You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી-20 વર્લ્ડ કપમાંથી પડતા મૂકવાની અટકળો વિશે હવે વિરાટ કોહલી શું બોલ્યા?
- લેેખક, વિમલ કુમાર
- પદ, ખેલ પત્રકાર, બીબીસી હિન્દી માટે
“મને ખબર છે કે જ્યારે ટી20 ક્રિકેટની વાત આવે છે ત્યારે દુનિયાના અલગ-અલગ હિસ્સાઓમાં મારૂં નામ ક્રિકેટનો પ્રચાર અને પ્રસાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જોકે, મને લાગે છે કે મારી પાસે હજૂ પણ ટી20 ક્રિકેટ રમવા માટે જરૂરી આવડત છે.”
આશા પ્રમાણે જ વિરાટ કોહલીના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાથી કોહલી પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા હતા અને ક્રિકેટથી દૂર હતા.
હાલમાં ઇંગ્લૅન્ડ સામે રમાયેલી પાંચ ટેસ્ટ મૅચની સિરિઝમાં તેમણે ભાગ લીધો ન હતો.
આ સમય દરમિયાન અટકળો લાગી રહી હતી કે કદાચ જૂનમાં થનાર ટી20 વર્લ્ડ કપ માટે કોહલીનું ટીમમાં સિલેક્શન મુશ્કેલ છે.
કોહલીના મનની વાત
તમને એ યાદ અપાવવું જરૂરી છે કે કેટલાંક અઠવાડિયા પહેલાં બીસીસીઆઈના સચિવ જય શાહે રોહિત શર્માને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં થનાર વર્લ્ડ કપ માટે કેપ્ટન તરીકે જાહેર કર્યા છે. જોકે, કોહલી આ ટૂર્નામેન્ટમાં રમશે કે કેમ તે સવાલનો જવાબ આપવાનું તેમને ટાળ્યું હતું.
ત્યાર પછી અલગ-અલગ મીડિયા અહેવાલોમાં સૂત્રોના હવાલેથી એવી ખબરો ચલાવામાં આવી જેમાં વારંવાર એ વિશે તર્ક આપવામાં આવ્યો કે કોહલીની વર્લ્ડ કપ ટીમમાં જગ્યા નથી બનતી.
આ વિશે પૂર્વ કોચ અને કોહલીના નજદીક માનવામાં આવતા રવિ શાસ્ત્રીએ પણ આ વખતે કૉમેન્ટ્રી દરમિયાન કહ્યું કે "આવનારા વર્લ્ડ કપમાં યુવા ખેલાડીઓ અને ફૉર્મને મહત્વ આપવું જોઈએ ના કે ખેલાડીની સાખ."
તેમણે ભલે કોહલીનું નામ સીધી રીતે ન લીધું હોય પરંતુ તેમનો ઈશારો સાફ હતો કારણ કે તેમની સાથે કૉમેન્ટ્રી કરી રહેલા ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન કેવિન પીટરસને તર્ક આપ્યો હતો કે "ટીમ ઇન્ડિયા આવું વિચારી પણ કેવી રીતે શકે કે કોહલી વર્લ્ડ કપની ટીમમાં સામેલ નહીં હોય જ્યારે ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આઈસીસી કોહલી જેવા દિગ્ગજ ખેલાડી અને તેમની બ્રાંડનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે ટી20 ક્રિકેટના વિસ્તાર માટે કરી રહ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોમવારે રમાયેલી પંજાબ કિંગ્સ વિરૂદ્ધની આઈપીએલ મૅચમાં 49 બૉલમાં 77 રનની ઇનિંગને કારણે કોહલીને મૅન ઑફ ધી મૅચ ધોષિત કરવામાં આવ્યા.
જ્યારે વિરાટ કોહલી હર્ષા ભોગલે સાથેના ઇન્ટરવ્યુ માટે આવ્યા ત્યારે સ્પષ્ટ હતું કે તેઓ પોતાના મનની વાત કહેશે.
મનની વાત જે માત્ર તેમના ચાહકો જ નહીં પરંતુ બીસીસીઆઈના પસંદગીકારો સુધી પણ પહોંચે.
કોહલીના આ નિવેદન પછી હવે નિર્ણય મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને તેમના સાથીઓના હાથમાં છે.
કદાચ કોહલીને આ વાતનો સારી રીતે અંદાજો છે કે ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ માટે તેઓ વર્લ્ડ કપની યોજનામાં ફિટ છે પરંતુ પસંદગીકારોને થોડીક અડચણ છે.
સૌથી મોટો સવાલ
આ વિશે કોઈ બેમત નથી કે 2021 અને 2022ના ટી20 વર્લ્ડ કપમાં ભારતની હાર પાછળ ટૉપ ઑર્ડરને (રોહિત-કેએલ રાહુલ-કોહલી) જવાબદાર ગણાવામાં આવ્યા હતા.
ત્રણેય એક જ પ્રકારે ઍન્કરવાળી ભૂમિકામાં બૅટિંગ કરે છે. કૅપ્ટન રોહિત શર્માએ વનડે વર્લ્ડ કપ દરમિયાન આક્રમક બૅટિંગ કરતા 50 ઑવરની મૅચમાં પણ ટી20 જેવા અંદાજમાં રમવાનું શરૂ કર્યું.
કેએલ રાહુલના મુકાબલે ડાબોડી બૅસ્ટમૅન યશસ્વી જયસ્વાલ સારો વિકલ્પ બની શકે છે. હવે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે ત્રીજા નંબર પર કોહલીને સિલેક્ટ કરવા કે શુભમન ગિલને.
કારણ કે મિડલ ઑર્ડરમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અને રવિન્દ્ર જાડેજાનું સ્થાન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
જો કોહલી કે ગિલ રમશે તો રિંકુ સિંહનો છઠ્ઠા નંબર પર ફિનિશર તરીકે ઉપયોગ કરી ન શકાય.
ગિલને જરૂરત પ્રમાણે પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર રાખી શકાય છે પરંતુ કોહલીને નહીં. કોહલીને ટીમમાં સ્થાન મળવું જોઈએ કે નહીં એ વિશેના સવાલની ચર્ચાઓ અહીંથી જ શરૂ થઈ.
કોહલીના સમર્થક અને રોહિતના આલોચક આ તર્ક આપે છે કે જો અનુભવી ખેલાડી તરીકે હાલના કેપ્ટનને મૅચ વિનર માનવામાં આવી રહ્યાં હોય તો પૂર્વ કૅપ્ટન સામે આવું વલણ કેમ?
સરેરાશ અને સ્ટ્રાઈક એમ બન્ને સ્તરે કોહલીનો રેકૉર્ડ રોહિત કરતા સારો છે.
જોકે, બીસીસીઆઈ અને પસંદગીકારોનું માનવું છે કે જો હાર્દિક પંડયા વનડે વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત ન થયા હોત અને રોહિત અચાનક જ પોતાની રમતમાં આટલો બદલાવ ન લાવ્યા હોત તો રોહિત પણ આ ટીમનો ભાગ ન હોત.
તકલીફ એ છે કે જો બન્ને દિગ્ગજોને એક સાથે અંતિમ 11માં રાખવામાં આવે તો ટીમનું સંતુલન ખરાબ થઈ શકે છે.
પસંદગીકારોની તકલીફો
કોહલી જાણે છે કે જો રોહિત વર્લ્ડ કપ ટીમનો હિસ્સો છે તો કોઈ પણ તર્કના આધારે કોહલીને ટીમની બહાર રાખી ન શકાય.
કારણ કે રેકૉર્ડ સાક્ષી છે કથાકથિત ધીમી સ્ટ્રાઇક રૅટ હોવા છતાં પોતાના કૌશલ અને અનુભવને કારણે કોહલીએ ટી2- ફોર્મેટમાં કોઈ પણ ખેલાડી કરતાં વધારે મૅચ જીતાડનારી ઇનિંગ્સ રમી છે.
વર્લ્ડ કપ 2022 દરમિયાન મેલબર્નમાં પાકિસ્તાન વિરુદ્ધ રમેલી તેમની ઐતિહાસીક ઈનિંગને કોઈ કેવી રીતે ભુલી શકે?
આમ જોઈએ તો એક શાનદાર ઇનિંગ રમીને કોહલીએ પસંદગીકારોને પડકાર્યા છે.
કારણ કે કોહલી હાલ RCB માટે ઑપનરની ભૂમિકા નિભાવી રહ્યા છે તો તેમની દલીલ તે પણ હોઈ શકે કે તેમને રોહિતની સાથે એક ઑપનર તરીકે પણ ટીમમાં લઈ શકાય.
જોકે પસંદગીકારો સામે એક સમસ્યા એ છે કે આ બન્ને ખેલાડી ઑપનર તરીકે માત્ર થોડી જ મૅચો સાથે રમ્યા છે.
પસંદગીકારો માટે કોહલીના ચયનનો મુદ્દો હવે ઉકેલવાને બદલે એક પડકાર બની ગયો છે.
પસંદગીકારોની તકલીફો કોહલીના નિવેદન પછી વધી ગઈ છે. જોકે, સવાલ એ છે કે જો બીસીસીઆઈનાં શીર્ષ અધિકારીઓએ ટી20 ફોર્મેટમાં કોહલીની જગ્યાએ કોઈ યુવા ખેલાડીઓને મોકો આપવાનો સંદેશ પસંદગીકારોને આપ્યો હોય તો કદાચ આ મુશ્કેલ નિર્ણય લેવામાં તેમને સરળતા રહેશે.
જોકે, કોચ દ્રવિડ અને કૅપ્ટન રોહિત કેવી રીતે પોતાનો બચાવ કરી શકશે કે કોહલીની જગ્યા અંતિમ 11માં નથી?
એકંદરે મામલો રસપ્રદ બની ગયો છે અને આઈપીએલની આ સિઝન કોહલીની બેટિંગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.