સૂર્યકુમારની ઝંઝાવાતી અર્ધસદી બાદ બૉલરોએ રંગ રાખ્યો, ભારતે અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ટી20 વર્લ્ડકપના સુપર-8 મુકાબલામાં ભારતે અફઘાનિસ્તાનને 47 રનથી હરાવી દીધું છે. સુપર-8માં આ ભારતની આ પ્રથમ મૅચ હતી.

પ્લૅયર ઑફ ધી મૅચ સૂર્યકુમાર યાદવે માત્ર 28 રનમાં ધુંઆધાર ઇનિંગ રમી હતી. બંને ટીમોના બૉલરોએ એકંદરે સારું પ્રદર્શન કર્યું હતું.

લીગ સ્ટેજમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા બાદ અફઘાનિસ્તાનનો પણ ભારત સામે આ વર્લ્ડકપમાં પ્રથમ મુકાબલો હતો.

ભારતે પ્રથમ બેટિંગ કરતાં અફઘાનિસ્તાનને જીત માટે 182 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને અફઘાનિસ્તાનની ટીમ પાર પાડી શકી નહીં. અફઘાનિસ્તાનની ટીમ માત્ર 134 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.

સૂર્યકુમારની જોરદાર ઇનિંગ

બાર્બાડોસના કેસિંગ્ટન ઓવલ મેદાનમાં રમાયેલી આ મૅચમાં ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.

ઇનિંગની શરૂઆતમાં જ કૅપ્ટન રોહિત શર્મા માત્ર આઠ રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

ત્રીજી ઓવરમાં ભારતનો સ્કોર 11 રન પર હતો જ્યારે અફઘાનિસ્તાનના બૉલર રાશિદ ખાને રોહિત શર્માનો કૅચ પકડી લીધો હતો.

જોકે, ત્યારબાદ ઋષભ પંત અને વિરાટ કોહલીની જોડીએ ઇનિંગ સંભાળી હતી.

પરંતુ રાશિદ ખાને ઋષભ પંતને એલબીડબલ્યુ આઉટ કર્યા. નવમી ઓવર ફરીથી રાશિદ ખાનને આપવામાં આવી અને આ ઓવરમાં તેમણે વિરાટ કોહલીની વિકેટ ખેરવી લીધી.

ઋષભ પંતને 20 રને તથા વિરાટ કોહલીને 24 રને આઉટ કરીને રાશિદ ખાને તરખાટ મચાવ્યો હતો.

ત્યારબાદ આવેલા શિવમ દુબેની વિકેટ પણ તેમણે જ લીધી હતી.

જોકે, બીજે છેડેથી સૂર્યકુમાર યાદવ ઝંઝાવાતી બેટિંગ કરીને ભારતના સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું.

સૂર્યકુમાર યાદવે 28 બૉલમાં 53 રન તથા હાર્દિક પંડ્યાએ 24 બૉલમાં 32 રન બનાવ્યા હતા.

ભારતે નિર્ધારિત 20 ઓવરોમાં આઠ વિકેટે 181 રન બનાવ્યા હતા. રાશિદ ખાન તથા ફઝલહક ફારુકીએ સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

ભારતીય બૉલરોનો તરખાટ

અફઘાનિસ્તાન સામેની મૅચમાં ભારતીય બૉલરોએ પણ સારું પ્રદર્શન કર્યું હતું.

182 રનના પડકારનો પીછો કરવા ઊતરેલી અફઘાનિસ્તાનની ટીમની શરૂઆત જરા પણ સારી રહી ન હતી.

જસપ્રીત બુમરાહે શરૂઆતમાં જ બે વિકેટ ઝડપી હતી અને એક તબક્કે અફઘાનિસ્તાનનો સ્કોર માત્ર 23 રનમાં ત્રણ વિકેટ થઈ ગયો હતો.

ત્યારબાદ ભારતીય બૉલરોની આક્રમક બૉલિંગના કારણે આફઘાનિસ્તાનના બૅટસમેન ક્રીઝ પર લાંબા સમય સુધી ટકી શક્યા નહોતા.

અફઘાનિસ્તાનની સમગ્ર ટીમ માત્ર 134 રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી.

સૌથી સફળ જસપ્રીત બુમરાહ રહ્યા હતા જેમણે ચાર ઓવરમાં માત્ર સાત રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

અર્શદીપસિંહે પણ ત્રણ વિકેટ ખેરવી હતી. તેમણે ચાર ઓવરમાં 36 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. અઢારમી ઑવરમાં અર્શદીપ હેટટ્રિક લેવામાં ચૂકી ગયા હતા.

ભારત વતી કુલદીપ યાદવે બે અને જાડેજા તથા અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી.

અફઘાનિસ્તાનના તમામ બૅટ્સમેન કૅચ આઉટ થયા

આ જીત સાથે જ સૂર્યકુમાર યાદવે પોતાના નામે એક નવો રેકૉર્ડ સ્થાપિત કર્યો હતો. તેમણે ટી20માં સૌથી વધુ 15 વખત પ્લૅયર ઑફ ધી મૅચનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.

અત્યાર સુધી આ રેકૉર્ડ વિરાટ કોહલીના નામે હતો જેઓ પણ 15 વખત પ્લૅયર ઑફ ધી મૅચ થયા છે.

અફઘાનિસ્તાનના તમામ દસ બૅટ્સમેનો કૅચ આઉટ થયા હોય તેવી ઘટના પણ આ મૅચમાં બની હતી. ટી20 વર્લ્ડકપમાં આમ માત્ર બીજીવાર બન્યું છે.

હવે ભારતીય ટીમનો બીજો સુપર-8 મુકાબલો 22 જૂનના રોજ બાંગ્લાદેશ સાથે છે.