં લો'

મેનહોલમાં દલિત સફાઈ કામદારનું મૃત્યુ, બીબીસી મરાઠી, મુસ્લિમ યુવકનું મૃત્યુ, સંગમનેર, હિંદુ મુસ્લિમ એકતા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pravin Sindhu/BBC

ઇમેજ કૅપ્શન, સંગમનેર નગરપાલિકાના મુખ્ય અધિકારી રામદાસ કોકરે

ધારાસભ્ય સત્યજીત તાંબેએ આ ઘટના બાબતે વિધાન પરિષદમાં રજૂઆત કરી હતી અને કૉન્ટ્રેક્ટર્સ તેમજ નગરપાલિકાના અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી હતી.

તેમણે કહ્યું હતું, "કૉન્ટ્રેક્ટર્સ સામે પગલાં લીધાં તે સારી વાત છે, પરંતુ નગરપાલિકાના જે અધિકારીઓએ આ અનધિકૃત ગટરો જોડી છે તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ."

આ ઘટનામાં નગરપાલિકાની ભૂમિકા બાબતે વાત કરતાં ધારાસભ્ય અમોલ ખતાળે કહ્યું હતું, "આ ઘટનામાં નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ પણ દોષિત હોઈ શકે છે. તેથી કોઈ દોષિત હોય તો તેમની સામે કાર્યવાહી કરવાની સૂચના મુખ્ય અધિકારીઓને આપી છે."

અમોલ ખતાળેએ કહ્યું હતું, "ભૂગર્ભ ગટરનું કામ છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે. એસટીપી યોજનાનું કામ ચાલુ હોવાથી તેને સંભાળવાની જવાબદારી નગરપાલિકાની હતી."

"નગરપાલિકા એ ફરજ યોગ્ય રીતે બજાવી શકી નથી, કારણ કે કૉન્ટ્રેક્ટર્સ મનમાની કરતા હોય તો આ નિષ્ફળતા આરોગ્ય વડાની પણ છે. તેથી તેમની જવાબદારી નક્કી કરવાની સૂચના પણ મુખ્ય અધિકારીઓને આપવામાં આવી છે."

હજુ સુધી કાર્યાન્વિત ન થયેલી એસટીપી લાઇન સાથે નગરપાલિકાએ ગટરો જોડી દીધી હોવાના આરોપ બાબતે નગરપાલિકાના મુખ્ય અધિકારી રામદાસ કોકરે કહ્યું હતું:

"આ વિસ્તારમાં જૂની ગટર લાઇન ખામીયુક્ત હતી. તેથી એવું ન કહી શકાય કે એસટીપી લાઇન કાર્યાન્વિત ન હતી એવું ન કહી શકાય. તેનો ઉપયોગ સતત થતો જ હતો."

તપાસમાં નગરપાલિકાના અધિકારીઓની જવાબદારી નક્કી થઈ છે કે કેમ, એવા સવાલના જવાબમાં તપાસ અધિકારી રવિન્દ્ર દેશમુખે કહ્યું હતું, "નગરપાલિકાના અધિકારીઓની જવાબદારી અત્યાર સુધીની તપાસમાં નક્કી કરવામાં આવી નથી. આ સંદર્ભે તપાસ ચાલુ છે."

"આ કેસમાં જે કોઈએ બેદરકારી દાખવ્યાનું જણાશે અને કામદારોનાં મૃત્યુનું કારણ હશે તે બધાને આરોપી બનાવવામાં આવશે. કોઈને છોડવામાં આવશે નહીં."

નગરપાલિકાએ શું કહ્યું?

મેનહોલમાં દલિત સફાઈ કામદારનું મૃત્યુ, બીબીસી મરાઠી, મુસ્લિમ યુવકનું મૃત્યુ, સંગમનેર, હિંદુ મુસ્લિમ એકતા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pravin Sindhu/BBC

ઇમેજ કૅપ્શન, તપાસનીશ પોલીસ અધિકારી રવીન્દ્ર દેશમુખ

સંગમનેર નગરપાલિકાના મુખ્ય અધિકારી રામદાસ કોકરેએ કહ્યું હતું, "મૅન્યુઅલ સ્કેવેન્જિંગ ઍક્ટ – 2013 મુજબ કોઈ પણ વ્યક્તિના મૅનહૉલમાં ઊતરવા પર પ્રતિબંધ છે."

"અમે આ સંદર્ભે કૉન્ટ્રેક્ટર મુશ્તાક બશીર શેખને વારંવાર સૂચના આપી હતી, પરંતુ તેમણે નગરપાલિકા પાસેથી કોઈ પરવાનગી લીધા વિના કે નગરપાલિકાને જાણ કર્યા વિના કામદારને મૅનહૉલમાં ઉતાર્યો હતો અને એ કારણે આ અકસ્માત થયો હતો."

રામદાસ કોકરેએ ઉમેર્યું, "આવા કામ માટે મશીનો ઉપલબ્ધ છે. આ કામ માણસો પાસે કરાવી શકાતું નથી. ઘટનાસ્થળે પડેલા અવરોધોને દૂર કરવા માટે શિરડીથી એક આધુનિક મશીન મંગાવવામાં આવ્યું હતું."

"તે મશીન વડે ગટરને યોગ્ય રીતે સાફ કરવામાં આવી હતી. કોઈ અડચણ હોય તો કહો. આપણે નજીકમાં ઉપલબ્ધ મશીન મંગાવીશું, એવું પણ મેં અગાઉ કૉન્ટ્રેક્ટરને કહ્યું હતું."

આરોપી કૉન્ટ્રેક્ટર મુશ્તાક શેખના વકીલ અતુલ આંઘળેએ કહ્યું હતું, "સંગમનેરમાં ગટર ચૅમ્બર સાફ કરતી વખતે અતુલ પવાર નામના કામદારનું મૃત્યુ થયું હતું. કોર્ટે કામદારના કૉન્ટ્રેક્ટર મુશ્તાક શેખને જામીન આપ્યા છે."

"આરોપી વતી દલીલ કરતી વખતે મેં કોર્ટને જણાવ્યું હતું કે નગરપાલિકાએ જે ગટર સફાઈનું કામ સોંપ્યું છે તે કામ જ હું (આરોપી) કરું છું. લેખિત આદેશ સિવાય હું કોઈ કામ કરતો નથી. અકસ્માત થયો એ ઘટનામાં મને કોઈ લેખિત આદેશ આપવામાં આવ્યો ન હતો."

વકીલ અતુલ આંઘળેએ ઉમેર્યું હતું, "હકીકતમાં મુખ્ય કૉન્ટ્રેક્ટર કાતોરેએ ગટરો નગરપાલિકાને હવાલે કરી ન હતી. તેથી સેનિટરી ઇન્સ્પેક્ટરે કરેલી ફરિયાદ કાયદા અનુસાર સ્વીકાર્ય નથી, કારણ કે તેમને એ અધિકાર જ નથી. અદાલતે આ મુદ્દા સ્વીકારીને કૉન્ટ્રેક્ટર મુશ્તાક બશીર શેખને જામીન આપ્યા હતા."

સફાઈ કર્મચારીના મોત માટે જવાબદાર નગરપાલિકા કર્મચારીઓ સામે કાર્યવાહી થશે?

આ સવાલના જવાબમાં કોકરેએ જણાવ્યું હતું કે ગટર સાફ કરવા માટે કામદારને અંદર ઉતારવામાં આવે છે, એવી જાણ કૉન્ટ્રેક્ટરે નગરપાલિકાને કરી જ ન હતી.

તેથી ભવિષ્યમાં અમે કૉન્ટ્રેક્ટરે સ્પષ્ટ સૂચના આપીશું કે ગટરની સફાઈ કરવી હોય તો યોગ્ય દેખરેખ હેઠળ કરવાનું રહેશે. કામદારો ગટરમાં ન ઊતરે તેનું ધ્યાન રાખવું પડશે.

સફાઈમાં કોઈ અડચણ હોય તો તેના માટે અત્યાધુનિક મશીનો છે. તેનો ઉપયોગ કરો. લોકોને ગટરમાં ઉતારશો નહીં. એ બાબતે કોઈ તડજોડ થશે નહીં.

પીડિતોને કેટલી આર્થિક મદદ મળી?

મેનહોલમાં દલિત સફાઈ કામદારનું મૃત્યુ, બીબીસી મરાઠી, મુસ્લિમ યુવકનું મૃત્યુ, સંગમનેર, હિંદુ મુસ્લિમ એકતા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pravin Sindhu/BBC

કૉન્ટ્રેક્ટર માટે કામ કરતા અતુલ પવારને નવા સરકારી નિયમ મુજબ, રૂપિયા 30 લાખ આપવામાં આવશે. અગાઉ માત્ર 10 લાખ રૂપિયા આપવામાં આવતા હતા.

30 લાખ રૂપિયા પૈકીનો એક હપ્તો ચૂકવી દેવામાં આવ્યો છે. દસ્તાવેજોનું કામકાજ પૂર્ણ થયા પછી બાકીની મદદ કરવામાં આવશે, એમ ધારાસભ્ય અમોલ ખતાળે જણાવ્યુ હતું.

સફાઈ કામદારને બચાવવા જતાં મૃત્યુ પામેલા રિયાઝ પિંજારી નામના યુવકના પરિવારને પણ આર્થિક મદદ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે, એમ જણાવતાં અમોલ ખતાળેએ ઉમેર્યું હતું:

"આ મદદ નિયમ અનુસારની નથી, પરંતુ રિયાઝ સફાઈ કામદારને બચાવતા મૃત્યુ પામ્યો હતો તેથી સ્પેશિયલ કેસ તરીકે મુખ્ય મંત્રી રાહત ભંડોળમાંથી તેના પરિવારને સહાય પૂરી પાડવા મેં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળીને પ્રસ્તાવ મૂક્યો છે."

અમોલ ખતાળેના કહેવા મુજબ, "આ ઘટનામાં નગરપાલિકાની ભૂલ છે, એવો સંદેશો ગયો છે. તેથી રિયાઝના પરિવારને કેવી રીતે મદદ કરી શકાય તેના પ્રયાસો કરવા નગરપાલિકાને પણ જણાવ્યું હતું."

"એ મુજબ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ પિંજારી પરિવારને 10 લાખ રૂપિયાની મદદ કરી છે. મુખ્ય મંત્રી રાહત ભંડોળમાંથી આર્થિક મદદ મેળવવા માટે અમે ફૉલોઅપ કરી રહ્યા છીએ."

ભૂતપૂર્વ નગરસેવક નૂર મોહમ્મદ શેખે જણાવ્યુ હતું કે રિયાઝના મૃત્યુ પછી તેમના પરિવારની કોઈ વ્યક્તિને નગરપાલિકામાં નોકરી આપવા બાબતે ધારાસભ્ય સત્યજીત તાંબે સાથે ચર્ચા કરી છે.

જોકે, પિંજારી પરિવારનો બીજો દીકરો માત્ર 14 વર્ષનો છે. તેથી તેને શિક્ષણ પૂર્ણ થયા પછી નોકરીનું વચન આપવામાં આવ્યું છે. એ માટે અમે ચોક્કસ પ્રયાસો કરીશું, એમ તેમણે જણાવ્યું હતું.

દેશમાં કેટલા સફાઈ કામદારોનાં મોત થયાં છે?

મેનહોલમાં દલિત સફાઈ કામદારનું મૃત્યુ, બીબીસી મરાઠી, મુસ્લિમ યુવકનું મૃત્યુ, સંગમનેર, હિંદુ મુસ્લિમ એકતા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pravin Sindhu/BBC

ઇમેજ કૅપ્શન, પૂર્વ નગરસેવક નૂર મોહમ્મદ શેખ તથા પિંજારી સમાજના અધ્યક્ષ આસિફ પિંજારી

રાજ્યસભામાં સાંસદ ડોલા સેને સફાઈ કામદારોના મૃત્યુ બાબતે પૂછેલા એક સવાલનો જવાબ કેન્દ્રના સામાજિક ન્યાય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ આપ્યો હતો.

રામદાસ અઠાવલેએ જણાવ્યું હતું કે 2023માં દેશના 15 રાજ્યોમાં 63 સફાઈ કામદારોના મોત થયા છે. તેમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં થયા હતા. આ ત્રણેય રાજ્યોમાં 10-10 કામદારોનાં મોત થયાં હતાં.

2024માં 50 સફાઈ કામદારો મૃત્યુ પામ્યા હતા. તેમાં સૌથી વધુ 10 સફાઈ કામદારોનાં મૃત્યુ ઉત્તર પ્રદેશમાં થયાં હતાં. નવના આંકડા સાથે મહારાષ્ટ્ર તેમાં બીજા સ્થાને છે.

સરકાર પાસે 2023 અને 2024 એમ બે વર્ષમાં કુલ 113 સફાઈ કામદારોનાં મોતનો રેકૉર્ડ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન