નિખત, નીતુ, સ્વીટી અને લવલીનાઃ મહિલા બૉક્સરોએ કેવી રીતે રચી સુવર્ણગાથા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દીપ્તિ પટવર્ધન
- પદ, સ્પૉર્ટ્સ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
નિખત ઝરીન બાર વર્ષની વયે હૈદરાબાદમાં એક ઍથ્લેટિક્સ મીટમાં ભાગ લેવા ગયાં હતાં. એ વખતે તેઓ બીજી ઍથ્લેટિક્સ સ્પર્ધાઓમાં પણ ભાગ લેતી નાની વયની દોડવીર હતાં.
નિખતે એ વખતે બૉક્સિંગ સિવાય અન્ય અનેક રમતોમાં ભાગ લીધો હતો, પરંતુ તેમના મનમાં એક વાત સતત ઘૂમરાતી હતી.
નિખત તેમના પિતા મોહમ્મદ જમીલ અહમદ સાથે ઍથ્લેટિક્સ મીટમાં ગયાં હતાં. તેથી તેમણે પિતાને જ સવાલ કર્યો હતો કે “બૉક્સિંગ માત્ર છોકરાઓ જ કરી શકે?” આ નિર્દોષ સવાલ સાથે નિખતનો મુક્કાબાજી સાથેનો સંબંધ શરૂ થયો હતો.
નિખતે ગયા રવિવારે નવી દિલ્હીના ઇંદિરા ગાંધી સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સમાં વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. નિખતે વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં આ સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
એટલું જ નહીં, તેમના સિવાય અન્ય ત્રણ મહિલા મુક્કાબાજોએ પણ ગોલ્ડ મેડલ જીતીને વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ મેડલ જીતવાના વિક્રમની બરાબરી કરી હતી.
વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપની 50 કિલોગ્રામ લાઇટ ફ્લાયવેટ વર્ગની રવિવારે રમાયેલી ફાઇનલમાં નિખતે વિયેતનામની નગુએમ થી ટામને એકતરફી મુકાબલામાં 5-0થી હરાવ્યાં હતાં.
કાંસ્યપદક જીતવાના પોતાના સિલસિલાને પાછળ છોડતાં લવલીના બોરગોહાઈએ પણ રવિવારે જ ગોલ્ડન સફળતા મેળવી હતી.
તેમણે 75 કિલોગ્રામ વર્ગમાં ઑસ્ટ્રેલિયાનાં કેટલિન પાર્કરને હરાવીને બૉક્સિંગ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પહેલી વાર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બન્નેના એક દિવસ પહેલાં નીતુ ઘંઘસે 48 કિલોગ્રામ મિનિમમ વેઇટ કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે 81 કિલોગ્રામ લાઇટ હેવીવેઇટ કૅટેગરીનો ગોલ્ડ મેડલ સ્વીટી બુરાએ જીત્યો હતો.
ગોલ્ડ મેડલ અને ખ્યાતિ સાથે આ મહિલા મુકકાબાજોને ઈનામ તરીકે રૂ. 82.7 લાખ, રૂ. 82.7 લાખના ચેક પણ મળ્યા હતા.
આ ચારેયની સફળતાને લીધે વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ – 2023માં ભારતીય ટીમ પૉઇન્ટ ટેબલમાં ટોચ પર રહી.
ભારતીય બૉક્સર્સની સફળતા બાદ ભારતીય મુક્કાબાજી સંઘના અધ્યક્ષ અજયસિંહે રવિવારે કહ્યું હતું કે “આ ઐતિહાસિક પ્રદર્શન છે. અમે સતત સારો દેખાવ કરી રહ્યા છીએ, પરંતુ જે આત્મવિશ્વાસ આજે જોવા મળ્યો એ અગાઉ ક્યારેય જોવા મળ્યો ન હતો. કેટલાક ખેલાડીઓએ તો રાઉન્ડ ગુમાવ્યા પછી પણ વાપસી કરી હતી અને છેલ્લી ક્ષણ સુધી સંઘર્ષ ચાલુ રાખ્યો હતો.”
તેમણે ભવિષ્યના આશા તરફ ઇશારો કરતાં ઉમેર્યું હતું કે “જે મુક્કાબાજ અહીં જીતી શક્યાં નથી, તેમના માટે આગામી દિવસોમાં વર્લ્ડ ચૅમ્પિયન બનવાની ક્ષમતા છે. એ પૈકીના કેટલાક ઑલિમ્પિક્સ અને વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપનાં ભાવિ ચૅમ્પિયન છે.”

2006માં રચાયો હતો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય મહિલા મુક્કાબાજોએ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ મેળવ્યા હોય તેવી 2006 પછીની એક પહેલી ઘટના છે.
2006માં ભારતે વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપનું યજમાનપદ સૌપ્રથમ વાર સંભાળ્યું હતું. એ વખતે 46 કિલોગ્રામ કૅટેગરીમાં એમસી મેરી કૉમે, બાવન કિલોગ્રામ કૅટેગરીમાં સરિતા દેવીએ, 63 કિલોગ્રામ કૅટેગરીમાં જેની આરએલએ અને 75 કિલોગ્રામ કૅટેગરીમાં લેખા કેસીએ ભારતને સુવર્ણચંદ્રક જિતાડી આપ્યા હતા.
ભારતીય મહિલા મુક્કાબાજોની ચમક વૈશ્વિકસ્તરે જોવા મળી હોય એવો પણ તે પહેલો પ્રસંગ હતો.
વાસ્તવમાં 2006ના આ ચૅમ્પિયન મુક્કાબાજોએ જ આંતરરાષ્ટ્રીયસ્તરે ભારતીય મહિલા બૉક્સર્સની સફળતાનો પાયો નાખ્યો હતો.
એ પછી મેરી કૉમ છ વખત વર્લ્ડ ચૅમ્પિયન બન્યાં અને તેમની આ સફળતાએ ભારતમાં મહિલા મુક્કાબાજીને લોકપ્રિય બનાવી છે.
2012માં લંડન ઑલિમ્પિક્સમાં મહિલા મુક્કાબાજીને મેડલ સ્પૉર્ટ્સ તરીકે સૌપ્રથમ વાર સામેલ કરવામાં આવી હતી. લંડન ઑલિમ્પિક્સમાં મેરી કૉમે ફ્લાઇવેટ કૅટેગરીમાં ભારતને કાંસ્યચંદ્રક પણ જિતાડ્યો હતો, પરંતુ ભારત તે સફળતાનો સિલસિલો ચાલુ રાખી શક્યું ન હતું.
ભારતીય મુક્કાબાજ સંઘમાં વહીવટી મુશ્કેલીઓનો દૌર શરૂ થયો હતો. ડિસેમ્બર, 2012માં ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિની ફરિયાદ બાદ વિશ્વ મુક્કાબાજી સંઘે ભારતીય મુક્કાબાજ સંઘની માન્યતા સસ્પેન્ડ કરી નાખી હતી.
લગભગ ચાર વર્ષ પછી ભારત વિશ્વ મુક્કાબાજી સંઘની જોગવાઈ મુજબ પોતાનું સંગઠન તૈયાર કરી શક્યું હતું. એ દરમિયાન ભારતીય મુક્કાબાજોનું ભવિષ્ય અધ્ધરતાલ રહ્યું હતું.
ભારતમાં સ્થાનિકસ્તરે સ્પર્ધાઓનું આયોજન થઈ શકતું ન હતું અને ભારતીય મુક્કાબાજો આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ પણ લઈ શકતા ન હતા.

ઇમેજ સ્રોત, BFI MEDIA
અધ્ધરતાલ મુક્કાબાજોને મળ્યો સહારો
અજયસિંહના નેતૃત્વમાં ભારતીય મુક્કાબાજ સંઘમાં આધારભૂત સુવિધા બહેતર થઈ હતી અને સંઘમાં પ્રોફેશનલ કલ્ચર વિકસ્યું હતું. રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરની ચૅમ્પિયનશિપની શરૂઆત થઈ હતી.
એ ચૅમ્પિયનશિપ શરૂ થવાની સાથે અલગ-અલગ વય જૂથમાં પણ સ્પર્ધાનો સિલસિલો શરૂ થયો હતો. ભારતીય મુક્કાબાજોમાં આંતરરાષ્ટ્રીયસ્તરના કોચ તથા સપોર્ટ સ્ટાફની નિમણૂક શરૂ થઈ હતી.
મુક્કાબાજોને વધુ એક્સપોઝર મળવા લાગ્યું હતું અને વિદેશમાં કૅમ્પના આયોજનની શરૂઆત થઈ હતી.
અલબત્ત, કૅમ્પ એકદમ પરફેક્ટ ન હતા, એવું માની શકાય નહીં. એ પછી મુક્કાબાજોએ અને ખાસ કરીને મહિલા મુક્કાબાજોએ દેખાડ્યું કે થોડી મદદ મળે તો તેઓ કેવી કમાલ કરી શકે છે.

વર્લ્ડ રેંકિંગમાં ભારત ચોથા સ્થાને

ઇમેજ સ્રોત, BFI MEDIA
મુક્કાબાજીની વર્લ્ડ રેંકિંગમાં ભારત આજે ચોથા સ્થાને છે. મુક્કાબાજીની દુનિયામાં દબદબો ધરાવતા અમેરિકા, તુર્કી, ક્યુબા, બ્રિટન અને આયર્લૅન્ડની તુલનામાં ભારતની રેંકિંગ બહેતર છે.
2020ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતે મુક્કાબાજોની સૌથી મોટી ટીમ મોકલી હતી. પાંચ પુરુષ અને ચાર મહિલા મુક્કાબાજોએ ભારત તરફથી પડકાર પ્રસ્તુત કર્યો હતો.
69 કિલોગ્રામ કૅટેગરીમાં લવલીના બોરગોહાઈએ ભારત માટે કાંસ્યચંદ્રક જીત્યો હતો. એ પછી આંતરરાષ્ટ્રીયસ્તરની સ્પર્ધાઓમાં ભારતીય મહિલા મુક્કાબાજોનું પ્રદર્શન બહેતર રહ્યું છે.
2022ની મહિલા બૉક્સિંગ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં તો ભારતને ત્રણ મેડલ મળ્યા હતા. નિખત ઝરીને બાવન કિલોગ્રામ કૅટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જ્યારે મનીષા મૌને ફેધરવેઇટ કૅટેગરીમાં અને પ્રવીણ હુડ્ડાએ લાઇટ વેલ્ટરવેઇટ કૅટેગરીમાં કાંસ્યચંદ્રક મેળવ્યા હતા. એ પ્રદર્શન નિશ્ચિત રીતે ઉત્સાહવર્ધક હતું.

ભારત બન્યું યજમાન

ઇમેજ સ્રોત, BFI MEDIA
આ વર્ષની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં દુનિયા સામે પોતાની તાકાત દેખાડવાની તક ભારત પાસે હતી.
એક તો ભારતને પોતાના ઘરેલુ દર્શકો સામે રમવાની તક મળી હતી અને બીજી તરફ ચૅમ્પિયનશિપ દરમિયાન લગભગ રૂ. 100 કરોડની ઈનામી રકમ દાવ પર હતી.
ભારતે આ ઇવેન્ટની તમામ 12 કૅટેગરીમાં પોતાના એક-એક મુક્કાબાજને ઉતાર્યા હતા.
ટીમની પસંદગીના વિવાદ, રશિયા તથા બેલારુસને રમવાની તક આપવા બદલ 11 દેશ દ્વારા સ્પર્ધાના બહિષ્કાર અને સ્પર્ધાને ઑલિમ્પિક્સ ક્વોલિફિકેશનનો દરજ્જો નહીં મળવા જેવા ચારેય મુદ્દા ભારતીય મહિલા મુક્કાબાજોના શાનદાર પ્રદર્શનને કારણે દબાઈ ગયા હતા.
બે વખત યૂથ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં વિજેતા બનેલાં નીતુ ઘંઘસ મુક્કાબાજીના ગઢ ગણાતા ભિવાનીનાં છે. તેમણે 2022ની કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાનો ઇરાદો વ્યક્ત કરી દીધો હતો.
2023ની વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં તેમણે આક્રમક શરૂઆત કરી હતી. પહેલા ત્રણ મુકાબલા તો એ રીતે જીત્યા હતા કે રેફરીએ મૅચ રોકવી પડી હતી.
સેમિફાઇનલમાં તેમની સામે ટોપ સીડેડ અલુઅ બલ્કિબેકોવા હતાં. બલ્કિબેકોવાએ અગાઉ નીતુને હરાવ્યાં હતાં અને બાદમાં રજતચંદ્રક જીતવામાં સફળ થયાં હતાં.
એ હારનો બદલો લેતાં નીતુએ સેમિફાઈનલ મૅચ 3-2થી જીતી હતી. ફાઇનલ મૅચમાં નીતુ ઘંઘસના હીરો અને ભારતના સ્ટાર મુક્કાબાજ વિજેંદરસિંહ દર્શક ગૅલરીમાં હાજર હતા.
તેમની ઉપસ્થિતિમાં નીતુએ મંગોલિયાના લુત્સેઇકાન અલ્તાંત્સેત્સેને 5-0થી હરાવીને પોતાનો સૌપ્રથમ વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને એ પણ ગોલ્ડ મેડલ.
એ સફળતા પછી નીતુએ મીડિયાને કહ્યું હતું કે “ગત વર્ષે હું મેડલ જીતી શકી ન હતી. તેથી મેં આ વખતે મારી ખામીને સુધારવાના પ્રયાસ કર્યા હતા અને ઘરેલુ દર્શકો સામે મેડલ જીત્યો છે.”

સ્વીટી બુરા અને લવલીના બોરગોહાઈનું પ્રદર્શન
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
બીજી તરફ સ્વીટી બુરાએ પણ નવ વર્ષના લાંબા સંઘર્ષ પછી ગોલ્ડ મેડલ જીત્યો છે. એ તેમની કારકિર્દીના સૌથી મહત્ત્વના લક્ષ્ય પૈકીનો એક છે. 2014માં જેજુ સિટી ચૅમ્પિયનશિપમાં સ્વીટીએ રજતચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.
એ જાણવું રસપ્રદ છે કે કોરોના સંકટ દરમિયાન સ્વીટી બૉક્સિંગ છોડીને કબડ્ડી તરફ વળી ગયાં હતાં. થોડા મહિના બૉક્સિંગથી દૂર રહ્યા બાદ તેમને સમજાયું હતું કે મુક્કાબાજી જ તેમનો પહેલો પ્રેમ છે.
સ્વીટી નવા ઉત્સાહ સાથે બૉક્સિંગની દુનિયામાં પાછા આવ્યાં હતાં અને પોતાની ફિટનેસ માટે બહુ મહેનત કરી હતી. સ્વીટીએ 2018ની વર્લ્ડ ચૅમ્પિયન વેંગ લીનાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
30 વર્ષનાં સ્વીટીએ કહ્યું હતું કે “વર્લ્ડ ચૅમ્પિયન બનવાનું સપનું સાકાર થવાથી હું રોમાંચિત છું. મુકાબલો સારો રહ્યો અને મેં મારી યોજના અનુસાર કામ કર્યું હતું. ટુર્નામેન્ટ આગળ વધી તેની સાથે મારી ગેમ પણ સુધરતી રહી હતી અને મારા શરીરે પણ બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું હતું.”
આ વખતની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં લવલીના બોરગોહાઈને પણ સૌપ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો હતો.
આસામનાં લવલીના અગાઉ ત્રણ મોટી ટુર્નામેન્ટમાં કાંસ્યચંદ્રક જીત્યાં છે. ઑલિમ્પિક્સમાં કાંસ્યચંદ્રક ઉપરાંત 2018 અને 2019ની વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં પણ તેમણે કાંસ્યચંદ્રક જીત્યાં હતાં.
નવી દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં લવલીના તેમના કાંસ્યચંદ્રકનો રંગ બદલવા ઇચ્છતાં હતાં.
જોકે, ટોક્યો ઑલિમ્પિક્સમાં તેમનું ફૉર્મ જરાક નબળું હતું. 2022ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં તેઓ પ્રીમિયર ક્વાર્ટર રાઉન્ડથી આગળ વધી શક્યાં ન હતાં અને બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સમાં પણ તેમની સફર ક્વાર્ટર ફાઇનલ સુધી સીમિત રહી હતી.
લવલીના આ વખતે વધુ વેઇટ કૅટેગરીમાં મેદાને પડ્યાં હતાં અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે આસાન ન હતું. ફાઇનલમાં તો એક રાઉન્ડ ગુમાવ્યા પછી તેમણે વાપસી કરી હતી.
એ મૅચ પછી તેમણે કહ્યું હતું કે “મારો મુકાબલો મજબૂત મુક્કાબાજ સામે હતો. તેથી અમે એ હિસાબે વ્યૂહરચના બનાવી હતી. પહેલા બે રાઉન્ડમાં આક્રમક અભિગમ બાદ છેલ્લા રાઉન્ડમાં કાઉન્ટર ઍટેક પર ધ્યાન આપવાનું હતું. 2018 અને 2019માં મેં કાંસ્યચંદ્રક જીત્યો હતો. આ વખતે તેનો રંગ બદલાયો એટલે સારું લાગે છે.”

નિખતનો પડકાર અને એ સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
નિખત ઝરીન પણ વેઇટ કૅટેગરી બદલીને એટલે કે 50 કિલોગ્રામ કૅટેગરીમાં નસીબ અજમાવવા મેદાને પડ્યાં હતાં. આ વેઇટ કૅટેગરીમાં તેઓ પેરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ શકે છે.
ગત વર્ષે વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી બધાની નજર 26 વર્ષનાં નિખત પર હતી, પરંતુ તેમની જ સામે સૌથી મુશ્કેલ પડકાર હતો.
નિખત નવી વેઇટ કૅટેગરીમાં ભાગ લઈ રહ્યાં હતાં. એ ઉપરાંત તેઓ બિનક્રમાંકિત ખેલાડી હતાં અને તેમણે 12 દિવસમાં છ મૅચ રમવાની હતી.
કારકિર્દીની શરૂઆતમાં નિખત લાંબો સમય મેરી કૉમના પડછાયામાં રહ્યાં હતાં, પરંતુ તેઓ મળેલી તકનો લાભ લેવાના પાઠ ભણ્યાં છે. આક્રમક શૈલીમાં બૉક્સિંગ કરતાં નિખત સતત બીજા વર્ષે ફાઇનલમાં પહોંચ્યાં હતાં.
નગુએમ સામેની મૅચના બીજા રાઉન્ડમાં નિખતના હોઠનો ઉપરનો હિસ્સો ફાટી ગયો હતો. તેઓ પીડાથી કરાંજી રહ્યાં હતાં.
એ મૅચ બાદ તેમણે કહ્યુ હતું કે “ઉપરના હોઠમાંથી લોહી ટપકવા લાગ્યું હતું. એ સંજોગોમાં ડૉક્ટરને બોલાવીને મૅચ થોડી વાર રોકી શકાઈ હોત, પરંતુ હું જોખમ લેવા માગતી ન હતી. તેથી મેં જોર કર્યું. મારી જાતને કહ્યું કે ચલ નિખત, કર સકતી હૈ ઔર જાન લગા. છેલ્લી મૅચ હતી એટલે ઊર્જા બચાવીને શું કરવાનું. તેથી મેં વધારે જોર કર્યું હતું.”
ફાઇનલ મૅચમાં નિખત ક્યારેય પાછળ રહ્યાં ન હતાં અને વધુ એક ગોલ્ડ મેડલ જીતીને જ તેમણે શ્વાસ લીધો હતો.
નિખતે વર્ષો પહેલાં પોતાના પિતાને બૉક્સિંગ વિશે જે સવાલ પૂછ્યો હતો તેનો જવાબ, સતત બે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી ખુદને વધુ સારી રીતે આપ્યો હશે, એ સ્પષ્ટ છે.














