ડેરીમાં ચૂકવાતો ભાવફેર એટલે શું? અમૂલ મૉડલમાં દૂધનો ભાવ કોણ અને કેવી રીતે નક્કી કરે છે?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

સાબરકાંઠા જિલ્લામાં પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો અને માલધારીઓ સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવેલો ભાવફેર ઓછો હોવાની ફરિયાદ કરીને વિરોધ કરી રહ્યા છે. તેમનામાંથી કેટલાકની સામે તો કથિત રીતે હિંસા આચરવા બદલ ફોજદારી કેસ પણ નોંધાયો છે.

આખરે ખેડૂતોના ભારે વિરોધ બાદ સાબર ડેરીએ ભાવફેર વધારીને પ્રતિ કિલો ફૅટે 995 ચૂકવવાનું નક્કી કર્યું છે.

ખેડૂત નેતાઓ અને રાજકીય આગેવાનો ડેરી ક્ષેત્રમાં 'અમૂલ' એક ઉદાહરણરૂપ મૉડલ હોવાનું કહે છે. દૂધ ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે પુરવઠાની સીધી સાંકળ રચીને વચેટિયાઓની નાબૂદી એ અમૂલના પાયાનો સિદ્ધાંત છે. આ ઉપરાંત પ્રૉફેશનલ મૅનેજમેન્ટ, શુદ્ધતાની ખાતરી અને મૅનેજમેન્ટ કૉસ્ટને નિયંત્રણમાં રાખવાની નીતિને કારણે 80 વર્ષથી અમૂલ મૉડલ સફળતાપૂર્વક ચાલી રહ્યું હોવાનું કહેવાય છે.

હવે, મૅનેજમેન્ટ કૉસ્ટ એટલે ડેરી દ્વારા દૂધ ઉત્પાદક ખેડૂતો કે પશુપાલકો પાસેથી દૂધ ખરીદીને તે દૂધ કે તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવીને ગ્રાહકો સુધી વેચવા માટે થતો ખર્ચ.

અમૂલની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર તેની સાથે છત્રીસ લાખ કરતાં પણ વધારે દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. અમૂલ પાસે દૈનિક ધોરણે પાંચ કરોડ લીટર દૂધ હૅન્ડલ કરવાની ક્ષમતા છે. વર્ષ 2023-24માં અમૂલે 595 અબજ રૂપિયા કરતાં પણ વધારે મૂલ્યની વસ્તુઓનું વેચાણ કર્યું હતું.

તો સાબરકાંઠાના ખેડૂતો જે બાબતે વિરોધ કરી રહ્યા છે તે ભાવફેર શું છે? ડેરીઓ ખેડૂતોના દૂધના ભાવ કઈ રીતે નક્કી કરે છે? ભાવફેર કોણ ચૂકવે છે? તેનું ફંડ ક્યાંથી આવે છે? આ પ્રશ્નોના જવાબ મેળવવાનો અમે પ્રયાસ કર્યો.

ભાવફેર વિશે સમજતા પહેલા અમૂલના માળખાને સમજીએ.

અમૂલ ત્રિસ્તરીય સહકારી માળખું છે. ગામડાંઓમાં ખેડૂતો દ્વારા ચલાવાતી સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓ આ મૉડલના પાયામાં છે.

આ પ્રકારની 18,600 જેટલી સહકારી મંડળીઓએ ભેગી થઈને ગુજરાતમાં જિલ્લા સ્તરની 18 સંસ્થાઓ બનાવી છે. તે ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યૂસર્સ યુનિયન એટલે કે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તરીકે ઓળખાય છે. આવા સંઘો દૂધસાગર ડેરી, સાબર ડેરી, ગોપાલ ડેરી (રાજકોટ), સુમુલ ડેરી (સુરત) વગેરે નામોથી ઓળખાય છે.

આ જિલ્લા સ્તરના 18 સંઘો દ્વારા ગુજરાત કો-ઑપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (ટૂંકમાં, જીસીએમએમએફ) એટલે કે ગુજરાત સહકારી દૂધ વેચાણ મહાસંઘ બનાવાયો છે. જીસીએમએમએફ અમૂલ બ્રાન્ડની માલિક ધરાવે છે અને 'અમૂલ' અને 'સાગર' બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું ગુજરાત અને દેશ-વિદેશમાં વેચાણ કરે છે.

મંડળીઓના હોદ્દેદારો તેમના જિલ્લા સંઘના હોદ્દેદારોને ચૂંટે છે અને 18 સંઘોના હોદ્દેદારો ફેડરેશનના હોદ્દેદારો ચૂંટે છે. આમ, અમૂલ મૉડલમાં સત્તા દૂધ ઉત્પાદકોની હોય છે.

દરેક સંઘ એટલે કે જિલ્લા કક્ષાની ડેરી તેની સાથે જોડાયેલી મંડળીઓના માધ્યમથી દૂધ ઉત્પાદકો પાસેથી દૂધ ખરીદવાના ભાવ નક્કી કરવા સૈદ્ધાંતિક રીતે તો સ્વતંત્ર છે. પરંતુ, વ્યવહારમાં એવું બહુ બનતું નથી. કારણ કે, અમૂલ અને સાગર બ્રાન્ડ હેઠળ વેચાતાં દૂધ અને દૂધની બનાવટોની છૂટક વેચાણ કિંમત જીસીએમએમએફ નક્કી કરે છે.

સંઘો મંડળીઓના માધ્યમથી દૂધ ઉત્પાદકો પાસેથી દૂધ ખરીદી, તેના પર પ્રક્રિયા કરી, તેને 'અમૂલ' બ્રાન્ડ હેઠળ વેચે છે. સંઘો દૂધમાંથી દહીં અને ઘી બનાવીને પણ અનુક્રમે 'અમૂલ' અને 'સાગર' બ્રાન્ડ હેઠળ વેચે છે. ઉપરાંત તેઓ દૂધમાંથી છાશ બનાવીને લોકલ બ્રાન્ડ નામ આપીને પણ વેચે છે.

જિલ્લા સંઘોને સ્થાનિક બજારમાં દૂધ, છાશ અને અન્ય વસ્તુઓ વેચ્યાં બાદ પણ જો દૂધ ઉત્પાદકો પાસેથી લીધેલું દૂધ વધે તો તે વધારાનું દૂધ જીસીએમએમએફને વેચી દે છે. તે જ રીતે જો ઘટે તો ફેડરેશન પાસેથી ખરીદી પણ શકે છે.

સહકારી આગેવાનો કહે છે કે હાલનાં વર્ષોમાં મોટા ભાગના સંઘો મોટી માત્રામાં દૂધ ફેડરેશનને આપે છે. કારણ કે, ફેડરેશન પાસે દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ અને વેચાણ કરવાનું એક મોટું માળખું છે. વળી, ફેડરેશન પાસે દૂધમાંથી ચૉકલેટ, આઇસ્ક્રીમ, લસ્સી, પનીર, માખણ, શ્રીખંડ, મીઠાઈઓ, દૂધનો પાઉડર વગેરે બનાવવાનાં પ્લાન્ટ્સ અને મશીનરી છે. દરેક યુનિયન પાસે આવી સુવિધા નથી.

તેથી, સંઘોની વેચાણથી થતી આવક ફેડરેશન કયા પ્રકારની કિંમતો નક્કી કરે છે તેના પર પણ આધાર રાખે છે. પરિણામે ફેડરેશન દૂધનો ભાવ શું આપે છે તે ધ્યાનમાં રાખીને સંઘો તેમની સાથે જોડાયેલા ખેડૂતો માટે કામચલાઉ ખરીદ ભાવો નક્કી કરે છે.

એક યુનિયનના જનરલ મૅનેજરે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "સામાન્ય રીતે દરેક યુનિયન ફેડરેશન કયો ભાવ નક્કી કરે છે તેના પરથી સંકેતો મેળવી પોતાની મંડળીઓ માટે દૂધના ઉચ્ચક ભાવ નક્કી કરતી હોય છે. પરંતુ, ફેડરેશન યુનિયનને અઠવાડિક ધોરણે દૂધની રકમનું ચુકવણું કરે છે અને તેમાં કિંમતો બદલતી રહે છે."

ફેડરેશન બજારની સ્થિતિને ધ્યાનમાં લઈને સંઘોને ચૂકવાતી કિંમતમાં ટૂંકા ગાળામાં જ ફેરફાર કર્યા કરે છે. પરંતુ, સંઘો સામાન્ય સંજોગોમાં ઉચ્ચક ખરીદકિંમતોમાં વર્ષમાં બે કે ત્રણ વારથી વધારે વખત ભાગ્યે જ વધારો કરે છે.

દૂધમાં મુખ્ય ત્રણ ઘટકો હોય છે - ફૅટ એટલે કે ચરબી અથવા ઘી, સૉલિડસ-નોટ-ફૅટ (ટૂંકમાં એસએનએફ) એટલ કે ચરબી સિવાયના ઘનપદાર્થો, અને પાણી.

એસએનએફમાં અમુક પ્રકારનાં પ્રોટીન્સ, લૅક્ટોઝ, વિટામિન્સ અને ખનિજોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં સહકારી ડેરીઓ દૂધની કિંમત તેમાં રહેલાં ફૅટ અને એસએનએફની માત્ર પરથી નક્કી કરે છે. આમ, ભાવ નક્કી કરવાની પ્રથા દ્વિધરીય છે. પરંતુ આ પ્રથામાં પણ ફૅટની માત્રા પર વધારે વજન અપાય છે. સહકારી ડેરીઓ ભાવ પ્રતિ કિલો ફૅટના આધારે જાહેર કરે છે. હાલ, મોટા ભાગની ડેરીઓ કિલો ફૅટના 800 રૂપિયાથી વધારે ભાવ ખેડૂતોને આપે છે.

જિલ્લા સંઘ દૂધની ઉચ્ચક ખરીદકિંમત નક્કી કરે તેમાંથી અમુક રકમ મંડળીઓના કમિશન તરીકે નક્કી કરે છે. તેથી, ખેડૂતોને મળતા વાસ્તવિક ભાવમાં ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે, કોઈ ડેરીએ કિલો ફૅટનો ભાવ 805 રૂપિયા નક્કી કર્યો હોય અને મંડળીને તેમાંથી પાંચ રૂપિયા કમિશન લેવાની મંજૂરી આપી હોય તો દૂધ ઉત્પાદક માટે વાસ્તવિક મળવા પાત્ર ભાવ 800 રૂપિયા જ થાય.

કોઈ દૂધ ઉત્પાદક તેની ભેંસનું પાંચ લિટર દૂધ લઈને મંડળીએ જાય અને ત્યાં મિલ્ક ઍનેલાયઝર એટલે કે દૂધ વિશ્લેષક મશીનમાં ટેસ્ટિંગ કરતા તેમાં ફૅટની માત્રા 8 ટકા આવે તો તેનો મતલબ એમ થયો કે દરેક લિટર દૂધમાં 8 ટકા અથવા 80 ગ્રામ ફૅટ છે.

તેના હિસાબે આટલી જ ફૅટની માત્રાવાળા 10 લિટર દૂધમાં 800 ગ્રામ ફૅટ થાય અને 12.5 લિટરમાં 1,000 ગ્રામ એટલે કે એક કિલો ફૅટ થાય. તેથી, 12.5 લિટર દૂધના તે ખેડૂતોને 800 રૂપિયા મળે.

જો 1,000 ગ્રામ ફૅટની કિંમત 800 રૂપિયા હોય તો 80 ગ્રામ ફૅટની કિંમત 64 રૂપિયા થાય. તેથી, ખેડૂતને તે દૂધના લિટર દીઠ 64 રૂપિયા ભાવ મળશે.

હાલ દૂધમાં કેટલા ટકા ફૅટ, કેટલા ટકા એસએનએફ, કેટલા ટકા પાણી અને કેટલા ટકા ઉમેરેલ પાણી છે તે માત્ર અડધી જ મિનિટમાં કહી દેતા મિલ્ક ઍનેલાયઝર મશીનો આવી ગયાં છે.

આ મશીનો અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ્ઝ એટલે કે માનવી સાંભળી ન શકે તેટલું ઊંચું આવર્તન ધરાવતાં ઘ્વનિતરંગો અથવા ઇન્ફ્રારેડ રૅયઝ એટલે કે પારજાંબલી કિરણો દૂધના સૅમ્પલમાંથી પસાર કરી દૂધમાં રહેલ ઘટકોની માત્રા જાણી લે છે અને એક સ્ક્રિન પર તેને દેખાડે છે.

પરંતુ દૂધમાં ફૅટનું પ્રમાણ કેટલું છે તે માપવાની સૌથી સચોટ પદ્ધતિ 'ગરબર મેથડ' છે.

મંડળીઓના મિલ્ક ઍનેલાયઝર બરાબર કામ કરે છે કે નહીં તે ચકાસવા પણ ડેરીના કર્મચારીઓ સમયાંત્તરે કોઈ દૂધ ઉત્પાદકે લાવેલાં દૂધમાંથી ઍનેલાયઝરમાં અને 'ગરબર મેથડ'થી પરીક્ષણ કરતા રહે છે.

ગરબર મેથડમાં ગરબર ઍસિડ તરીકે જાણીતું ઍસિડ અને આઇસોએમાઇલ આલ્કોહૉલ વપરાય છે. ગરબર ઍસિડમાં 90% સલ્ફ્યુરિક ઍસિડ અને 10% પાણી હોય છે.

ફૅટની માત્રા જાણવા બ્યુટાયરોમીટર તરીકે ઓળખાતી એક કસનળીમાં દસ મિલીલિટર (1000 મિલીલિટર એક લિટર થાય) ગરબર ઍસિડ લઇ, તેમાં 10.75 મિલીલિટર દૂધ ઉમેરવામાં આવે છે. પછી તેમાં એક મિલીલિટર આઇસોએમાઇલ આલ્કોહૉલ ઉમેરવામાં આવે છે.

ઍસિડના સંપર્કમાં આવતાં દૂધ ગરમ થવા લાગે છે. આ ત્રણેય ઘટકોને હલાવી, મિશ્રિત કરી, બ્યુટાયરોમીટરને બૂચ મારી, સેન્ટ્રીફયૂઝ તરીકે ઓળખાતા મશીનમાં મૂકવામાં આવે છે. આ મશીનમાં કસનળી ફિટ કરી શકાય તેવા હોલ સાથેનું એક પૈડું હોય છે. આ પૈડું પ્રતિ મિનિટે 1100 આંટા ફરે છે.

બ્યુટાયરોમીટરને આ મશીનમાં પાંચ મિનિટ સુધી ફેરવવામાં આવે છે. ઍસિડના સંપર્કમાં આવતાં દૂધમાંથી ફૅટના ઘટક છુટા પડવા માંડે છે. ઊંચી ગતિએ ગોળ ગોળ ફેરવતા આ પ્રક્રિયાને વેગ મળે છે. ફૅટ પાણી તથા દૂધના અન્ય ઘટકો કરતાં હલકી હોવાથી કસનળીમાં ઉપર જમા થાય છે. આલ્કોહૉલ પણ આ પ્રક્રિયાને વેગવંતી બનાવે છે.

સેન્ટ્રીફયૂઝમાંથી બહાર કાઢતા બ્યુટાયરોમીટરમાં ફૅટ ઉપરના ભાગે આછા પીળા રંગના પ્રવાહી સ્વરૂપે દેખાય છે જયારે બાકીનાં તત્ત્વો ઘાટા બદામી રંગમાં ફેરવાઈ જઈ ફૅટના સ્તર નીચે જમા થાય છે. બ્યુટાયરોમીટરમાં છાપેલ આંકડા પરથી વાંચન લેવામાં આવે છે અને તે જેટલાં મિલીગ્રામ દેખાય તે તે સૅમ્પલમાં રહેલ ફૅટનું પ્રમાણ ગણવામાં આવે છે. સૅમ્પલમાં આવેલું પરિણામ એક લીટર દૂધમાં કેટલા ટકા અથવા કેટલા ગ્રામ ફૅટ છે તે દર્શાવે છે.

સંઘો ખેડૂતોને તેમની પાસેથી દૂધ ખરીદતી વખતે ઉચ્ચક એટલે કે કામચલાઉ ભાવ આપતા હોય છે.

વર્ષના અંતે હિસાબ કરી સંઘો ખેડૂતોને આપવાના થતા અંતિમ ભાવો નક્કી કરે છે. અંતિમ ભાવ સામાન્ય રીતે ઉચ્ચક ભાવોથી વધારે હોય છે. દૂધ ઉત્પાદકને તેની પાસેથી દૂધ લેતી વખતે ચૂકવી દેવાયેલા ઉચ્ચક ભાવ અને વર્ષને અંતે નક્કી કરાયેલ અંતિમ ખરીદ ભાવ વચ્ચેનો જે તફાવત હોય તેને ખેડૂતો ભાવફેર કે બોનસ તરીકે ઓળખે છે.

બીબીસી સાથે વાત કરતાં અમરેલીની અમર ડેરીના ચૅરમૅન અશ્વિન સાવલિયાએ કહ્યું, "યુનિયન વર્ષના અંતે કુલ વેચાણ અને કુલ ખર્ચના સરવાળા-બાદબાકી કરી નફાની ગણતરી કરે છે. ફેડરેશન પણ તેમ જ કરે છે. ત્યાર બાદ, ફેડરેશન તેના નફામાંથી અમુક હિસ્સો યુનિયનોને તેમની પાસેથી ખરીદેલાં દૂધના પ્રમાણમાં ભાવફેર તરીકે આપે છે. સામાન્ય રીતે ફેડરેશન તરફથી ભાવફેર મળી ગયા બાદ યુનિયનનું બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ દૂધ ઉત્પાદકોને ભાવફેર આપવાનું વિચારે છે."

અમર ડેરીના ચૅરમૅન એનો જવાબ નકારમાં આપે છે.

તેઓ કહે છે, "યુનિયનના વિકાસ માટે ભવિષ્યમાં જરૂર પડનાર ભંડોળ, કોઈ ચાલુ પ્રોજેક્ટ માટેના ખર્ચ વગેરે માટે પૈસા અલગ તારવી બાકી વધતા પૈસા ખેડૂતોને ભાવફેર તરીકે આપવાનો નિર્ણય લેવાય છે. આ સામાન્ય રીતે જૂન-જુલાઈમાં થતું હોય છે. વળી, ભાવફેર કેટલો મળશે તેનો આધાર યુનિયન પહેલેથી જ ખેડૂતોને ઊંચા ઉચ્ચક ભાવ આપે છે કે નહીં તેના પર અને થયેલા કુલ નફા પર તથા બજારભાવની સ્થિતિ પર હોય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન