You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ચૂંટણી : 'કોળી સમાજમાંથી હજુ સુધી કોઈ મુખ્ય મંત્રી કેમ નથી', પરસોત્તમ સોલંકી શું બોલ્યા?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
રાજ્યમાં કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમ સોલંકીએ રાજ્યના રાજકારણમાં અને તેમની રાજકીય કારકીર્દીમાં અનેક ચઢાવ-ઉતાર જોયા છે.
સોલંકી સૌરાષ્ટ્રના કોળી સમુદાયમાં મોટું નામ ગણાય છે, તેઓ તેમના વિસ્તારમાં લોકપ્રિય નેતા છે અને સતત ચૂંટાતા આવ્યા છે.
બીબીસી ગુજરાતીએ પરસોત્તમ સોલંકી સાથે વાત કરી હતી. વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે તેઓ કોળી સમાજની સ્થિતિ, તેમની માગો, તેમના મુદ્દાઓ પર ખૂલીને બોલ્યા હતા.
ઉપરાંત મુખ્ય મંત્રીપદ વિશે તેમના વિચારોથી લઈને નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે તેમની સામેના બળવાખોર જૂથમાં રહેવું અને હવે જ્યારે તેઓ પીએમ છે ત્યારે તેમની સાથેના તેમના સંબંધો અંગે પણ તેમણે વાત કરી હતી.
ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ અને ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની ઉપસ્થિતિને નકારતા પરસોત્તમ સોલંકી કહે છે, "અમારા વિસ્તારમાં મેં ક્યાંય જોયું નથી કે આમ આદમી પાર્ટીનું ક્યાંય વર્ચસ્વ હોય."
પરસોત્તમ સોલંકી રાજ્યમાં 27 વર્ષના ભાજપના શાસન સામે એન્ટિઇન્કમ્બન્સીને પણ નકારે છે. તેઓ તર્કમાં સામો સવાલ કરે છે, "કોણ છે, જે ભાજપ સામે ટક્કર લઈ શકે?"
ભાજપ સામે કૉંગ્રેસ કે આમ આદમી પાર્ટીના જંગને નકારતા તેઓ પોતાની દલીલને દોહરાવે છે કે ભાજપની ટક્કર લઈ શકે તેવું કોઈ નથી. પાર્ટીઓ મજબૂત છે એ વાત એકસો ને દસ ટકા સાચી પણ ગુજરાતમાં ટક્કર આપે એવું કોઈ નથી.
મારી 'ભાઈ'ની ઇમેજ મુંબઈથી આવી છે
રાજ્યમાં ભાજપની મજબૂતાઈ પાછળ કયું તત્ત્વ છે? ભૂપેન્દ્ર પટેલનું શાસન છે, પરસોત્તમ સોલંકી જેવા મજબૂત જનાધાર ધરાવતા નેતા છે કે પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરસોત્તમ સોલંકી નરેન્દ્ર મોદીની એકલી છબીને પૂરું શ્રેય આપે છે.
જોકે એ રાજકીય વિરોધાભાસ છે કે પરસોત્તમ સોલંકી નરેન્દ્ર મોદીનાં વખાણ કરે છે પરંતુ બંને નેતાઓ એકસાથે સ્ટેજ પર જોવા મળ્યા હોય એવું ભાગ્યે જ બન્યું છે.
એ વાતને કબૂલતા સોલંકી કહે છે, "હા, જ્યાં નરેન્દ્ર મોદી હોય ત્યાં હું ઓછો હોઉં છું. મને એવું રાજકારણ નથી ગમતું. હું મર્દ જેમ રહ્યો છું અને મર્દ જેમ રહીશ. હું સિંહની જેમ રહું છું."
તેઓ વધુમાં કહે છે, "એમના (નરેન્દ્ર મોદી) અને મારામાં જમીન-આસમાનનો ફરક છે."
ઘોઘા રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ થયું ત્યારે નરેન્દ્ર મોદી આવ્યા હતા ત્યારે એ સમારોહમાં પરસોત્તમ સોલંકી નહોતા જોવા મળ્યા.
ભાવનગરમાં જાહેર સભા થઈ ત્યારે પણ નરેન્દ્ર મોદીની સભામાં પરસોત્તમ સોલંકી નહોતા દેખાયા.
આ બંને મહત્ત્વની ઘટનાઓએ પોતાની અનુપસ્થિતિને સ્વીકારતા ટૂંકમાં સોલંકી કહે છે કે, "હા, મને એવું ન ગમે. પાછળ-પાછળ ફરવું એ બધું મને ન ગમે."
આટલી વાત પછી એમ લાગે કે નરેન્દ્ર મોદી અને પરસોત્તમ સોલંકી વચ્ચેના સંબંધોમાં અણબનાવ હશે. પરંતુ પરસોત્તમ સોલંકી તેમના આ સંબંધોને ‘એકદમ અંગત’ ગણાવે છે.
નરેન્દ્ર મોદી અને પરસોત્તમ સોલંકી વચ્ચે સંબંધોમાં ‘અંતર’ હોવાના વારંવારના અહેવાલોનો તેઓ રદિયો આપતા કહે છે, "અમારા વચ્ચે એક રૂપિયાનું અંતર નથી. સ્વભાવમાં ફરક તો હોય ને?"
‘મારા સમાજના ગરીબોને પથ્થરનું શાક બનાવીને રોટલા સાથે ખાતા જોયા છે’
2004માં નરેન્દ્ર મોદી સામેના બળવામાં પરસોત્તમ સોલંકી સામી છાવણીમાં હતા અને તેમણે નરેન્દ્ર મોદી વિશે આકરા શબ્દો કહ્યા હતા.
તેઓ કહે છે, "હા, હવે અફસોસ થાય છે કે એમ બોલવાની શું જરૂર હતી? એ વખતે મારી જુવાની હતી."
ગુજરાતમાં કોળી સમાજ 20-22 ટકા જેટલી વસ્તી ધરાવે છે પણ હજુ સુધી કોઈ મુખ્ય મંત્રી આ સમાજમાં નથી.
પરસોત્તમ સોલંકી કહે છે, "તમે જ કહો કે મારા સમાજમાં મુખ્ય મંત્રી બને એવો કોણ છે?"
જ્યારે સોલંકીને પોતાને મુખ્ય મંત્રી બનવું છે કે નહીં? તેવા પ્રશ્નના જવાબમાં તેમણે ઘસીને ના પાડતા કહ્યું કે "પાર્ટી કહે તો પણ મારે નથી બનવું. એ આપણું કામ નહીં. એક રૂપિયાની પણ મારે જવાબદારી નથી જોઈતી. મારાથી થશે એટલું કામ કરીશ. મને ખોટું બોલતા આવડતું નથી અને આમાં (મુખ્ય મંત્રી બન્યા પછી) બધું ખોટું બોલવું પડે."
તમારે મુખ્ય મંત્રી ન બનવું હોય તો પણ તમને એવું કદી થયું કે મારા સમાજમાંથી એકાદ મુખ્ય મંત્રી બનવો જોઈતો હતો?
જવાબમાં તેઓ કહે છે, "મારો કોળી સમુદાય ભૂખથી ટળવળે છે. હું ગામડાં રખડું છું. ગરીબોનાં એવાં ઘર જોયાં છે, જ્યાં પથ્થરનું શાક બનાવીને રોટલા સાથે ખાતા જોયા છે. એ દિવસો હું કદી નહીં ભૂલું. અમને કોણ આગળ આવવા દે? આદિવાસી સમાજની પાસે વર્ચસ્વ છે, અમારી પાસે કોઈ વર્ચસ્વ નથી."
પરસોત્તમ સોલંકીનું વર્ચસ્વ કોળી સમાજમાં ગુજરાતમાં સૌથી વધુ છે અને તેને ઘટાડવા માટે અન્ય કોળી નેતાઓને ભાજપમાં આગળ કરવામાં આવ્યા છે. આ વાત સાચી છે? જવાબમાં સોલંકી કહે છે, "હા, સાચી વાત છે."
કોણ છે પરસોત્તમ સોલંકી?
પરસોત્તમ સોલંકી ભાવનગર, અમરેલી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના કોળી પ્રભુત્વવાળા વિસ્તારોના મતો પર સારી પકડ ધરાવતા નેતા છે.
નોંધનીય છે કે પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી ઘણાં વરસોથી જીતતા આવ્યા છે.
તેમની રાજકીય વગ વિશે વાત કરતાં સૌરાષ્ટ્રના એક પત્રકારે નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે, "પરસોત્તમ સોલંકી સૌરાષ્ટ્રના ભાજપના એક વગદાર નેતા છે. નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા એ સમયથી તેમને સ્ટારપ્રચારક તરીકે મતવિસ્તારોમાં મોકલવામાં આવતા. મુખ્ય મંત્રી સિવાય પ્રચાર માટે હેલિકૉપ્ટર મેળવનાર ઉમેદવારોમાં પણ તેમનું નામ રહેતું. આ વાત તેમની રાજકીય વગ જણાવે છે."
ઘણાં વરસો સુધી પરસોત્તમ સોલંકીના પર્સનલ આસિસ્ટન્ટ રહેલા વીરેન્દ્ર મણિયાર જણાવે છે કે, "તેઓ એક લોકપ્રિય નેતા છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તે સમયના ઊર્જામંત્રી સૌરભ પટેલે તેમની સાથેના અણબનાવને કારણે બોટાદની પોતાની બેઠક બદલવાની ફરજ પડી હતી."
રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ જણાવે છે કે, "તેમને મોટા ભાગની સરકારોમાં મંત્રીપદ મળ્યું છે, આ બાબત ગુજરાત ભાજપમાં તેમનું કદ કહી આપે છે."
આ ઉપરાંત પરસોત્તમ સોલંકીના ભાઈ હીરા સોલંકી ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં રાજુલા બેઠક પર હાર્યા હોવા છતાં તેમને ફરી એક વખત ભાજપે એ જ બેઠક પરથી ટિકિટ આપી છે.
રાજુલાના પત્રકાર જયદેવ વરુ હીરા સોલંકી વિશે વાત કરતાં જણાવે છે કે, "સૌરાષ્ટ્રના કોળી બેલ્ટમાં બંને ભાઈનું પ્રભુત્વ છે. આ સિવાય હીરા સોલંકી અમિત શાહની ગૂડ બુકમાં નામ ધરાવતા નેતા હોવાનું મનાય છે."
"ભાજપે પરસોત્તમ અને હીરા સોલંકીનો વિકલ્પ શોધવાનો પ્રયત્નો કર્યો તો ખરો પરંતુ આ નેતાઓ જેવી લોકપ્રિયતા કોઈ હાંસલ કરી શક્યું નથી."
હીરા સોલંકી અને ભાજપની ટોચની નેતાગીરી વિશેના સંબંધો વિશે વાત કરતાં તેઓ કહે છે કે, "જ્યારે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા તે સમયે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ટાર પ્રચારક તરીકે હીરા સોલંકીને મોકલવામાં આવતા."
"ગુજરાત ઘણી ચૂંટણીઓમાં દરિયાકાંઠાના મતો અંકે કરવાની જવાબદારી ભાજપ અને ખુદ નરેન્દ્રભાઈ તેમના પર નાખી ચૂક્યા છે. આ વાતો ભાજપના ટોચના નેતૃત્વ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં તેમની અસર જણાવી દે છે."
નોંધનીય છે કે પરસોત્તમ સોલંકીની જેમ જ 1998ની વિધાનસભાની ચૂંટણીથી તેમના ભાઈ હીરા સોલંકીને પણ ભાજપની ટિકિટ મળતી આવી છે. પરંતુ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના અંબરીશ ડેરે હીરા સોલંકીને હરાવ્યા હતા.