બીટનો રસ પીવાના ફાયદા શું છે? કસરત કરતા પહેલાં આ જ્યૂસ પીવાથી શું થાય?

    • લેેખક, કેગ્ની રૉબર્ટ્સ
    • પદ, બીબીસી ન્યૂઝ

તંદુરસ્તી જાળવી રાખવા અને શારીરિક ક્ષમતા વધારવા માટે આજકાલ વિવિધ પ્રયાસો કરવામાં આવે છે.

ઘણી વાર કોઈ ચમત્કારિક પીણું, પોષક પૂરક ઘટક શોધવાના પ્રયાસો થાય છે. સમયાંતરે નવા ટ્રેન્ડ્સ કે ફૅશન પણ જોવા મળે છે.

આ સંબંધે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જરૂરી છે. જાહેરાતમાં કોઈ કશું કહે કે કરે તેને લીધે કોઈ વસ્તુનું સેવન કરવાને બદલે નિષ્ણાતોનું માર્ગદર્શન લેવું જોઈએ.

આજકાલ બીટરૂટના જ્યૂસ બાબતે બહુ ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને રમતગમતની દુનિયામાં તેની બહુ ચર્ચા થાય છે, પરંતુ હકીકત શું છે? સંશોધકો અને નિષ્ણાતો શું કહે છે? આ લેખમાં તે સવાલોના જવાબ મેળવો.

રમતવીરો તેમની શારીરિક તંદુરસ્તી અને રમતગમત કે સ્પર્ધાઓમાં તેમનું પ્રદર્શન બહેતર બનાવવા માટે વિવિધ પદ્ધતિઓ અને પોષક આહારના પ્રયોગ લાંબા સમયથી કરી રહ્યા છે.

બીટ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે એ બધા જાણે છે, પરંતુ તેના વિશે વિગતવાર વાત કરવામાં આવતી નથી. બીટના રસમાં નાઇટ્રેટ મોટી માત્રામાં હોય છે.

કેટલાક પોષણ નિષ્ણાતો અને સંશોધકો માને છે કે બીટ રમતવીરોને સ્પૉર્ટ્સમાં સફળ થવામાં મદદરૂપ થઈ શકે છે.

સવાલ એ છે કે બીટનો રસ ઍથ્લીટના પ્રદર્શનને કુદરતી રીતે સુધારી શકે?

બ્રાયન મેજેન્સ નૅધરલૅન્ડ્સના એક સેમિ-પ્રોફેશનલ સાયકલિસ્ટ છે. સેમિ-પ્રોફેશનલ એટલે કે તેઓ સાઇકલિંગ સ્પર્ધાઓમાં ભાગ લે છે, પરંતુ સંપૂર્ણપણે પ્રોફેશનલ સ્પર્ધક નથી. તેઓ માને છે કે બીટરૂટનો રસ પીવાથી સાઇકલિંગ સ્પર્ધાઓમાં તેમનું પ્રદર્શન સુધારવામાં મદદ મળે છે.

એટલું જ નહીં, તેઓ તેમની પત્ની સાથે જે કૉફી શૉપ ચલાવે છે તેમાં પણ તેઓ બીટરૂટનો જ્યૂસ વેચે છે.

બીટરૂટનો રસ ખરેખર ચમત્કારિક પીણું છે?

બ્રાયન્સ મેગેન્સ કહે છે, "બીટા જ્યૂસ નિશ્ચિત રીતે કોઈ ચમત્કારિક પીણું નથી, પરંતુ મને લાગે છે કે સ્પૉર્ટ્સમાં પર્ફૉર્મન્સને બહેતર બનાવવામાં તે અમુક અંશે મદદરૂપ છે."

"ઍથ્લીટ્સ બને તેટલી સખત તાલીમ લે છે, આકરી મહેનત કરે છે. તેઓ સ્પર્ધા જીતવા માટે શક્ય હોય એ બધું જ કરે છે. તેથી શરીરને વધારાનું પોષણ આપવા માટે બીટરૂટનો જ્યૂસ પીવામાં કશું ખોટું નથી, એવું મને લાગે છે."

કદાચ એટલે જ ઘણા ઍથ્લીટ્સ બીટરૂટનો જ્યૂસ પીવે છે, એવું બ્રાયન માને છે.

ક્રિસ્ટીન જોનવિક અને ડૉ. સમેફ્કો લુડી ડાયેટિશિયન છે. તેમણે બીટરૂટમાંનાં પોષકતત્ત્વો વિશે કરેલા સંશોધનની માહિતી આપી હતી.

માત્ર એક ગ્લાસ બીટરૂટનો જ્યૂસ પીવાથી આપણા શરીરની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે?

નૉર્વેજીયન સ્કૂલ ઑફ સ્પૉર્ટ્સમાં કામ કરતા ક્રિસ્ટીન જ્હોનવિક કહે છે, "પોષણ માટે બીટરૂટનો જ્યૂસ પીવો એ કોઈ નવો વિચાર નથી."

ક્રિસ્ટીનના કહેવા મુજબ, "દોડવીર મો ફરાહે 2012ની લંડન ઑલિમ્પિક્સમાં બે સુવર્ણચંદ્રક જીત્યા પછી બીટરૂટ જ્યૂસ બાબતે ચર્ચા શરૂ થઈ હતી. સ્પર્ધા દરમિયાન મો ફરાહે કહ્યું હતું કે તેઓ બીટરૂટનો જ્યૂસ પીતા હતા. ઘણા લોકો એ જાણવા ઉત્સુક હતા કે બીટરૂટનો જ્યૂસ પીવાથી ઍથ્લીટ્સનું પ્રદર્શન ખરેખર બહેતર બને છે?"

પ્રદર્શન બહેતર બનવાની સંભાવના

ઍથ્લીટ્સના પ્રદર્શનને બહેતર બનાવવામાં બીટરૂટની ભૂમિકા બાબતે વાત કરતાં પોષણશાસ્ત્રી લુદીદીએ જણાવ્યું હતું કે આ મુદ્દાની બે બાજુ છેઃ એક, તેનાથી રમતવીરોને કેટલો લાભ થાય છે? બીજું, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી બીટરૂટનો જ્યૂસ પીવાના ફાયદા શું છે?

લુદીદી કહે છે, "મારો અંગત અભિપ્રાય એ છે કે બીટરૂટના જ્યૂસમાં ઍથ્લીટ્સના પ્રદર્શનને કુદરતી રીતે બહેતર બનાવવાની ક્ષમતા હોય છે."

"તેથી જ હું બીટરૂટનો જ્યૂસ પીઉં છું," એમ બ્રાયન મેજેન્સ કહે છે.

બીટરૂટનો જ્યૂસ પીવાની પદ્ધતિ બાબતે બ્રાયન મેજેન્સ કહે છે, "બીટરૂટના જ્યૂસનો ઉપયોગ કેવી રીતે કરવો તેની કાળજી રાખવી પડે. કોઈ મહત્ત્વપૂર્ણ સ્પર્ધા પહેલાંના એક અઠવાડિયા સુધી હું રોજ બીટરૂટનો એક ગ્લાસ જ્યૂસ પીઉં છું."

તેઓ ઉમેરે છે, "સ્પર્ધાના દિવસે સવારે હું એક ગ્લાસ બીટરૂટનો જ્યૂસ પીઉં છું. સ્પર્ધા શરૂ થવાના બે કલાક પહેલાં હું વધુ એક ગ્લાસ બીટરૂટનો જ્યૂસ પીઉં છું. આ પદ્ધતિથી બીટરૂટનો જ્યૂસ પીવાથી મને સારું પરિણામ મળે છે."

તાજેતરના સમયમાં ઍથ્લીટ્સ અને સ્પૉર્ટ્સ ટીમો માટે પ્રશિક્ષણ કાર્યક્રમો તૈયાર કરતી વખતે પોષણશાસ્ત્રીઓ બીટરૂટમાંની નાઇટ્રેટની માત્રાને ધ્યાનમાં લે છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બીટરૂટનો જ્યૂસ પીવાથી આપણા સ્નાયુઓ તથા લોહીની કાર્યક્ષમતામાં સુધારો થાય છે.

બીટરૂટના જ્યૂસના ફાયદા રમતના પ્રકાર પર આધારિત છે?

ક્રિસ્ટીન કહે છે, "અમે આ વિશે વ્યાપક સંશોધન કર્યું છે. બીટરૂટનો જ્યૂસ પીવાથી જરૂરી પોષકતત્ત્વો મળે છે કે કેમ એ ચકાસવા અ વિવિધ પ્રકારના ઍથ્લીટ્સનો અભ્યાસ કર્યો છે."

તેમણે આ અભ્યાસ ઑલિમ્પિક સ્પ્રિન્ટ ટ્રેક સાઇકલિંગ ઇવેન્ટ્સ સંદર્ભે હાથ ધર્યો હતો અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેતા સાઇકલિસ્ટને તેમાં સામેલ કર્યા હતા.

માત્ર શોખને કારણે કે પ્રસંગોપાત સાઇકલ ચલાવતા હોય એવા લોકોને પણ તેમણે આ અભ્યાસમાં સામેલ કર્યા હતા.

એ બધાની ટૂંકા ગાળાની સાઇકલિંગ ચકાસણી (સ્પ્રિન્ટ ટેસ્ટ) કરવામાં આવી હતી.

ઍથ્લીટ્સે 30 સેકન્ડ સુધી ઑલ-આઉટ સ્પ્રિન્ટમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમને ચાર મિનિટનો વિરામ આપવામાં આવ્યો હતો. એ પછી ફરી ત્રણ વખત તેમને આવું કરવાનું કહેવામાં આવ્યું હતું.

ક્રિસ્ટીન કહે છે, "એ ખૂબ જ થકવી નાખનારી પ્રક્રિયા હતી. તેના કારણે એ લોકો માટે શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું હતું અને વધુ શારીરિક શ્રમને કારણે તેમને વધુ ઑક્સિજનની જરૂર પડી હતી. એ અભ્યાસમાં અમે ઍથ્લીટ્સ પર ખૂબ જ ઓછી અસર જોઈ હતી. તેમની સાઇકલ ચલાવવાની ઝડપમાં વધારો જોવા મળ્યો હતો."

તેમના જણાવ્યા મુજબ, ત્રણેય કૅટેગરીમાં સાઇકલ સવારોએ તેમની મહત્તમ ક્ષમતા દર્શાવી હતી.

તીવ્ર શારીરિક ક્ષમતાની જરૂર હોય તેવી રમતો (ફૂટબૉલ, બાસ્કેટબૉલ, હોકી, ટેનિસ)ના ખેલાડીઓ દ્વારા બીટરૂટનો જ્યૂસ પીવાની તત્કાળ અસર સ્પષ્ટ હતી.

જોકે, કેટલાક સંશોધકો કહે છે કે બીટરૂટના જ્યૂસનું સેવન ટ્રાયથ્લોન, લાંબા અંતરના સાઇકલિંગ અથવા સ્વિમિંગ જેવી કેટલીક રમતોમાં એટલું અસરકારક નથી.

લુદીદી કહે છે, "હવે આ ચર્ચા બહુ રસપ્રદ બની ગઈ છે. બીટરૂટનો જ્યૂસ પીવાથી કેટલીક રમતોમાં લાભ થાય છે અને કેટલીકમાં શા માટે એવું થતું નથી, તે સ્પષ્ટ સમજી શકાય છે."

ક્રિસ્ટીનના કહેવા મુજબ, આ પ્રકારના અભ્યાસમાં ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય ઍથ્લીટ્સને સહભાગી બનાવવાનું કાયમ મોટો પડકાર હોય છે. (ઉચ્ચ સ્તરના ઍથ્લીટ્સ એટલે આંતરરાષ્ટ્રીય સ્તરના એવા ખેલાડીઓ જેમણે ઑલિમ્પિક્સ જેવી વૈશ્વિક સ્પર્ધાઓમાં મેડલ જીત્યા હોય)

તેનું કારણ એ છે કે આવા અભ્યાસમાં સહભાગી બનાવવા ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય ઍથ્લીટ્સ મેળવવાનું આસાન નથી હોતું.

"તેથી બીટરૂટનો જ્યૂસ કુદરતી પોષક પીણું છે કે કેમ, તે સવાલના સંદર્ભમાં આવા પ્રખ્યાત અથવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને આવરી લેતા અભ્યાસ થયા નથી," એમ ક્રિસ્ટીન કહે છે.

ક્રિસ્ટીન ઉમેરે છે, "શારીરિક તંદુરસ્તી બહુ જ જરૂરી હોય એવી રમતોમાં ભાગ લેનારા આંતરરાષ્ટ્રીય રમતવીરોને બીટરૂટનો જ્યૂસ પીવાથી ફાયદો ન થયો હોવાનું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. તેથી એવો નિષ્કર્ષ કાઢી શકાય કે નાઇટ્રેટને ઉચ્ચ આહારથી ચુનંદા આંતરરાષ્ટ્રીય રમતવીરોને કોઈ ફાયદો થતો નથી."

"અમે એ જોવા ઉત્સુક હતા કે ઓછી કે વધારે શારીરિક સજ્જતાની માગવાળી રમતોમાં બીટરૂટના જ્યૂસનું સેવન ટોચના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને ફાયદાકારક છે કે કેમ."

બીટરૂટ જ્યૂસની ભૂમિકા

તેઓ કહે છે, "એ અભ્યાસમાં અમને જાણવા મળ્યું હતું કે બીટરૂટનો જ્યૂસ શરીરમાં ઑક્સિજનના સેવન કે પ્રમાણને વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આકરી મહેનતવાળા વ્યાયામ વખતે શરીરમાં ઑક્સિજનનું સ્તર મહત્ત્વપૂર્ણ હોય છે. એ દરમિયાન પૂરતા પ્રમાણમાં શરીરમાં ઑક્સિજન ન પ્રવેશે તો એક પ્રકારની અડચણ સર્જાય છે. એ ઉપરાંત શોખથી સાઇકલિંગ કરતા લોકો માટે પણ ઝડપથી શ્વાસ લેવાનું આવશ્યક હોય છે. તેથી બીટરૂટનો જ્યૂસ તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે."

ક્રિસ્ટીનના જણાવ્યા મુજબ, તેનો અર્થ એ નથી કે ઉચ્ચ સ્તરના ઍથ્લીટ્સને તેનો લાભ મળતો નથી. બીટરૂટ જ્યૂસની અસર જોવા માટે પરિસ્થિતિને ધ્યાનમાં લેવી બહુ જરૂરી છે.

લુડીડી કહે છે, "ખાસ કરીને સાઇકલિંગમાં, બે સાઇકલસવારો વચ્ચેનું અત્યંત નાનું અંતર પણ મહત્ત્વપૂર્ણ હોય છે. મારા કહેવાનો અર્થ એ છે કે તે અંતર થોડીક સેકન્ડ કે એક મિલીસેકન્ડનું પણ હોઈ શકે છે."

આ વાત સાથે સહમત થતાં બ્રાયન કહે છે, "તેથી જ સાઇકલિસ્ટો તાલીમ અને આહાર પર ખૂબ ધ્યાન આપે છે, કારણ કે નાના સરખા ફેરફારની પણ મોટી અસર થઈ શકે છે, એ તેઓ જાણતા હોય છે."

સ્પૉર્ટ્સની દુનિયા બીટરૂટ જ્યૂસના સેવનને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ સવાલ એ છે કે તે રમતવીરોને વધુ મજબૂત અને ઝડપી બનાવવાની ચાવી છે?

લુદીદી કહે છે, "ઘણા લોકો ચમત્કારિક પીણાં અથવા દવાઓ શોધતા હોય છે, પરંતુ વાસ્તવમાં એવું કશું હોતું નથી. આરોગ્ય અને કામગીરીની વાત આવે ત્યારે તેના માટે એક ચોક્કસ માળખું કે યોજના હોય છે. તેમાં આરામ, આહાર અને વ્યાયામ પાયાના પથ્થર છે."

"આ માળખાને સમજ્યા પછી તેના પર કામ કરીને પર્ફૉર્મન્સ સુધારવાના પ્રયાસો કરવા જોઈએ. ફ્રેમવર્ક ખોટું હશે તો તેનાથી કોઈ ફાયદો થવાનો નથી."

લુદીદી ઉમેરે છે, "યોગ્ય આહાર લો, કઠોર તાલીમ લો અને પૂરો આરામ કરો. પછી પર્ફૉર્મન્સ બહેતર બનાવતી બાબતો પર ધ્યાન આપો. પછી ભલે તે ઉપવાસ હોય, બીટરૂટનો જ્યૂસ હોય કે બીજું કંઈ પણ હોય."

બીટરૂટનો જ્યૂસ કેમ લોકપ્રિય બની રહ્યો છે?

બીટરૂટ જ્યૂસના ફાયદા વિશે ક્રિસ્ટીન કહે છે, "સામાન્ય રીતે બીટરૂટનો જ્યૂસ ખૂબ જ ફાયદાકારક છે. તમે ઓછા પ્રમાણમાં તાલીમ લેતા હો તો તમારા શરીરમાં ઑક્સિજન અથવા લોહીના પ્રવાહની માત્રામાં વધારો થવાની શક્યતા વધારે હોય છે. એટલે કે તમારા સ્નાયુઓએ વધારે કામ ન કર્યું હોય તો તેનાથી ફાયદો થાય છે."

તેઓ એમ પણ કહે છે કે સ્પૉર્ટ્સના ઉચ્ચ સ્તરના ઍથ્લીટ્સે મોટા પ્રમાણમાં શારીરિક શ્રમ કરવો પડતો હોય છે. તેમને નાઇટ્રેટ સપ્લિમેન્ટ્સથી ફાયદો થતો નથી, કારણ કે તેઓ પહેલેથી જ તેમની શારીરિક ક્ષમતા પૂરતી વિકસાવી ચૂક્યા હોય છે.

"ઉચ્ચ તીવ્રતાવાળી રમતો, પછી ભલે તે ચોક્કસ ઊંચાઈની હોય કે પાણીની હોય, તમારી શારીરિક ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના, ટૂંકા અંતરની દોડ (સ્પ્રિન્ટ) હોય કે તમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ત્યારે બીટરૂટનો જ્યૂસ અથવા નાઇટ્રેટ્સ મદદરૂપ થઈ શકે છે," એમ ક્રિસ્ટીન કહે છે.

આ વાત ઉચ્ચ કૌશલ્ય ધરાવતા ખેલાડીઓને વધુ લાગુ પડે છે, એમ પણ ક્રિસ્ટીન કહે છે.

દરેક નવા અભ્યાસ સાથે બીટરૂટ જ્યૂસની લોકપ્રિયતા વધી રહી છે. કાર્યક્ષમતા વધારતી અસંખ્ય કેપ્સ્યૂલ્સ, પાઉડર અને બીજી સામગ્રી સહિતની પ્રોડક્ટ્સને કારણે તેનો વધુ પ્રચાર થઈ રહ્યો છે.

તેથી સંશોધકોના મતે, વર્કઆઉટ પહેલાં અથવા રમત કે સ્પર્ધા પહેલાં એક ગ્લાસ બીટરૂટનો જ્યૂસ પીવાથી તમારું પ્રદર્શન બહેતર બનાવવા માટે જરૂરી ઊર્જા જરૂર મળી શકે છે.

તેથી બ્રાયન કહે છે, "બીટરૂટના જ્યૂસથી અમુક અંશે ફાયદો થતો હોય તો પણ તેને નકારી કાઢવાનું કોઈ કારણ નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.