ગુજરાત ચૂંટણી 2022 : લવિંગજી ઠાકોર કોણ છે જેમના કારણે ભાજપે અલ્પેશ ઠાકોરની બેઠક બદલવી પડી

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'અલ્પેશભાઈ (ઠાકોર) અમારા સિનિયર આગેવાન છે. તેઓ જરૂર ઇલેક્શન લડે અને વિજેતા થાય એવી એમને શુભેચ્છા પાઠવીએ છીએ. રાધનપુર એમનો વિસ્તાર છે. તેઓ લડશે અને જીતશે એવો અમને વિશ્વાસ છે.'

ગુજરાત ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે 'શસ્ત્રપૂજન'ના કાર્યક્રમમાં હાજર રહ્યા, ત્યારે તેમણે આ વાત કહી હતી. કદાચ તેમણે કલ્પના નહીં કરી હોય કે ભાજપના સ્થાનિક નેતાના વિરોધના કારણે અલ્પેશ ઠાકોરની બેઠક બદલવી પડશે.

અંતે અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણની બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યાંથી તેમને જાકારો આપતાં બૅનર અગાઉ જ લાગી ચૂક્યા છે.

ભાજપે રાધનપુરની ટિકિટ લવિંગજી ઠાકોરને આપવી પડી છે. ઠાકોર સમાજના આ અગ્રણીને કારણે નરેન્દ્ર મોદીએ બહુપ્રતિષ્ઠિત જંગમાં પરાજય જોવો પડ્યો હતો.

આમ તો વિધાનસભાના પરિદૃશ્ય પર લવિંગજીનો ઉદય 27 વર્ષ પહેલાં થયો હતો, પરંતુ આ જંગ 25 વર્ષ પહેલાં જામ્યો હતો. જેમાં મોદીની સામે તેમના જૂના મિત્ર અને પાછળથી શત્રુ બનેલા શંકરસિંહ વાઘેલા હતા.

મોદી વિ. વાઘેલા

1995માં ભાજપ પહેલી વખત ગુજરાતમાં આપ બળે સત્તા પર આવ્યો, પરંતુ નવેક મહિનામાં જ શંકરસિંહ વાઘેલાએ 45થી વધુ ધારાસભ્યોને લઈને બળવો કરી દીધો, જેના કારણે કેશુભાઈ પટેલે મુખ્ય મંત્રી પદ ગુમાવવું પડ્યું, જ્યારે પક્ષના તત્કાલીન મહામંત્રી નરેન્દ્ર મોદીના ભાગે ગુજરાતવટો આવ્યો. સમાધાનની ફૉર્મ્યુલા તરીકે સુરેશ મહેતાને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ આ યોજના પણ લાંબી ન ચાલી.

1996ની લોકસભાની ચૂંટણી દરમિયાન ગોધરાની બેઠક પરથી શંકરસિંહ વાઘેલાનો પરાજય થયો. વાઘેલા, તેમના સમર્થકો તથા રાજકીય વિશ્લેષકોનું માનવું હતું કે, હાર્યા ન હતા, પરંતુ પાઠ ભણાવવા માટે તેમને હરાવવામાં આવ્યા હતા.

વાઘેલાને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા. દિલીપ પરીખના નેતૃત્વમાં બળવાખોર ધારાસભ્યોએ 'મહાગુજરાત જનતા પાર્ટી'ની સ્થાપના કરી, જોકે પડદા પાછળ શંકરસિંહનો દોરીસંચાર હોવાનું સર્વવિદિત હતું. આ ચોકાએ વાઘેલાને મુખ્ય મંત્રી બનાવ્યા હતા.

વાઘેલાએ 23 ઑક્ટોબર 1996ના શપથ લીધા હતા. તેઓ ધારાસભ્ય ન હતા એટલે નિયમ પ્રમાણે, તેમણે છ મહિનામાં કોઈ બેઠક જીતવી જરૂરી હતી.

આવા સમયે તેમની રાજપના કોઈ ધારાસભ્યની બેઠક ખાલી કરાવવાના બદલે શંકરસિંહે અપક્ષ ધારાસભ્યો પર નજર દોડાવી હતી. એમાં તેમની નજર રાધનપુરની બેઠક પર ઠરી હતી. 1995ની ચૂંટણી વખતે આ બેઠક પરથી લવિંગજી ઠાકોર (સોલંકી) અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

લવિંગજીએ ભાજપના ઉમેદવાર મેમાભાઈ ચૌધરીને માત્ર 307 મતે પરાજય આપ્યો હતો, પરંતુ કૉંગ્રેસના ઉમેદવાર હિંમતલાલ મુલાણીને 14 હજાર 787 મત મળ્યા હતા. કૉંગ્રેસના ટેકાથી રાજપની સરકાર ચાલી રહી હતી એટલે સ્વાભાવિક રીતે કૉંગ્રેસ સત્તારૂઢ મુખ્ય મંત્રી સામે પોતાનો ઉમેદવાર ઊભો ન રાખે. આ સંજોગોમાં રાધનપુર તેમના માટે આદર્શ બેઠક હતી.

મોદીની હાઈપ્રોફાઇલ હાર

વાઘેલાની ઇચ્છા મુજબ અપક્ષ ધારાસભ્ય લવિંગજીએ હોંશે-હોંશે આ બેઠક ખાલી કરી આપી, જ્યારે કૉંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉતાર્યો ન હતો.

બળવાખોર નેતાની સામે ભાજપે 27 વર્ષના શંકર ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા. તેમની પસંદગી પાછળનું એક કારણ તેમનું નામ હોવાનું પણ ચર્ચાયું હતું. શંકરસિંહના કારણે હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબના મહામંત્રી તરીકેની જવાબદારી આપીને ગુજરાત બહાર મોકલી દેવાયેલા નરેન્દ્ર મોદીને આ પેટાચૂંટણી માટે વિશેષરૂપે બોલાવવામાં આવ્યા હતા.

મોદીએ રાધનપુરમાં જ ડેરાતંબુ તાણ્યા હતા અને પ્રચાર-પ્રસાર તથા કાર્યકરોમાં કાર્ય ફાળવણીની જવાબદારી ઉપાડી હતી. 'સિગ્નેચર સ્ટાઇલ' પ્રમાણે, અર્ધશિક્ષિત કે નિરક્ષર મતદારોમાં અવઢવ ઊભી કરવા માટે વાઘેલા સિવાય અપક્ષ ઉમેદવાર તરીકે પણ શંકર વાઘેલા હતા. આ સિવાય વાઘેલા અટકવાળા પાંચ જેટલા અપક્ષ ઉમેદવાર પણ હતા.

બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ અને કાર્યકરોની ફોજ પણ ઊતરી પડી હતી. પહેલાં તો વિહિપના નેતા અને વાઘેલાના દુશ્મન મનાતા પ્રવીણ તોગડિયાની 'ધોતિયાકાંડ' મામલે ધરપકડ કરી હતી. આથી આ હિંદુવાદી સંગઠનો તેમને પાઠ ભણાવવા માગતાં હતાં. સાધ્વી ઋતુંભરા તથા આચાર્ય ધર્મેન્દ્ર જેવા વિહિપના સંતોએ મોરચો સંભાળ્યો હતો. જાહેર સભામાં વાઘેલા શંકર નહીં પણ 'સંકર' છે, જેવા શબ્દપ્રયોગ પણ થયા હતા.

બીજી બાજુ, વાઘેલા પર ચૂંટણીજંગમાં સરકારી મશીનરીનો દુરૂપયોગ કરવાના તથા બાહુબળનો ઉપયોગ કરવાના આરોપ પણ લાગ્યા હતા. ચૂંટણી પરિણામમાં વાઘેલાએ ભાજપના ચૌધરીને 14 હજાર જેટલા મતોથી પરાજય આપ્યો હતો.

રાધનપુરમાં વિજય બાદ વાઘેલાની ઑલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં મજપાને વિલીન કરી દેવામાં આવી. આગળ જતાં રાજપ પણ કૉંગ્રેસમાં વિલીન થઈ ગઈ.

વાઘેલા પ્રત્યે વફાદારીના ઇનામરૂપે લવિંગજીને ગુજરાત સરકાર હેઠળના બોર્ડના ચૅરમૅનપદથી નવાજવામાં આવ્યા હતા. આગળ જતાં તોગડિયા અને મોદીમાં પણ તિરાડ પડી અને આજે તોગડિયા વિહિપથી પણ અલગ થઈ ગયા છે.

અલ્પેશને હતી આશા

'એ ત્યાં લડવાના છે અને મારે અહીં લડવું છે. ઢોલ વાગ્યા (ચૂંટણીના પડઘમ) વાગ્યા હવે તો કહેવું જ પડેને. મારે અહીંથી પરણવું છે, તમારે પરણાવવાનો છે. જાન જોડી છે એનું આમંત્રણ આપવા આવ્યો છું અને આ જાન રંગેચંગે જોડાય અને તમે મૂરતિયાને પરણાવો.'

ગુજરાત વિધાનસભાનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો તેના એક મહિના પહેલાં ત્રીજી ઑક્ટોબરે રાધનપુર ખાતે સામૂહિક લગ્ન કાર્યક્રમમાં હાજરી આપતી વખતે અલ્પેશ ઠાકોરે આ વાત કહી હતી.

એ ઘટનાના બે-ત્રણ દિવસ પછી જ સી.આર.પાટીલે અલ્પેશ ઠાકોરને રાધનપુરની બેઠક પરથી ઉમેદવાર બનાવવાની વાત વહેતી મૂકી હતી. અગાઉ જાહેર સભાઓમાં ઉમેદવારોના નામો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ નક્કી કરશે એવી વાત સાર્વજનિક રીતે કરનારા પાટીલે અલ્પેશની સાથે પાડોશની ચાણસ્મા બેઠક પરથી ધારાસભ્ય દિલીપ ઠાકોરને પણ ચૂંટણી માટે શુભકામના પાઠવી હતી. પાર્ટીએ દિલીપ ઠાકોરને રિપીટ કર્યા છે.

પાટીલ જેવા અનુભવી નેતા 'ભૂલેચૂકે' પણ નામ જાહેર ન કરે, ત્યારે તેઓ રાધનપુરની બેઠક પરથી અલ્પેશનું નામ જાહેર કરીને 'તેલ અને તેલની ધાર' જોઈ રહ્યા હોય તેમ પણ બને.

2017માં અલ્પેશ સામે હારી ગયેલા ઉમેદવાર લવિંગજી ઠાકોરે 'જો જાન આવશે તો લીલા તોરણે પાછી ફરશે' એવું નિવેદન કરીને પાટીલની પરવાહ કર્યા વગર પોતાની મરજી સ્પષ્ટ કરી દીધી હતી. 2012માં ભાજપને આ બેઠક અપાવનારા નાગરજી ઠાકોરે પણ મૂળ વીરમગામના અલ્પેશને બદલે કોઈ સ્થાનિકને જ ટિકિટ મળે તેવી માગમાં સૂર પૂરાવ્યો હતો.

લવિંગજીનો સ્થાનિક રાજકારણમાં પ્રભાવ

પાટીલની પાટણ યાત્રા પછી 'અઢારે આલમ મહાસંમેલન' ના નેજા હેઠળ સમી તાલુકાના રણાવાડા ગામે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઠાકોર ઉપરાંત ચૌધરી, આહીર અને માલધારી જેવા સમાજના લોકો પણ એકઠા થયા હતા. તેની આમંત્રણ પત્રિકામાં રાધનપુરની બેઠક પર 'જીતશે સ્થાનિક, હારશે બહારનો' અને 'લડશે સ્થાનિક, જીતશે સ્થાનિક' જેવા સૂત્ર લખેલા હતા. આ બેઠકની આગેવાની લવિંગજીએ લીધી હતી.

67 વર્ષીય લવિંગજીનો જન્મ રાધનપુરના પરસુંદ ખાતે થયો છે અને ત્યાંથી જ તેમણે ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન દાખલ કરેલી ઍફિડેટવિટ પ્રમાણે, તેમની સામે કોઈ કેસ નથી અને તેઓ 52 લાખ રૂપિયા જેટલી સંપત્તિ ધરાવતા હતા. તેમની પાસે એક લાખ 40 હજાર જેટલી, જ્યારે તેમનાં પત્ની પાસે એક લાખ 95 હજાર જેટલી જંગમ મિલ્કત હતી. લવિંગજીએ પોતે ખેડૂત હોવાનું, જ્યારે તેમનાં પત્નીએ ગૃહિણી હોવાનું નોંધાવ્યું હતું.

ઑક્ટોબર મહિનાના ત્રીજા અઠવાડિયામાં ભાજપ સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા માટે ભાજપ દ્વારા પાંચ સ્થળોથી ગૌરવ યાત્રા રવાના કરી હતી. આવી જ એક યાત્રા જ્યારે પાટણના વારાહી ખાતે પહોંચી ત્યારે અલ્પેશ અને લવિંગજી એક સાથે જોવા મળ્યા. લવિંગજીના ગળામાં અલ્પેશે હાર પહેરાવ્યો અને તેમની સાથે સહજતાથી વર્તવાનો પ્રયાસ કર્યો. રાજકીય વિશ્લેષકો દ્વારા આ ઘટનાને સમાધાનના પ્રયાસ તરીકે જોવામાં આવી, પરંતુ લવિંગજીએ મંચ પર હોવા છતાં મચક આપી ન હતી.

અઠવાડિયા પહેલાં રાધનપુર ખાતે ભાજપના નવા વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમમાં ફરી એક વખત અલ્પેશ અને લવિંગજી એકસાથે મંચ પર હતા. બંને આજુ-બાજુમાં બેઠા હતા. તેમની સાથે નાગરજી ઠાકોર અને શંકર ચૌધરી પણ હતા. લવિંગજીએ 'નાના-મોટા મતભેદો ભૂલીને નવેસરથી શરૂઆત કરીએ' ની વાત કહી. જેથી એવું માનવામાં આવતું હતું કે, અલ્પેશ ઠાકોરના નામ સાથે સહમત થઈ ગયા હશે.

આંદોલન સમયના તેમના સાથી અને બાયડની બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને ટિકિટ નથી મળી. તેમના સમર્થકો મોવડી મંડળ પર દબાણ લાવવા માટે શ્રીકમલમ્ ખાતે પહોંચ્યા હતા, પરંતુ તેમની કારી ફાવી ન હતી.

જોકે, પહેલી યાદીમાં રાધનપુરની બેઠક પરથી ઉમેદવારના નામની જાહેરાત ન થતા સ્પષ્ટ થઈ ગયું હતું કે, કોકડું ગૂંચવાયું છે. અંતે લવિંગજી ઠાકોરને રાધનપુરની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી અને અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણની બેઠક પર ખસેડવામાં આવ્યા છે.

બેઠકનું બૅકગ્રાઉન્ડ

રાધનપુરની બેઠક પાટણ જિલ્લા તથા એજ લોકસભા બેઠક હેઠળ આવે છે. ઑક્ટોબર-2019ની પેટાચૂંટણી દરમિયાન આ બેઠક પર એક લાખ 40 હજાર 437 પુરૂષ અને એક લાખ 29 હજાર 554 મહિલા તથા ત્રણ અન્ય એમ કુલ બે લાખ 70 હજાર જેટલા મતદાર નોંધાયેલા હતા.

આ બેઠક પર અંદાજે 22 ટકા ઠાકોર, 20 ટકા આંજણા ચૌધરી સમાજ, આઠ ટકા મુસ્લિમ, આઠ ટકા રાજપૂત અને છ એક ટકા દલિત સમાજના મત છે.

2015માં પાટીદાર અને દલિત આંદોલનની વચ્ચે અલ્પેશે ઠાકોર સેના તથા ઓબીસી એકતા મંચના નેજા હેઠળ તત્કાલીન રૂપાણી સરકાર પર દબાણ ઊભું કર્યું હતું. ગુજરાત સરકારને દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવવાની ફરજ પડી હતી.

2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે મૂળ વીરમગામના અલ્પેશ ઠાકોરને રાધનપુરની બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. અગાઉ કૉંગ્રેસમાં રહેલા લવિંગજી અલ્પેશને ટિકિટ મળતા ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને ટિકિટ પણ આપી હતી.

અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા બાદ વર્ષ 2019માં રાધનપુર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં તેમણે ભાજપ તરફથી ઉમેદવારી કરી હતી. જોકે, તેમને કૉંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ હરાવી દિધા હતા.

પુનઃસીમાંકન પછી 2012માં યોજાયેલી પહેલી ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર નાગરજી ઠાકોર વિજેતા થયા હતા. આ બેઠક પર આંજણા ચૌધરી સમાજ તથા લઘુમતી સમુદાયના મત ઘટ્યા હતા, જ્યારે ઠાકોરના મત વધ્યા હતા, એટલે આ ગણતરી માંડવામાં આવી હતી.

2012 પહેલાં 2007, 2002 અને 1998માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં શંકર ચૌધરી આ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા અને મોદી સરકારમાં પ્રધાન પણ બન્યા હતા. 1998ની ચૂંટણીમાં ચૌધરીએ લવિંગજીને પરાજય આપ્યો હતો. આજે શંકર ચૌધરી બનાસ ડેરીના ચૅરમૅન છે અને પાર્ટીએ તેમને થરાદની બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે, જ્યારે લવિંગજી રાધનપુરની બેઠક પરથી ભાજપના જ ઉમેદવાર જાહેર થયા છે.

1962, 1972, 1975, 1980 તથા 1985માં આ બેઠક કૉંગ્રેસના ફાળે ગઈ હતી, જ્યારે 1967માં સ્વતંત્ર પક્ષ તથા 1990માં જનતાદળ વિજયી થયો હતો. 1990ની ચૂંટણી ભાજપે જનતા દળ સાથે મળીને લડી હતી.

ગાંધીનગર-દક્ષિણની બેઠક

2008ના પુનઃસીમાંકન બાદ 2012ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આ બાદ ગાંધીનગર-દક્ષિણ બેઠક અસ્તિત્વમાં આવી હતી. સ્થાપના સમયથી જ ભાજપના શંભૂજી ઠાકોર આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

સત્તાવાર રીતે ઠાકોરના નામની જાહેરાત થઈ તે પહેલાં જ ગાંધીનગર-દક્ષિણના વિસ્તારોમાં 'ભાવિ મુખ્ય મંત્રી શ્રી અલ્પેશજી ઠાકોર' શીર્ષક સાથે '35- ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં તમારી કોઈ જરૂર નથી તમારા માટે રાધનપુર બરાબર છે. જો તમે આવો તો પાછા જવાની તૈયારી રાખજો.' એવું લખેલું હતું, સાથે જ તેમને 'આયાતી ઉમેદવાર' કહીને સંબોધવામાં આવ્યા હતા.

સુરત મહાનગરપાલિકાની શહેરી બેઠકોને બાદ કરતાં અન્ય સાત મહાનગરપાલિકામાં ભાજપે મોટાપાયે સિટિંગ ધારાસભ્યના સ્થાને નવા ચહેરાને તક આપી છે અને ગાંધીનગર દક્ષિણની બેઠક પણ તેમાંથી અપવાદ નથી.

72 વર્ષીય શંભુજીના સ્થાને અલ્પેશ ઠાકોરને આ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપને અહીંથી 50 ટકા, જ્યારે કૉંગ્રેસને 45 ટકા જેટલા મત મળ્યા હતા.

એ સમયે આ વિધાનસભાનો લગભગ 60 ટકા મતવિસ્તાર શહેરી અને 40 ટકા મતવિસ્તાર ગ્રામીણ હતો. જોકે, જૂન-2020માં પોર, કુડાસણ, રાયસણ, સરગાસણ, કોબા, અંબાપુર, ખોરજ, વાસણા હડમતિયા, સુઘડ, ભાટ અને નભોઈ જેવા ગામડાંને ગાંધીનગર મહાનગરપાલિકા સાથે ભેળવી દેવામાં આવ્યા છે, જેથી શહેરી વિસ્તારનું પ્રભુત્વ વધ્યું છે. જ્યાં ભાજપની પ્રતિબદ્ધ વોટબૅન્ક રહે છે.

ગાંધીનગર-દક્ષિણની બેઠક પરથી ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ અલ્પેશ ઠાકોરે તેમના પર વિશ્વાસ મૂકવા બદલ પાર્ટીના નેતૃત્વનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, તેમની ઇચ્છા રાધનપુરની બેઠક પરથી ચૂંટણી લડવાની હતી, પરંતુ પક્ષે તેમના માટે જે નક્કી કર્યું તે યોગ્ય હશે. જે જવાબદારી મળી છે તેને નિભાવવા માટે પૂરતી મહેનત કરશે.

અલ્પેશે આશા વ્યક્ત કરી હતી કે, ગાંધીનગર-દક્ષિણ તથા રાધનપુરની જનતા એક-એક કમળ ગાંધીનગર મોકલશે.

બીજી બાજુ, મંગળવારે સોશિયલ મીડિયા પર ઢોલના તાલે નાચતા લવિંગજીનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં હાઇકમાન્ડ પાસે ધાર્યું કરાવીને મનપસંદ બેઠક પરથી ટિકિટ મેળવવાની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે.