You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાન : દલિત મહિલાને કથિત રેપ બાદ જીવતાં સળગાવાયાં, હૉસ્પિટલમાં મૃત્યુ
- લેેખક, મોહરસિંહ મીણા
- પદ, બીબીસી હિંદી માટે
રાજસ્થાનના બાડમેર જિલ્લાના પચપદરામાં એક દલિત મહિલાને કથિતપણે બળાત્કાર બાદ જીવતાં સળગાવી દેવાયાં છે. 60 ટકા સુધી બળી ગયેલાં મહિલાનું ઇલાજ દરમિયાન જોધપુરની સરકારી હૉસ્પિટલમાં શુક્રવારે મોડી રાત્રે મૃત્યુ થઈ ગયું છે.
મહિલાનો મૃતદેહ જોધપુરના મહાત્મા ગાંધી હૉસ્પિટલના શબઘરમાં રખાયો છે. પરિવારજનો પોતાની માગણીઓને લઈને બાડમેરના બાલોતરા એસડીએમ ઑફિસે ધરણાં કરી રહ્યા છે.
મૃતક મહિલાના પતિ રાજુ રામના મોટા ભાઈ પદ્મારામ પ્રમાણે, “માગો પર પ્રશાસન સાથે વાતચીત સફળ નથી રહી.” અગાઉ પરિવારજનો શબઘર બહાર પ્રદર્શન કરી રહ્યા હતા.
શું છે મામલો?
6 એપ્રિલના રોજ થયેલી ઘટનાને લઈને રાજુ પોતાના સમાજ અને ઘરના લોકો સાથે ધરણાં પર બેઠા છે.
બીબીસી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેઓ જણાવે છે કે, “જ્યારે પત્નીને બાલોતરા લવાઈ ત્યારે મેં પત્નીને ઘટના વિશે પૂછ્યું. તેણે મને બધું જણાવ્યું.”
રાજુ રામે બીબીસીને કહ્યું, “હું સવારે ઢાણીથી 25 કિલોમીટર દૂર બાલોતરામાં કામે ગયો હતો. હું ત્યાં સુથારકામ કરું છું. બાળકો સ્કૂલે હતાં. બપોરે ત્રણ વાગ્યે પરિવારજનોનો ફોન આવ્યો કે ઢાણીનો રહેવાસી શુકર ખાન બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસી ગયો છે.”
તેમણે આરોપ લગાવ્યો, “શુકર ખાને મારી પત્નીનો બળાત્કાર કર્યો. પોતાની સાથે લાવેલા થિનર વડે મારી પત્નીના શરીરને આગ ચાંપી દીધી. તે બૂમો સાંભળીને એકઠા થયેલા પરિવારજનોને ધક્કો મારીને ઘટનાસ્થળેથી ભાગી ગયો.”
પચપદરા પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની માહિતી છ એપ્રિલના રોજ બપોરે મળી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાત એપ્રિલે બપોરે પોલીસ સ્ટેશનમાં 35 વર્ષનાં મૃતક ઝમ્મા દેવીના પતિ રાજુ રામે એફઆઇઆર નોંધાવી.
શબઘરની બહાર હાજર રાજુના મોટા ભાઈ પદ્મારામે બીબીસીને કહ્યું, “હું મોચીકામ કરું છું. એ દિવસે હું પણ કામે ગયેલો. ઘટના બાદ ઘરની મહિલાઓએ જણાવ્યું કે શુકર ઘરમાં પાછળની બાજુએથી આવ્યો હતો.”
“ઝમ્મા દેવી સાથે બળાત્કાર બાદ ખિસ્સામાંથી થિનરની બૉટલ કાઢી, માચીસ વડે આગ ચાંપી દીધી.”
તેમણે જણાવ્યું કે બાદમાં તેમને બાલોતરા અને પછી જોધપુર લાવ્યા. જ્યાં તેમનું મૃત્યુ થઈ ગયું. ઝમ્મા દેવીનાં ચાર બાળકો છે. બે દીકરી અને બે દીકરા, સૌથી નાની દીકરી 13 વર્ષની છે.
શરીર 60 ટકા બળી ગયું
અધિકારીઓ પ્રમાણે, પચપદરામાં સોઢો કી ઢાણીથી 25 કિલોમીટર દૂર બાલોતરાની એક ખાનગી હૉસ્પિટલમાં છ એપ્રિલે બપોરે એક મહિલાને બળી ગયેલી હાલતમાં લવાયાં.
મહિલાની ગંભીર સ્થિતિને જોતાં સાત એપ્રિલના રોજ જોધપુર રેફર કરાયાં. સાત એપ્રિલના રોજ મહિલાને જોધપુરના મહાત્મા ગાંધી હૉસ્પિટલે દાખલ કરાયાં.
મહાત્મા ગાંધી હૉસ્પિટલનાં મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાજશ્રીએ બીબીસીને જણાવ્યું કે, “35 વર્ષનાં મહિલાને બર્ન વૉર્ડના આઇસીયુમાં દાખલ કરાયાં. જ્યારે તેમને લવાયાં ત્યારે તેમની સ્થિતિ ગંભીર હતી.”
ડૉ. રાજશ્રીએ કહ્યું, “તરત જ પ્લાસ્ટિક સર્જનની દેખરેખમાં ઇલાજ શરૂ કરાયો. મોડી રાત્રે સાડા બાર વાગ્યે મહિલાનું ઇલાજ દરમિયાન મૃત્યુ થયું.”
તેમણે જણાવ્યું, “મહિલાનું શરીર 60 ટકા સુધી સળગી ગયું હતું. તેમનાં ચહેરા, છાતી અને શરીરનો પાછળનો ભાગ પણ સળગી ગયો હતો.”
ડૉક્ટરે કહ્યું, “પ્રાથમિક દૃષ્ટિએ જોતાં એવું લાગી રહ્યું હતું કે તેઓ કોઈ કેમિકલથી બળ્યાં હતાં.”
મહિલાને કઈ વસ્તુ વડે બાળવામાં આવ્યાં, આ પ્રશ્નના જવાબમાં બાડમેરના પોલીસ અધીક્ષક દિગંત આનંદે બીબીસીને કહ્યું, “ડૉક્ટરોએ કહ્યું છે કે શરીર બળી ગયું છે. પરંતુ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પરથી જ સ્પષ્ટ થઈ શકશે.”
એક કરોડ રૂપિયાના વળતરની માગ
બીબીસી સાથેની વાતચીતમાં રાજુ રામે કહ્યું, “અમારી માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે મૃતદેહનું પોસ્ટમૉર્ટમ નહીં કરાવીએ. અમે શબઘરની બહાર જ ધરણાં પર બેઠા છીએ.”
મહિલાના મૃત્યુ બાદ ભારે સંખ્યામાં લોકો જોધપુરની મહાત્મા ગાંધી હૉસ્પિટલે પહોંચ્યા. તેમાં ઘણાં સંગઠનો અને ભાજપના નેતાઓ પણ સામેલ હતા.
પચપદરાના ડેપ્યુટી એસપી અને મામલાના તપાસ અધિકારી મદન મીણા ધરણાં કરી રહેલા સંબંધીઓને મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરાવવા માટે મનાવી રહ્યા છે.
રાજુ રામના મોટા ભાઈ પદ્મારામે પોતાની માગ અંગે બીબીસીને જણાવ્યું, “અમે પચપદરા ડેપ્યુટી એસપી અને બાલોતરા થાનાધ્યક્ષને સસ્પેન્ડ કરવાની માગ કરી છે, કારણ કે ડેપ્યુટી એસપીએ અમને ધમકાવ્યા છે અને બાલોતરા થાનધ્યક્ષે હૉસ્પિટલે આવેલા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો.”
તેમણે કહ્યું, “અમે એક કરોડ રૂપિયા અને મૃતક ઝમ્મા દેવીનાં બાળકો પૈકી એકને સરકારી નોકરી અપાય એવી માગ કરી રહ્યા છીએ. જ્યાં સુધી અમારી માગો પૂરી નહીં થાય, અમે મૃતદેહ નહીં લઈએ અને ના પોસ્ટમોર્ટમ કરાવીશું.”
રાજુ રામે કહ્યું, “એક કરોડ રૂપિયા આપવા માટે વહીવટીતંત્ર ના પાડી રહ્યું છે. વહીવટીતંત્ર માત્ર ચિરંજીવી યોજના અંતર્ગત જ સહાય આપવાની વાત કરી રહ્યું છે.”
બાડમેર પોલીસ અધીક્ષક (એસપી) દિગંત આનંદે બીબીસીને કહ્યું, “મૃતકના પરિવારજનોને સરકારી યોજનાઓ અંતર્ગત વધુમાં વધુ સહાય અપાવાના પ્રયાસ કરી રહ્યા છીએ.”
- રાજસ્થાનના બાઢમેર જિલ્લાના પચપદરામાં કથિતપણે 35 વર્ષીય દલિત મહિલા પર બળાત્કાર ગુજારી, આગ ચાંપી મૃત્યુ નિપજાવ્યાનો મામલો સામે આવ્યો છે
- પરિવારજનોએ આ મામલે મુસ્લિમ સમાજની એક વ્યક્તિ પર આરોપ લગાવ્યો છે
- છ એપ્રિલે બનેલી ઘટના બાદ ઇલાજ દરમિયાન પીડિતા ઝમ્મા દેવીનું મૃત્યુ થતાં પરિવારજનો ન્યાયની માગ સાથે ધરણાં કરી રહ્યા છે
- પરિવારજનોએ એક કરોડ રૂપિયાના વળતર અને સરકારી નોકરીની માગ કરી છે
- ઘટના બાદથી કેટલાંક સંગઠનો અને ભાજપના નેતા રાજસ્થાન સરકાર પર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અંગે શાબ્દિક હુમલા કરી રહ્યા છે
- પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે, પોલીસનું કહેવું છે કે પરિવારજનો દ્વારા પોસ્ટમૉર્ટમની મંજૂરી અપાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે, આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે
અત્યાર સુધીની પોલીસ કાર્યવાહી
આ મામલાના તપાસ અધિકારી અને પચપદરા ડેપ્યુટી એસપી મદન મીણાએ બીબીસીને જણાવ્યું, “અમે આ મામલે નિવેદનોને આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે. મૃતકના પતિ રાજુ રામનો આરોપ છે કે તેમની પત્ની સાથે શુકર ખાને બળાત્કાર કર્યો અને થિનર નાખીને બાળી દીધાં.”
બાડમેરના પોલીસ અધીક્ષક દિગંત આનંદે કહ્યું, “અમે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે, સમગ્ર મામલાની તપાસ કરાઈ રહી છે.”
તેમણે કહ્યું, “મૃતદેહના પોસ્ટમૉર્ટમ માટે જોધપુર હૉસ્પિટલને એક મેડિકલ બોર્ડનું ગઠન કરવા કહેવાયું છે. પચપદરા પોલીસ સ્ટેશનમાં રાજુ રામની ફરિયાદ આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 376 (1), 450, 326 (A) અને એસસી એસટી ઍક્ટ અંતર્ગત એફઆઇઆર નોંધવામાં આવી છે.”
મહિલાના મૃત્યુ બાદ હવે કલમ 302 પણ જોડવામાં આવી છે.
તપાસ અધિકારી ડેપ્યુટી એસપી મદન મીણાએ ઇલાજ દરમિયાન મહિલાનાં નિવેદન લીધાં છે.
તેમણે કહ્યું, “નિવેદનો આધારે તપાસ કરાઈ રહી છે. હાલ અમે જોધપુર હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કરાય તેના પ્રયાસ કરી રહ્યા છીએ.”
મૃતકના પતિએ બળાત્કારનો આરોપ કર્યો છે. શું મેડિકલમાં બળાત્કારની પુષ્ટિ થઈ છે, આ સવાલના જવાબમાં ડેપ્યુટી એસપી કહે છે કે, “પોસ્ટમૉર્ટમ બાદ જ આ અંગે વધુ સ્પષ્ટતા થશે. અમે મહિલાના પતિના આરોપો આધારે આરોપીની ધરપકડ કરી છે.”
વિપક્ષે સરકારને ઘેરી
આ ઘટના બાદથી સમગ્ર રાજ્યમાંથી આરોપીને કઠોર સજા અપાય તેવી માગ કરાઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાને લઈને લોકો રોષ પ્રગટ કરી રહ્યા છે.
જોધપુરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહે આ ઘટના અંગે ટ્વીટ કરીને કહ્યું છે કે, “દલિત મહિલા સાથે એક મુસ્લિમ યુવક દ્વારા દુષ્કર્મ અને તેની હત્યાની કોશિશ બાદ રાજસ્થાન સરકારનું વલણ આરોપીની ઇચ્છા અનુસારનું રહ્યું હતું.”
બાડમેરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી કૈલાસ ચૌધરી મૃતક મહિલાના પરિવારજનોને મળવા જોધપુર હૉસ્પિટલે પહોંચ્યા. તેમણે કહ્યું કે તેમણે પરિવારજનોને ન્યાય અપાવવા બાબતે આશ્વાસન આપ્યું છે.
ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ડૉ. સતીશ પૂનિયાએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, “મુખ્ય મંત્રી સંવેદનહીનતાની પરાકાષ્ઠા ઓળંગી ચૂક્યા છે. રાજસ્થાન એક સમયે શાંતિ માટે ઓળખાતું, પરંતુ હવે તેને ગ્રહણ લાગી ચૂક્યું છે. પચપદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા સાથે થયેલ અમાનવીય દુષ્કર્મની ઘટના, પ્રદેશની કલંકિત કાયદા વ્યવસ્થાની સ્થિતિની સાક્ષી પૂરે છે.”
આ મામલે અશોક ગેહલોત સરકારમાં મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે મીડિયાને કહ્યું, “આ પ્રકારની ઘટનાને અંજામ આપનાર લોકો માનસિકપણે વિકૃત છે.”
તેમણે કહ્યું, “સમાજ માટે આવા લોકો ઘાતક છે. આવા અપરાધીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.”