બાળક પેદા ન કરવાની આ 'DINK' જીવનશૈલી શું છે, દંપતીઓ સંતાન પેદા કરવાથી કેમ દૂર રહે છે?

    • લેેખક, સિરાજ
    • પદ, બીબીસી તમિલ

આજના આધુનિક સમાજમાં 'DINK' (ડબલ ઇનકમ, નો કિડ્સ) જીવનશૈલી ખૂબ જ લોકપ્રિય બની રહી છે. તેમાં દંપતી પોતાની કરિયર પર ફોકસ કરે છે અને બાળક પેદા નહીં કરવાનો નિર્ણય કરે છે.

આ જીવનશૈલી—જે નાણાકીય સ્વતંત્રતા, કરિયરની પ્રગતિ અને વ્યક્તિગત ખુશીઓ પર ભાર મૂકે છે—ખાસ કરીને, યુવાઓ અને તરુણ પેઢીમાં વધુ સ્વીકાર્ય બની રહી છે.

આવી જીવનશૈલીનાં સામાજિક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક પરિણામો બાબતની ચર્ચાઓ વધી રહી છે.

'બાળકો પેદા કરવાં જરૂરી છે' એ આશાએ ભારતીય સમાજમાં લગ્નને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.

એવા સમાજો જે એવું માને છે કે, લગ્ન મુખ્યત્વે બાળકો પેદા કરવા માટે છે, તેમના માટે DINKનો ખ્યાલ આઘાતજનક હોઈ શકે છે.

'ડબલ ઇનકમ, નો કિડ્સ'નું સંક્ષિપ્ત નામ DINK છે. આ જીવનશૈલીનો મૂળ અર્થ એ છે કે, પરિવારમાં બંને (દંપતી) જ્યારે કામ કરતાં હોય, ત્યારે બાળકો પેદા કરવાનો નિર્ણય મુલતવી રાખવો અથવા સંપૂર્ણપણે ટાળવો.

કેટલાક અભ્યાસોમાં કહેવાયું છે કે, આ પ્રકારે રહેતાં યુગલો પાસે કર અને જરૂરી ખર્ચાને બાદ કરતાં વધારાની ખર્ચપાત્ર આવક બચે છે, તેથી ઘણા લોકો આ જીવનશૈલી પસંદ કરે છે.

એક અભ્યાસ અનુસાર, ખાસ કરીને 23 ટકા મિલેનિયલ (1980 અને 1990ના દાયકામાં જન્મેલા) અને જેન-ઝી (1997થી 2012 વચ્ચે જન્મેલા) બાળક નથી ઇચ્છતાં.

પ્યૂ રિસર્ચ સેન્ટર (અમેરિકામાં) દ્વારા કરાયેલા અન્ય એક અભ્યાસમાં મોટા ભાગના લોકોએ કહ્યું, "બાળકો ન હોવાને કારણે પોતાને ગમતી વસ્તુઓ ખરીદવાનું, પ્રવાસો કરવાનું, મનોરંજન અને શોખ માટે સમય કાઢવાનું અને ભવિષ્ય માટે બચત કરવાનું ખૂબ સરળ બન્યું છે."

ખાસ કરીને, અભ્યાસમાં ભાગ લેનારા દસમાંથી છ યુવાનોએ જણાવ્યું કે, "બાળકો ન હોવાના કારણે તેમના માટે નોકરી અથવા વ્યાવસાયિક જીવનમાં સફળ થવાનું અને સક્રિય જીવનશૈલી જીવવાનું શક્ય બન્યું છે."

આ અભ્યાસ 29 એપ્રિલથી 19 મે 2024 દરમિયાન બે જૂથોમાં કરવામાં આવ્યો હતો. તેમાં 18થી 49 વર્ષની વયના અને 50 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં બાળકો વગરના લોકોનો સમાવેશ થતો હતો.

18થી 49 વર્ષની વયના લોકોમાં, 57 ટકા લોકોએ કહ્યું કે તેઓ બાળકો નથી ઇચ્છતાં. જ્યારે 44 ટકા લોકોએ કહ્યું કે તેઓ કામ અને શોખ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે બાળકો નથી ઇચ્છતાં.

આ ઉપરાંત, 36 ટકા લોકોએ કહ્યું કે અમારી આર્થિક સ્થિતિ બાળકોનો ઉછેર કરી શકાય તેવી નથી.

ખાસ કરીને યુવાન સ્ત્રીઓમાંથી 22 ટકાએ કહ્યું કે તેઓ પોતાનાં માતાપિતા અથવા પરિવારના અન્ય સભ્યોના ખરાબ અનુભવોના કારણે બાળકો પેદા કરવાનું ટાળી રહી છે.

50 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાંના 33 ટકા લોકોએ કહ્યું કે, તેમને બાળકો ન થવાનું કારણ યોગ્ય જીવનસાથી નથી મળ્યો તે છે. 38 ટકા લોકોએ કહ્યું કે એક સમયે તેઓ બાળકો ઇચ્છતા હતા, પરંતુ પછી તેમનો વિચાર બદલાઈ ગયો.

આર્થિક દૃષ્ટિએ લાભકારક છે?

DINK નામથી ઓળખાતી આ જીવનશૈલી 1980 અને 1990ના દાયકામાં પશ્ચિમી દેશોમાં લોકપ્રિય થવા લાગી. છેલ્લાં થોડાંક વર્ષોમાં ભારતમાં પણ તેના વિશે ચર્ચા શરૂ થઈ છે.

અર્થશાસ્ત્રી નાગપ્પન પુગાઝેંડી કહે છે, "ભારતમાં અગાઉની પેઢીઓ મોટા ભાગે પોતાનાં માતાપિતા અને સમાજ પર વધુ નિર્ભર હતી. પરિણામે, શિક્ષણ, કામ, લગ્ન અને બાળકો પેદા કરવાથી લઈને બધું જ તેમના પોતાના નિર્ણયથી પર હતું.

"વૈશ્વીકરણે આજની યુવા પેઢીને આર્થિક સ્વતંત્રતા આપી છે. એ જ કારણ છે કે, આજની પેઢી આ જીવનશૈલી ઇચ્છે છે."

તેમણે કહ્યું કે, "નાણાકીય દૃષ્ટિકોણથી દંપતી માટે આ લાભકારક હોઈ શકે, પરંતુ તે દરેક વ્યક્તિની વ્યક્તિગત પસંદગી પર આધારિત છે."

તેમણે કહ્યું, "દરેક વસ્તુના તેના પોતાના લાભ અને ગેરલાભ હોય છે. જો તમે તેનો સામનો કરવા તૈયાર હોવ, તો તમે તે કરી શકો છો. નહીંતર, ભારત જેવા દેશમાં રહીને, આપણા માટે આ વિષય પર સાચા કે ખોટાનો અભિપ્રાય વ્યક્ત કરવાનું શક્ય નથી."

"આર્થિક દૃષ્ટિકોણથી ચોક્કસ કેટલાક લાભ થઈ શકે છે, પરંતુ આપણે એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આપણે શું ગુમાવી રહ્યા છીએ અને બદલામાં શું મેળવી રહ્યા છીએ."

ભારતમાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં ઘટતા જતા જન્મદર તરફ પણ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે.

એસઆરએલ – સેમ્પલ રજિસ્ટ્રેશન સર્વે 2021ના તાજેતરના ડેટા અનુસાર, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળ રાજ્યોમાં પ્રજનન દર 1.5 છે, જ્યારે તેલંગણા અને કર્ણાટક રાજ્યોમાં પ્રજનનદર 1.6 છે. આ દર સ્થિર વસ્તી જાળવી રાખવા માટે જરૂરી 2.1ના પ્રજનનદર કરતાં ઓછો છે.

બાળકોને ઉછેરવા માટે જરૂરી નાણાકીય પરિસ્થિતિ

હોસુરના કન્નન અને વિનોથિની (નામ બદલ્યાં છે) તેમનાં લગ્ન પછી થોડાં વર્ષોથી 'DINK' જીવનશૈલીનું પાલન કરે છે.

કન્નન હાલમાં બૅંગ્લુરુમાં પોતાનું સ્ટાર્ટ-અપ ચલાવે છે. તેઓ કહે છે, "અમારાં પ્રેમલગ્ન પછી, અમે બંનેએ તરત જ કામ કરવાનું શરૂ કર્યું હતું. અમને તરત બાળક નહોતું જોઈતું.

"હકીકતમાં, તેના માટે અમારી આર્થિક પરિસ્થિતિ સારી નહોતી."

કન્નન કહે છે, "લગ્ન પછી મારી પત્નીએ અનુસ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો. આજે તે જે પદ પર છે તેનું મુખ્ય કારણ આ છે. લગ્નનાં આઠ વર્ષ પછી અમને એક બાળક થયું. આ સમયગાળા દરમિયાન હું ઘણાં પ્રકારનાં 'જોખમ' લેવા સક્ષમ હતો.

"આજે સારી સ્થિતિમાં હોવાના લીધે, એ 8 વર્ષોમાં બાળક ન હોવાનો અમને કશો અફસોસ નથી. અમને લાગે છે કે અમે જે નિર્ણય લીધો હતો તે સાચો હતો."

કન્નને આ આઠ વર્ષ દરમિયાન તેમણે જે સામાજિક દબાણનો સામનો કરવો પડ્યો તેના વિશે પણ વાત કરી.

કન્નને કહ્યું, "અમને મળતાં બધાં સગાંસંબંધીઓએ અમારે બાળકો નથી તે માટે દુઃખ વ્યક્ત કર્યું, ડૉક્ટરોની ભલામણ કરી અને અમને સલાહો આપી. તેઓ કૌટુંબિક કાર્યક્રમોમાં પણ અમને નહોતાં બોલાવતાં."

"અમને ખબર હતી કે, આવી સલાહ આપનારમાંથી કોઈ પણ અમારા બાળક માટે એક સાદું 'ડાયપર' પણ નહીં લાવે. અમે એ વાત પર મક્કમ હતાં કે સારી નોકરી અને સારી આર્થિક પરિસ્થિતિ મહત્ત્વપૂર્ણ છે."

અમેરિકાસ્થિત એક સામાજિક વિજ્ઞાન સંશોધન સંસ્થા બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશન અનુસાર, આગામી વર્ષોમાં બાળકોનો ઉછેર કે પાલનપોષણ કરવું આર્થિક રીતે વધુ પડકારજનક બનશે.

આનો અર્થ એ કે બાળકને જન્મ આપવા અને 18 વર્ષની ઉંમર સુધી તેનો ઉછેર કરવા પાછળ 2 લાખથી 3 લાખ 10 હજાર ડૉલર (ભારતીય ચલણમાં લગભગ 1.70થી 2.64 કરોડ રૂપિયા)નો ખર્ચ થાય છે. આ અનુમાન વધતા ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.

અર્થશાસ્ત્રી નાગપ્પન પુગાઝેંડી કહે છે, પરંતુ આ આંકડા ભારતની સામાજિક-આર્થિક પરિસ્થિતિને સચોટ રીતે લાગુ નથી પડતા.

તેમણે કહ્યું, "પશ્ચિમી દેશોમાં બાળકના ઉછેરનો ખર્ચ ખૂબ વધારે છે; અહીં એવું નથી. ઉદાહરણ તરીકે, જો તમે પશ્ચિમના દેશો સાથે તામિલનાડુમાં શિક્ષણ અને તબીબી ફીની તુલના કરો, તો તે તમને દેખાઈ આવશે."

તેમણે સમજાવ્યું કે, "હકીકતમાં, પોતાની ઇચ્છા પ્રમાણેના શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચવા એ એક અલગ બાબત છે. તેથી, પશ્ચિમી દેશોની પરિસ્થિતિ અને વલણોને અહીંની પરિસ્થિતિ સાથે ગૂંચવવાની જરૂર નથી."

માનસિક અસરો શી છે?

મદુરાઈની પ્રિયા (નામ બદલ્યું છે)એ 2000ના દાયકાની શરૂઆતથી 'ડિંક' જીવનશૈલી અપનાવી છે.

પ્રિયા કહે છે, "જ્યારથી હું અને મારા પતિ પ્રેમમાં પડ્યાં છીએ, ત્યારથી અમે બાળકો ન રાખવાના અમારા નિર્ણય પર અડગ હતાં. ભલે અમારું વતન મદુરાઈ છે, પરંતુ અમે બંને શિક્ષણ માટે અને પછી કામ માટે વિદેશમાં હતાં. તેથી અમારી માનસિકતા એકસમાન હતી.

"પરંતુ, ચાલીસ વર્ષની ઉંમર પછી અમને જીવનમાં એક પ્રકારના ખાલીપાનો અનુભવ થવા લાગ્યો. અમે અમારા વતન પાછાં ફર્યાં. પરંતુ અમે હજુ પણ તે ખાલીપો દૂર નથી કરી શક્યાં.

"ત્યાર પછી અમે કાયદેસર રીતે બાળકને દત્તક લેવાનું નક્કી કર્યું. હવે, તે બાળકનો હસતો ચહેરો જોઈને મને હંમેશાં આશ્ચર્ય થાય છે કે મેં આ નિર્ણય વહેલા કેમ ન લીધો."

આ લેખમાં અગાઉ ઉલ્લેખિત પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વેમાં ભાગ લેનારા 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના 26 ટકા લોકોએ 'વૃદ્ધાવસ્થામાં તેમની સંભાળ કોણ રાખશે તેની ચિંતા' હોવાનું સ્વીકાર્યું, અને 19 ટકા લોકોએ 'એકલતાનો ડર' હોવાનું સ્વીકાર્યું.

'DINK' જીવનશૈલીના માનસિક પ્રભાવો વિશે વાત કરતાં કિલપૌક સરકારી માનસિક સ્વાસ્થ્ય હૉસ્પિટલનાં ડૉ. પૂર્ણા ચંદ્રિકાએ કહ્યું કે, તેમણે જોયું છે કે માનસિક સ્વાસ્થ્ય પરામર્શ માટે તેમની પાસે આવતાં કેટલાંક યુગલોમાં, 'પતિ બાળકો ઇચ્છે છે, પરંતુ પત્ની નથી ઇચ્છતી. ક્યારેક તેનાથી વિપરીત હોય છે'.

ડૉ. પૂર્ણા ચંદ્રિકાએ કહ્યું, "આ માટે તેઓ ઘણાં કારણો આપે છે; જેમ કે કામ, વર્તમાન આર્થિક પરિસ્થિતિ જાળવવાની ચિંતા, અને બીજાં ઘણાં કારણો. કેટલાક લોકો તો આ માટે છૂટાછેડા સુધી પણ જાય છે."

ડૉ. પૂર્ણા ચંદ્રિકા કહે છે, "સાથે જ, જે માતાપિતા બાળકોને જન્મ આપે છે, તેમને શિક્ષણ અથવા કામ માટે વિદેશ મોકલે છે, અને તેઓ મનોવૈજ્ઞાનિક સલાહ લેવા પણ આવે છે.

"હું એવા ઘણા વ્યક્તિઓને જાણું છું જેઓ સારી આર્થિક સ્થિતિ ધરાવે છે; પરંતુ તેમનો પુત્ર—જે કામ કરવા માટે અમેરિકા ગયો છે તે—દર પાંચ-સાત વર્ષમાં એક જ વાર ભારત આવે છે.

"તે વ્યક્તિ હવે નિવૃત્ત લોકોની સાથે રહે છે. તેથી તેમાં કંઈ જ સાચું કે ખોટું નથી. તે સંપૂર્ણ રીતે વ્યક્તિગત ઇચ્છાઓ પર આધારિત છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન