અમેરિકામાં કામ કરવાની તક આપતા પ્રોગ્રામ મામલે એવું શું થયું જે ભારતીય વિદ્યાર્થીઓની ચિંતા વધારી શકે?

    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદારો હવે એચ-1બી વિઝા પછી ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેનિંગ (ઓપીટી) પ્રોગ્રામનો વિરોધ કરી રહ્યા છે.

ઓપીટી પ્રોગ્રામની મદદથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કામચલાઉ ધોરણે અમેરિકામાં રહીને કામ કરી શકે છે.

અમેરિકા જતા વિદેશી વિદ્યાર્થીઓમાં ઓપીટી પ્રોગ્રામ ઘણો લોકપ્રિય છે અને તેનો લાભ લેનારા દેશોમાં ભારત સૌથી આગળ છે.

ટ્રમ્પે પોતાની ચૂંટણીપ્રચારમાં 'મેક અમેરિકા ગ્રેટ અગેન'નો નારો આપ્યો હતો અને તેમની નીતિઓ પણ તેનાથી પ્રેરિત છે.

યુએસ ટેક વર્કર્સ જેવાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઑપ્શનલ ટ્રેનિંગ પ્રોગ્રામ વિરુદ્ધ ઘણું બધું લખવામાં આવે છે અને તેના પર કડક પ્રતિબંધ લાદવાની માંગણી કરવામાં આવે છે. યુએસ ટેક વર્કર્સ એ અમેરિકનોનું એક પ્લૅટફૉર્મ છે જે રોજગાર માટેના વિઝા પ્રોગ્રામોનો વિરોધ કરે છે.

યુએસ ટેક વર્કર્સે પોતાની એક પોસ્ટમાં લખ્યું છે કે ઓપીટી તો એચ-1બી વિઝા કરતાં પણ વધુ ખરાબ છે. આ પ્રોગ્રામ અમેરિકન યુવાનોની નોકરીઓ ખતમ કરે છે.

તેમણે ઓપીટી હેઠળ કામ કરતા વિદ્યાર્થીઓને પગારમાં મળતી ટૅક્સ રાહત સામે પણ સવાલ ઉઠાવ્યા છે.

ભારતમાં અમેરિકન દૂતાવાસના આંકડા પ્રમાણે વર્ષ 2023-24માં 3.31 લાખ ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા.

તેમાંથી 29.42 ટકા એટલે કે 97,556 વિદ્યાર્થીઓ એવા છે જેમણે ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ પસંદ કર્યો છે.

ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેનિંગ શું છે

દર વર્ષે દુનિયાભરમાંથી લગભગ દસ લાખ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જાય છે. ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેનિંગ એક એવો પ્રોગ્રામ છે જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ભણતર પૂરું કર્યા પછી એક મર્યાદિત સમય માટે કામ શીખવાની તક આપે છે.

સરળ શબ્દોમાં કહીએ તો આ પ્રોગ્રામની મદદથી વિદ્યાર્થીઓને કામચલાઉ ધોરણે રોજગારી મળે છે.

યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ) મુજબ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન અથવા અભ્યાસ પછી આ પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે.

તેની મદદથી વિદ્યાર્થી એક વર્ષ સુધી અમેરિકામાં કામ કરી શકે છે. જેમની પાસે સ્ટડી વિઝા હોય, તેવા વિદ્યાર્થીઓ જ ઓપીટી માટે અરજી કરી શકે છે.

વિઝા કન્સલ્ટન્ટ ગમનદીપસિંહ જણાવે છે કે અમેરિકામાં આખી દુનિયામાંથી આવતા વિદ્યાર્થીઓને એફ-1 વિઝા આપવામાં આવે છે, જેને સ્ટડી વિઝા પણ કહેવાય છે.

તેઓ કહે છે, "અમેરિકામાં ત્રણના બદલે ચાર વર્ષનો ગ્રૅજ્યુએશન કોર્સ હોય છે. માસ્ટર ડિગ્રીમાં બે વર્ષ લાગે છે. ઓપીટી પ્રોગ્રામ ન હોય તો વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂરો કર્યા પછી તરત પોતાના દેશ પાછા આવવું પડશે."

ગમનદીપ જણાવે છે, "ભણતર પૂરું કર્યા પછી સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેનિંગ માટે અરજી કરે છે અને તેમાં એક વર્ષ સુધી કામ કરવાની તક મળી જાય છે."

સિંહ કહે છે, "ઓપીટી દરમિયાન વિદ્યાર્થીઓ જે ક્ષેત્રમાં અભ્યાસ કર્યો હોય, તેમાં જ કામ કરે છે."

ઓપીટીના કેટલા પ્રકાર હોય છે?

ઓપીટી બે પ્રકારના હોય છે. પ્રિ-કમ્પ્લિશન અને પોસ્ટ-કમ્પ્લિશન

પ્રિ-કમ્પ્લિશનમાં વિદ્યાર્થીઓ ભણતર ચાલુ હોય તે દરમિયાન આ પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે. તેમાં વિદ્યાર્થીઓ અઠવાડિયામાં 20 કલાક અને સેશન ચાલુ ન હોય ત્યારે ફુલ ટાઇમ કામ કરી શકે છે.

અભ્યાસ પૂરો થયા પછી વિદ્યાર્થીઓ પોસ્ટ-કમ્પ્લિશન ઓપીટી માટે અરજી કરી શકે છે. તેના હેઠળ વિદ્યાર્થી એક વર્ષ સુધી સ્ટડી વિઝા વગર અમેરિકામાં રહીને કામ કરી શકે છે.

તે મળી જાય તો વિદ્યાર્થી અઠવાડિયામાં 20 કલાક અથવા ફુલ ટાઇમ કામ પણ કરી શકે છે.

કોઈ વિદ્યાર્થી પાસે સ્ટેમ - એટલે કે સાયન્સ, ટેકનૉલૉજી, એન્જિનિયરિંગ અથવા મૅથ્સના ક્ષેત્રમાં ડિગ્રી હોય તો તેને બે વર્ષ માટે ઍક્સ્ટેન્શન મળી શકે છે. એટલે કે અભ્યાસ પૂરો થયા પછી વિદ્યાર્થી ત્રણ વર્ષ માટે અમેરિકામાં રહીને કામ કરી શકે છે.

ગમનદીપસિંહ પોતાના એક વિદ્યાર્થીનું ઉદાહરણ આપતાં કહે છે, "અમારો એક વિદ્યાર્થી રાકેશ વર્ષ 2021માં અમેરિકા ગયો હતો. ત્યાં તે સાયન્સમાં ગ્રૅજ્યુએશન કરે છે અને તેને અભ્યાસ દરમિયાન જ ઓપીટી મળી ગયો છે."

તેઓ કહે છે, "ઓપીટી દરમિયાન કરવામાં આવેલું કામ તેના અનુભવમાં ગણવામાં આવે છે. તેની મદદથી રાકેશને ભવિષ્યમાં નોકરી મળવામાં સરળતા રહેશે."

બીજી તરફ રાકેશ સાયન્સનો અભ્યાસ કરે છે. આ કોર્સથી વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ સુધી ઓપીટી લઈ શકે છે.

ઓપીટી ખતમ થઈ જાય પછી શું?

દિલ્હીની આંબેડકર યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં અભ્યાસ કરીને હરમનપ્રીતકોરે વર્ષ 2017માં અમેરિકાની મિસિસિપી કૉલેજ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો.

બીબીસી સાથે વાત કરતાં હરમનપ્રીતકોરે જણાવ્યું કે, "મેન્ટલ હેલ્થ કાઉન્સેલિંગમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી હું એક વર્ષ માટે ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે અરજી કરી શકતી હતી. કોર્સ ખતમ થયા પછી અમને નોકરી શોધવા માટે 90 દિવસનો સમય અપાયો હતો."

તેઓ કહે છે, "મેં કોર્સ પૂરો થાય તે પહેલાં જ નોકરીની શોધ શરૂ કરી દીધી હતી. ઓપીટી પ્રોગ્રામ હેઠળ મને એક વર્ષનો વર્ક વિઝા મળ્યો અને આ દરમિયાન મેં એક હૉસ્પિટલમાં નોકરી કરી હતી. આ દરમિયાન મારી પાસે જે સ્ટડી વિઝા (એફ-1) હતો, તેને બદલાઈને એફ-1 ઓપીટી વિઝા થઈ ગયો."

હરમનપ્રીત કહે છે, "ઓપીટીનો ફાયદો એ થયો કે અમેરિકામાં હું જે ભણી હતી તેને આખા વર્ષ દરમિયાન લાગુ કર્યું. જેનાથી મને સારો અનુભવ મળ્યો."

તેઓ કહે છે કે આખા વર્ષના ઑપ્શનલ ટ્રેનિંગ પ્રોગ્રામ પછી કોઈ કંપની નોકરી માટે સ્પૉન્સર ન કરે તો વિદ્યાર્થીઓ મોટા ભાગે બીજા કોર્સમાં ઍડમિશન લે છે અથવા તેમણે પછી પોતાના દેશ પરત જવું પડે છે.

હરમનપ્રીતનું કહેવું છે કે ઓપીટી ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઘણી વખત એચ-1બી વિઝા મળવાનું મુશ્કેલ હોય છે. કારણ કે નોકરી આપનાર કોઈ એવી વ્યક્તિને જૅબ નહીં આપે જેની પાસે માત્ર એક વર્ષ માટે જ વિઝા હોય અને બીજું, એચ-1બી વિઝાની સંખ્યા બહુ મર્યાદિત છે.

કોઈ વિદ્યાર્થી બીજા કોર્સમાં ઍડમિશન લે તો તેને નવેસરથી સ્ટડી વિઝા એટલે કે એફ-1 વિઝા મળે છે.

કૅનેડામાં રહેતા મુકેશ પણ આવી જ વાત કરે છે. તેઓ વર્ષ 2017માં બિઝનેસ ઍનાલિટિક્સમાં માસ્ટર્સ ડિગ્રી માટે અમેરિકા ગયા હતા. આ કોર્સ સ્ટેમમાં આવે છે. એટલે કે આ કોર્સ પૂરો કર્યા પછી તેમને ત્રણ વર્ષ સુધી કામ કરવાની મંજૂરી મળે છે.

મુકેશ કહે છે, "2019માં મારી માસ્ટર ડિગ્રી પૂરી થઈ. ત્યાર પછી મેં ઓપીટી હેઠળ 2023 સુધી ફુલ ટાઇમ જૉબ કરી. આ દરમિયાન મારી કંપની મારા વિઝા એચ-1બી લૉટરીમાં નાખતી રહી. પરંતુ મારું નામ ન આવ્યું, તેથી મારે અમેરિકા છોડીને કેનેડા જવું પડ્યું."

તેઓ કહે છે, "ઓપીટી પૂરો થાય પછી અમેરિકામાં કામ કરી નથી શકાતું. તેથી તમારે નવેસરથી કોઈ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો પડે અથવા સ્વદેશ પાછા આવવું પડે છે."

મુકેશનું કહેવું છે કે સ્ટડી વિઝા ખતમ થયા પછી જે વિદ્યાર્થીઓ સેકન્ડ માસ્ટરમાં પ્રવેશ લેતા હતા, તેમને ટ્રમ્પના આગમન પછી ડર લાગે છે, કારણ કે હવે રિજેક્શન રેટ વધી શકે છે.

ઓપીટી અંગે ચિંતામાં વધારો

આગામી 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

અમેરિકામાં ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી ભારતમાં એપિકલ ઇમિગ્રેશન ઍક્સપર્ટ્સના ડાયરેક્ટર મનીષ શ્રીવાસ્તવ ચિંતિત જણાય છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિની અસર ટૂંક સમયમાં જોવા મળશે. કારણ કે તેમણે વારંવાર કહ્યું છે કે અમેરિકન નોકરીઓ પર પહેલો અધિકાર અમેરિકાના લોકોનો છો."

શ્રીવાસ્તવ કહે છે, "હાલમાં સાયન્સ, ટેકનૉલૉજી, એન્જિનિયરિંગ અને મૅથ્સ (સ્ટેમ)ના ક્ષેત્રમાં ભણતા જે વિદ્યાર્થીઓને ત્રણ વર્ષના વર્ક વિઝા મળતા હતા, તે હવે ઘટીને એક વર્ષ થઈ શકે છે. સામાન્ય કોર્સ કર્યા પછી જે એક વર્ષના વર્ક વિઝા મળતા હતા, તે હવે રદ થઈ શકે છે."

તેમનું કહેવું છે કે ટ્રમ્પ આવ્યા પછી વિઝા નકારાવાનો દર વધી જશે અને અગાઉ કરતાં દસ્તાવેજોની વધુ ઊંડાણપૂર્વક ચકાસણી થશે.

વિઝા કન્સલ્ટન્ટ ગમનદીપસિંહ પણ કહે છે કે ભારતથી મોટા ભાગના વિદ્યાર્થીઓ અમેરિકામાં સેટલ થવાના ઇરાદાથી જ જાય છે. ભણતર તો માત્ર એક બહાનું હોય છે.

તેઓ કહે છે, "ઓપીટી હેઠળ મળતા વર્ક વિઝાને લગતા નિયમો કડક કરવામાં આવશે તો હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓએ ભારત પાછા ફરવું પડશે. તેમાં સૌથી વધુ અસર એવા વિદ્યાર્થીઓને થશે જેઓ ત્યાં સામાન્ય કોર્સ કરી રહ્યા છે."

એચ-1બી વિઝા વિઝા અંગે મુશ્કેલીઓ

અમેરિકન એચ-1બી વિઝા પ્રોગ્રામ 1990માં શરૂ કરવામાં આવ્યો હતો. તે કુશળ કર્મચારીઓને આપવામાં આવે છે.

શરૂઆતમાં આ વિઝા ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે, પરંતુ તેનો ગાળો છ વર્ષ સુધી વધારી શકાય છે.

2004થી દર વર્ષે જારી કરવામાં આવતા એચ-1બી વિઝાની સંખ્યા 85 હજાર સુધી મર્યાદિત છે.

તેમાંથી 20 હજાર વિઝા એવા વિદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેમણે અમેરિકન યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ અથવા ઉચ્ચ ડિગ્રી મેળવી હોય.

પરંતુ આ વિઝા ત્યારે જ મળે છે જ્યારે અમેરિકન કંપનીઓ અથવા અન્ય સંસ્થાઓ ઉમેદવારને જૉબ ઑફર કરે અને પોતે તેના માટે સ્પૉન્સર બને.

જોકે, અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ ભારતીય નિષ્ણાતો એચ-1બી વિઝા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે હાલમાં ભારતીયો પાસે સૌથી વધારે એચ-1બી વિઝા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતથી જ H-1B વિઝાનો વિરોધ કરી રહ્યા છે. જોકે, તાજેતરમાં તેમણે તેનું સમર્થન પણ કર્યું છે.

ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન H-1B વિઝા નકારાવાનો દર સૌથી ઉંચો હતો. ઑક્ટોબર 2017 અને સપ્ટેમ્બર 2018 વચ્ચે આ દર 24 ટકા પર પહોંચી ગયો હતો.

અગાઉના ઓબામા વહીવટી તંત્ર દરમિયાન અરજી નકારાવાનો દર માત્ર પાંચથી આઠ ટકા હતો, જે બાઇડેન વહીવટી તંત્ર દરમિયાન ઘટીને બેથી ચાર ટકા થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.