You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધોરણ પાંચ અને આઠના વિદ્યાર્થીઓ નાપાસ થાય તો ફરી પરીક્ષા આપવી પડશે, બાળકોના ભણતર પર શું અસર પડશે?
- લેેખક, અંશુલસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
જુલાઈ 2018માં તત્કાલીન માનવ સંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે લોકસભામાં શિક્ષણ અધિનિયમ – 2009માં સુધારા વિશે વાત કરતા હતા. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે અનેક સરકારી શાળાઓ હવે મધ્યાહ્ન ભોજન શાળાઓ બની ગઈ છે, કારણ કે તેમાં શિક્ષણ અને અભ્યાસ ગાયબ થઈ ગયાં છે.
એ સમયે કેન્દ્રમાં નો ડિટેન્શન પૉલિસી હતી, જેને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હવે પાંચમા અને આઠમા ધોરણ માટે હટાવી દીધી છે.
કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ હવે પાંચમા તથા આઠમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે.
2010માં કેન્દ્રની મનમોહનસિંહ સરકારે મફત અને ફરજિયાત બાળ શિક્ષણ અધિનિયમમાં સુધારો કરીને નો ડિટેન્શન નીતિ બનાવી હતી.
નો ડિટેન્શન નીતિ બાબતે સોમવારે માહિતી આપતાં કેન્દ્રના શિક્ષણ મંત્રાલયના સચિવ સંજયકુમારે જણાવ્યું હતું કે બાળકોના ભણતરના પરિણામમાં સુધારો કરવાના હેતુસર સરકારે આ નિર્ણય કર્યો છે.
સંજયકુમારે કહ્યું હતું, "અમે નિર્ણય કર્યો છે કે પાંચમા અને આઠમા ધોરણમાં દરેક પ્રયાસ બાદ વિદ્યાર્થીને અટકાવવાની જરૂર હોય તો ડિટેન કરવો જોઈએ. બાળકને શાળામાંથી કાઢી ન મૂકવાની જોગવાઈ પણ તેમાં કરવામાં આવી છે. અમે એમ પણ ઇચ્છીએ છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ દરેક બાળકના ભણતરનું પરિણામ સારું આવે."
સરકારના આ નિર્ણયની અસર કેન્દ્ર હેઠળની લગભગ 3,000 શાળાને થશે. એ શાળાઓમાં કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય અને સૈનિક સ્કૂલ્સનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયનો તામિલનાડુ સરકારે વિરોધ કર્યો છે. તામિલનાડુના શિક્ષણમંત્રી અનબિલ મહેશ પોયોમોઝીએ કહ્યું છે કે તામિલનાડુમાં આઠમા ધોરણ સુધી નો ડિટેન્શન નીતિનો અમલ ચાલુ રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું છે નો ડિટેન્શન પૉલિસી?
નો ડિટેન્શન નીતિ રજૂ કરવામાં આવી ત્યારે તેનો ઉદ્દેશ્ય શાળાઓમાં ડ્રૉપઆઉટ રેટ ઘટાડવાનો, ભણવાની પ્રક્રિયાને આનંદપ્રદ બનાવવાનો અને પરીક્ષામાં નાપાસ થવાના ભયને દૂર કરવાનો હતો.
શિક્ષણના અધિકાર અધિનિયમ – 2009 હેઠળ છથી ચૌદ વર્ષની વયનાં બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળે છે અને તેની કલમક્રમાંક 16માં નો ડિટેન્શન નીતિનું વિગતવાર વિવરણ છે.
એ મુજબ, "પરીક્ષાઓનો ઉપયોગ ઘણી વાર નબળા માર્ક્સવાળા બાળકોને બાકાત રાખવા માટે કરવામાં આવતો હોવાથી નો ડિટેન્શનની જોગવાઈ કરવામાં આવી છે. એક વાર નાપાસ જાહેર થયા બાદ બાળકોએ કાં તો એ જ ધોરણમાં અભ્યાસ કરવો પડે છે અથવા તો તેઓ સ્કૂલ છોડી દે છે. બાળકને એક જ ધોરણમાં બે વખત અભ્યાસ માટે ફરજ પાડવાનું નિરાશાજનક હોય છે. આરટીઆઇ અધિનિયમમાં નો ડિટેન્શનની જોગવાઈનો અર્થ બાળકોના શિક્ષણનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયાને ત્યજી દેવાનો નથી."
કોઈ પણ વિદ્યાર્થી એકથી આઠમા ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન કરે ત્યાં સુધી, નો ડિટેન્શન પૉલિસી હેઠળ તેને નાપાસ કરી શકાતો નથી.
તેનો અર્થ એ થાય કે કોઈ વિદ્યાર્થી નાપાસ થાય તો પણ તેને આગલા ધોરણમાં બઢતી આપવામાં આવશે.
આ નીતિ હેઠળ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પરંપરાગત શિક્ષણ પદ્ધતિથી અલગ, સતત અને વ્યાપક મૂલ્યાંકન (સીસીઈ) હેઠળ કરવામાં આવે છે. તેમાં પેપર-પેન્સિલ ટેસ્ટ, ડ્રોઇંગ, વાંચન અને મૌખિક અભિવ્યક્તિ વગેરેનો સમાવેશ થાય છે.
નવો નિયમ શું છે?
રાઇટ ટુ ઍજ્યુકેશન ઍક્ટમાં 2019માં સુધારો કરવામાં આવ્યો હતો. એ સુધારા હેઠળ રાજ્ય સરકારોને તેમના રાજ્યમાં પાંચમા અને આઠમા ધોરણમાં અભ્યાસ કરતાં બાળકોની પરીક્ષા વર્ષના અંતમાં લેવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
કોઈ વિદ્યાર્થી એ પરીક્ષામાં નાપાસ થાય તો તેને એ જ ધોરણમાં રોકી શકાય છે.
રાઇટ ટુ ઍજ્યુકેશન કાયદામાં સુધારા માટેનો ખરડો 2018માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. તત્કાલીન માનવ સંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું, "આ એક મહત્ત્વપૂર્ણ ખરડો છે અને મોટા ભાગની રાજ્ય સરકારોએ આ દરખાસ્તને ટેકો આપ્યો છે. તે આપણા પ્રાથમિક શિક્ષણમાં જવાબદારી લાવે છે. અનેક સરકારી શાળાઓ માત્ર મધ્યાહ્ન ભોજન શાળાઓ બની ગઈ છે, કારણ કે તેમાંથી શિક્ષણ અને અભ્યાસ ગાયબ થઈ ગયાં છે."
સુધારા પછી 15થી વધુ રાજ્યોએ નો ડિટેન્શન નીતિ હટાવી દીધી છે. એ રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, પંજાબ અને દિલ્હીનો સમાવેશ થાય છે.
આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ અને મણિપુર જેવાં રાજ્યોમાં હજુ પણ નો ડિટેન્શન પૉલિસીનો અમલ ચાલુ છે.
નવા નિયમો જણાવે છે કે પાંચમા કે આઠમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી વર્ષના અંતની પરીક્ષામાં નાપાસ થશે તો તેને વધુ એક તક આપવામાં આવશે.
પરીક્ષાનું પરિણામ જાહેર થયાના બે મહિના બાદ તેને પુનઃપરીક્ષાની તક આપવામાં આવશે. એ પરીક્ષામાં પણ વિદ્યાર્થી નાપાસ થશે તો તેને આગળના ધોરણમાં મોકલતા રોકી શકાશે.
આવા કિસ્સામાં વર્ગશિક્ષક જરૂર પડ્યે વિદ્યાર્થીનાં માતા-પિતાને માર્ગદર્શન આપશે.
નિયમમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પાછળ રહી ગયેલાં બાળકોની યાદી શાળાના વડા બનાવશે અને તેનું કારણ જાણવાના પ્રયાસ કરશે.
પરીક્ષા અને પુનઃપરીક્ષા બાળકના સર્વાંગી વિકાસ માટેની ક્ષમતા પર આધારિત કસોટીઓ હશે, યાદશક્તિ પર આધારિત નહીં.
નિયમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી એક પણ બાળકને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.
આંકડાઓ શું કહે છે?
રાઇટ ટુ ઍજ્યુકેશન ઍક્ટ – 2009નો પ્રભાવ શાળાના વિદ્યાર્થીના પ્રવેશ તથા વાંચવા-લખવાની ક્ષમતા પર જોઈ શકાય છે.
ઍન્યુઅલ સ્ટેટ્સ ઑફ ઍજ્યુકેશન રિપોર્ટ (એએસઈઆર) બાળકોના પ્રવેશની સાથે અભ્યાસ કરવાની અને ગણિત સમજવાની ક્ષમતા સંબંધિત સર્વેક્ષણ છે. આ સર્વેક્ષણ દેશના લગભગ દરેક જિલ્લામાં સ્થાનિક સંસ્થાના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે.
એએસઇઆરના ડેટા અનુસાર, શાળામાં પ્રવેશ મેળવતા સાતથી સોળ વર્ષનાં બાળકોની સંખ્યામાં વધારો થયો છે.
આંકડા મુજબ, 2008માં સાતથી સોળ વર્ષની વયના લગભગ 5.7 ટકા બાળકો શાળાએ જતાં ન હતાં. એ સંખ્યા 2022માં ઘટીને 2.3 ટકા થઈ હતી.
અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન વાંચવા અને અંકગણિત સંબંધી ક્ષમતાને આધારે શીખવાનાના સ્તરમાં ઘટાડો પણ થયો છે.
2008માં પાંચમા ધોરણના 56 ટકા વિદ્યાર્થીઓ બીજા ધોરણનું પાઠ્યપુસ્તક વાંચી શકતા હતા. 2010માં તે પ્રમાણ 53.4 ટકા હતું, પરંતુ એ પછીનાં વર્ષોમાં એ આંકડે ફરી પહોંચી શકાયું નથી.
2022માં પાંચમા ધોરણના માત્ર 42.8 ટકા વિદ્યાર્થીઓ બીજા ધોરણનાં પાઠ્યપુસ્તકો વાંચી શકતા હતા.
આઠમા ધોરણના વિદ્યાર્થીઓના ભણતરના આંકડા જોઈએ તો તેમાં વધારે ઘટાડો જોવા મળ્યો છે.
2008માં 84.8 ટકા વિદ્યાર્થીઓ અને 2010માં 82.9 ટકા વિદ્યાર્થીઓ એવા હતા કે જેઓ બીજા ધોરણનાં પાઠ્યપુસ્તકો વાંચી શકતા હતા, પરંતુ 2022માં તે આંકડો ઘટીને લગભગ 70 ટકા થઈ ગયો હતો.
સમય પસાર થવાની સાથે બાળકોની ગાણિતિક ક્ષમતા પર પણ અસર થઈ છે.
સરકારી અને ખાનગી શાળાઓની વાત એકસાથે કરીએ તો 2008માં પાંચમા ધોરણમાં ભણતા પાંચમાંથી બે વિદ્યાર્થીઓ ભાગાકાર કરી શકતા હતા, પરંતુ 2022 સુધીમાં વિદ્યાર્થીઓની સંખ્યા ચારમાંથી માત્ર એકની થઈ ગઈ હતી.
નો ડિટેન્શન પૉલિસીની ટીકા
નો ડિટેન્શન પૉલિસી અમલી બનાવવામાં આવી ત્યારથી તેની સમીક્ષાની માગ થતી રહી છે. તેનાં મુખ્ય કારણો નીચે મુજબ છે.
- નીતિને ટેકો આપવા માટે શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ
- નાપાસ ન કરવાની નીતિ બાળકોને સખત મહેનત કરવાથી હતોત્સાહ કરે છે.
- શિક્ષકોમાં જવાબદારીની કમી અને બાળકોને ભણાવવામાં ઓછી ગંભીરતા.
- સીસીઈના યોગ્ય અમલીકરણનો અભાવ અને શિક્ષકોની તાલીમ સાથે તેનું એકીકરણ.
2015માં તમામ રાજ્યો પાસેથી નો ડિટેન્શન પૉલિસી બાબતે સૂચનો માંગવામાં આવ્યાં હતાં. એ વખતે મોટાં ભાગનાં રાજ્યોએ નીતિના વર્તમાન સ્વરૂપમાં સુધારા સૂચવ્યા હતા.
દિલ્હી સરકારે 2023-24થી સરકારી શાળાઓમાં નો ડિટેન્શન નીતિ અમલી બનાવી હતી. એ પછી આઠમા ધોરણની પરીક્ષામાં નાપાસ થયેલા લગભગ 20 ટકા વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં જવા દેવામાં આવ્યા ન હતા. પાંચમા ધોરણ માટેનો આ આંકડો લગભગ એક ટકા હતો.
માહિતી અધિકાર કાયદા હેઠળની એક અરજીના જવાબમાં દિલ્હી સરકારના શિક્ષણ નિદેશાલયે જણાવ્યું હતું કે કુલ 2.34 લાખ વિદ્યાર્થીઓએ આઠમા ધોરણની પરીક્ષા આપી હતી અને તેમાંથી 46,662 વિદ્યાર્થીઓને આઠમા ધોરણમાં જ અટકાવી રાખવામાં આવ્યા હતા.
નો ડિટેન્શન નીતિની તરફેણમાં નીચે મુજબની દલીલો કરવામાં આવે છે.
- નાપાસ થવાના ડર વિના વધારે બાળકો સ્કૂલે ભણવા જશે.
- બાળકો કામ પર જવાના કારણે શાળાએ આવે છે.
- તે છોકરીઓ દ્વારા સ્કૂલનો અભ્યાસ પડતો મૂકવાનું એક મોટું કારણ છે.
બાળકો પર શું અસર થશે?
પ્રોફેસર કૃષ્ણકુમાર નવી દિલ્હીસ્થિત નૅશનલ કાઉન્સિલ ઑફ ઍજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી)ના ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
શિક્ષણ મંત્રાલયના નિર્ણય બાબતે કૃષ્ણકુમાર કહે છે, "મારી સમજ મુજબ, આ શિક્ષણ અધિકાર કાયદામાં થોડું વિચલન છે, કારણ કે જૂના નિયમ મુજબ, સતત પ્રક્રિયાના ભાગરૂપે દર વર્ષે બાળકનું મૂલ્યાંકન કરવાનું હતું. નવા નિયમ મુજબ, કોઈ બાળકને એ જ ક્લાસમાં અટકાવી રાખવામાં આવશે તો તેનું આખું વર્ષ બરબાદ થઈ જશે. સામાન્ય રીતે બાળક એક કે બે વિષયમાં નબળું હોય તો તેને એ વિષયોને કારણે અટકાવી રાખવામાં આવે છે."
કૃષ્ણકુમાર ઉમેરે છે, "દિલ્હી જેવાં ઘણાં રાજ્યો ભૂતકાળમાં આવું કરી ચૂક્યાં છે. મારા મતે આટલી નાની વયે પરીક્ષા લેવી તે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાથી વિપરીત છે અને તે સારી નિશાની નથી. અત્યાર સુધી દરેક બાળકને આઠ વર્ષ સુધી સ્કૂલમાં રહેવાનો અધિકાર હતો અને એ મૂળભૂત અધિકાર હતો."
દિલ્હી પેરન્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ અપરાજિતા ગૌતમ સરકારના આ નિયમને યોગ્ય ગણાવે છે અને માને છે કે તેનાથી શિક્ષણનું સ્તર સુધરશે.
અપરાજિતા ગૌતમ કહે છે, "કેટલાક સમયથી બાળકો અભ્યાસને ગંભીરતાથી લેતા ન હતા, કારણ કે તેઓ જાણે છે કે આઠમા ધોરણ સુધી કોઈ તેમને નાપાસ કરવાનું નથી. બીજી તરફ શિક્ષકો પણ ગંભીર ન હતા, કારણ કે બાળકો તો પાસ થવાનાં જ હતાં. આ બંને બાબતોની સીધી અસર થઈ રહી હતી. આવી મોટા ભાગની સમસ્યાઓ સરકારી શાળાઓમાં જોવા મળી હતી અને ખાનગી શાળાઓની સરખામણીએ સરકારી શાળાઓની સંખ્યા વધારે છે."
જોકે, અપરાજિતા ગૌતમને ડર છે કે ખાનગી શાળાઓ આ નિયમનો ઉપયોગ મુશ્કેલીમાં તક તરીકે કરી શકે છે.
એનસીઈઆરટીનાં ભૂતપૂર્વ ડીન સરોજ યાદવ સીસીઈ સિસ્ટમની તરફેણમાં છે.
સરોજ યાદવ કહે છે, "બાળક નાપાસ થાય તો તેના મનમાં નાપાસ થવાનો ડર બેસી જાય છે. બાળક એક વાર નાપાસ થાય પછી એ નિશાની આખી જિંદગી તેને વળગી રહે છે. તેથી જ આ નિયમનો વધુ મજબૂત રીતે અમલ કરવાની જરૂર હતી. એવું કોઈ બાળક નથી હોતું, જે શીખી ન શકે."
સરોજ યાદવ માને છે કે સિસ્ટમને સુધારવાની જરૂર છે, પરંતુ આપણે તેને બીજી તક આપવાની વાતને અગ્રતા આપી રહ્યા છીએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન