You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : એ મહિલા ખેડૂત જે 100-200 રૂ. ખાતરના ખર્ચે લાખો રૂપિયાની કમાણી કરે છે
- લેેખક, સંજય દવે
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
“અગાઉ અમારા ખેતરમાં પાકની સુરક્ષા અને ઉત્પાદન સુધારવા પાછળ દવા-ખાતર પર હજારો રૂપિયાનો ખર્ચ થતો. પરંતુ હવે આ પહેલ અજમાવવાથી પાછલાં અમુક વર્ષોથી ન માત્ર દવા-ખાતર પાછળ થતો હજારોનો ખર્ચ ઘટ્યો પરંતુ અગાઉ કરતાં સારી કમાણી કરાવતો પાક પણ લેવામાં સફળતા મળી છે.”
ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઊંઢાઈ ગામનાં ખેડૂત ચેતનાબહેનને તેમણે કરેલી અનોખી શરૂઆતના બળે ખેતીમાં થતા ખાતર પરના હજારોના ખર્ચને ઘટાડવામાં જે સફળતા મળી છે તે અંગે ઉપરોક્ત વાત કરે છે.
તેઓ પોતાના ખેતરમાં માત્ર 100-200 રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા ખાતરની મદદથી તૈયાર થતો પાક વેચીને વાર્ષિક સાડા ચારથી પાંચ લાખ રૂપિયાની આવક મેળવી રહ્યાં છે.
પુરુષોના દબદબાવાળા વ્યવસાય એવા ખેતીક્ષેત્રે તેમણે પોતાની જમીનની ફળદ્રુપતા સુધારવા, ખેતી પાછળ થતો ખર્ચ ઘટાડવા અને પાકની ગુણવત્તા અને કમાણી વધારવા માટે જે ઉપાય કર્યા તેની ઘણા પુરુષ ખેડૂતો પણ સરાહના કરે છે.
જાણો તેમણે આ સિદ્ધિ કેવી રીતે મેળવી?
ખાતર પાછળ થતા ખર્ચથી થયાં પરેશાન
ચેતનાબહેન તેમના ખેતરમાં કપાસ, એરંડા, મગ, ચોળી, વરિયાળી, જીરું જેવા પાક લે છે.
વર્ષ 2017-18 સુધી તેઓ તેમના ખેતરમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ખૂબ ઉપયોગ કરતાં.
તેમના 12 વીઘાના ખેતરમાં રાસાયણિક ખાતર અને દવા પાછળ તેમને વર્ષમાં આશરે 18,000 રૂપિયા જેટલો ખર્ચ કરવો પડતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ દરમિયાન જ એક સ્વયંસેવી સંસ્થા ડેવલપમૅન્ટ સપોર્ટ સેન્ટર (ડીએસસી) દ્વારા યોજાયેલા તાલીમ કાર્યક્રમમાં ભાગ લેતી વખતે તેમને સજીવ ખેતી અંગે જાણકારી મળી અને પોતાના મનમાં રહેલી રાસાયણિક ખાતર પાછળ થતા ખર્ચની વાત અંગેનો ઉપાય જાણે તેમને મળી ગયો.
આ બાદ તેમણે પોતાના ખેતરમાં છાણિયું ખાતર, અળસિયા ખાતર, જીવામૃત, પંચપર્ણી જેવાં કુદરતી દવા-ખાતરનો ઉપયોગ કરવાનો નિર્ધાર કર્યો.
તેમના આ નિર્ધાર પર તેમણે 2018થી જ મક્કમપણે અમલ પણ કરવાનું શરૂ કર્યું.
આ શરૂઆતને કારણે તેઓ પોતાના ખેતરમાં પરંપરાગત સજીવ ખેતીની પદ્ધતિ અપનાવીને ન માત્ર ખેતી પાછળ થતો ખર્ચ ઘટાડી શક્યાં છે પરંતુ અગાઉ કરતાં વધુ ઉત્પાદન મેળવવામાં પણ સફળતા મળી છે.
દવા-ખાતર પાછળ 100-200 રૂપિયાનો જ ખર્ચ
ચેતનાબહેન, જીવામૃત જેવા જૈવિક ખાતર અને પંચપર્ણી જેવી જૈવિક દવાઓ ઘરે જાતે જ બનાવે છે.
તેમજ તેનો ખેતરમાં નિયમિત રીતે ઉપયોગ કરતાં રહે છે.
આ રીતે, સજીવ ખેતીના આધારે તેઓ કપાસ, એરંડા, મગ, ચોળી, વરિયાળી, જીરું, મકાઈ તેમજ જુદી-જુદી શાકભાજીનો રસાયણમુક્ત પાક મેળવી રહ્યાં છે.
જૈવિક જીવામૃત બનાવવામાં તેઓ છાણ, ગૌમૂત્ર, ચણાનો લોટ, ગોળ જેવી વસ્તુઓનો જ ઉપયોગ કરતા હોવાથી તેમાં તેમને માંડ 100-200 રૂપિયાનો ખર્ચ થાય છે.
આમ, ખાતર-દવા અગાઉનો હજારો રૂપિયાનો ખર્ચ ઘટી જતાં તેઓ હાલ રાહત અનુભવી છે.
ખેતીમાં જૈવિક ખાતર અને નવીન રીતો અજમાવીને ચેતનાબહેન મલબક પાક અને આવક મેળવી શક્યાં છે.
વર્ષ 2022માં તેમણે ચાર વીઘા જમીનમાં કપાસ, 2થી 2.5 વીઘામાં એરંડા, અડધા વીઘામાં ચોળી તથા બે વીઘામાં વરિયાળી વાવી હતી.
વરિયાળીના પાકમાંથી તેમને એક લાખ રૂપિયાની આવક થઈ હતી.
ઉપરાંત આ દરમિયાન ચાર વીઘામાં 147 મણ કપાસ થયો હતો.
તેના વેચાણમાંથી તેમને અઢી લાખ રૂપિયાની આવક થઈ હતી.
ચેતનાબહેન કહે છે તેમ ખાતર, ખેડ, મજૂરી વગેરે તમામ ખર્ચ બાદ કરતાં તેમને ઉપરોક્ત પાકમાંથી દોઢથી બે લાખની ચોખ્ખી આવક થઈ.
આખા વર્ષની દરેક સિઝનનો પાક ગણીએ તો ચેતનાબહેન આજે સજીવ ખેતી કરીને પણ ખર્ચ બાદ કરતાં આશરે સાડા ચાર લાખથી પાંચ લાખ રૂપિયાની ચોખ્ખી વાર્ષિક આવક મેળવે છે.
તેઓ કહે છે, “જ્યારે 2018 પહેલાં હું આંતરપાક કરતી નહોતી તેમ જ હાનિકારક જીવાતનાં નિયંત્રણ માટે પીળાં પાટિયાં કે ફેરોમન ટ્રેપ લગાવતી નહોતી ત્યારે પાકનું કુલ ઉત્પાદન 25 મણ જ થતું. 2018 પછી આંતરપાક કરવાથી અને વિવિધ પ્રયોગો કરવાથી હવે મારી ખેતીમાં ઘણો બદલાવ આવ્યો છે. મારી જમીન ફળદ્રુપ બની છે અને હવે 40 મણ જેટલો પાક થાય છે.”
એનો અર્થ એ કે આ પદ્ધતિથી અગાઉ કરતાં તેમનું ખેત-ઉત્પાદન 15 મણ જેટલું વધ્યું છે. તેઓ હવે તેમના ઘર પાસે બોરીબગીચામાં વેલાવાળા શાકભાજી પણ પકવતાં થયાં છે.
નવીન શરૂઆતો
આ સિવાય તેઓ પોતાના ખેતરમાં પાકની ગુણવત્તા સુધારવા તેમજ ઓછા ખર્ચે વધુ પાક મેળવવાના હેતુસર નવીન રીતો અજમાવવાથી પણ નથી ખચકાતાં.
ખેડૂતોને આ આ હેતુ માટે તાલીમ આપતી એક સંસ્થાના એક અધિકારી જિગરજી ચૌહાણ ચેતનાબહેનનાં રસ અને ધગશને બિરદાવતાં કહે છે કે, “અમારી સંસ્થાના ડેમો બાદ આખા ગામમાંથી એક પણ ખેડૂત ભાઈઓ કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે તૈયાર ન થયા. પરંતુ, ચેતનાબહેને તરત જ આ માટે તત્પરતા બતાવી. એટલું જ નહીં, ગામના પુરુષો ખેતીના જે નિર્ણયો ન લઈ શકે તેવા સાહસિક નિર્ણયો તેઓ લે છે. જેમ કે, કપાસમાં મકાઈના આંતરપાકનો પ્રયોગ તેમના ગામમાં સૌપ્રથમ તેમણે જ કર્યો છે. ઉપરાંત, તેમણે અળસિયા ખાતર બનાવવાનું પણ શરૂ કર્યું છે.”
વર્ષ 2022-23માં તેમણે કપાસની વચ્ચે આંતરપાક તરીકે પહેલી વાર મકાઈનો પાક લીધો ત્યારે ગામના બધા ખેડૂતોને ખૂબ નવાઈ લાગી હતી.
સામાન્ય રીતે, અહીંના ખેડૂતો કપાસમાં મગનો આંતરપાક લેતા હોય છે, પણ મકાઈનો પાક ક્યારેય કોઈ કરતું નહીં.
વળી, સ્થાનિક વિસ્તારમાં જંગલી ભૂંડ દ્વારા મકાઈ જેવા ખાદ્યાન પાકને ખૂબ નુકસાન પહોંચતું હોવાથી ખેડૂતો એવું સાહસ કરવાનું ટાળે છે.
છતાં, ચેતનાબહેને 2022-23માં કપાસમાં મકાઈનો આંતરપાક લેવાનું સાહસ કર્યું છે.
ચેતનાબહેન કહે છે, “પહેલાં હું મારા ખેતરમાં કપાસના પાકની વચ્ચે ફક્ત મગનો આંતરપાક લેતી હતી, પણ 2022થી મેં કપાસમાં બે વીઘામાં એરંડા, ચોળી તથા ખાસ કરીને મકાઈનો પાક લેવાની પહેલ કરી છે. એટલે હવે જો કપાસ નિષ્ફળ જાય તો પણ મને બીજા આંતરપાકમાંથી નુકસાન ભરપાઈ થઈ જાય અને ખેતીમાં ટકી રહેવાય છે.”
- પુરુષો ખેતીના જે નિર્ણયો ન લઈ શકે તેવા સાહસિક નિર્ણયો તેઓ લે છે
- ખેડૂત-મિટિંગોમાં 250થી 300 પુરુષ-ખેડૂતો વચ્ચે ચેતનાબહેન એકલાં જ મહિલા હોય એવું જોવા મળે
- સજીવ ખેતીમાં ખર્ચ બાદ કરતા આશરે સાડા ચાર લાખથી પાંચ લાખ રૂપિયાની ચોખ્ખી વાર્ષિક આવક મેળવે છે
- ખેતીને હાનિકારક જીવાતના નિયંત્રણ માટે ઉત્તર ગુજરાતમાં સંભવતઃ પહેલી વાર મકાઈનાં ફૂડ-સ્પ્રેનો સાવ અનોખો પ્રયોગ કરનારાં ખેડૂત
- રસાયણ-મુક્ત ખેતીની મક્કમપણે શરૂઆત કરી છે
- સજીવ ખેતી કરવાથી હજારો રૂપિયાનો દવા-ખાતરનો ખર્ચ ઘટીને માત્ર 100-200 રૂપિયા થયો
- પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરીને વિવિધ ખેતી-પ્રયોગો કર્યા
- પ્લાસ્ટિકના પ્યાલામાં દૂધીના ધરૂ (છોડ) ઉછેરવાનો નોંધપાત્ર પ્રયોગ
નોંધપાત્ર પ્રયોગ
આ વર્ષે ચેતનાબહેને 300 પ્લાસ્ટિકના પ્યાલા લાવીને તેમાં દૂધીના રોપા ઉછેરવાનો નોંધપાત્ર પ્રયોગ કર્યો છે.
સામાન્ય રીતે, ખેડૂતો જ્યારે એક પાક લઈ લે પછી જમીન ખાલી થાય ત્યારે બીજું બિયારણ ખેતરમાં સીધું જ વાવતા હોય છે.
પરંતુ, ચેતનાબહેને પોતાના ખેતરમાં કપાસનો પાક ઊભો હતો ત્યારે સમયની બચત કરવા માટે, પ્લાસ્ટિકના પ્યાલામાં દૂધીનાં ધરુ તૈયાર કરી દીધાં છે.
આવું કરવાથી વિકસિત છોડ સીધાં ખેતરમાં વાવીને સમયની બચત કરી શકાય છે.
તેઓ જણાવે છે કે, “આ વર્ષે મને આ ધરુમાંથી સવાસો મણ જેટલી દૂધી મળશે. તેમાંથી મને ઓછામાં ઓછી 70,000 રૂપિયાની આવક થશે. મેં પહેલી વાર દૂધી કરી છે. દૂધી ઉપરાંત હું મારા ઘર પાસેના બોરીબગીચામાં ટામેટાં, ગિલોડા, ગલકાં, કારેલા વગેરે કરું છં અને તે બધું જ ઑર્ગેનિક હોં! ઑર્ગેનિક ખાવું હોય તો મહેનત તો કરવી જ પડે ને!”
શરૂઆતમાં થયું નુકસાન પણ હિંમત ન ગુમાવી
શરૂઆતનાં બે-ત્રણ વર્ષ સુધી તેમને ઓછું ઉત્પાદન મળ્યું.
એક વાર બન્યું એવું કે, ચેતનાબહેને શિયાળુ પાક તરીકે ઑર્ગેનિક (સજીવ) ઘઉં વાવ્યા, તેનું ઉત્પાદન 50 મણ જ થયું.
તેમાં તેમણે ફક્ત જૈવિક દવા-ખાતર જ વાપર્યાં હતાં. એ જ વર્ષે તેમના દિયરના ખેતરમાં 75 મણ ઘઉં થયા એ તેમણે જોયું. આમ, ચેતનાબહેનને સજીવ ખેતીમાં ઘઉંનું 25 મણ ઓછું ઉત્પાદન મળ્યું.
ચેતનાબહેન કહે છે, “ઘઉંનું ઉત્પાદન ઓછું મળ્યું એટલે હું થોડી નિરાશ થઈ ગઈ હતી. પણ પછી મેં તરત જ વિચાર્યું કે મને અને મારા પરિવારને કેમિકલ વગરનું અનાજ ખાવા મળે છે એ જ મોટી વાત છે. વળી, હું બીજાને જ્યારે મારું અનાજ કે બીજો પાક વેચીશ ત્યારે તે કેમિકલ વગરનો હોવાથી એમનું આરોગ્ય પણ જળવાશે જ ને!”
પાણીના કાર્યક્ષમ ઉપયોગનો સંદેશો
ખેડૂતોની જાગૃતિ અને તાલીમ માટે કામ કરતી સંસ્થાના ડાયરેક્ટર મોહનભાઈ શર્મા ચેતનાબહેને કરેલી શરૂઆતોને બિરદાવે છે, તેમજ તેમની ખેતીને વૈજ્ઞાનિક ઢબની આદર્શ ખેતી ગણાવે છે.
તેઓ કહે છે કે, “તેમણે એકદમ ચોક્કસાઈપૂર્વક ખેતીનું કામ કર્યું છે. હરિયાળી ક્રાંતિના જમાનામાં એક જ પાક લેવાનું ચલણ વધ્યું છે ત્યારે તેમણે પરંપરાગત રીતે કપાસમાં એરંડાનો આંતરપાક કર્યો. તેથી તેમાં પાણી ઓછું વપરાયું. એ વર્ષે બધાનો કપાસનો પાક નિષ્ફળ ગયો હતો, પણ ચેતનાબહેનના કપાસમાં એરંડાનો પાક ઊભો હતો. તે જોઈને ગામના બધા લોકોને ખૂબ આશ્ચર્ય થયું. ચેતનાબહેનના સાહસ અને નવું શીખવાની તથા તેનો અમલ કરવાની તત્પરતાને દાદ આપવી પડે.”
શર્મા ચેતનાબહેનના પ્રયાસની સરાહના કરતાં આગળ કહે છે કે, “તેઓ હવે અમારાં માસ્ટર ટ્રેનર બની ગયાં છે. મહેસાણામાં સરકાર દ્વારા અમલમાં મુકાયેલી અટલ ભૂજળ યોજનામાં પણ અમે તેમને તાલીમ આપવા માટે બોલાવીએ છીએ. ખેડૂતોને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો સંદેશો આપવા માટે તેઓ અમારાં મહત્ત્વનાં મૅસેન્જર બની ગયાં છે.”
ચેતનાબહેન જ્યારે પણ ખેડૂતોની મિટિંગ ભરાય ત્યારે 250-300 પુરુષ ખેડૂતોમાં એકલાં મહિલા તરીકે નજરે પડે છે.