You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડા, અમેરિકા અને બ્રિટને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે 2024માં કયા નિયમો બદલી નાખ્યા, 2025માં શું અસર પડશે?
- લેેખક, ગુરજોતસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
કૅનેડા, અમેરિકા અને બ્રિટને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે 2024માં કયા નિયમો બદલી નાખ્યા, 2025માં શું અસર પડશે?
આંતરરાષ્ટ્રીય પ્રવાસના સંદર્ભમાં 2024ના વર્ષને મોટા પરિવર્તનનું વર્ષ માની શકાય.
ભારતમાંથી લોકો મોટી સંખ્યામાં વિદેશપ્રવાસ, નોકરી-ધંધા અને ઉચ્ચ અભ્યાસ માટે કૅનેડા, અમેરિકા અને અન્ય દેશોમાં જતા હોય છે.
પંજાબી સહિતના ભારતીય વિદ્યાર્થીઓના માનીતા કૅનેડાએ વિદ્યાર્થીઓના વાર્ષિક ક્વૉટામાં ઘટાડો કર્યો છે, જ્યારે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, બ્રિટન અને યુરોપિયન સંઘના દેશોમાં આ પ્રવાસન સંદર્ભે કેટલાક ફેરફાર જોવા મળ્યા છે.
ભારત સરકારે ગત ઑગસ્ટ માસમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ 13,35,878 વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ ગયા હતા.
આંકડા મુજબ સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ કૅનેડા, અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને જર્મની ગયા છે.
આ અહેવાલમાં આપણે જાણીશું કે ભારતીય વિદ્યાર્થીઓ માટે આ વર્ષે બીજા દેશોના નિયમોમાં કેવા ફેરફાર થયા છે.
બ્રિટન
બ્રિટનની હોમ ઑફિસના જણાવ્યા મુજબ પાછલા બાર મહિનામાં, જૂન 2024 સુધી 4,32,225 સ્ટુડન્ટ વિઝા ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ આંકડો છેલ્લા બાર મહિનાની સરખામણીએ 13 ટકા ઓછો હતો.
આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓના આશ્રિતોને પણ 94,253 વિઝા આપવામાં આવ્યા હતા, તેનું પ્રમાણ પણ છેલ્લા બાર મહિનાની સરખામણીએ ઓછું છે.
ભારત સરકારના આંકડા મુજબ 2024માં 1,85,000 વિદ્યાર્થીઓ બ્રિટન ગયા હતા.
બ્રિટનમાં જાન્યુઆરી 2024થી અમલમાં આવેલા નવા નિયમો મુજબ જેમનો અભ્યાસક્રમ સંશોધન પ્રોગ્રામ સંબંધી ન હોય તેવા પોસ્ટ ગ્ર્રજ્યુએટ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમના આશ્રિતોને બ્રિટન લાવી શકશે નહીં.
ઑસ્ટ્રેલિયા
ઑસ્ટ્રેલિયામાં આવાસની કમી, વિઝામાં અનિયમિતતા જેવી સમસ્યાઓને કારણે 2024માં વિદ્યાર્થીઓની સંખ્યા પરનો પ્રતિબંધ એક મુખ્ય રાજકીય તથા આર્થિક મુદ્દો બની રહ્યો છે.
એ દરમિયાન ઑસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવાના પ્રયાસ પણ કર્યા હતા.
નવી પ્રસ્તાવિત મર્યાદા અનુસાર નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ 2,70,000 સુધી સીમિત રાખવાનો હતો, પરંતુ વિરોધ પક્ષના ગઠબંધનનું સમર્થન ન મળવાને કારણે તે ખરડો પસાર થઈ શક્યો ન હતો.
એ નિષ્ફળતા પછી ઑસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝા પ્રોસેસિંગ માટે ગત 19 ડિસેમ્બરથી બે શ્રેણી શરૂ કરી છે. એ કૅટગરીમાં હાઈ પ્રાયોરિટી અને સ્ટાન્ડર્ડ પ્રાયોરિટીનો સમાવેશ થાય છે.
ઑસ્ટ્રેલિયન સરકારના જણાવ્યા અનુસાર, આ નિયમ ઑસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓના ઘસારાના નિયમનમાં મદદરૂપ થશે.
કૅનેડા
કૅનેડાએ સ્ટુડન્ટ વિઝા બાબતે વર્ષ 2024માં અનેક આકરા નિર્ણય કર્યા છે.
તેમાં મુખ્ય નિર્ણય સ્ટડી પરમિટ્સને મર્યાદિત કરવાનો છે.
કૅનેડા દ્વારા 2025-2027 માટે બહાર પાડવામાં આવેલી ઇમિગ્રેશન સ્તરની યોજના અનુસાર 2025, 2026 અને 2027 માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડીને 3,05,900 કરવામાં આવી છે.
પંજાબ, હરિયાણા અને ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભણવા માટે કૅનેડાની વિવિધ કૉલેજો તથા યુનિવર્સિટીઓમાં જાય છે.
એ પૈકીના મોટા ભાગનું લક્ષ્ય કૅનેડાના કાયમી નિવાસી બનવાની પરમિટ (પીઆર) મેળવવાનું હોય છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝાના ફાસ્ટ ટ્રેક પ્રોસેસિંગ માટેનો કૅનેડાનો સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ પ્રોગ્રામ ગત નવેમ્બરમાં બંધ કરી દેવામાં આવ્યો હતો.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ કૅનેડા દ્વારા વર્ક પરમિટ વિઝાના આકરા નિયમો અને દેશમાં આર્થિક સંકટને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં કૅનેડા જવાના વલણમાં ઘટાડો થયો છે.
જર્મની
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ 2024માં 42,000થી વધારે વિદ્યાર્થીઓ કૅનેડા ગયા હતા.
જોકે, અન્ય યુરોપિયન દેશોની માફક જર્મનીમાં ઇમિગ્રેશન એક મહત્ત્વનો રાજકીય મુદ્દો છે, પરંતુ જર્મનીએ અન્ય દેશોની માફક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેના નિયમો હજુ સુધી આકરા બનાવ્યા નથી.
મોટા ભાગની સાર્વજનિક યુનિવર્સિટીઓમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કોઈ ટ્યુશન ફી નથી અને કેટલાક અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને જર્મન ભાષા પર પકડ ન હોય છતાં જોડાવાની છૂટ છે.
અલબત્ત જર્મનીએ સ્ટુડન્ટ વિઝા માટે જરૂરી રકમમાં 2024માં વધારો કર્યો છે.
2025માં જર્મનીમાં સ્ટુડન્ટ વિઝા માટે એક વિદ્યાર્થીના બૅંક અકાઉન્ટમાં ઓછામાં ઓછા 11,094 યુરો (લગભગ દસ લાખ રૂપિયા) હોવા જરૂરી છે.
અમેરિકા
વિદેશ મંત્રાલયના આંકડા મુજબ 2024માં 3,37,630 વિદ્યાર્થીઓ અમેરિકા ગયા હતા.
આગામી થોડા દિવસોમાં અમેરિકાના પ્રમુખપદની ધુરા સંભાળનારા ડૉનાલ્ડ ટ્રમ્પનો ચૂંટણી પ્રચાર ઇમિગ્રન્ટ્સના વિરોધ પર કેન્દ્રિત હતી. તેમણે કેટલાંક આશ્ચર્યજનક નિવેદનો પણ કર્યાં હતાં.
જૂન 2024માં 'ધ ઑલ ઇન ઑલ પોડકાસ્ટ'માં તેમણે કહ્યું હતું કે અમેરિકન કૉલેજોમાંથી સ્નાતક થતા વિદ્યાર્થીઓને અમેરિકામાં રહેવા માટે ઑટોમેટિક ગ્રીન કાર્ડ આપવામાં આવે એવું અમે ઇચ્છીએ છીએ.
અમેરિકા જતા વિદ્યાર્થીઓ માટે એફ-વન વિઝા જરૂરી હોય છે.
2024ના છેલ્લા મહિનાઓમાં અમલી બનાવવામાં આવેલા નવા નિયમ મુજબ કોઈ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પાંચ મહિનાથી વધુ અમેરિકાથી બહાર રહી શકશે નહીં.
બીજા કયા દેશો બની શકે વિદ્યાર્થીઓની પસંદ?
ઓ. પી. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર ત્રિદિવેશસિંહ મૈની આંતરરાષ્ટ્રીય બાબતોનો વિષય ભણાવે છે.
વિશ્વના દેશોમાં સ્ટુડન્ટ વિઝાના બદલાતા નિયમો બાબતે ત્રિદિવેશસિંહ મૈની કહે છે, "ઇમિગ્રેશનમાં વધારા સંબંધે કૅનેડા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયાએ લીધેલા નિર્ણયોમાં કેટલીક સમાનતા છે."
"આ ત્રણેય દેશ વિદ્યાર્થીઓના પરિવારના સભ્યો, જીવનસાથીને વિઝા આપવાની બાબતમાં કડક છે."
એ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે બ્લોક્ડ અકાઉન્ટ અને જીઆઇસી તથા અંગ્રેજી ક્ષમતા સંબંધી માપદંડમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
મૈનીનું કહેવું છે કે આ દેશોમાં કેટલીક યુનિવર્સિટીઓને અસર થવાની સાથે આંકડાઓ મુજબ ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
તેઓ માને છે કે બારમા ધોરણ પછી આ દેશોમાં જનારા વિદ્યાર્થીઓ પર તેની મોટી અસર થઈ છે, જ્યારે સારી શૈક્ષણિક ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે અનેક રસ્તા ખુલ્લા રહેતા હોય છે.
તેમનું કહેવું છે કે અમેરિકાની સાથે અન્ય દેશોમાં સ્ટુડન્ટ વિઝાના "સમગ્ર પરિદૃશ્ય"માં પરિવર્તન થયું છે.
અનેક અહેવાલો મુજબ અમેરિકામાં એન્જિનિયરિંગમાં જનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે અને ગણિત તથા એઆઇ જેવા વિષયોમાં વિદ્યાર્થીઓનો રસ વધ્યો છે.
તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અભ્યાસની તકો યુરોપ, ઉત્તર અમેરિકા અને ઑસ્ટ્રેલિયા સુધી જ મર્યાદિત નથી.
તેઓ ઉમેરે છે કે દક્ષિણ કોરિયા જેવા પૂર્વ એશિયાના દેશો સિવાય, યુએઇ, સાઉદી અરેબિયા સહિતના અખાતી દેશોએ પણ વિદ્યાર્થીઓ સંબંધી કેટલાક નિયમો હળવા બનાવ્યા છે.
ભારતીય વિદ્યાર્થીઓની પસંદગીમાં ફેરફાર
ત્રિદિવેશસિંહ મૈનીના કહેવા મુજબ તમે વિદેશ જઈને ત્યાં કાયમી વસવાટ ઇચ્છા ન ધરાવતા હો તો આ દેશ સારા શિક્ષણ અને રોજગારવાળા વિદ્યાર્થીઓ માટે પણ સારી તક બની શકે છે.
તેઓ જણાવે છે કે યુરોપના દેશોમાં કૅનેડા જેવા ફેરફાર કરવામાં આવ્યા નથી, પરંતુ એ દેશોનાં અર્થતંત્ર પર અસર પડવાનું શરૂ થશે કે તરત જ તેઓ એવા ફેરફાર કરે તેવી શક્યતા છે.
વિદ્યાર્થીઓએ વિદેશમાં જે કૌશલ્ય પ્રાપ્ત કર્યું હોય તેનો ઉપયોગ હકારાત્મક રીતે ન કરે તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું માઇગ્રેશન દેશના અર્થતંત્ર માટે સારી બાબત નથી, એવું ત્રિદિવેશ માને છે.
તેમનું કહેવું છે કે વિદેશી સરકારોએ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના મુદ્દાને ગંભીર ગણવો જોઈએ અને તેમને પ્રાથમિકતાના ધોરણે આરામદાયક માહોલ આપવો જોઈએ.
તેઓ માને છે કે પંજાબ સહિતનાં ભારતનાં વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ માટે એવું વાતાવરણ બનવું જોઈએ કે તેઓ દેશમાં જ રહીને તેમની ક્ષમતાનો ઉપયોગ કરીને સારી તક પ્રાપ્ત કરી શકે.
તેમણે વિદ્યાર્થીઓને પોતાના સ્તરે શિક્ષિત કરવા જોઈએ તથા તેમની જાગૃતિ તથા શોષણ સામે સલામતી માટે કામ કરવું જોઈએ.
'વિદ્યાર્થીઓ માટે 2024 નિરાશાજનક વર્ષ હતું'
પંજાબમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક તરીકે કામ કરતા રવપ્રીતસિંહ મક્કડનું કહેવું છે કે કૅનેડા જેવા દેશોમાં જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે 2024નું વર્ષ નિરાશાજનક રહ્યું હતું.
તેમના કહેવા મુજબ કૅનેડાએ નિયમો આકરા બનાવ્યા પછી મોટા ભાગના વિદ્યાર્થીઓ જર્મની તથા અમેરિકા ભણી વળ્યા છે અને કેટલાકે વધુ રાહ જોવાનો નિર્ણય કર્યો છે.
તેઓ એમ પણ જણાવે છે કે અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા માટે ફંડની જરૂર હોતી નથી અને જર્મની પણ વિદ્યાર્થીઓ પ્રત્યે પૉઝિટિવ છે.
રવપ્રીતનું કહેવું છે કે જીવનસાથી વિઝા જેવી શ્રેણીઓનો લાભ લેવા ઉત્સુક વિદ્યાર્થીઓ માટે કૅનેડા અને બ્રિટનના દરવાજા બંધ થયા પછી એ વિદ્યાર્થીઓ ફિનલૅન્ડ અને સ્વીડન જેવા દેશો ભણી વળ્યા છે.
તેઓ ઉમેરે છે કે અત્યારે પણ ઘણા વિદ્યાર્થીઓ કૅનેડાને પોતાની પહેલી પસંદ ગણાવે છે. તેનું કારણ એ છે કે એ પૈકીના ઘણાનાં દોસ્તો અને સગાંસંબંધી કૅનેડામાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન