You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અંકુરિત થયેલા અને લીલાશ પડતા રંગના બટાટા ખાવા જોઈએ કે નહીં
તમે રસોડામાં ભોજન બનાવી રહ્યા છો અને બટાટા કાપતી વખતે તમારું ધ્યાન જાય છે કે તેમાં અંકુર ફૂટી નીકળ્યા છે.
આવામાં તમને શંકા જશે કે આ બટાટા ખાવા લાયક છે કે પછી ફેંકી દેવા પડશે?
ડુંગળી, બટાટા કે લસણ, એક વખત અંકુરિત થઈ જાય ત્યાર પછી તેને ખાવા કે નહીં તે વિશે લોકોમાં અલગ અલગ મત છે.
ચાલો જાણીએ કે અંકુર ફૂટી નીકળે ત્યાર પછી આ ચીજોને ખાઈ શકાય કે નહીં?
બટાટામાં અંકુર ફૂટે તેનો અર્થ એવો થયો કે હવે તે એક છોડ તરીકે વૃદ્ધિ કરવાની તૈયારીમાં છે.
આ દરમિયાન બટાટામાં એક ઝેરી ગ્લાઇકોએલ્કલૉઈડ વધવા લાગે છે. તે છોડને ફૂગ અને જીવજંતુઓથી બચાવે છે.
તેમાં એક કમ્પાઉન્ડ સોલનિન પણ છે જે બટાટા ઉપરાંત ટામેટાં, રીંગણ અને શિમલા મરચાંના છોડમાં પણ જોવાં મળે છે.
તેને કાપીને લાંબો સમય સંગ્રહ કરવામાં આવે તો બટાટામાં આ કમ્પાઉન્ડ કે સંયોજનનું પ્રમાણ વધી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કારણથી જ અંકુરિત અથવા લાંબા સમયથી રાખવામાં આવેલા બટાટા માનવી અને પ્રાણીઓના આરોગ્ય માટે યોગ્ય નથી.
'પટેટોઝ પોસ્ટહાર્વેસ્ટ'ના લેખક અને યુનિવર્સિટી ઑફ લિંકનમાં પોસ્ટહાર્વેસ્ટ ટૅક્નૉલૉજીના રીડર ડૉક્ટર ક્રિસ બિશપ કહે છે કે અંકુરિત બટાટામાં સૌથી મોટો ખતરો ગ્લાઇકોએલ્કલૉઈડ છે. આ કારણથી બટાટા કડવા થઈ જાય છે અને ઊલટી થઈ શકે છે.
તેઓ બીબીસીને કહે છે કે બટાટાના લીલા રંગથી તમને તેની હાજરીની ખબર પડી જશે. તેથી લીલો રંગ આવે ત્યાર પછી બટાટા ન ખાવ.
ડૉ. ક્રિસ બિશપ કહે છે કે આવા અંકુરમાં ગ્લાયકોઆલ્કલોઇડ રસાયણોનું પ્રમાણ વધુ હોવાની શક્યતા છે. આવી સ્થિતિમાં આપણે તેને સંપૂર્ણપણે દૂર કરવું જોઈએ.
જો કોઈ શંકા હોય તો બટાટાના જે ભાગમાંથી અંકુર નીકળ્યું હોય તેને દૂર કરો.
બ્રિટનની ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી (એસએસએફ)નું પણ કહેવું છે કે કેટલીક વાતોનું ધ્યાન રાખીને અંકુરિત બટાટા ખાઈ શકાય છે.
એસએસએ કહે છે કે, અંકુરિત થયા પછી પણ બટાટા સખત હોય અને તેમાં સડાનાં લક્ષણો ન હોય તો તેને ખાઈ શકાય છે.
જોકે, એસએસએફના કહેવા મુજબ બટાટા લીલા રંગના દેખાતા હોય તો તેને ફેંકી દો. કારણ કે લીલો રંગ એ ઝેરી પદાર્થની હાજરી દર્શાવે છે.
એજન્સી કહે છે કે અંકુરિત બટાટા જો સખત હોય, સૂકાયેલા ન હોય કે પછી અંકુરનો ભાગ સાવ નાનો હોય તો તેને ખાઈ શકાય છે.
જોકે, બટાટું નરમ હોય કે વધુ પડતું સૂકી ગયું હોય તો તેમાં પોષક તત્ત્વો ખતમ થઈ ગયાં હશે અને પછી તેનો સ્વાદ પણ સારો નહીં હોય.
કેટલાક નિષ્ણાતો કહે છે કે વધુ સાવધાની રાખવાની જરૂર છે.
યુનિવર્સિટી ઑફ ઇસ્ટ એંગલિયા ખાતે વનસ્પતિ વિજ્ઞાનનાં પ્રોફેસર કેથી માર્ટિન કહે છે કે તમારે લીલા અને અંકુરિત બટાટા બિલકુલ ન ખાવા જોઈએ.
તેઓ કહે છે કે પ્રકાશના પ્રભાવથી બટાટામાં અંકુરણ વધે છે અને સ્ટેરૉયડલ ગ્લાઇકોએલ્કલૉઈડ સોલનિન વધે છે. તે માનવી અને કૂતરાં-બિલાડાં જેવાં પ્રાણીઓ માટે ખતરનાક હોઈ શકે છે.
પ્રોફેસર માર્ટિન કહે છે કે જે બટાટા લીલા રંગના નથી હોતા, તેમાં સોલનિનનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ કાચા બટાટા ક્યારેય ખાવા ન જોઈએ.
કારણ કે સોલનિનમાં પોઇઝનિંગનો ખતરો હોય છે. આવા મામલા ઓછા હોય છે પરંતુ સોલનિન પોઇઝનિંગના કેટલાક કેસ જરૂર જોવા મળ્યા છે.
1970ના દાયકાના અંતિમ સમયમાં બ્રિટનમાં શાળાનાં 78 બાળકોને લીલા બટાટા ખાધા પછી હૉસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં હતાં.
પરંતુ નગણ્ય પ્રમાણમાં આવા અંકુરિત બટાટા ખાધા હોય તો તેનાથી દુષ્પ્રભાવ થવાની શક્યતા બહુ ઓછી હોય છે.
તેનાં હળવાં લક્ષણોમાં ઝાડાં થવા, ઊલટી અને પેટમાં સખત દુ:ખાવો સામેલ છે.
ગંભીર કિસ્સામાં વધુ પડતી ઊંઘ આવવી, કન્ફ્યુઝન, નબળાઈ, દૃષ્ટિને લગતી તકલીફ થઈ શકે છે. કેટલાક કેસમાં વ્યક્તિ બેહોશ થઈ જાય અથવા મૃત્યુ પણ થઈ શકે છે.
ટૉક્સિક બટાટા ખાધા પછી થોડી જ મિનિટ અથવા દિવસમાં તેની અસર જોવા મળી શકે છે.
- અંકુરિત બટાટા નાના હોય, તો તેને ખાતા પહેલાં કાપી લો
- જો અંકુરિત બટાટા એક ઇંચથી વધુ લાંબા હોય અથવા બટાકા નરમ હોય, તો તેને ફેંકી દો
- બટાટાનો લીલો ભાગ કાપી નાખવો જોઈએ કારણ કે તે વધુ ઝેરી હોય છે.
- બટાટામાં સડો કે ફૂગનાં ચિહ્નો દેખાય, તો તેને ફેંકી દેવું શ્રેષ્ઠ છે.
- જો તમે અંકુરિત બટાટાને બીજ તરીકે વાવી રહ્યા છો, તો તેને યોગ્ય રીતે સંભાળો. અંકુરને તોડી નાખવું યોગ્ય નથી.
- તમે ગર્ભવતી હોવ, તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય કે નાનાં બાળકોને ખવડાવતા હોવ તો સાવધાની રાખો.
- બટાટાને સૂકી અને અંધારાવાળી જગ્યાએ (3-10 સેલ્શિયસ ડિગ્રી) સંગ્રહિત કરી શકાય છે.
- બટાટાને સંગ્રહ કરતાં પહેલાં ધોવા જોઈએ નહીં. આનું કારણ એ છે કે તે સડો વધારે છે.
- બટાટાને ડુંગળીથી દૂર રાખવા જોઈએ. ગૅસ અને ભેજ બંને ઉત્સર્જન કરે છે, જે અંકુરણને વેગ આપે છે.
ડુંગળી અને લસણ અંકુરિત હોય તો વાત અલગ છે.
પ્રોફેસર માર્ટિન કહે છે કે ડુંગળી અને લસણને સામાન્ય રીતે બટાટા કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે તે આ પ્રકારનું જોખમ ઊભું કરતું નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન