વર્લ્ડકપ ન રમી શકેલા હાર્દિક પંડ્યાએ આઈપીએલ 2024માં રમવા કેવી તૈયારીઓ કરી?

22 માર્ચથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 2024ની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડયા આ આઈપીએલમાં લાંબા સમય પછી ફરીથી ક્રિકેટમાં પરત ફરી રહ્યા છે. પંડ્યા આ આઈપીએલ સિઝનમાં ગુજરાત ટાઇટન્સની નહીં પરંતુ મુંબઈ ઇન્ડિયન્સ ટીમની કપ્તાની કરશે.

2023માં રમાયેલા વર્લ્ડકપ દરમિયાન બાંગ્લાદેશ સામેની મૅચમાં હાર્દિક પંડ્યાને બૉલિંગ કરતી વખતે પગની એડી પર ઈજા થઈ હતી. આ કારણે તેમને વર્લ્ડકપ ટુર્નામેન્ટમાંથી ખસી જવું પડ્યું અને લાંબા સમય માટે તેમને ક્રિકેટથી દૂર રહેવું પડ્યું.

પોતાની ઈજા વિશે સ્ટાર સ્પૉર્ટસ સાથે વાત કરતા હાર્દિક પંડ્યાએ કહ્યું, “હું વર્લ્ડકપની બાકી રહેલી મૅચો રમવા માંગતો હતો અને ટીમ માટે સારૂ પર્ફોર્મન્સ કરવા માંગતો હતો. આ માટે મેં મારી એડી પર ત્રણ અલગ-અલગ જગ્યાએ ઇન્જેક્શન્સ લગાડાવ્યા અને સોજાના કારણે એડીમાંથી લોહી પણ ખેંચાવવું પડ્યું.”

તેમણે કહ્યું, "મને ખબર હતી કે જો આ ઈજામાંથી સાજો થવા માટે વધારે પ્રયત્નો કરીશ તો ઈજા વધારે ગંભીર બની શકે છે અને પછી મારે લાંબા સમય માટે ક્રિકેટથી દૂર રહેવું પડશે. પરંતુ જો મારી પાસે ટીમમાં પાછા ફરવાનો એક ટકા પણ ચાન્સ હોય તો તેના માટે હું મારા તરફથી પૂરો પ્રયાસ કરવા માંગતો હતો. હું આ ઈજામાંથી સાજા થવા માટે પ્રયત્નો કરી રહ્યો હતો તે દરમિયાન ફરીથી ઈજા થઈ અને આમ તે ગંભીર ઈજા બની ગઈ."

હાર્દિકે તેમના એ ઇન્ટરવ્યૂમાં કહ્યું, "જ્યારે ઈજા પછી હું જ્યારે મેદાનથી બહાર આવ્યો ત્યારે મેં ટીમને કહ્યું હતું કે હું પાંચ દિવસની અંદર પાછો ફરીશ. મેં 10 દિવસની અંદર પાછા ફરવાની કોશિશ કરી હતી. ટીમમાં વાપસી કરવા માટે મેં પેઇનકિલરની દવાઓ લીધી હતી. જોકે આ અલગ પ્રકારની ઈજા હતી અને આ વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે."

તેમણે ઉમેર્યું, “મારા માટે દેશનું પ્રતિનિધિત્વ કરવું એ સૌથી વધારે ગર્વની વાત છે. હું કોઈપણ સંજોગોમાં વર્લ્ડકપમાં રમવા માંગતો હતો. અને આખો વર્લ્ડકપ ન રમી શક્યો તેનું દુખ હંમેશાં મારા મનમાં રહેશે.”

"વડોદરાના એક યુવાન છોકરા તરીકેની મારી સફરથી લઈને મુંબઈ સુધી, આ શહેરે મને આગળ વધવાનું શીખવ્યું છે, મારામાં નમ્રતા અને લડાઈની ભાવના કેળવી છે. હું જે પ્રકારનો ક્રિકેટર છું તેવો મને બનાવવામાં આ શહેરે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મુંબઈ હંમેશાં તમને વધુ સારા બનવા માટે પડકાર આપે છે અને હવે હું આઈપીએલ સાથે બે વર્ષ પછી ઘરે પરત ફર્યો છું."

હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન કેમ બનાવાયા?

મુંબઈ ઇન્ડિયન્સે દુબઈમાં મિની ઑક્શન અગાઉ ગુજરાત ટાઇટન્સના પૂર્વ કપ્તાન હાર્દિક પંડ્યાને આઈપીએલ 2024 માટે પોતાની ટીમના કપ્તાન બનાવી દીધા હતા.

પણ આ પછી રોહિત શર્માના ચાહકોએ આ નિર્ણયની ટીકા કરી હતી.

રોહિતને કપ્તાનીમાંથી હઠાવી દેવાયા બાદ મુંબઈ ઇન્ડિયન્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને લાખો લોકોએ અનફૉલો કરી દીધું.

રોહિત ટીમના કપ્તાન હતા ત્યારે મુંબઈ ઇન્ડિયન્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કરોડ 40 લાખથી વધારે ફોલૉઅર્સ હતા. પણ હવે ટીમના માત્ર એક કરોડ 28 લાખ ફોલૉઅર્સ રહી ગયા છે.

ચાહકોએ મુંબઈ ઇન્ડિયન્સના ભૂતપૂર્વ કૅપ્ટન રોહિતનું સમર્થન અને ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન કર્યું હતું.

રોહિત શર્માના બદલે પંડ્યાને કેમ કપ્તાન બનાવાયા?

રોહિત શર્માના બદલે હાર્દિક પંડ્યાને કપ્તાન બનાવવાના સમર્થનમાં પણ ઘણા લોકોએ પોતાના તર્ક રજૂ રહ્યા હતા.

નિષ્ણાતોએ પંડ્યાને કપ્તાન બનાવવાના નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું છે કે રોહિત શર્મા 36 વર્ષના છે જ્યારે હાર્દિક પંડ્યા 30 વર્ષના છે.

તેમનું કહેવું છે કે રોહિતે વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પણ ગુજરાત ટાઇટન્સને હાર્દિક પંડ્યા ઓછા સમયમાં જ નવી ઊંચાઈઓ પર લઈ ગયા હતા.

તેમની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સે આઈપીએલ પણ જીતી. ગત સિઝનમાં તેઓ ગુજરાત ટાઇટન્સને ફાઇનલ સુધી લઈ ગયા હતા.

નિષ્ણાતોનું કહેવું છે કે એમાં કોઈ શંકા નથી કે રોહિત શર્મા સારા કપ્તાન છે. તેમણે મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વાર ચૅમ્પિયન બનાવી છે.

પણ આઈપીએલની છેલ્લી સિઝનમાં તેમનું બૅટ ચાલ્યું નથી. બીજી બાજુ પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ એક મજબૂત ટીમ તરીકે સામે આવી.

હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સના પાંચમા રેગ્યુલર કપ્તાન હશે. તેમની અગાઉ રોહિત શર્મા. રિકી પૉન્ટિંગ, હરભજનસિંહ અને સચીન તેંડુલકર ટીમની કપ્તાની કરી ચૂક્યા છે.

હાર્દિક પંડ્યાની સફળતા

હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સમાં જોડાવવાની સાથે જ તેમની આગેવાનીમાં આઈપીએલમાં ડેબ્યૂ કરનારી આ ટીમ ચૅમ્પિયન બની ગઈ હતી.

2022ની આઈપીએલની 14મી સીઝનમાં ગુજરાત ટાઇટન્સ પહેલીવાર મેદાનમાં ઊતરી હતી અને તેની ફાઇનલ મૅચમાં રાજસ્થાન રોયલ્સ સામે તેની સાત વિકેટથી જીત થઈ હતી.

2023માં પણ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સની ટીમ ફાઇનલમાં તો પહોંચી ગઈ હતી. પણ ચૅન્નઈ સુપરકિંગ્સ સામે તેની હાર થઈ હતી.

બન્ને વખતે ટીમના કૅપ્ટન હાર્દિક પંડ્યા જ હતા. આ બન્ને સિઝનમાં હાર્દિક પંડ્યાએ 30 ઇનિંગમાં 833 રન બનાવ્યા હતા.