ગુજરાત : સરકારી શાળામાં હવે સવારનો નાસ્તો આપવાની યોજના, કુપોષણને નાથી શકાશે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

નૅશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના આંકડાઓ જ્યારે પ્રસિદ્ધ થયા ત્યારે એ સ્પષ્ટપણે ગુજરાત માટે ચોંકાવનારા હતા. તેનાથી રાજ્યમાં કુપોષણની વરવી વાસ્તવિકતાનો ચિતાર મળ્યો હતો.

આ સર્વે પ્રમાણે ગુજરાતમાં પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં 39 ટકા બાળકો સ્ટન્ટેડ એટલે કે ઉંમરની સરખામણીમાં ઓછી ઊંચાઈ ધરાવતાં, 25 ટકા બાળકો વેસ્ટેડ એટલે કે ઉંચાઈની સરખામણીએ ઓછું વજન ધરાવતાં, અને 40 ટકા બાળકો અન્ડરવેઇટ એટલે કે ઉંમરની સરખામણીએ ઓછું વજન ધરાવતાં હોવાનો દાવો થયો હતો.

આ આંકડાઓથી એ સ્પષ્ટ થતું હતું કે અનેક સરકારી યોજનાઓ છતાં પણ ગુજરાતમાં કુપોષણ મામલે અનેક પડકારો છે.

જોકે, ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી કુપોષણની સમસ્યા સામે લડી રહી છે. કુપોષણને નાથવા માટે ગુજરાત સરકારની 14 યોજનાઓ ચાલી રહી છે જેનો હેતુ મહિલાઓ અને બાળકોને પોષણયુક્ત આહાર મળે તેના પર કેન્દ્રિત હોય છે.

તાજેતરમાં રાજ્ય સરકાર મુખ્ય મંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના લઈને આવી છે, જેમાં દરરોજ સવારે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણકાર્ય શરૂ થાય તે પહેલાં જ પ્રાર્થના સમયે સુખડી, ચણાચાટ, મિક્સ કઠોળ, મિલેટનો કૅલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.

નિષ્ણાતો માને છે કે, આ કુપોષિત બાળકો આંગણવાડીમાંથી શાળામાં પ્રવેશ કરે છે, અને તે સમયે પણ તેમને સંતુલિત આહારની જરૂરિયાત હોય છે. એવામાં સવાલ એ છે કે શું સરકારની આ નવી યોજના તેને ડામવામાં મદદ કરશે?

યોજનાનો હેતુ શું છે અને તેનાથી કેટલો ફાયદો થશે?

આ યોજના પાછળના હેતુ વિશે સરકારના શિક્ષણખાતાએ એક પ્રેસનોટ મારફતે જણાવ્યું છે કે, "આ યોજના અંતર્ગત રાજ્યની 32,277 સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી ધોરણ-8 સુધીના તમામ 41 લાખ જેટલા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. આ માટે સરકારે 617 કરોડનો વધારાનો ખર્ચ કરવાની તૈયારી પણ બતાવી છે. તેના માટે વિવિધ સ્ટાફનું મહેનતાણું પણ વધારવામાં આવ્યું છે."

આ યોજનાના ફાયદાઓ જણાવતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ઍક્સ એકાઉન્ટ પર સંદેશો મૂક્યો છે કે, 'સરકારની પઢાઈ ભી, પોષણ ભી યોજના અંતર્ગત આ યોજના અમે શરૂ કરી છે. પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રિમ રાજ્ય છે. વિદ્યાર્થીઓના પોષણ માટે આ યોજના ખૂબ મહત્ત્વની સાબિત થશે.'

આ વિશે બીબીસી ગુજરાતીએ એવા અનેક લોકો સાથે વાત કરી હતી કે જેઓ બાળકો સાથે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો સાથે જમીની સ્તરે જોડાયેલા છે.

ગુજરાતના કુપોષણની વાત કરીએ તો તેમાં દાહોદ જિલ્લાની વાત કરવી પડે. વર્ષોથી દાહોદ જિલ્લો કુપોષણની સમસ્યાથી લડી રહ્યો છે અને સરકારની યોજનાઓ ઉપરાંત આ જિલ્લામાં કુપોષણની તસવીર બદલાઈ નથી.

દાહોદના વિસ્તારોમાં કામ કરતાં 'આનંદી' સંસ્થાનાં શીલાબહેન સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી. તેઓ ગ્રામ્યવિસ્તારમાં બાળકો અને મહિલાઓના પોષણ પર કામ કરે છે.

તેઓ કહે છે કે, "ઘણા લોકો ઘણા સમયથી આ અંગે સતત રજૂઆતો કરતા આવ્યા છીએ. ગ્રામ્યવિસ્તારમાં બાળકોને સવારનો નાસ્તો આપવો જોઈએ, કારણ કે તેમના શાળા અને ઘર વચ્ચેનું અંતર ખૂબ વધારે છે. ઘણાં બાળકો સવારે વહેલા ઘરેથી નીકળી જાય છે અને તેમને છેક બપોરે મિડ-ડે મીલના સમય વખતે જમવાનું મળે છે. ત્યાં સુધી દૂરથી આવેલાં એ બાળકો ભૂખ્યાં રહે છે. તેથી આવાં બાળકો માટે આ નવી યોજના ખૂબ ફાયદાકારક રહેશે."

તેઓ વધુમાં કહે છે કે, "સવારે દૂધ અને તેની સાથે કોઈ ગરમ નાસ્તો, અને બપોરે મીડ-ડે મીલ મળી જાય, તો માતાપિતાને પણ બાળકોને ફક્ત સાંજે જ ઘરે ખવડાવવાની ચિંતા રહે."

અમલીકરણ પર યોજનાનો દારોમદાર

કુપોષણને ડામવા માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ કામ કરી રહી છે, જેમાં કેન્દ્ર સરકારનો પણ તેને સહયોગ મળે છે. એ પ્રસૂતિગૃહ હોય કે પછી આંગણવાડી કે સખીમંડળો, દરેક તબક્કે કુપોષણને ડામવા માટે સરકારની યોજનાઓ છે. તેમ છતાં આ યોજનાઓના અમલીકરણ અંગે સવાલો ઊઠતા રહે છે.

બાળકોના હક્કો માટે ઘણાં વર્ષોથી કામ કરતા કર્મશીલ સુખદેવ પટેલે આ નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું છે કે, "બાળકોને જો પૌષ્ટિક આહાર મળે, તો તેનાથી સારું કંઈ જ હોઈ ન શકે. જોકે, આ યોજનાના અમલીકરણ પર બધાની નજર રહેશે."

તેઓ કહે છે, "આજ સુધી એવા અનેક દાખલા છે કે જેમાં મીડ-ડે મીલની યોજનાનું યોગ્ય અમલીકરણ થયું નથી. અમે ખુદ અનેક વખત સરકારમાં એ અંગે રજૂઆતો કરી છે."

તેઓ કહે છે કે, "બાળકોને સારું ભોજન મળતું નથી કે સમયસર ભોજન મળતું નથી. આથી, આ યોજનાના ચુસ્ત અમલીકરણ પર સરકારની નજર હોવી જરૂરી છે."

બાળકોના પોષણ માટે આદિવાસી વિસ્તારમાં કામ કરતાં નીતાબહેન હાર્ડીકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ નિર્ણયને અમે આવકારીએ છીએ. હજુ સુધી એવું બનતું આવ્યું છે કે બાળક લગભગ 6થી 8 કલાક સુધી કંઈ પણ ખાધા વગર શાળામાં રહે છે. જો આ યોજનાનો સારી રીતે અમલ થાય તો ચોક્કસ ગ્રામ્યવિસ્તારનાં અનેક બાળકોને તેનો ફાયદો થશે."

તેઓ કહે છે, "ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળે શહેરની માફક બાળકોને સવારે ટિફિન આપીને શાળાએ મોકલવાની પ્રથા નથી. બાળક શાળાએ માત્ર દફ્તર લઈને જાય છે. અમારા ધ્યાનમાં એવા અનેક કિસ્સાઓ આવ્યા છે કે જેમાં બાળક આખો દિવસ માત્ર એકાદ નાસ્તાનું પૅકેટ ખાઈને વિતાવી દે છે. તેનાથી બાળકની ભૂખ તો શાંત થઈ જાય પરંતુ તેને પોષણ મળતું નથી. તેના માટે આ પ્રકારની યોજનાનું યોગ્ય અમલીકરણ ખૂબ જરૂરી છે."

'માધ્યમિક શિક્ષણ લેતાં બાળકોને પણ ભૂખ્યાં જ ભણવું પડે છે'

હાલમાં રાજ્ય સરકારની પોષણયુક્ત આહારની આ યોજનાઓ 0થી 6 વર્ષ સુધીનાં બાળકોને, તેમજ મિડ-ડે મીલ જેવી યોજનાઓમાં 6થી 13 વર્ષનાં બાળકોને લાભાર્થી તરીકે ગણવામાં આવે છે.

જોકે, ઘણા લોકોનું એ પણ માનવું છે કે, સામાન્ય રીતે ધોરણ 8 પછી શાળાઓ બાળકના ઘરેથી દૂર હોય છે, જેના માટે તેમને ટૅમ્પો કે રિક્ષા વગેરેમાં જવું પડે છે. આ બાળકો સવારે ઘરેથી નીકળે છે, અને છેક સાંજે ઘરે પાછાં ફરે છે.

નીતાબહેન હાર્ડીકર કહે છે કે, "ગામડાંમાં બાળક સવારે ટિફિન લઈને ઘરેથી નીકળે તેવી પ્રથા જ નથી, અને અમારા પ્રયાસો છતાંય અનેક પરિવારો આવું કરતા નથી. બાળક સવારે ચા પીને નીકળે અને સાંજે પાછો ફરે, તે દરમિયાન તેણે રસ્તા પર મળતાં અમુક પડીકાં ખાઈ લીધાં હોય છે. જેમાં તેને સંપૂર્ણ આહાર ક્યારેય મળતો નથી. તેના કારણે સરેરાશ 15 વર્ષનાં બાળકોમાં પણ વિવિધ બીમારીઓ જોવા મળે છે."

જોકે, આ વિશે વિગતવાર વાત કરવા બીબીસી ગુજરાતીએ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

તમિલનાડુમાં પણ આવી યોજના છે

તમિલનાડુમાં પણ 17 લાખ બાળકોને સવારનો નાસ્તો આપવામાં આવે છે, જેની શરૂઆત 15 સપ્ટેમ્બર 2022ના રોજ મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને દ્વારા કરવામાં આવી હતી. તમિલનાડુ સરકારે શાળાઓમાં નાસ્તો આપવા માટે નાણાકિય વર્ષ 2024-25માં 600 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યો છે.

નાસ્તો પોષ્ટિક હોવાની સાથેસાથે બાળકોના આરોગ્યને પણ ધ્યાન રાખીને તૈયાર કરવામાં આવે છે. હાલમાં 1થી 5 ધોરણના વિદ્યાર્થીઓને દરરોજ નાસ્તો આપવામાં આવી રહ્યો છે. અગાઉ માત્ર સરકારી શાળામાં નાસ્તો આપવામાં આવતો હતો. સાલ 2024માં ગ્રાન્ટેડ શાળાના 1થી 5 ધોરણના વિદ્યાર્થીઓને પણ નાસ્તો આપવામાં આવી રહ્યો છે.

બીબીસી તમિલ સાથે વાત કરતા સ્ટેટ પ્લાનિંગ કમિટિના વાઇસ ચૅરમેન ડૉ. એ જયરાજને જણાવ્યું હતું કે, જે શાળામાં બાળકોને નાસ્તો આપવામાં આવે છે ત્યાં શાળામાં આવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ એક બહુ સારી વાત છે. એવા ઘણા વિદ્યાર્થીઓ છે જે નાસ્તો કર્યા વગર શાળાઓ આવતાં હતા અને તેના કારણે તેઓ કુપોષિત રહી જતાં હતા. નાસ્તો આપવાના કારણે કુપોષણને નાથવામાં પણ મદદ મળશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.