'મારા પર એક કરોડનું દેવું છે, કઈ રીતે ભરું?' દેવામાં ડૂબેલા વેરાવળના માછીમારોની શી છે સ્થિતિ?

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, વેરાવળથી

ભારત દુનિયાનો ત્રીજા ક્રમનો સૌથી મોટો મત્સ્ય ઉત્પાદક દેશ છે અને લગભગ 1200 કિલોમિટર લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતની એમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.

પ્રાપ્ત આંકડા અનુસાર, ગુજરાતમાંથી ગયા વરસે 5,000 કરોડ રૂપિયાની આસપાસ મરીનની નિકાસ થઈ અને એમાંથી 1,700 કરોડ રૂપિયાના સામાનની નિકાસ ચીનમાં થઈ. એટલે કે રાજ્યના મરીન ઉદ્યોગ સાથે લાખો લોકોની રોજીરોટી સંકળાયેલી છે.

પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ડીઝલ અને અન્ય સામગ્રીની વધતી જતી કિંમતો, કોવિડ અને યુક્રેન સંકટે ગુજરાતના માછીમારો અને ઉદ્યોગો માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે. મત્સ્ય ઉદ્યોગના ગઢ ગણાતા વેરાવળમાં આર્થિક સંકટનાં વાદળો સ્પષ્ટ દેખાય છે.

વેરાવળના વ્યસ્ત બંદર પર અમે હરજી જીવા લોઢારીને મળ્યા. દિવસના આકરા તાપમાં તેઓ પોતાની લાકડાની ફિશિંગ બોટના તળિયે ભરાયેલાં પાણી ઉલેચી રહ્યા હતા.

ઊભા રહેવા માત્રથી પણ પાણી ઊછળીને હોડીમાં અંદર ભરાઈ જાય છે. હરજી જીવા લોઢારીનું કામ દરરોજ સવારે અને સાંજે હોડીઓની સારસંભાળ રાખવાનું છે.

વધતી જતી મોંઘવારી અને ઓછી પકડાતી માછલીઓના કારણે એમની ત્રણ હોડી બંધ પડી છે, બે ચાલે છે અને બે ભંગારમાં વેચી દીધી છે.

અંદાજે 60 લોકોના સંયુક્ત પરિવારમાં રહેતા હરજી જીવા પર 1 કરોડ રૂપિયાનું દેવું છે. 51 વર્ષીય લોઢારી રોજના 300-400 રૂપિયાની મજૂરીમાં ઘરનો ખર્ચ કાઢે છે.

તેમણે કહ્યું કે, “મુશ્કેલી તો ઘણી મોટી છે, એનો કોઈ પાર નથી.”

માછલી પકડવા માટે હોડી તૈયાર કરીને દરિયામાં મોકલવી એ લાખો રૂપિયાનું કામ છે.

દરેક હોડીમાં 8-9 લોકોનો સમૂહ લગભગ 20-25 દિવસ સુધી દરિયામાં ઘણા કિલોમીટર દૂર અનિશ્ચિત જોખમો ભરેલાં ઊંડાણોમાં માછલી પકડવા જાય છે.

એના માટે તેમને પગાર, ડીઝલ, નવી જાળ, માછલીઓ સડે નહીં તે માટે મોટી માત્રામાં બરફ, ભોજનનો સામાન, વગેરે આપવું પડે છે. એમાં જો અંદાજ કરતાં ઓછી માત્રામાં માછલીઓ પકડાય તો આર્થિક નુકસાન થાય એ નિશ્ચિત છે.

હરજી જીવા લોઢારીએ કહ્યું કે, “જ્યારે અમે ટ્રૉલર ચાલુ કરીએ છીએ ત્યારે અમારે લેબરને 4-5 લાખ રૂપિયા આપવા પડે છે. સાડા ત્રણ-ચાર લાખનું ડીઝલ પુરાવવું પડે છે. હોડી તૈયાર કરવામાં અને માછલી પકડવા જવામાં બધા મળીને 5-6 લાખ રૂપિયાનો ખર્ચ થઈ જાય છે.”

“આખુંયે બંદર દેવામાં ડૂબેલું છે. (ખબરઅંતર પૂછવા માટે) કોઈ મળવા નથી આવતા. આવે છે તો, આશ્વાસન આપી જતા રહે છે. થઈ જશે, થઈ જશે, એમ કહીને ચાલ્યા જાય છે. સરકાર પણ અમારું કંઈ સાંભળતી નથી. હમણાં ચૂંટણી આવશે ત્યારે લોકો અમારી પાસે આવશે અને કહેશે, આમ કરી દઈશું, તેમ કરી દઈશું. તેઓ આવશે પણ કંઈ કરશે નહીં.”

ઘણા માછીમારો સાથે કરેલી વાતચીતમાં રાજકીય પાર્ટીઓ અને પત્રકારો વિશેના એમના વિચારોમાં કશો ઝાઝો ફરક જોવા ના મળ્યો. એમને લાગે છે કે, બંને આવશે, વાત કરશે અને જતા રહેશે પણ એમની પોતાની મુશ્કેલીઓનો કોઈ હલ નહીં મળે.

હરજી જીવાએ કહ્યું કે, “અગાઉના સમયમાં અમે મહિનામાં 2-3 લાખ કમાઈ લેતા હતા, હવે તો ડીઝલનો ખર્ચ પણ નીકળતો નથી.”

સોનું ગીરવી મૂકવા મજબૂર માછીમારો

પાસેની નાવડીમાં બેસીને હરજી જીવાની વાતો સાંભળી રહેલા વસંત હરજીભાઈ વૈશ્ય 35 વર્ષથી આ ધંધામાં છે. તેઓ પોતાની 5 હોડી ભંગારમાં વેચી ચૂક્યા છે.

એમના જણાવ્યા અનુસાર માછીમારોની મુશ્કેલીઓનું મૂળ કારણ ખરીદી કરનાર કંપનીઓ સમયસર ચુકવણું નથી કરતી તે અને બજારમાં માછલીનો યોગ્ય ભાવ નથી મળતો તે છે. એ ઉપરાંત, પહેલાંના સમયે સમુદ્રમાંથી જેટલી માત્રામાં માછલીઓ મળતી હતી એમાં પણ ઘટ પડી ગઈ છે.

એટલે કે, કેટલાંક વર્ષોથી માછીમારોને રોકાણની સામે એટલું વળતર નથી મળતું, જેના લીધે તેમનું દેવું વધી રહ્યું છે. એ ઉપરાંત, કિનારે લાંગરેલી હોડીમાંથી ચોરી અને તોફાનમાં એના નુકસાનની બીક પણ એમને સતત પરેશાન કરે છે.

વસંત હરજીભાઈ વૈશ્યએ કહ્યું કે, “મારા પર લગભગ 1 કરોડથી વધારેનું દેવું છે, હું ભરી નથી શકતો. શું કરું? જો ધરપકડ કરશે તો જેલમાં ખાવાનું તો મળશે ને!? અહીં તો અમારે ખાવાના પણ સાંસા છે.”

વેરાવળમાં માછીમારો સોનું ગીરવી મૂકી રહ્યા છે. તેઓ બાળકોને કહે છે કે તેઓ બીજો કોઈ વ્યવસાય કરે. અને ખર્ચને પહોંચી વળવા માટે તેઓ 50-50 લાખની હોડી બે-અઢી લાખ રૂપિયામાં ભંગારમાં વેચી રહ્યા છે.

વેરાવળમાં અમને ઘણી બધી હોડી બંદર પર કે બંદરની બહાર જમીન પર પડેલી જોવા મળી.

હરજીભાઈએ કહ્યું, “અમારી એક જ માગણી છે કે, પાક નિષ્ફળ જતાં જે રીતે ખેડૂતોને વળતર મળે છે તે રીતે અમને પણ મળવું જોઈએ. અમે સરકાર પાસે મોટા પૅકેજની માગ કરીએ છીએ. નહિતર આખો વ્યવસાય ઠપ થઈ જશે.”

‘બધું ખતમ થઈ જશે’

માછીમારોનું માનીએ તો વેરાવળમાં 800 હોડીઓ અને ટ્રૉલર્સ માટે બનેલી જગ્યાએ આજે 5,000થી વધારે ફિશિંગ બોટ ઊભી છે, જેમાંની 25-30 ટકા બંધ પડી છે.

ગુજરાત ખારવા સમાજના વાઇસ પ્રેસિડેન્ટ જિતુભાઈ મોહનભાઈ કુહાડાએ કહ્યું કે, “5-6 વર્ષમાં બધું ખતમ થઈ ગયું.”

એમની 19 ફિશિંગ બોટમાંથી 14 બંધ પડી છે. કુહાડાના જણાવ્યા અનુસાર, માછીમારોની મજબૂરી છે કે તેઓ માછલીઓને લાંબા સમય સુધી રાખી ના શકે અને ખરીદદાર કંપનીઓ આ મજબૂરીનો લાભ ઉઠાવે છે.

તેમણે કહ્યું, “ખેડૂતને એમણે (સરકારે) કોલ્ડ સ્ટોરેજ બનાવી આપ્યાં છે. એવાં કોલ્ડ સ્ટોરેજ અમારી પાસે નથી. અમારી પાસે તો માછલીઓ છે. જો તે બે કલાક પણ તડકે રહે તો એ ખરાબ થઈ જાય.”

ખરીદદાર કંપનીઓ તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું, “કમસે કમ ભાવ તો સરખો આપો. તમે જે કિંમત 10-15 વર્ષ પહેલાં આપતા હતા એ જ ભાવ આજે પણ આપી રહ્યા છો, તો એનો અર્થ શો? ડીઝલનો ભાવ વધી ગયો. જાળ, મશીન બધાંનો ભાવ વધી ગયો. જે મજૂર પહેલાં અમને 250 રૂપિયામાં મળતા તે અત્યારે રોજના 1000 રૂપિયા લે છે, પરંતુ માછલીનો ભાવ ત્યાંનો ત્યાં જ અટકી ગયો છે.”

કુહાડાના જણાવ્યા અનુસાર, માછીમારોની હેરાનગતિનું બીજું એક કારણ એ છે કે સરકારમાં એમના પક્ષે બોલનાર કોઈ નથી. એમના અનુસાર આખા ગુજરાતમાં 40-45 લાખ માછીમાર વોટરો છે અને તેઓ ઘણાં વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણીને અસર કરી શકે એમ છે.

કુહાડાના જણાવ્યા અનુસાર, ગુજરાતના માછીમાર સમાજની માગણી છે કે પાર્ટીઓ માછીમારોના છોકરાઓને ટિકિટ આપે.

તેઓ પાર્ટીઓને પૂછે છે કે, “તમે બધા સમાજને ટિકિટ આપો છો તો માછીમારને કેમ નથી આપતા? શું માછીમાર ખરાબ છે? માછીમાર ગુજરાતના નથી? માછીમાર ભારતના નથી? જો માછીમારનો છોકરો ગુજરાતમાં એમએલએ બનશે, તે સરકારમાં આવશે તો એમના પ્રશ્નો હલ થશે.”

એક્સ્પૉર્ટની હાલત પણ ખરાબ છે

એવું નથી કે માત્ર માછીમારો જ ખરાબ આર્થિક સ્થિતિમાં સપડાયેલા છે, એક આંકડા અનુસાર ગુજરાતમાંથી પકડાયેલી 60 ટકા માછલી ચીન જાય છે. પરંતુ ભલે ને ચીનની ઝીરો કોવિડ નીતિ હોય કે યુક્રેન સંકટ સામે ઝઝૂમતી યુરોપની અર્થવ્યવસ્થા, ત્યાંની આર્થિક સ્થિતિની સીધી અસર વેરાવળના ઉદ્યોગ અને માછીમારો પર પડે છે.

વેરાવળમાં 100 કરતાં વધારે એક્સ્પૉર્ટ યુનિટ્સ છે. વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ અસોસિયેશનના ચેરમેન ઇસ્માઇલભાઈ મોઠિયાના જણાવ્યા અનુસાર, છેલ્લાં ત્રણ વર્ષથી ઇન્ડસ્ટ્રી નુકસાન વેઠે છે.

તેમણે કહ્યું કે, “હાલ અમારી રોજની ક્ષમતા 20 ટનની છે. અમને માલ 5 ટન મળે છે પરંતુ ખર્ચ 20 ટનનો છે. એ કારણે અમે બજારમાં બે રૂપિયા, પાંચ રૂપિયા વધારીએ છીએ, જેથી અમને વધારે માત્રામાં માલ મળે. એટલે અંદરોઅંદરની હરીફાઈના લીધે માછીમારોને સારો ભાવ મળી રહ્યો છે.”

મોઠિયાના જણાવ્યા અનુસાર, પ્લાન્ટ ચલાવવા અન્ય રાજ્યોમાંથી માછલીઓ લાવવાથી તો ઇન્ડસ્ટ્રી પર આર્થિક બોજ વધે છે.

તેઓ ઇનકાર કરે છે કે માછલીના ભાવ નથી વધતા અને કહ્યું કે, “વાસ્તવમાં માછલીઓ પકડાવાનું ઓછું થયું છે, તેના કારણે લોકો પરેશાન છે.”

મોઠિયાએ ચેતવે છે કે જો પરિસ્થિતિ આવી જ રહી તો આર્થિક દબાણ અનુભવતા એક્સ્પૉર્ટ યુનિટ્સ બંધ થવાનું શરૂ થઈ શકે છે.

તેમણે કહ્યું કે, “રોજનો જે ખર્ચ છે તે જ જો નથી નીકળતો, તો પછી શું કરીશું? અમે મજૂર ઘટાડીશું, સ્ટાફ ઓછો કરીને ઓછા મજૂરથી કામ ચલાવીશું.”

સરકારી મદદ માટે પોકાર

આવી હાલતમાં માછીમારો અને ઉદ્યોગ સરકારી મદદની વાત કરી રહ્યા છે.

ધ સીફૂડ એક્સ્પૉર્ટર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ જગદીશ ફોફંડી માછીમારો માટે ખેડૂતોની જેમ ક્રેડિટ કાર્ડ આપવાની અને માછલીઓ સાંપડવાની અનિશ્ચિતતાને જોતાં એમને ઇન્શ્યોરન્સની સુવિધા આપવાની વાત કરે છે.

તેમણે કહ્યું, “ઋતુઓમાં ફેરફારના કારણે મૉન્સૂન વહેલાં આવવા લાગ્યાં છે. તોફાનની સ્થિતિ ક્યારેક વધી જાય છે. તો ઘણી વાર એવું અનુભવ્યું છે કે બેત્રણ વાર દરિયામાં ગયા પછીયે માછીમારોથી ફિશિંગ પૂરતું નથી થઈ શકતું પરંતુ એમનો ખર્ચ તો એવો ને એવો જ રહે છે.”

ઉદ્યોગ બચાવવા માટે આની સાથે સંકળાયેલા લોકો ઇચ્છે છે કે નાની માછલીઓને પકડવા પર પણ પ્રતિબંધ મુકાય, જેથી માછલીઓની સંખ્યા ઘટે નહીં.

વિધાનસભાની ચૂંટણી નજીક છે. વિપક્ષ કૉંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમા ખેડૂતોને આર્થિક સહાયનો વિશ્વાસ આપે છે, ભાજપનો દાવો છે કે એણે માછીમારો માટે ઘણું કામ કર્યું છે.

ભાજપના નેતા માનસિંહ પરમારે જણાવ્યું કે, “હમણાં થોડાક દિવસ પહેલાં જ આપણા આદરણીય વડા પ્રધાન (નરેન્દ્ર મોદી) જ્યારે જૂનાગઢ આવેલા ત્યારે પૉર્ટના વિકાસ માટે 286 કરોડ રૂપિયાની વેરાવળ પૉર્ટ માટે જોગવાઈ કરવામાં આવી હતી. અમારા ગીર-સોમનાથમાં આવાં આઠ પૉર્ટ છે. એક નવા બંદર પૉર્ટનું કામ ચાલુ થઈ ગયું છે. ગઈ વખતની સરકારે એનું ભૂમિપૂજન કર્યું હતું. વિકાસ હવે ઝડપી થશે.”

માછીમારોએ જણાવ્યું, સમુદ્રમાંથી માછલીઓ સાંપડવાનું ઓછું થઈ રહ્યું છે અને જળપ્રદૂષણના કારણે માછલીઓ કિનારાની નજીક નથી આવતી. તેથી રોજીરોટી માટે જીવ જોખમમાં મૂકીને એમણે દરિયામાં ઘણા કિલોમીટર દૂર દરિયામાં ઊંડે જવું પડે છે.

વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ, પરિવર્તન પામતી ઋતુઓ અને સંસાધનો પર વધતા જતા દબાણમાં દેવામાં ડૂબેલા માછીમારોને ભવિષ્યની ચિંતા પીડે છે.