You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આઈપીએલ 2024: છેલ્લા બૉલે કૉલકાતાને મૅચ જીતાડી ગાવસ્કરને પ્રભાવિત કરનાર ખેલાડી કોણ છે?
- લેેખક, વિધાંશુ કુમાર
- પદ, ખેલ પત્રકાર, બીબીસી હિન્દી માટે
કોલકાતા નાઇટરાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને માત્ર ચાર રનથી હરાવીને આઈપીએલ 2024ની શરૂઆત જીત સાથે કરી.
એક રોમાંચક મુકાબલામાં કોલકાતાને છેલ્લા બૉલ પર જીત મળી.
મૅચમાં આન્દ્રે રસેલ અને હેનરિક ક્લાસેનની તાબડતોબ બેટિંગ જોવા મળી પરંતુ એક યુવા બૉલરે દરેકને પ્રભાવિત કર્યા અને દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે પણ તેમના વખાણ કર્યાં.
સોલ્ટની આક્રમક શરૂઆત
2,7, 0,9 – આ કોઈ કારનો નંબર નથી પણ કોલકાતા નાઇટરાઇડર્સના ટોચના ચાર બૅટ્સમૅનોના સ્કોર છે.
સુનીલ નારાયણ, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર અને નીતીશ રાણાએ પોતાની વિકેટ ખૂબ જ જલદી ગુમાવી.
કોલકાતા નાઇટરાઇડર્સની ઇનિંગ જલદી પૂરી થઈ જશે તેવો ડર હતો. જોકે જ્યારે એક તરફથી વિકેટો પડી રહી ત્યારે બીજી તરફથી એક બૅટ્સમૅન આક્રમક બેટિંગ કરી રહ્યા હતા.
કેટલાક મહિના પહેલાં જ્યારે આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી થઈ હતી ત્યારે સોલ્ટને કોઈપણ ટીમે ખરીદ્યા નહોતા. કોલકાતાએ તેમને જેસન રૉયના સ્થાને ટીમમાં લીધા અને આ નિર્ણય યોગ્ય સાબિત થયો.
કોલકાતા માટે પોતાની પહેલી જ મૅચમાં સોલ્ટે અડધી સદી ફટકારી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 40 બૉલમાં 54 રન બનાવ્યા અને કોલકાતાની બેટિંગને સ્થિરતા આપી.
આન્દ્રે રસેલનો તોફાની અંદાજ
હૈદરાબાદના કોઈપણ બૉલર પાસે રસેલને રોકવા માટે કોઈ રણનીતિ નહોતી. છેલ્લા એક વર્ષમાં રસેલે જે આક્રમક બેટિંગ કરી છે તેનો કોઈ જવાબ નથી.
તેમણે છેલ્લા બાર મહિનામાં દર 6.1 બૉલ પર એક છગ્ગો માર્યો છે. બીજા ક્રમે હેનરિક ક્લાસેન છે જેમણે સરેરાશ દર 7.2 બૉલ પર એક છગ્ગો માર્યો છે.
રસેલે કોલકાતામાં છગ્ગાનો વરસાદ કરી દીધો. ભુવનેશ્વરે કરેલી 19મી ઑવરમાં તેમણે 26 રન ફટકાર્યા. રસેલ 25 બૉલ પર 64 રન બનાવીને નોટઆઉટ રહ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગા સામેલ છે.
રસેલના છગ્ગા માત્ર બાઉન્ડરી ક્રૉસ નથી કરતા પણ સ્ટેન્ડમાં પણ દૂર સુધી જાય છે. પોતાની આ ઇનિંગ દરમિયાન રસેલે કોલકાતા માટે પણ 200 છગ્ગાનો રેકૉર્ડ બનાવ્યો.
તેમની આક્રમક ઇનિંગની મદદથી કોલકાતાની ટીમનો સ્કોર 200 પાર ગયો. ઇનિંગ્સ બ્રેકમાં એબી ડિવિલિયર્સે કહ્યું કે હૈદરાબાદે રસેલને આઉટ કરવાની રણનીતિમાં ભૂલો કરી અને તેમની સામે ના સારા બાઉન્સર માર્યા કે ના ઑફ સ્ટમ્પની બહાર બૉલિંગ કરી.
રસેલ અહીં જ ન રોકાયા જ્યારે તેઓ બૉલિંગમાં આવ્યા તો તેમણે અભિષેક શર્માની વિકેટ લીધી. અને ત્યાર પછી તેમણે અબ્દુલ સમદની પણ વિકેટ ઝડપીને બૉલિંગમાં પણ યોગદાન આપ્યું.
નટરાજને કોલકાતાના બૅટ્સમૅનોને નચાવ્યા
એક તરફ હૈદરાબાદના બૉલરો સૉલ્ટ, રસેલ અને રિંકૂસિંહની તોફાની બેટિંગથી પરેશાન હતા, પરંતુ સનરાઇઝર્સના એક બૉલર આ બૅટ્સમૅનોની સામે ન ઝૂક્યા, એટલું જ નહીં તેમણે નાઇટરાઇડર્સના બૅટ્સમૅનોને માત્ર રન લેવાથી જ ન રોક્યા, પરંતુ વિકેટો પણ લેતા રહ્યાં.
ટી નટરાજને વેંકટેશ અય્યર, શ્રેયસ અય્યર અને રિંકૂસિંહની વિકેટો ઝડપી.
આ વિકેટોની સાથે-સાથે તેમણે 20મી ઑવરમાં પણ સારી બૉલિંગ કરી. જ્યારે રિંકૂસિંહ અને રસેલે 19મી ઑવરમાં 26 રન લીધા હતા તેની આગલી જ ઑવરમા નટરાજને યૉર્કર્સ અને ધીમા બૉલ નાખીને અંતિમ ઑવરમાં માત્ર આઠ રન આપીને એક વિકેટ ઝડપી હતી.
જોકે, આ મૅચમાં બે બૉલરોએ લોકોને નિરાશ કર્યા. પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક પોતાના લાંબા કૅરિયર દરમિયાન માત્ર ત્રીજી વખત એકબીજાની વિરુદ્ધ રમી રહ્યા હતા અને બન્ને પાસેથી આશા હતી કે તેઓ આ આઈપીએલમાં પોતાની ટીમ માટે સારું પ્રદર્શન કરશે.
જ્યાં કમિન્સે ચાર ઑવરમાં 32 રન આપીને એક વિકેટ ઝડપી જ્યારે સ્ટાર્કને કોઈપણ સફળતા ન મળી.
બન્ને આઈપીએલના સૌથી મોંઘા ખેલાડીઓ છે અને તેમના પર ટીમોએ 20 કરોડ રૂપિયાથી વધારે ખર્ચો કર્યો છે. જોકે, આ મૅચમાં પ્રદર્શન પછી દર્શકો ટોણા મારી રહ્યા હશે કે “નામ બડે ઔર દર્શન છોટે.”
સુનિલ નારાયણની જાળ
આ મૅચમાં ખૂબ જ સરળતાથી રન બની રહ્યા હતા ત્યારે સુનિલ નારાયણે સનરાઇઝર્સના બૅટ્સમૅનોને પોતાની જાળમાં ફસાવી રાખ્યા. તેમણે ચાર ઑવરમાં માત્ર 19 રન આપીને એક વિકેટ ઝડપી.
નારાયણ વધુ બે વિકેટ મેળવી શક્યા હોત, પરંતુ તેમની બૉલિંગ પર એક સરળ કૅચ વરૂણ ચક્રવર્તીએ છોડ્યો ન હોત અને એક બૅટ્સમૅનના પૅડ પર લાગ્યો ત્યારે તેમના વિરૂદ્ધ નારાયણે એલબીડબ્લ્યૂની અપીલ જ ન કરી.
તેમની શાનદાર બૉલિંગને કારણે કોલકાતાએ મૅચ પર પોતાનું નિયંત્રણ મેળવ્યું અને અંતિમ ઑવરોમાં હૈદરાબાદ પાસે વધારે રન બનાવવાનું ટાર્ગેટ હતું.
નારાયણે પોતાના પર્ફૉર્મન્સથી દેખાડી દીધું કે ઉંમર માત્ર એક આંકડો છે અને હર્ષા ભોગલેએ પણ કૉમેન્ટરી દરમિયાન તેમના વખાણ કર્યા કહ્યું કે જ્યારે પણ સુનિલ નારાયણને બૉલિંગ કરતા જોઈએ ત્યારે સવાલ થાય કે સુનિલ નારાયણ સન્યાસ ક્યારે લેશે અને જવાબ મળે છે આવતા વર્ષે.
ગાવસ્કરે ઠપકો આપ્યો પણ પછી ઘણી પ્રશંસા કરી
નારાયણ અને રસેલે વિકેટો ઝડપીને મૅચ પર કોલકતાની પકડ મજબૂત કરી હતી અને હૈદરાબાદને અંતિમ ત્રણ ઑવરમાં 60 રનની જરૂર હતી.
મૅચ કોલકતાના કબજામાં હતી પરંતુ હેનરિક ક્લાસેનની ગણતરી અલગ હતી. તેમણે છગ્ગાનો વરસાદ કરી દીધો.
શહબાજ અહમદે પણ તેમનો સારો સાથ આપ્યો અને બન્નેએ 50 રનની ભાગીદારી માત્ર 14 બૉલમાં પૂરી કરી. 18મી ઑવરમાં 21 રન ફટકાર્યા, 19મી ઑવરમા 26 રન માર્યા અને અંતિમ ઑવરમાં માત્ર 13 રનની જરૂરત હતી.
કોલકતાના કૅપ્ટન શ્રેયસ અય્યરે અંતિમ ઑવર માટે ટીમના સૌથી ઓછા અનુભવી હર્ષિત રાણાને જવાબદારી આપી અને કહ્યું કે તમે હીરો બની શકો છો, જો તમે આ રન રોકી નહીં શકો તો પણ ટીમ તમારો સાથ આપશે.
હર્ષિતની અંતિમ ઑવરના પહેલા જ બૉલ પર ક્લાસેને છગ્ગો ફટકાર્યો. હવે પાંચ બૉલમાં માત્ર સાત રનની જરૂર હતી. જોકે, રાણાએ એક ધીમો બૉલ નાખીને ક્લાસેનને એક જ રન લેવા માટે મજબૂર કર્યા.
ત્રીજા બૉલ પર તેમણે શહબાજની વિકેટ લીધી.
તેમણે ચોથા અને પાંચમા બૉલ પર ક્લાસેનના બૅટની ધાર અડીને તેમની વિકેટ લીધી અને અંતિમ બૉલ પર પેટ કમિન્સને બીટ કર્યા. અંતિમ પાંચ બૉલમાં તેમણે માત્ર બે રન આપ્યા અને કોલકતાને ચાર રનથી મૅચ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
હર્ષિત રાણાનો આ બીજો સ્પેલ હતો. પહેલા સ્પેલમાં જ્યારે તેમણે મયંક અગ્રવાલની વિકેટ બાઉન્સર ફેંકીને લીધી ત્યાર પછી તેમની તરફ ગુસ્સાથી જોયું અને એક ફ્લાઇંગ કિસ કરી.
આ સમયે કૉમેન્ટરી કરી રહેલા દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કર તેમની આ હરકતને કારણે નારાજ થયા અને તેમણે કહ્યું કે બૉલરે આવુ કરવાની જરૂર નહોતી. તેઓ તેમણે લીધેલી વિકેટને પોતાની ટીમ સાથે સેલિબ્રેટ કરી શકતા હતા પરંતુ વિરોધી ખેલાડીને કશું કહેવાની જરૂર નહોતી.
જોકે, હર્ષિતની અંતિમ ઑવર જોઈને ગાવસ્કરે તેમના ખૂબ જ વખાણ પણ કર્યા હતા.
તેમણે કહ્યું, “પહેલા બૉલ પર છગ્ગો ખાધા બાદ તેમણે શાનદાર બૉલિંગ કરી. તેમણે મુશ્કેલ સમયમાં પોતાનો સંયમ જાળવી રાખ્યો અને રન પણ ન આપ્યા. આ કારણે જ તેમને વિકેટ મળી, તેમણે પોતાની ગતિ અને પોતાની માનસિકતાથી બધાને પ્રભાવિત કર્યા.”
ગાવસ્કરે ઉમેર્યું કે રાણા હજી 22 વર્ષના છે અને તેમની પાસે ગતિ પણ છે, તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમી શકે છે. લિટલ માસ્ટરે કરેલા વખાણ હર્ષિત રાણાનું મનોબળ વધારશે.