મહમદઅલી ઝીણાએ જ્યારે દિલ્હી છોડ્યું એ પછી શું થયું હતું?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિન્દી

પાકિસ્તાનની આઝાદીના સાત દિવસ પહેલાં મહમદઅલી ઝીણા તેમનાં બહેન ફાતિમા સાથે કેડી સી-3 ડાકોટા વિમાનમાં દિલ્હીથી કરાચી જવા રવાના થયા હતા.

એ સમયે તેમણે જે વસ્ત્રો પહેર્યાં હતાં એ કાયદાનો અભ્યાસ કરવા લંડન જતાં પહેલાં ક્યારેય પહેર્યાં ન હતાં. તેમણે ઘૂંટણ સુધીની લંબાઈની ચુસ્ત શેરવાની, ચુસ્ત ચુડીદાર પાયજામો અને દોરી વિનાના લોફર શૂ પહેર્યાં હતાં.

વિમાનની સીડી ચડીને સૌથી છેલ્લે પગથિયે પહોચ્યા પછી ઝીણાએ દિલ્હીના ધૂળવાળા આકાશ તરફ છેલ્લી વાર જોયું હતું અને હળવેથી બોલ્યા હતા, “હું દિલ્હીને કદાચ છેલ્લી વાર જોઈ રહ્યો છું.”

કરાચી માટે રવાના થતા પહેલાં તેમણે દિલ્હીના 10, ઔરંગઝેબ રોડ ખાતેનું પોતાનું ઘર હિન્દુ ઉદ્યોગપતિ સેઠ રામકૃષ્ણ દાલમિયાને ત્રણ લાખ રૂપિયામાં વેચી નાખ્યું હતું.

જે જગ્યાએ વર્ષોથી મુસ્લિમ લીગનો લીલા તથા સફેદ રંગનો ઝંડો ફરકતો હતો ત્યાં થોડા કલાકોમાં જ ગૌરક્ષા સંઘનો ઝંડો ફરકવાનો હતો.

ડોમિનિક લેપીયર અને લેરી કોલિન્સે તેમના પુસ્તક ‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’માં લખ્યું છે, “જીણાના એડીસી સૈયદ અહસને અમને જણાવ્યું હતું કે વિમાન કેટલાંક પગથિયાં ચડ્યાં બાદ ઝીણા એટલા થાકી ગયા હતા કે તેઓ હાંફતા તેમની સીટ પર પડી ગયા હતા.”

“અંગ્રેજ પાઇલટે વિમાનનું એન્જિન ચાલુ કર્યું અને ઝીણા શૂન્યમાં તાકતા રહ્યા હતા. કોઈને સંબોધન કર્યા વિના તેઓ બબડ્યા હતાઃ કહાની ખત્મ હો ગઈ.”

કરાચીમાં ઝીણાનું અભૂતપૂર્વ સ્વાગત

વિમાન કરાચી પર પહોંચ્યું ત્યારે ઝીણાના એડીસી સૈયદ અહસનને બારીમાંથી નીચે જોયું. નીચે રણ હતું. તેની વચ્ચે રેતીના નાના-નાના ઢૂવા ઊભર્યા હતા. વિશાળ જનસમૂહ ધીમે ધીમે એક શ્વેત સમુદ્રનું સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો.

ઝીણાનાં બહેને ભાવાવેશમાં ઝીણાનો હાથ પકડીને કહ્યું હતું, “ત્યાં જુઓ.” વિમાન નીચે ઊતર્યું ત્યારે ઝીણા એટલા થાકી ગયા હતા કે પોતાની સીટ પરથી મહામુશ્કેલીએ ઊભા થઈ શક્યા હતા.

એડીસીએ તેમને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઝીણાએ તેમની મદદ લેવાનો ઇનકાર કર્યો હતો. તેઓ કોઈ અન્ય માણસના હાથનો સહારો લઈને, પોતે બનાવેલા નવા દેશની જમીન પર પગલું માંડવા તૈયાર ન હતા.

ઍરપૉર્ટ પર હજારો પ્રશંસકો તેમની રાહ જોઈ રહ્યા હતા. એ વખતે પરિસ્થિતિ એવી હતી કે ભારતથી આવેલા શરણાર્થીઓને કારણે કરાચીની વસ્તી થોડાક મહિનાઓમાં જ બમણી થઈ ગઈ હતી.

સ્ટેનલી વોરપર્ટે તેમના પુસ્તક ‘ઝીણા ઑફ પાકિસ્તાન’માં લખ્યું છે, “ઍરપૉર્ટથી સરકારી આવાસ તરફ જતા માર્ગની બન્ને બાજુએ હજારો લોકોએ ઝીણાના સ્વાગતમાં નારા પોકાર્યા હતા. તે સરકારી મકાનમાં અગાઉ સિંધના ગવર્નર રહેતા હતા અને હવે તે ઝીણાનો છેલ્લો બંગલો બનવાનું હતું.”

વિક્ટોરિયન શૈલીમાં બનેલી તે શ્વેત ઇમારતનાં પગથિયાં ચડતાં ઝીણાએ તેમના એડીસીને કહ્યું હતું, “તમને ખબર નહીં હોય કે મેં આ જિંદગીમાં પાકિસ્તાનના નિર્માણની આશા રાખી ન હતી. આ મંઝિલ પર પહોંચવા માટે આપણે ખુદાનો બહુ આભાર માનવો જોઈએ.”

લઘુમતીઓને આપી ખાતરી

પાકિસ્તાનની સંવિધાન સભાની પહેલી બેઠક 11 ઑગસ્ટે યોજાઈ હતી અને તેમાં સર્વસંમતિથી ઝીણાને અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.

તેમણે ભાષણ આપવાનું શરૂ કર્યું. બોલતાં-બોલતાં અચાનક એવું લાગ્યું કે તેઓ જાણે કોઈ સ્વપ્નલોકમાં ચાલ્યા ગયા હોય. એવું લાગતું હતું કે તેઓ રાતોરાત હિન્દુ-મુસ્લિમ એકતાના દૂત બની ગયા છે, જેવું સરોજિની નાયડુ તેમને કહેતાં હતાં.

ઝીણા કશું વાંચ્યા વિના બોલી રહ્યા હતા, “તમે લોકો તમારા મંદિરોમાં જવા આઝાદ છો. તમે લોકો તમારી મસ્જિદોમાં કે પાકિસ્તાનમાંના બીજા કોઈ પણ પૂજાસ્થળ પર જવા માટે આઝાદ છો. તમે ભલે ગમે તે ધર્મ, જાતિ કે મઝહબના હો, સરકાર ચલાવવાને તેની સાથે કોઈ સંબંધ નથી.”

“આપણે એ દૌરની શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં કોઈ ભેદભાવ નહીં હોય અને બે સમુદાયો વચ્ચે ભેદભાવ કરવામાં આવશે નહીં. આપણે એ બુનિયાદી સિદ્ધાંતથી શરૂઆત કરી રહ્યા છીએ કે આપણે બધા એક દેશના સમાન નાગરિકો છીએ.”

આ ભાષણ પાકિસ્તાનમાં પસંદ ન આવ્યું

ઝીણાનું આ ભાષણ સાંભળીને મુસ્લિમ લીગનાં વર્તુળોમાં સન્નાટો છવાઈ ગયો હતો.

ખાલિક અહમદે તેમના પુસ્તક ‘પાકિસ્તાન બિહાઇન્ડ ધ આઇડિયોલૉજિકલ માસ્ક’માં લખ્યું છે, “એ પછીના દિવસોમાં તે ભાષણને કોઈ પણ સરકારી પ્રકાશનોમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. બાદમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનેલા જનરલ ઝિયા ઉલ હક્કે કેટલાક ઇતિહાસકારો મારફતે એવી ઝુંબેશ ચલાવી હતી કે ઝીણાએ આ ભાષણ આપ્યું ત્યારે તેઓ હોશમાં ન હતા.”

એ ભાષણનાં વખાણ કરવાની મોટી કિંમત ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ચૂકવવી પડી હતી.

ખાલિદ અહમદ લખે છે, “ઝીણાનાં પુત્રી દીના વાડિયા એ સમયે ન્યૂયૉર્કમાં રહેતાં હતાં. તેમનો સંપર્ક સાધીને ઝીણાની ખાનપાનની આદતો વિશે સ્પષ્ટીકરણ આપવાનું કહેવામાં આવ્યું હતું.”

“એટલે કે તેઓ શરાબ પીતા ન હતા અને તેમણે ભૂંડનું માંસ ક્યારેય ખાધું ન હતું, પરંતુ ઝીણાનાં દીકરીએ એવું કરવાનો ઇનકાર કર્યો હતો.”

લૉર્ડ માઉન્ટબેટન દંપતીના સન્માનમાં ભોજન સમારંભ

1947ની 13 ઑગસ્ટે માઉન્ટબેટન ઝીણાને ગવર્નર જનરલ પદના સોગંદ અપાવવા માટે કરાચી પહોંચ્યા ત્યારે ઍરપૉર્ટ પર તેમનું સ્વાગત કરવા ઝીણા હાજર ન હતા. તેમણે એ જવાબદારી સિંધના ગવર્નર સર ગુલામ હુસૈન હિદાયત ઉલ્લાહ અને પોતાના એડીસી સૈયદ અહસનને સોંપી હતી.

ઝીણાએ દિલ્હીથી આવેલા મહેમાનોની રાહ પોતાના સરકારી આવાસના પ્રવેશદ્વાર પાસેના હૉલમાં જોઈ હતી. રાતે ઝીણાએ માઉન્ટબેટન દંપતીના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.

એ ભોજન સમારંભમાં ઝીણા અજીબ રીતે અલિપ્ત રહ્યા હતા. ભોજન સમારંભ દરમિયાન માઉન્ટબેટન ફાતિમા ઝીણા અને બેગમ લિયાકત અલીની વચ્ચે બેઠા હતા.

માઉન્ટબેટન લખે છે, “તેઓ આગામી દિવસે દિલ્હીમાં અડધી રાતે યોજનારા સમારંભ વિશે એવું કહીને મારી મશ્કરી કરતા હતા કે કોઈ જવાબદાર સરકારનું કોઈ જ્યોતિષીઓએ કાઢેલા મુહૂર્ત પર ચાલવું કેટલું વિચિત્ર છે.”

“હું તેમને એવો જવાબ આપતાં-આપતાં અટકી ગયો હતો કે કરાચીમાં યોજાયેલા ભોજન સમારંભનો સમય એટલી માટે બદલવામાં આવ્યો હતો કે આજકાલ રમઝાન ચાલી રહ્યો છે તે ઝીણાને યાદ ન હતું. અન્યથા તેઓ બપોરે ભોજન સમારંભનું આયોજન કરવાના હતા. તેનું આયોજન છેલ્લી ઘડીએ રાતે કરવામાં આવ્યું હતું.”

ઝીણાની ખુરશી ઊંચી રાખવા બાબતે વિવાદ

સોગંદવિધિ સમારંભમાં ઝીણાનો આગ્રહ હતો તે તેમની ખુરશી માઉન્ટબેટનની ખુરશી કરતાં ઊંચી હોવી જોઈએ, કારણ કે તેઓ પાકિસ્તાનના ગવર્નર જનરલ અને પાકિસ્તાનની સંવિધાન સભાના અધ્યક્ષ છે.

ખાન અબ્દુલવલી ખાંએ તેમના પુસ્તક ‘ફેક્ટ્સ આર ફેક્ટ્સ’માં લખ્યું છે, “ઝીણાની આ ફરમાઈશથી અંગ્રેજોને ઘણું આશ્ચર્ય થયું હતું અને તેમણે સ્પષ્ટતા કરવી પડી હતી કે ઝીણા ગવર્નર જનરલનું પદ ત્યારે જ સંભાળી શકશે, જ્યારે માઉન્ટબેટન તેમને એ પદના સોગંદ લેવડાવશે.”

“જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી તમામ સત્તા તેમને હસ્તાંતરિત નહીં થાય. ઝીણાનું કોઈ સત્તાવાર પદ નથી. ઝીણાએ બહુ મુશ્કેલીથી અંગ્રેજોની આ દલીલ સ્વીકારી હતી.”

ઝીણાની હત્યાના પ્રયાસનો ગુપ્તચર અહેવાલ

એ દરમિયાન સીઆઈડી તરફથી સમાચાર આવ્યા હતા કે શપથગ્રહણ સમારંભમાં જતી કે આવતી વખતે લોકો ઝીણા પર બૉમ્બ ફેંકીને તેમની હત્યાનો પ્રયાસ કરશે.

સીઆઈડી અધિકારીએ માઉન્ટબેટનને જણાવ્યું હતું કે ઝીણા ખુલ્લી કારમાં જવાનો આગ્રહ કરી રહ્યા છે. તમે બહુ ધીમી ગતિએ આગળ વધજો. અમારી પાસે તમને બચાવવા માટે બહુ મર્યાદિત સાધનો છે. સરઘસમાં જવાનો વિચાર છોડવાની વિનંતી તમે ઝીણાને કરો. જોકે ઝીણાએ માઉન્ટબેટનની વાત માની ન હતી.

તેમનું કહેવું હતું કે કરાચીના માર્ગો પરથી બંધ કારમાં જવું તેને કાયરતાની નિશાની માનવામાં આવશે. તેઓ આવું કરીને નવા રાષ્ટ્રના ઉદયને નીચો નહીં દેખાડે. ઝીણાને સંવિધાન સભાના હૉલ સુધી એક એવા રસ્તે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કડક પહેરો હતો.

શપથગ્રહણ સમારંભમાં નૌકાદળના સફેદ યુનિફૉર્મમાં સજ્જ માઉન્ટબેટનની બાજુમાં ઝીણા બેઠા હતા. માઉન્ટબેટને પોતાના ભાષણમાં બ્રિટનના રાજા તરફથી નવા રાષ્ટ્રને અભિનંદન આપ્યાં હતાં.

ઝીણાએ કહ્યું હતું, “પાકિસ્તાનની બંધારણસભા અને મારી તરફથી હું હિઝ મૅજેસ્ટીનો આભાર માનું છું. આપણે દોસ્તની માફક વિદાય લઈ રહ્યા છીએ.”

કેમ્પબેલ જૉન્સને તેમના પુસ્તક ‘માઉન્ટબેટન’માં લખ્યું છે, “ઝીણાએ પોતાનું ભાષણ પૂર્ણ કરીને બેઠા કે તરત જ એડવિનાએ ફાતિમા ઝીણાનો હાથ સ્નેહથી દબાવ્યો હતો. ઝીણાના વ્યક્તિત્વમાં ઠંડાપણું અને અંતર ચોક્કસ હતું, પરંતુ તેમનામાં એક આકર્ષણ પણ હતું.”

માઉન્ટબેટન અને ઝીણા વચ્ચે તણાવ

ઝીણા અને માઉન્ટબેટન સાથે ચાલતા ઍસૅમ્બલી હૉલમાંથી બહાર આવ્યા ત્યારે કાળા રંગની એક રોલ્સ રૉયસ કાર તેમની રાહ જોઈ રહી હતી.

માઉન્ટબેટન માનતા હતા કે ઝીણાની હત્યાનો પ્રયાસ, તેઓ ખુલ્લી કારમાં તેમના સરકારી આવાસ પર પાછા ફરતા હશે એ સમયે જ કરવામાં આવશે.

માઉન્ટબેટને લખ્યું હતું, “મને થયું કે ઝીણાને બચાવવાની સૌથી સારી રીત એ હોઈ શકે કે હું એક જ કારમાં તેમની સાથે જવાનો આગ્રહ કરું. મને ખબર હતી કે ભીડમાંથી કોઈ વ્યક્તિ મારા પર ગોળીબાર કરવાની કે બૉમ્બ ફેંકવાની હિંમત નહીં કરે.”

ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સ લખે છે, “કાર ધીમે ધીમે આગળ વધતી હતી. રસ્તાની બન્ને બાજુએ તથા મકાનની છતો પર ઊભેલા લોકો પાકિસ્તાન, ઝીણા અને માઉન્ટબેટન ઝિંદાબાદના નારા લગાવતા હતા. માઉન્ટબેટનને યાદ આવ્યું કે તેમણે એક વખત બંગાળના ગવર્નરના સૈનિકે સચિવે તેમના પર ફેંકેલો બૉમ્બ કૅચ કરીને પાછો હત્યારા પર ફેંકી દીધો હતો, પરંતુ પછી તેમને એ પણ સમજાયું હતું કે તેમને તો ક્રિકેટના બૉલનો કૅચ કરતાં પણ આવડતું નથી.”

માઉન્ટબેટન અને ઝીણા વચ્ચે તકરાર

કારમાં બેઠેલા ઝીણા અને માઉન્ટબેટન પોતાની ચિંતાને સ્મિત પાછળ છુપાવવાના પ્રયાસ કરતા હતા. તેઓ એટલા ટેન્શનમાં હતા કે તે સમગ્ર પ્રવાસ દરમિયાન તેમણે એકમેકને એક શબ્દ સુધ્ધાં કહ્યો ન હતો.

ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સ આગળ લખે છે, “કાર તેના ગંતવ્ય સ્થાને પહોંચી કે તરત જ ઝીણા પહેલી વાર સહજ દેખાયા હતા. તેમના ચહેરા પર આદતથી વિપરીત એક સ્મિત આવ્યું હતું. તેમણે માઉન્ટબેટનના ગોઠણ થપથપાવતાં કહ્યું, ભગવાનનો આભાર કે હું તમને જીવતા લાવ્યો.”

માઉન્ટબેટને જવાબમાં કહ્યું હતું, “રહેવા દો. તમે નહીં, હું તમને અહીં જીવતા લાવ્યો છું.”

ઝીણા તેમના જીવનના છેલ્લા શ્વાસ સુધી એવું માનતા રહ્યા હતા કે તેમના વિના પાકિસ્તાનનું નિર્માણ થઈ શક્યું ન હોત. બાદમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનેલા ઈસકંદર મિર્ઝાએ તેમને એક વાર કહ્યું હતું કે આપણે મુસ્લિમ લીગનું ધ્યાન રાખવું જોઈએ. આખરે તેણે જ આપણને પાકિસ્તાન આપ્યું છે.

ઝીણાએ ઉશ્કેરાઈને કહ્યું હતું, “મુસ્લિમ લીગે આપણને પાકિસ્તાન આપ્યું છે એવું તમને કોણે કહ્યું? પાકિસ્તાનને હું અસ્તિત્વમાં લાવ્યો હતો, મારા સ્ટેનોગ્રાફરની મદદથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.