You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનની એવી સ્કૂલ જ્યાં બાળક સાથે માતાએ પણ ઍડમિશન લેવું પડે
- લેેખક, નાઝિશ ફૈઝ
- પદ, બીબીસી ઉર્દૂ, કરાચી
સ્કૂલનું નામ સાંભળતાંની સાથે જ આપણા બધાના મનમાં એક એવી ઇમારતની તસવીર આવે છે, જેમાં નાનાં-મોટાં બધાં પ્રકારનાં બાળકો સ્કૂલબેગ લઈને આવે છે અને અભ્યાસ કરે છે.
આજે અમે તમને એક એવી ખાસ સ્કૂલ વિશે જણાવીશું, જેમાં પ્રવેશ મેળવવાની પહેલી શરત એ છે કે બાળકની સાથે તેમની માતાએ પણ ત્યાં ઍડમિશન લેવું પડે છે.
તહમીનાનાં લગ્ન નાની વયે જ થઈ ગયાં હતાં. પછી સંતાનો થયાં અને બાદમાં તલાક. તે આઘાતમાંથી પસાર થઈને જિંદગીને આગળ વધારવા તહમીના કરાચીની આ સ્કૂલમાં પહોંચ્યાં હતાં.
તહમીના કહે છે, "મારા દીકરાના ઍડમિશન માટે આ સ્કૂલમાં ગઈ ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે દીકરાની સાથે મારે પણ ઍડમિશન લેવું પડશે. મને એમ હતું કે સ્કૂલમાં મારા સિવણ-ગૂંથણના કૌશલ્યને બહેતર બનાવવામાં આવશે, પરંતુ સ્કૂલમાં પહોંચ્યાં પછી મને સમજાયું હતું કે આ સ્કૂલ અન્ય સ્કૂલોથી એકદમ અલગ છે. અહીં મને ભણાવવાની સાથે આઘાતમાંથી બહાર કાઢવા અનેક થૅરપી સેશન પણ મળ્યાં છે."
કરાચીના લ્યારી વિસ્તારમાં આવેલી મધર ચાઇલ્ડ ટ્રોમા ઇન્ફોર્મ્ડ સ્કૂલમાં એવાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે, જેઓ કોઈ અકસ્માતથી આઘાત પામ્યાં હોય અને જિંદગીમાં આગળ વધવાની તકની સમજ ન પડતી હોય.
આ સ્કૂલનું સંચાલન સબીના ખત્રી કરે છે. સબીના પોતે આઠ વર્ષની વયે માતાથી અલગ થવાના આઘાતનો સામનો કરી ચૂક્યાં છે.
પોતાના બાળપણમાં સહેલા આઘાતથી શરૂ થયેલી કહાણીએ સબીના ખત્રીને લ્યારીમાં એક એવી સ્કૂલ શરૂ કરવાની પ્રેરણા આપી હતી, જે આજે અનેક બાળકોને જીવનના આઘાતમાંથી બહાર કાઢવામાં મદદગાર બની રહી છે.
આ સ્કૂલ શરૂ કરવા પાછળનો સબીનાનો વિચાર શું હતો? સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકો અને તેમનાં માતા-પિતાનું જીવન કેવી રીતે બદલાયું? આ સવાલોના જવાબ મેળવવા માટે ચાલો લ્યારી જઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક માતાની બીજી માતા માટેની ભેટ
સબીના ખત્રી સ્કૂલને એક એવી ભેટ માને છે, જે એક માતા બીજી માતાઓને આપે છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આઠ વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતાથી અલગ થઈ ગયાં હતાં.
"એ વખતે મને સમજાતું ન હતું કે શું થઈ રહ્યું છે, પરંતુ આઘાત ક્યાંકને ક્યાંક મારી અંદર રહી ગયો હતો."
સબીના ખત્રીએ 2006માં લ્યારીમાં એક સ્કૂલ સાથે પોતાના મિશનની શરૂઆત કરી હતી.
સબીનાના જણાવ્યા મુજબ, તેમની સ્કૂલમાં પછાત વર્ગના લોકો આવે છે. આ સ્કૂલમાં માનવમૂલ્યો, માનસિક સ્વાસ્થ્ય અને ભલાઈ જેવી બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
કરાચીનો લ્યારી વિસ્તાર સામાન્ય રીતે ગૅંગવૉર અને ગુનાખોરીની કથાઓને કારણે ચર્ચામાં રહે છે. તેથી અમે સબીના ખત્રીને મળવા પહોંચ્યા ત્યારે અમારા મનમાં ખચકાટ હતો.
જોકે, જૂની ઇમારતોમાં રહેતા લોકો, ચિક્કાર ભીડ અને વેપારમાં વ્યસ્ત લોકોને જોઈને એ વિસ્તારની અલગ જ તસવીર જોવા મળી હતી.
સબીના ખત્રી કહે છે, "શ્રીમંત પરિવારનાં બાળકોએ વાસ્તવિક જીવનમાં લડાઈ કે મારામારી જોઈ હોતી નથી. તેઓ આવું બધું વીડિયો ગેમ્સમાં જોતા હોય છે, પરંતુ લ્યારીનાં બાળકોએ આ બધું તેમની સગી આંખે નિહાળ્યું હોય છે."
સબીનાના જણાવ્યા મુજબ, તેમને અહેસાસ થયો હતો કે લ્યારીમાં જે થઈ રહ્યું છે તેની અસર બાળકો પર જરૂર થતી હશે.
તેથી એક દિવસ સબીનાએ નિર્ધાર કર્યો કે જે રીતે તેઓ બાળપણના આઘાતમાંથી બહાર આવ્યાં છે એવી જ રીતે લ્યારીના દરેક બાળકને આઘાતમાંથી બહાર લાવશે.
સબીના માને છે કે ઘણાં બાળકો એવાં પણ હોય છે કે જેઓ આઘાતમાંથી બહાર આવીને અભ્યાસ કરી લે તો પણ તેમને એવું લાગે છે કે તેમનાં માતા-પિતાના વિચારો-સમજ તેમનાથી અલગ છે.
આ કારણસર સબીનાએ આ સ્કૂલમાં બાળકોની સાથે સાથે માતાઓના માનસિક સ્વાસ્થ્ય પર પણ કામ કરવાનું વિચાર્યું હતું. આજે આ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમની માતા સાથે ઍડમિશન લે છે.
સંતાન સાથે માતાના ઍડમિશનની શરત
સબીનાનું આ મિશન કેટલી હદે સફળ થયું છે તેનું સૌથી મોટું ઉદાહરણ તહમીના છે.
તહમીનાનાં લગ્ન 16 વર્ષની વયે જ થઈ ગયાં હતાં અને એક વર્ષ પછી તેઓ એક સંતાનના માતા બની ગયાં હતાં, પરંતુ નાની વયે થયેલાં લગ્ન માત્ર ત્રણ વર્ષ ટક્યાં હતાં.
તહમીના બીબીસીને કહે છે, "તલાક પછી મને સમજાતું ન હતું કે મારા બાળકનું શું કરવું."
તહમીનાએ વિચાર્યું કે તેઓ કશુંક કામ કરીને પોતાનો અભ્યાસ ફરી શરૂ કરશે.
તલાકની સીધા અસર બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ થતી હોય છે. તહમીનાના દીકરાએ પણ તેની માતા પરના જુલમને જોયો હતો.
તહમીનાને આ સ્કૂલ વિશે ખબર પડી, પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે આ સ્કૂલમાં દીકરાની સાથે તેમણે પણ ઍડમિશન લેવું પડશે.
તહમીના સિલાઈ-ગૂંથણનું કામ જાણતાં હતાં. તેથી તેમને થયું કે એ કામ વિશે આ સ્કૂલમાં વધારે જાણીને તેને બહેતર બનાવશે.
તેઓ ત્યાં પહોંચ્યાં ત્યારે સમજાયું હતું કે આ સ્કૂલ તો અન્ય સ્કૂલોથી બિલકુલ અલગ છે.
તહમીના કહે છે, "મારાં અનેક થૅરપી સેશન થયાં હતાં અને મારા દીકરાને આઘાતમાંથી બહાર આવતાં લગભગ ચાર વર્ષ થયાં હતાં."
તહમીનાએ આ સ્કૂલમાંથી મેટ્રિક, ઇન્ટરમીડિએટ અને એ પછી ગ્રૅજ્યુએશન કર્યું. હવે તેઓ આ જ સ્કૂલમાં કામ કરી રહ્યાં છે, જ્યારે તેમનો દીકરો ત્યાં જ અભ્યાસ કરે છે.
તહમીના ખુદને એ વાતે નસીબદાર માને છે કે તેમના જ વિસ્તારમાં એક એવી સ્કૂલ છે, જેણે તેમની જિંદગીને બદલી નાખી અને તેમને જીવવાનો હેતુ આપ્યો.
સ્કૂલના શિક્ષકોએ કૌશલ્યને પારખ્યું
મોહમ્મદ અબ્દુલ્લા પણ એવા યુવાનો પૈકીના એક છે, જેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ આ સ્કૂલમાં લીધું હતું અને હવે તેઓ એક યુનિવર્સિટીમાં બીબીએનો અભ્યાસ કરી રહ્યા છે.
અબ્દુલ્લા અભ્યાસની સાથે અભિનય પણ કરે છે.
તેમના જણાવ્યા મુજબ, સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો ત્યારે તેઓ એક પારિવારિક સમસ્યાને કારણે આઘાતમાં હતા.
અબ્દુલ્લા કહે છે, "જિંદગીમાં શું કરવું એ સમજાતું ન હતું. હું ભણવા ઇચ્છતો ન હતો. મારામાં શું ક્ષમતા છે તેનાથી અજાણ હતો."
અબ્દુલ્લાનું કહેવું છે કે સ્કૂલના શિક્ષકોએ તેમનું હીર પારખ્યું હતું અને તેમને દુઃખમાંથી બહાર કાઢીને અહીં લાવ્યા, જેની તેમને પોતાને પણ ખબર ન હતી.
અબ્દુલ્લાએ સ્કૂલમાં જ ઍક્ટિંગ શરૂ કરી દીધી હતી.
અબ્દુલ્લાના જણાવ્યા મુજબ, આ સ્કૂલમાં શિક્ષકો પર ભરોસો કરી શકાય તેવું વાતાવરણ હતું.
આઘાત સામે લડીને અબ્દુલ્લા હવે બહેતર જીવન પસાર કરી રહ્યા છે.
બાળકોની માફક માતાઓ માટે પણ પાઠ્યક્રમ
સબીના ખત્રી કહે છે કે ઍડમિશનની શરતોમાં તેઓ કોઈ બાંધછોડ કરતાં નથી.
આ સ્કૂલમાં બાળકોએ પહેલા ધોરણથી ઍડમિશન લેવું પડે છે. બાળકોએ અઠવાડિયામાં પાંચ દિવસ સ્કૂલે આવવું પડે છે, પરંતુ તેમની માતાઓ ત્રણ દિવસ આવે તે જરૂરી છે. બાળકોની માફક માતાઓ માટે પણ અભ્યાસક્રમ છે, જેમાં કાઉન્સેલિંગ સેશનનો પણ સમાવેશ થાય છે.
આ સ્કૂલને મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને સબીના ખત્રીએ માત્ર કરાચીમાં જ નહીં, પરંતુ પાકિસ્તાનનાં બીજાં શહેરોમાં પણ આવી સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સ્કૂલની બીજી શાખા કરાચીમાં શરૂ કરવામાં આવી છે.
આ સ્કૂલના ક્લાસરૂમમાં પરંપરાગત બ્લૅકબોર્ડ હોતું નથી. ખુરશીની વ્યવસ્થા ઉપરાંત બાળકો જમીન પર બેસીને રમી શકે તેવી વ્યવસ્થા પણ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન