You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અન્ય ઘણી ઓટિસ્ટિક સ્ત્રીની જેમ મારું પણ જાતીય શોષણ થયું હતું'
- લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
- પદ, .
બ્રિટિશ ટેલિવિઝનનાં જાણીતાં હસ્તી અને મૉડલ ક્રિસ્ટિન મેકગીનેસ ઓટિઝમ (બાળકોમાં જોવા મળતી સ્વલિનતાની માનસિક વિકૃતિ)થી પીડાતાં હોવાનું નિદાન 2021માં થયું હતું. એ વખતે તેઓ 33 વર્ષનાં હતાં.
આ નિદાનને લીધે તેમને ઘણું બધું સમજાઈ ગયું હતું. તેઓ તરુણી હતાં ત્યારે તેમને શાળામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડતી હતી. સ્કૂલમાં ખુરશીઓ ફેંકી દેવાને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયાં હતાં. તેમણે કોઈ ડિગ્રી મેળવ્યા વિના 14 વર્ષની વયે શાળાભ્યાસ છોડી દીધો હતો.
બીબીસીના પત્રકાર હાર્વે ડે સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, “હું બહુ ગૂંચવાયેલી યુવતી હતી. હારી ગઈ હતી. મારું સ્થાન ક્યાં છે તે ખબર પડતી ન હતી.”
ક્રિસ્ટિન મેકગીનેસે એ દિવસોને યાદ કરતાં જણાવ્યુ હતું કે સંવેદનાત્મક સમસ્યાઓને કારણે તેઓ વાઇટ બ્રેડ, બટાટા, પાસ્તા અને શ્વેત ચોખા જેવો મોટા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતો ખોરાક જ ખાતાં હતાં. તેને લીધે તેઓ તરુણાવસ્થામાં જ ભોજનસંબંધી વિકૃતિનો ભોગ બન્યાં હતાં અને માસિક આવતું બંધ થઈ ગયું હતું.
ક્રિસ્ટિન અવાજ અને ગંધ પ્રત્યે અતિસંવેદનશીલ છે. તેથી તેઓ ભીડ અથવા ઘોંઘાટવાળી જગ્યાએ જઈ શકતાં નથી.
ઘડિયાળની ટિકટિક જેવા અમુક અવાજથી પણ તેઓ અસ્વસ્થ થઈ જાય છે. તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, “મને કાયમ ઇયરપ્લગ પહેરી રાખવાની ઇચ્છા થાય છે.”
આઘાતજનક અનુભવ
તેમના જીવનમાંની સૌથી મુશ્કેલ ઘટનાઓ પૈકીની એક ઘટના તેઓ નાનાં હતાં ત્યારે બની હતી.
તેમણે જણાવ્યું હતું કે તેમની સાથે નવથી 11 વર્ષની વય સુધી, ત્રણ વર્ષ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેઓ 14 વર્ષનાં થયાં ત્યારે તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ અનુભવ એટલો આઘાતજનક હતો કે બીજી સવારે જાગવું જ ન પડે તેવી પ્રાર્થના તેઓ રોજ રાતે કરતાં હતાં. “કારણ કે તે અત્યંત ભયાનક હતું,” એમ ક્રિસ્ટિને કહ્યું હતું.
ક્રિસ્ટિનનો કેસ અનોખો નથી. નેશનલ ઓટિસ્ટિક સોસાયટીનાં ક્લિનિકલ ડાયરેક્ટર સારાહ લિસ્ટર બ્રુકે બીબીસીને જણાવ્યું હતું કે અનેક ઓટિસ્ટિક સ્ત્રીઓ તથા છોકરીઓ જાતીય શોષણ થયાની ફરિયાદ કરે છે.
આવું શોષણ બળજબરીના સ્વરૂપમાં કે શારીરિક અથવા જાતીય સતામણીના સ્વરૂપમાં થતું હોય છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ એક ગંભીર અને બહુ જ ચિંતાજનક બાબત છે.”
બ્રિટનમાં 2022માં 225 લોકોને આવરી લેતા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે દસમાંથી લગભગ નવ ઓટિસ્ટિક સ્ત્રી જાતીય શોષણનો ભોગ બની હતી. તે અભ્યાસના લેખકોએ એમ પણ જણાવ્યુ હતું કે, “બે-તૃતીયાંશ પીડિતોની વય બહુ નાની હતી ત્યારે તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.”
‘એ થકવી નાખે છે’
ઓટિઝમને રોગ ગણવામાં આવતું નથી, પરંતુ તેને એક વિકાર ગણવામાં આવે છે, જેમાં વ્યક્તિનું દિમાગ અન્ય કરતાં અલગ રીતે કામ કરતું હોય છે. તેને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસૉર્ડર ગણવામાં આવે છે એટલે કે દરેક ઓટિસ્ટિક વ્યક્તિ અલગ હોય છે.
તેનાં કેટલાંક લક્ષણોમાં અન્ય લોકો સાથે કૉમ્યુનિકેશન તથા વ્યવહાર કરવામાં મુશ્કેલી કે અપરિચિત વાતાવરણમાં ચિંતાનો અનુભવ કે પછી અમુક વસ્તુ વારંવાર કરવાનો સમાવેશ થઈ શકે છે.
છોકરીઓ તથા સ્ત્રીઓમાં ઓટિઝમની તકલીફના નિદાનની ઘણી વાર અવગણના કરવામાં આવે છે, કારણ કે ઐતિહાસિક રીતે આ વિકાર છોકરાઓ તથા પુરુષોમાં વધુ જોવા મળતો હોવાનું માનવામાં આવે છે અથવા તો સ્ત્રીઓ તેમનાં ઓટિસ્ટિક લક્ષણો છુપાવવામાં વધારે કુશળ હોય છે.
ક્રિસ્ટિન માને છે કે આ સમસ્યા છુપાવવાનો અર્થ, દાખલા તરીકે વાતચીત કરતાં પહેલાં તેની પ્રૅક્ટિસ કરવી અથવા જૂથમાં હોઈએ ત્યારે અન્ય લોકોની નકલ કરવી એ, ફક્ત સામાન્ય લાગવાનો હોય છે. “તે થકવી નાખે છે,” એમ ક્રિસ્ટિને કહ્યું હતું.
ઓટિઝમથી પીડાતા લોકોને મદદ માટે સમર્પિત રીસ્પોન્ડ નામના એક સ્વયંસેવી સંગઠનનાં ક્લિનિકલ ડાયરેક્ટર રોઝી ક્રીરે બીબીસીને જણાવ્યું હતું કે ઓટિઝમ સ્પેક્ટ્રમની વિકૃતિ ધરાવતી અનેક સ્ત્રી પર જાતીય દુર્વ્યવહારનું જોખમ વધારે હોવાનું એક કારણ એ છે કે તેમની વય વધે છે ત્યારે તેઓ સમાન વયના લોકોના જૂથમાં ભળી શકતી નથી. ઓટિઝમ અને લર્નિંગ ડિફિકલ્ટીઝની તકલીફ ધરાવતા લોકો દુર્વ્યવહારનો ભોગ બને છે. તેને લીધે સંબંધમાં તેમનું શોષણ વધારે થઈ શકે છે.
રોઝી ક્રીરે ઉમેર્યું હતું કે ઓટિઝમની તકલીફ ધરાવતી છોકરીઓ અને સ્ત્રીઓ માટેનું અન્ય એક જોખમી પરિબળ તેમની તથા ઓટિઝમ-મુક્ત લોકો વચ્ચે સંવાદની સમસ્યા તેમજ સેક્સ અને સંમતિવિષયક સુલભ જાણકારીનો અભાવ હોઈ શકે છે.
‘આ બહુ સામાન્ય બાબત છે’
મેકગીનેસની જેમ સારાહ ડગ્લાસ પુખ્ત વયનાં હતાં ત્યારે તેમને ઓટિઝમની તકલીફ હોવાનું નિદાન થયું હતું.
તેમણે જણાવ્યું હતું કે તેઓ તરુણી હતાં ત્યારે તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેના પરિણામે તેમણે દાયકાઓ સુધી પેનિક ઍટેક્સ, ભોજનસંબંધી વિકૃતિઓ અને જાતને નુકસાન પહોંચાડવાની તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
ઓટિઝમની તકલીફ ધરાવતા લોકોના અનુભવ પર આધારિત એક પુસ્તકનાં સહલેખિકા સારાહ ડગ્લાસ એ વાત સાથે સહમત છે કે ઓટિઝમની તકલીફ ધરાવતી તેમના જેવી મહિલાઓ “લોકોને ખુશ કરતી અને સમસ્યાને છુપાવતી વર્તણૂક વિકસાવે છે, જેથી અન્ય લોકોને ખબર ન પડે કે તેઓ અલગ છે.”
સારાહે કહ્યું હતું કે, “હું થોડી સહનશીલ થવા તૈયાર હતી. અન્ય બાબતો ઉપરાંત લૈંગિક શિક્ષણના અભાવે પણ હું દુર્વ્યવહાર કરનારા સંભવિત લોકોને ઓળખવા માટે સક્ષમ ન હતી.”
તેમણે ઉમેર્યું હતું કે, “મારી કથા અસામાન્ય નથી. તે ખરેખર ભયંકર છે. ઘણા ઓટિસ્ટિક લોકો માટે તે બહુ સામાન્ય બાબત છે.”
હકારાત્મક ફેરફારો
હજુ ગયા વર્ષ સુધી પરિણીત ક્રિસ્ટિન મેકગીનેસે જણાવ્યું હતું કે ઓટિઝમના નિદાન પછી પતિથી અલગ થવાથી વધુ સારું લાગે છે.
તેમણે કહ્યું હતું કે, “મને એવી પરિસ્થિતિમાં છોડી દેવામાં આવી હતી કે જ્યાં હું કદાચ ખુશ ન હતી, કારણ કે તેમાં સલામતી હતી અને મને પરિવર્તન પસંદ નથી.”
નિદાન થયા પછી ઘણી હકારાત્મક બાબતોનો અનુભવ થયો હોવાનું જણાવતાં ક્રિસ્ટિને ઉમેર્યું હતું કે, “તેનાથી મને મારી જાતને સમજવામાં ઘણી મદદ મળી છે. હું મારી જાત પ્રત્યે આકરું વલણ ન અપનાવવાના પ્રયાસ કરું છું.”
આ કારણે ક્રિસ્ટિનને તેમનાં ત્રણ સંતાનને સમજવામાં મદદ મળી છે. સંતાનોને ઓટિઝમ સ્પેક્ટ્રમની તકલીફ છે અને તેઓ ઘણી વાર તેમનું વર્તન મિલનસાર શા માટે નથી હોતું તે ક્રિસ્ટિન વધારે સારી રીતે સમજી શકે છે.
સારાહ ડગ્લાસે પણ જણાવ્યુ હતું કે નિદાનને લીધે તેમને પણ જીવનમાં હકારાત્મક ફેરફાર કરવાની મોકળાશ મળી છે.
તેમણે કહ્યું હતું કે, “હું આજે પણ એવી જ છું, પરંતુ હવે વધારે સંપૂર્ણતાનો અનુભવ થાય છે અને તે ખરેખર સારી બાબત છે.”