ગુજરાત : 'પ્રૅક્ટિસ ન કરું તો મને ખાવાનું ન ભાવે', ફૂટબૉલવાળી છોકરીઓના ગામની કહાણી

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન,
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

તમે પાટણ જિલ્લામાં વિખ્યાત રાણકી વાવ આસપાસના ગામમાં જઈને કોઈને પૂછો કે મહાદેવપુરા કઈ તરફ આવ્યું? તો જવાબ આપનારી વ્યક્તિ સામો સવાલ પૂછશે કે, “તમારે ફૂટબૉલવાળી છોકરીઓના ગામે જવું છે?”

રાણકી વાવથી લગભગ 20 કિલોમીટર દૂર મહાદેવપુરા નામનું નાનું ગામ છે.

આ ગામને છેડે એક પ્રાથમિક શાળા છે, જેની પાછળ એક ઊબડખાબડ મેદાન છે.

એ મેદાનમાં રોજ સાંજે એક સુંદર દૃશ્ય જોવા મળે છે. મેદાનમાં રોજ સંખ્યાબંધ છોકરીઓ ફૂટબૉલ રમતી જોવા મળે છે.

જો આ દૃશ્ય જોતાં એવું બની શકે કે આ બધું માત્ર એક આભાસ જ લાગે.

કારણ કે ગુજરાતમાં કોઈ અંતરિયાળ ગામમાં એકસામટી 50-60 છોકરીઓ ફૂટબૉલ રમતી હોય એવું દૃશ્ય ભાગ્યે જ જોવા મળે.

મેદાનની આસપાસથી પસાર થનારા પણ ક્યારેક આ છોકરીઓની રમત જોવા માટે ખોભરી જાય છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મહિલા ફૂટબૉલ ટીમ બની ગામની ઓળખ

નોંધનીય છે ગત 20 જુલાઈથી મહિલા ફૂટબૉલ વિશ્વકપની શરૂઆત થઈ છે. આ ટુર્નામેન્ટનો મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ સ્ત્રી-પુરુષ વચ્ચે સમાજમાં રહેલ ભેદ દૂર કરવાનો છે. પરંતુ ગુજરાતનું મહાદેવપુરા ગામ આ દિશામાં ઘણાં વર્ષો પહેલાંથી આગેકૂચ કરી ચૂક્યું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આમાંની મોટા ભાગની છોકરીઓએ રમવાનું શરૂ કર્યું તે અગાઉ ફૂટબૉલનું નામ સુધ્ધાં સાંભળ્યું નહોતું. હવે આ છોકરીઓ માટે ફૂટબૉલ તેમનું જીવન બની ચૂક્યું છે.

કમુ ઠાકોર નામની કિશોરી કહે છે કે, “એક દિવસ પણ પ્રૅક્ટિસ કરવા ન આવું તો મને ખાવાનું ન ભાવે. એવું લાગે કે ફૂટબૉલ નથી જોયો તો દિવસ સારો નથી ગયો!”

કેટલીય છોકરીઓ એવી છે જેમણે પહેલાં ક્યારેય ગામની સીમેય વટાવી નહોતી. આ છોકરીઓ હવે ફૂટબૉલના પોતાના હુન્નર થકી દેશનાં કેટલાંય રાજ્યોમાં રમી આવી છે.

અંતર ઠાકોર નામની કિશોરી કહે છે કે, “ફૂટબૉલ રમવાનું ચાલુ કર્યું ત્યારથી અમને દુનિયા કેવી છે એ ખબર પડી. ફૂટબૉલ નહોતાં રમતાં ત્યારે તો અમે અમારા ગામની બહારેય કદી ગયાં નહોતાં. રમવાનું શરૂ કર્યું એટલે મહાદેવપુરાની બહાર અન્ય જિલ્લામાં અને દેશનાં વિવિધ શહેરોમાં જવા માંડ્યાં અને ત્યાંની રહેણીકરણી – સંસ્કૃતિ વગેરે જોવાં મળ્યાં. એને લીધે અમારામાં ઘણો બદલાવ આવ્યો.”

કમુ અને રંગત સહિતની કેટલીક કિશોરીઓ ફૂટબૉલને પગલે ઝારખંડ, ઓડિશા, હરિયાણા, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં રમી આવી છે.

કમુ ઠાકોર કહે છે કે, “બહાર ગઈ ત્યારે ખબર પડી કે ફૂટબૉલ રમ્યા તેથી બહાર જવા મળ્યું, ત્યારે જ ખબર પડી કે બહાર લોકો કેવી રીતે રહે છે. જીવનમાં જે સમજણ વિકસી છે તે ફૂટબૉલને પણ આભારી છે.”

ગ્રે લાઇન

ગુજરાત પોલીસે બૉલ આપ્યો અને શરૂ થઈ ફૂટબૉલની રમત

બીબીસી ગુજરાતી

કેટલીક ઘટના નાની હોય છે પણ તેનાં પરિણામ ખૂબ મોટાં હોય છે. આ વાત મહાદેવપુરાની આ છોકરીઓ માટે યથાર્થ નીવડે છે.

મહાદેવપુરા ગામમાં ફૂટબૉલની શરૂઆત વર્ષ 2010થી થઈ હતી.

મહાદેવપુરા પ્રાથમિક શાળાના શિક્ષક રંગત ઠાકોર બીબીસીને જણાવે છે કે, “એ વખતે ગુજરાત પોલીસ પાસે એક ફૂટબૉલ હતો જે અમારી શાળાને રમવા આપ્યો હતો. અમને પણ અંદાજ ન હતો કે એ એક બૉલથી છોકરીઓની આખી ટીમ ઊભી થશે અને તેઓ આખા દેશમાં રમવા જશે. પોલીસે આપેલો ફૂટબૉલ નિમિત્ત બન્યો અને છેલ્લાં 13 વર્ષથી અમારા ગામની છોકરીઓ ફૂટબૉલ ક્ષેત્રે ઝળકી રહી છે.”

મહાદેવપુરામાં ફૂટબૉલની રમતની શરૂઆત રંગત ઠાકોરે કરી હતી.

છોકરીઓ જે મેદાનમાં હાલ ફૂટબૉલ રમે છે, એ મેદાન સમથળ નહોતું. ત્યાં રંગત ઠાકોરે પોતાનાં ટ્રૅક્ટર, પાવડા વગેરે સાધનો સાથે જમીનને થોડી રમવાલાયક બનાવી હતી.

સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલે પણ તેમને મેદાન સમથળ માટે મદદ કરી હતી.

જોકે, હજી પણ ફૂટબૉલ સરખી રીતે રમી શકાય એવું એ મેદાન નથી.

એકતરફ છોકરીઓ ફૂટબૉલ રમતી હોય અને ક્યાંક ભેંસ ચરતી હોય એવાં દૃશ્યો પણ જોવાં મળે છે.

અંતર ઠાકોર રમતને પ્રોત્સાહન મળે એ દિશામાં આશા વ્યક્ત કરતાં કહે છે કે, “અમારી સરકાર પાસે અપેક્ષા છે કે અમને ફૂટબૉલ રમવા માટે યોગ્ય મેદાન બનાવી અપાય. તેમજ ફૂટબૉલ માટેની કિટ તેમજ અન્ય સાધનોની સગવડ મળી રહે.”

રંગત ઠાકોર કહે છે કે જો અમુક સગવડો મળતી થાય તો ફૂટબૉલની રમતમાં છોકરીઓનો આત્મવિશ્વાસ પણ વધે.

ગ્રે લાઇન

ખેલ મહાકુંભમાં સેમિફાઇનલમાં પહોંચી ટીમ

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મહાદેવપુરાની કિશોરીઓની ફૂટબૉલ ટીમ

શરૂઆતમાં અહીં સાતેક છોકરીઓ ફૂટબૉલ રમતી.

રમતગમત પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ યોજાય છે. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ભાગ લે છે.

ખેલ મહાકુંભ માટે ટીમ બનાવવાની હતી. તેથી મહાદેવપુરાની પ્રાથમિક શાળાની 16 છોકરીઓની ટીમ તૈયાર કરાઈ.

મહાદેવપુરામાં છોકરીઓ ફૂટબૉલ રમતી થઈ અને સતત રમતી રહી એમાં ખેલ મહાકુંભે પણ પાયાની ભૂમિકા ભજવી છે.

પ્રથમ ખેલ મહાકુંભમાં ગામની ટીમે હાંસલ કરેલી સિદ્ધિ અંગે વાત કરતાં રંગત ઠાકોર કહે છે કે, “2010ના પહેલા જ ખેલ મહાકુંભમાં અમારી ટીમ રમવા ઊતરી ત્યારે ફૂટબૉલ માટેનાં શૂઝ કે કિટ નહોતાં. સાદા શૂઝ પહેરીને છોકરીઓ મેદાનમાં ઊતરી હતી. એ સમયે અમારી ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી હતી.”

તેઓ એ સમયે થયેલા અનુભવો અંગે આગળ જણાવતાં કહે છે કે, “એ વખતે ત્યાં ફૂટબૉલના જાણકાર લોકોએ મને આગ્રહપૂર્વક કહ્યું હતું કે રમાડવાનું ચાલુ રાખજો. આ છોકરીઓ સારું પરિણામ આપશે. મને પણ થયું કે જો પહેલા જ વખતમાં સેમિફાઇનલ સુધી પહોંચી શકાતું હોય તો તેમની રમત ખરેખર સારી છે. હજુ વધુ મહેનત કરવી જોઈએ.”

દીકરીઓના પરિવારજનોનો સહકાર મળવાના પ્રસંગ અંગે યાદ કરતાં તેઓ કહે છે કે, “બીજી બાબત એ છે કે ખેલ મહાકુંભમાં ઇનામપેટે છોકરીઓનાં ખાતાંમાં ત્રણ-ત્રણ હજાર રૂપિયા જમા થયા તેથી તેમને અને પરિવારને પણ થયું કે રમતથી પૈસા પણ મળશે. એ રીતે પણ તેઓ સતત રમવા પ્રેરાયાં.”

રંગત ઠાકોર કહે છે કે ખેલ મહાકુંભ પછી જિલ્લા કક્ષાની ફૂટબૉલ સ્પર્ધા આયોજિત કરાઈ હતી, જેમાં તેમની ટીમ પ્રથમ ક્રમાંક પર આવી હતી.

બીબીસી ગુજરાતી

ફૂટબૉલ કોચ વગર કઈ રીતે તાલીમ મેળવે છે છોકરીઓ?

રંગત ઠાકોર
ઇમેજ કૅપ્શન, રંગત ઠાકોર, શિક્ષક, મહાદેવપુરા

આશ્ચર્યજનક વાત તો એ છે કોઈ અધિકૃત ફૂટબૉલ કોચની તાલીમ વગર મદાહેવપપુરાની કિશોરીઓ નામ રોશન કરી રહી છે.

રંગત ઠાકોર છોકરીઓને તાલીમ આપે છે પરંતુ તેઓ તો શાળામાં શિક્ષકમાત્ર છે.

તેઓ કોઈ કોચ કે પીટી (ફિઝિકલ ટ્રેઇનિંગ) ટીચર નથી.

તમે કઈ રીતે તાલીમ આપો છો? આ સવાલના જવાબમાં રંગત ઠાકોર કહે છે કે, “હવે મોબાઇલ પર દેશદુનિયાના ફૂટબોલના મૅચ, પ્રૅક્ટિસ વગેરે જોવા મળે છે તેથી એ જોઈ જોઈને છોકરીઓને તાલીમ આપું છું.”

“આ ઉપરાંત, ખેલ મહાકુંભ પૂરો થયા પછી ઉનાળુ વૅકેશનમાં 21 દિવસનો સમર કૅમ્પ થાય છે. એમાં અમારે ત્યાં રમતી જે છોકરીઓ પસંદગી પામે તે સમર કૅમ્પ ભરવા માટે જાય છે. ત્યાં એ જે કાંઈ શીખે તેની તાલીમ અહીં રમતી છોકરીઓને આપે છે. તેથી આ રીતે પણ અમારી શાળાની છોકરીઓ ફૂટબૉલ માટે ઘડાય છે.”

રંગત ઠાકોર સતત માર્ગદર્શન અને છોકરીઓનું પ્રદર્શન વધુ ઉત્કૃષ્ટ બને એ હેતુથી પાટણ જિલ્લામાં એક ફૂટબૉલ કોચ નીમવાની સરકાર પાસે માગ કરે છે.

બીબીસી ગુજરાતી

ફૂટબૉલને લીધે કન્યાઓનો શિક્ષણદર સુધર્યો

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કમુ ઠાકોર, ખેલાડી

અગાઉ મહાદેવપુરા ગામમાં પ્રથામિક શાળા સાત ધોરણ સુધી જ હતી. તેથી ગામના ઘણા પરિવાર છોકરીઓને આગળ ભણાવતા નહોતા.

હવે ગામથી ત્રણ કિલોમીટર છેટે માધ્યમિક શાળા પણ છે.

એવો પણ દાવો છે કે છેલ્લાં 12 વર્ષથી ફૂટબૉલને લીધે છોકરીઓના ભણતર છોડવાના કિસ્સા થોડા ઘટવા માંડ્યા છે.

રંગત ઠાકોર કહે છે કે, “ફૂટબૉલને કારણે કેટલીક છોકરીઓ કૉલેજ સુધી ભણવા માંડી છે. ગામમાં ભણતર છોડી દેવાનો દર જો ઘટ્યો હોય તો ફૂટબૉલે તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.”

ફૂટબૉલર કમુ ઠાકોર બારમા ધોરણમાં છે અને અંતર ઠાકોર કૉલેજ કરે છે.

કમુ ઠાકોર આ વાત વધારે સારી રીતે સમજાવે છે. તે કહે છે કે, “કેટલાક લોકો એવું પણ માનતા હોય છે કે સ્પૉર્ટ્સને લીધે ભણતરને માઠી અસર પહોંચે છે, પણ મારું માનવું છે કે સ્પૉર્ટ્સને લીધે ભણતર વધુ સારું થાય છે.

મહાદેવપુરાની શાળાના શિક્ષક વીરમ ઠાકોર કહે છે કે, “જે છોકરીઓ ફૂટબૉલ રમતી થઈ છે તેમનો અભ્યાસ પણ સુધર્યો છે, એવું અમે શાળામાં જોઈ શકીએ છીએ.”

અંતર ઠાકોર તો ભણતરથી આગળ પણ જીવનમાં સ્પૉર્ટસ ચાલુ રાખવાની ભલામણ કરે છે.

તેઓ કહે છે કે, “છોકરીઓએ લગ્ન બાદ પણ રમતગમતનું ક્ષેત્ર મૂકી ન દેવું જોઈએ. લગ્ન પહેલાં જ સાસરિયાં સામે લગ્ન બાદ પણ સ્પૉર્ટ્સ ચાલુ રાખવાની વાત સ્પષ્ટપણે મૂકી દેવી જોઈએ.”

બીબીસી ગુજરાતી

ગામે કર્યું વિજેતા દીકરીઓનું સામૈયું

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, દીકરીઓની ફૂટબૉલ ટીમે કર્યો વિવિધ રાજ્યોનો પ્રવાસ

મહાદેવપુરામાં જે મેદાન પર ફૂટબૉલ રમાય છે તે ઊબડખાબડ હોવાની સાથોસાથ મેદાન પર ક્યાંક ક્યાંક કાંટા પણ છે.

તેથી ફૂટબૉલમાં અવારનવાર પંક્ચર પડી જાય છે.

અંતરિયાળ ગામમાં ફૂટબૉલ તો તરત મળે નહીં, ઉપરાંત વારંવાર નવો ફૂટબૉલ ખરીદવો પરવડે પણ નહીં.

રંગત ઠાકોર કહે છે કે, “અમારી પાસે જે પાંચ – છ બૉલ છે તે તમામ પંક્ચર સાંધેલા જ છે. હવે તો ફૂટબૉલની આ ખેલાડીઓ એ રીતે પણ તૈયાર થઈ ગઈ છે કે પંક્ચર પણ જાતે સાંધી લે છે.”

તેઓ ફૂટબૉલ રમતી દીકરીઓને પ્રોત્સાહન આપવાના ગામલોકોના સામૂહિક પ્રયત્નો વિશે વાત કરતાં કહે છે કે, “2014માં અન્ડર-14 અને અન્ડર-17માં જ્યારે અમારા ગામની છોકરીઓ રાજ્યકક્ષાએ વિજેતા બનીને આવી ત્યારે ગામલોકોએ સંગીતના તાલે સામૈયું કર્યું હતું. ગામમાં પેંડા વહેચાયા હતા.”

જોકે, ફૂટબૉલની શરૂઆતમાં પડેલી મુશ્કેલી અંગે વાત કરતાં વીરમ ઠાકોર કહે છે કે, “2010માં જ્યારે શરૂઆત કરી ત્યારે છોકરીઓ ફૂટબૉલની મૅચમાં ટીશર્ટ – ચડ્ડા (શૉર્ટ્સ) પહેરતાં છોકરીઓને સંકોચ થતો હતો. તેઓ પાટણ ખેલ મહાકુંભ રમવા ગયાં અને ત્યાં અન્ય છોકરીઓને રમતાં જોઈ ત્યારે તેમને સમજાયું કે જો આપણે સારી રીતે રમવું હશે તો એના માટેનો જે પહેરવેશ હશે તે પહેરવો પડશે. ધીમે ધીમે તેઓ સ્પૉર્ટ્સના રંગે રંગાવાં મંડ્યાં હતાં.”

નોંધનીય છે કે સ્ત્રી-પુરુષ વચ્ચે સમાજમાં રહેલા ભેદભાવ દૂર કરવાના હેતુસર યોજાયેલ ફૂટબૉલ વર્લ્ડકપ ટુર્નામેન્ટ માટે સંયુક્ત રાષ્ટ્રના મહિલા સંગઠન યુએન વીમૅને ઇન્ટરનેશનલે ફેડરેશન ઑફ ઍસોસિએશન ફૂટબૉલ સાથે હાથ મિલાવ્યા છે.

યુએન વીમૅનનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સીમા બહૌસે એક પ્રેસ નોટમાં કહ્યું હતું કે, “આ ટુર્નામેન્ટ એ વાત યાદ અપાવવા માટે છે કે વિશ્વમાં ઘણી મહીલાઓ અને છોકરીઓ છે જે સ્પૉર્ટ્સમાંથી બાકાત છે. જે છોકરીઓ ભાગ લે છે તેને પણ ભેદભાવનો સામનો કરવો પડે છે. કેટલીક વખત તો તેમને અણછાજતી બાબતોનો પણ સામનો કરવો પડે છે.”

“જો છોકરીઓ – મહિલાઓને છોકરા કે પુરુષ જેટલી જ તક ન આપવામાં આવે તો ન માત્ર તે મહિલાઓ બલકે સમગ્ર દુનિયા કેટલું બધું ચૂકી જાય છે તે આ વર્લ્ડકપ આપણને બતાવે છે. આ વિશ્વકપ મહિલા ખેલાડીઓ કેવા અદભુત ગોલ કરે છે તે જોવા માટે તો છે જ, પરંતુ તેના કરતાં પણ મહત્ત્વનો ગોલ એ છે કે સ્ત્રીપુરુષ વચ્ચેના ભેદ ખરી પડે અને તેમને સમાન તક મળે.”

રેડ લાઇન
રેડ લાઇન