અલીગઢમાં ગોમાંસના શકમાં જે યુવકોને બેરહમીથી માર મારવામાં આવ્યો, તેમનો પરિવાર હવે કેવી હાલતમાં છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા, અલીગઢથી

અલીગઢની જવાહરલાલ નહેરુ મેડિકલ કૉલેજના જનરલ વૉર્ડમાં દાખલ કદીમ કુરેશીના શરીર પર ઈજાનાં નિશાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યાં છે.

તેમની નજીકની પથારી પર આડા પડેલા યુવાન અરબાઝને વૉશરૂમ જવા માટે બે લોકોના આશરાની જરૂર પડી રહી છે. તેમના સાથી અકીલ (મુન્ના) અને અકીલ કુરેશીને વધુ ઈજા થઈ છે, તેથી તેઓ બીજા વૉર્ડમાં દાખલ છે.

આ યુવાનો પ્રમાણે, 24 મેની સવારે કદીમ પોતાના ત્રણ સાથીઓ અકીલ (મુન્ના), અરબાઝ અને અકીલ કુરેશી સાથે રોજની માફક અલીગઢની 'અલ અમ્માર મીટ ફૅકટરી'થી ભેંસનું માંસ લઈને લગભગ 35 કિમી દૂર અતરૌલી જવા માટે નીકળ્યા હતા. તેમની પાસે માંસ ખરીદ્યાની રસીદ પણ હતી.

આ યુવાનોનો દાવો છે કે ફૅકટરીમાંથી નીકળતાં જ કેટલાક બાઇકસવારોએ તેમની પિકઅપ ગાડીનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતું અને જ્યારે તેઓ ફૅકટરીથી લગભગ 15 કિમી દૂર પનૈઠી કસબાથી અતરૌલી તરફ જઈ રહ્યા હતા કે બાઇકસવારોએ તેમની ગાડી આગળ લાવીને બાઇક ઊભી રાખી દીધી.

કદીમ સાથે આવું પહેલી વાર નહોતું બન્યું. તેમનો દાવો છે કે બે અઠવાડિયાં પહેલાં પણ તેમને આ જ પ્રકારે કથિત હિંદુવાદી યુવાનોના સમૂહે રોક્યા હતા.

હૉસ્પિટલની પથારી પર રહેલા કદીમે કહ્યું, "ત્યારે પણ તેમણે ગાયનું માંસ હોવાનો આરોપ લગાવ્યો હતો. અમે રસીદ દેખાડી, અન્ય કાગળ બતાવ્યા, પરંતુ તેઓ ન માન્યા. તેમણે અમારી પાસેથી 50 હજાર રૂ. માગ્યા. જે અમે ન આપ્યા. થોડી વાર બાદ પોલીસ આવી અને અમને પોલીસ સ્ટેશન લઈ ગઈ. માંસની તપાસ બાદ અમને છોડી મૂક્યા."

ઘટનાના દિવસે શું થયું?

કદીમને લાગ્યું હતું આ વખતે પણ આવું જ થશે, કારણ કે યુવાનોનો વ્યવહાર એવો જ હતો.

તેઓ કહે છે કે, "અમે તેમને કાગળ બતાવ્યા અને કહ્યું કે આ ભેંસનું માંસ છે. તેમણે ફરી પૈસા માગ્યા અને મેં પૈસા આપવાની ના પાડી દીધી. બે બાઇક પર સવાર ચાર યુવાનોએ અમને રોક્યા હતા. શરૂઆતમાં તેમનું વર્તન આક્રમક નહોતું. અમને લાગ્યું કે બાદમાં પોલીસ આવી જશે અને અમને છોડી દેવાશે."

પરંતુ કદીમનો ભરોસો આ વખતે ખોટો સાબિત થયો.

તેઓ કહે છે કે, "અમને રોકાયાના થોડા સમય બાદ યુવાનોનું વધુ એક જૂથ આવ્યું અને આવતાં જ ઉત્તેજક નારાબાજી કરવાની સાથે પિકઅપ વાહનમાં સવાર આ ચારેય લોકો સાથે મારઝૂડ કરવાનું શરૂ કરી દીધું. આ જૂથનું નેતૃત્વ વિજય બજરંગી કરી રહ્યા હતા, જેમની હવે ધરપકડ કરી લેવાઈ છે."

કદીમ કહે છે કે, "બાદમાં આવેલા યુવાનોએ કંઈ પણ કહ્યા વગર હુમલો કર્યો, તેઓ ગાયને કાપી નાખ્યાનો આરોપ લગાવી રહ્યા હતા. અમારી વાત કોઈએ ન સાંભળી."

જ્યારે કદીમ અને તેમના સાથીઓ પર હુમલો થઈ રહ્યો હતો ત્યારે જ પોલીસની એક પીઆરવી (ડાયલ 112) ગાડી ત્યાંથી પસાર થઈ.

કદીમનો દાવો છે કે તેઓ અને તેમના સાથીદારો બચવા માટે ગાડી પાછળ દોડ્યા, પરંતુ પોલીસની ગાડી રોકાયા વગર આગળ વધી ગઈ.

કદીમ કહે છે કે, "લગભગ 20 મિનિટ બાદ ફરીથી પોલીસની ગાડી આવી. અમે જીવ બચાવવા માટે તેમાં ઘૂસી ગયા. પરંતુ ભીડ ખૂબ વધી ચૂકી હતી. પોલીસકર્મીઓએ અમને બચાવવાની કોશિશ ન કરી, ભીડે અમને ગાડીમાંથી ઉતારીને જ્યાં સુધી અમે બેભાન ન થઈ ગયા ત્યાં સુધી માર્યા."

પોલીસ શું કહી રહી છે?

બીબીસીએ આ ઘટનાના કેટલાક વીડિયો જોયા છે. જેમાં ભીડ, પોલીસની ગાડીમાંથી આ ચાર લોકોને બહાર ખેંચતા અને મારઝૂડ કરતી દેખાઈ રહી છે. સ્થળ પર હાજર ત્રણ પોલીસકર્મી, જે પૈકી એક મહિલા છે, તેમને બચાવવાના કોઈ પ્રયાસ નથી કરતાં.

જોકે, બીબીસીને વધુ એક વીડિયો મળ્યો છે, જેમાં અધમૂઈ અવસ્થામાં રસ્તા પર પડ્યા છે અને બે પોલીસકર્મી હુમલાખોરોને રોકવાના નિષ્ફળ પ્રયત્નો કરતા દેખાઈ રહ્યા છે.

મારઝૂડની આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરાયા છે. આ ઘટના બાદ અલીગઢ પોલીસે બે એફઆઇઆર દાખલ કરી. એક હુમલાખોર ભીડ પર અને બીજી ગોહત્યાના આરોપમાં માર ખાનાર લોકો પર.

બીબીસી સાથેની વાતચીતમાં અલીગઢ પોલીસ અધીક્ષક સંજીવ સુમન કહે છે કે, "માંસનાં સૅમ્પલ એફએસએલ મોકલવામાં આવ્યાં હતાં અને તપાસમાં ભેંસનું માંસ હોવાની પુષ્ટિ થઈ છે. કારોબારી એક કાયદેસર સ્લૉટર હાઉસથી દસ્તાવેજો સાથે કાયદેસર રીતે માંસ લઈ જઈ રહ્યા હતા. આ સ્થિતિમાં કથિત ગોહત્યાનો કેસ તપાસ બાદ સમાપ્ત થઈ જશે."

હુમલાના આરોપમાં પોલીસે અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ કરી છે. તેમાંથી એક 22 વર્ષના વિજય બજરંગી છે, જેઓ હુમલામાં ભીડનું નેતૃત્વ કરતા દેખાઈ રહ્યા છે.

તેમના સિવાય 50 વર્ષના વિજય ગુપ્તા, 25 વર્ષીય લવકુશ અને 25 વર્ષીય ભાનુપ્રતાપની ધરપકડ કરાઈ છે.

વિજય બજરંગી, વિજય ગુપ્તા અને લવકુશ ઘટનાસ્થળેથી દસ કિમી દૂર કલાઈ ગામના રહેવાસી છે.

ભાનુપ્રતાપ અલહાદાદપુર ગામના છે, જે ઘટનાસ્થળેથી લગભગ અડધો કિમી દૂર છે.

વરિષ્ઠ પોલીસ અધીક્ષક સંજીવ સુમન કહે છે કે, "આ ચાર લોકો સિવાય એ તમામની ધરપકડ કરાશે, જે આ હુમલામાં સામેલ હતા."

હરદુઆગંજ પોલીસ સ્ટેશન ઘટનસ્થળથી લગભગ 16 કિમી દૂર અને 30 મિનિટના અંતરે છે. હરદુઆગંજના એસએચઓ ધીરજકુમારના નેતૃત્વમાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી એ બાદ જ ઈજાગ્રસ્તોને કાઢી શકાયા અને હૉસ્પિટલ લઈ જઈ શકાયા.

કદીમ કહે છે કે, "શરૂઆતમાં 15-20 લોકો હતા. ધીરે ધીરે સેંકડો લોકોની ભીડ જમા થઈ ગઈ. કોઈ પણ અમને બચાવવા ન આવ્યું. લોકો કહી રહ્યા હતા - આમને મારી નાખો. જો હરદુઆગંજની પોલીસ ટીમને આવવામાં વધુ દસ મિનિટનું મોડું થયું હોત તો કદાચ અમે જીવિત ન હોત."

પોલીસે માન્યું અગાઉ પણ માંસ લઈ જતા રોકવામાં આવ્યા હતા

બીબીસીએ ઘટનાસ્થળના એવા વીડિયો પણ જોયા છે જેમાં પોલીસ ટીમ ઈજાગ્રસ્તોને કાઢતી દેખાઈ રહી છે. એક વીડિયોમાં અલીગઢ પોલીસ અધીક્ષક ગ્રામીણ અમૃત જૈન પણ આક્રોશિત ભીડ વચ્ચે દેખાઈ રહ્યા છે.

પોલીસની મદદ પહોંચવામાં વિલંબ અને સ્થળ પર હાજર પોલીસકર્મીઓની ભીડને રોકવામાં નાકામ રહેવાના સવાલ અંગે પોલીસ અધીક્ષક સંજીવ સુમને કહ્યું, "પોલીસ ફોર્સના આવ્યા બાદ તેમનો રૅસ્ક્યૂ સરળ થઈ શક્યો છે. ઘણી ભીડ એકઠી થઈ જવાને કારણે પીઆરવીનાં જે બે-ત્રણ પોલીસકર્મી ત્યાં પહોંચી શક્યા હતા, તેમને ભીડને સંભાળવામાં તકલીફ થઈ હતી એ વાત સાચી છે."

"પરંતુ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી એ બાદ ઈજાગ્રસ્તોને તરત હૉસ્પિટલ લઈ જવાયા. તરત મેડિકલ સમહાયતા મળવાને કારણે આ ઈજાગ્રસ્તોની હાલતમાં સુધારો થઈ રહ્યો છે, એક વ્યક્તિ જેને માથાના ભાગે ઈજા થઈ છે, તેને બાદ કરતાં બધાની સ્થિતિ બહેતર છે."

વિસ્તારમાં માંસનો કારોબાર કરતા લોકોનો આરોપ છે કે આવું પહેલી વાર નથી બન્યું કે જ્યારે પોતાની જાતને હિંદુવાદી ગણાવનારા યુવાનોની ભીડે આ રીતે માંસ લઈને જઈ રહેલા કારોબારીઓને રોક્યા હોય.

બીબીસી સાથે વાત કરતાં માંસ વેચવાનું કામ કરતાં ઘણા લોકોએ વિસ્તારમાં ગેરકાયદેસર વસૂલીનો આરોપ લગાવ્યો.

આ આરોપો અંગે પોલીસ અધીક્ષક સંજીવ સુમને બીબીસીને કહ્યું, "અમે આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરીશું. એ વાતની પણ તપાસ કરાઈ રહી છે કે આ અચાનક બનેલી ઘટના છે કે કોઈ કાવતરાનો ભાગ. જો કેટલાંક એવાં તત્ત્વો છે, જે ગાયના નામે ગુંડાગીરી કરી રહ્યા છે, તો પોલીસ તેમના પર કડક કાર્યવાહી કરશે."

સંજીવ સુમને એ વાતનો પણ સ્વીકાર કર્યો કે હુમલાના શિકાર થયેલા માંસ કારોબારીઓને અગાઉ પણ ગાયનું માંસ લઈ જવાના નામે રોકવામાં આવ્યા હતા અને ત્યારે પણ તપાસમાં માંસ ભેંસનું જ નીકળ્યું હતું.

કસ્ટડીમાં રહેલા વિજય બજરંગીની ઓળખ ક્ષેત્રમાં એક હિંદુવાદી યુવાનની છે. તેમની સાથે પકડાયેલા અન્ય લોકો પણ સમૂહમાં કામ કરે છે.

જોકે, પોલીસે આ આરોપીઓ કોઈ ખાસ સમૂહ કે સંગઠન સાથે હોવાની પુષ્ટિ નથી કરી.

અલીગઢનાં હિંદુવાદી સંગઠનોએ પોતાની જાતને હુમલાખોરોથી અલગ કરી લીધાં

આ દરમિયાન, અલીગઢનાં હિંદુવાદી સંગઠનોએ પોતાની જાતને હુમલાખોરોથી અલગ કરી લીધાં છે.

વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલા મુકેશ રાજપૂત કહે છે કે "24 મેના રોજ બનેલી ઘટનામાં વિશ્વ હિંદુ પરિષદ કે બજરંગદળ સાથે સંકળાયેલો કોઈ કાર્યકર્તા સામેલ નથી."

મુકેશ રાજપૂત દાવો કરે છે કે આ રસ્તાથી માંસનું પરિવહન સતત થતું રહે છે અને એ ગાયનું માંસ હોવાની અફવા ફેલાવાને કારણે આ ઘટના થઈ છે.

મુકેશ રાજપૂત કહે છે કે, "વારંવાર એ માર્ગથી માંસ લવાઈ રહ્યું હતું અને નિયમ કાયદાઓનું પાલન નહોતું થઈ રહ્યું. એવી અફવા ફેલાઈ કે સંરક્ષિત પશુ (ગાય)નું માંસ લઈ જવાઈ રહ્યું છે અને તેની આસપાસનાં ગ્રામીણ ક્ષેત્રોમાં આક્રોશ ફેલાઇ ગયો, જેના કારણે આ ઘટના થઈ. વિશ્વ હિંદુ પરિષદ કે બજરંગદળ આવી કોઈ હિંસાનું સમર્થન નથી કરતાં."

હિંદુવાદી સંગઠનોના નામે માંસના કારોબારીઓ પાસેથી ગેરકાયદેસર વસૂલીના સવાલ પર રાજપૂત કહે છે કે, "જે લોકો આ પ્રકારે હિંદુવાદી સંગઠનોના નામનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે, તેમના પર રોક લાગવી જોગવી. જો અમારું નામ લઈને કોઈ આવાં કામ કરે, તો અમે તેમના પર કાયદાકીય કાર્યવાહી પણ કરીશું."

આ પહેલી વાર નથી જ્યારે ગાયના નામે આ પ્રકારની હિંસા થઈ હોય. ઉત્તર ભારત, ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં સમયાંતરે લિંચિંગ કે મારઝૂડ જેવી ઘટનાઓ સામે આવતી રહે છે.

માનવાધિકાર સમૂહોના રિપોર્ટો અનુસાર ભારતમાં વર્ષ 2014માં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા બાદથી આ પ્રકારની ઘટનાઓમાં વધારો થયો છે.

અલગ અલગ જિલ્લામાં થઈ આવી ઘટનાઓ

પાછલા એક વર્ષ દરમિયાન, ઉત્તરપ્રદેશમાં જ અલગ અલગ જિલ્લામાં આવી અડધા ડઝન કરતાં વધુ ઘટનાઓ સામે આવી, જ્યારે પોતાની જાતને હિદુવાદી ગણાવતા યુવાનોએ ગોહત્યા કે ગાયનું માંસ રાખવાના આરોપમાં મારઝૂડ કરી.

આવી મોટા ભાગની ઘટનાઓમાં પોલીસે એ લોકો પર કાર્યવાહી કરી જેમના પર માંસ લઈ જવાનો આરોપ લાગ્યો હતો.

પરંતુ અલીગઢની ઘટનામાં પોલીસે સ્પષ્ટ કર્યું કે કારોબારી કાયદેસર રીતે માંસ લઈને જઈ રહ્યા હતા અને તેમના પર હુમલો કરનારા પર કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરાશે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ છાત્રસંઘ અધ્યક્ષ અને ઇન્ટરનૅશનલ ડેમૉક્રૅટિક રાઇટ્સ ફાઉન્ડેશનના નિદેશનક ફૈઝુલ હસન કહે છે કે મુસ્લિમોને સતત એટલા માટે નિશાન બનાવાઈ રહ્યા છે, કારણ કે હુમલાખોરો પર તંત્ર કડક કાર્યવાહી નથી કરી રહ્યું.

ફૈઝુલ હસન કહે છે કે, "2014 બાદથી મુસ્લિમોને નિશાન બનાવવાનું ચલણ શરૂ થયું છે. ગાયના નામે, ઓળખના આધારે, દાઢી-ટોપીના નામે મુસ્લિમો પર હુમલા થઈ રહ્યા છે. આ નાનાં નાનાં સમૂહ, સેના ક્યાંય પણ કોઈનેય રોકી લે છે અને હુમલા કરી રહ્યાં છે."

"આ સમૂહો કે આવી કથિત સેનાઓને તોડવા કે રોકવાની જવાબદારી મુસ્લિમોની નથી, બલકે સરકાર અને તંત્રની છે. તંત્રે તેમના પર કડક કાર્યવાહી કરવી જોઈતી હતી. જો આવાં સમૂહો પર કાર્યવાહી કરાઈ હોત તો તેમની હિંમત આટલી વધી ન હોત કે સડક પર જઈ રહેલા કારોબારીઓને રોકીને હુમલો કરી દેત."

કેટલાંક વિપક્ષી દળોના સાસંદોએ અલીગઢમાં થયેલી મારઝૂડની આ ઘટનાના ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી છે. સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન પણ પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે અલીગઢ પહોંચ્યા.

રામજીલાલ સુમન આરોપ લગાવતાં કહે છે કે આવાં તત્ત્વોને સત્તા પાસેથી મળી રહેલું સંરક્ષણથી જ આ પ્રકારની લિંચિંગની ઘટનાઓનું મુખ્ય કારણ છે.

રામજીલાલ સુમન કહે છે કે, "કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોને સાંપ્રદાયિક આધારે વિભાજિત કરી રહી છે. આ તાબડતોડ ઘટનાઓ એટલા માટે બની રહી છે, કારણ કે સરકારનો મિજાજ આવાં હુમલાખોર તત્ત્વો માટે સહાયક છે. સરકાર એવો સંદેશ આપવામાં નિષ્ફળ રહી છે કે આવાં સમૂહો પર કડક કાર્યવાહી કરાશે. જો આવું થયું હોત તો આ હુમલા ન થઈ રહ્યા હોત. "

ભારતનાં ઘણાં રાજ્યોમાં ગાયનું માંસ પ્રતિબંધિત છે અને આના માટે કડક કાયદા છે. જોકે, મુસ્લિમોની મોટી આબાદી ભેંસનું માંસ ખાય છે.

ઉત્તરપ્રદેશમાં ભેંસના માંસના સેવન પર કોઈ પાબંદી નથી, પરંતુ ભેંસોના સ્લૉટર અંગે સ્પષ્ટ નિયમ છે. માત્ર સરકાર પાસેથી માન્યતાપ્રાપ્ત સ્લૉટર હાઉસ અંગે સ્પષ્ટ નિયમ છે. માત્ર સરકાર પાસેથી માન્યતાપ્રાપ્ત સ્લૉટર હાઉસ પાસેથી માંસ લઈને જ બજારમાં વેચી શકાય છે.

માંસ કારોબારીઓમાં બીક

માંસ કારોબારી માને છે માંસને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું જોખમભર્યું થઈ ગયું છે.

ઈજાગ્રસ્ત કદીમ કુરેશીના ભાઈ આસિફ કુરેશી કહે છે કે, "હવે આ કારોબારમાં જવામાં જોખમ છે. માંસ લઈ જવું એ જાણે અફીણ કે ગાંજાની તસ્કરી જેવું બની ગયું છે. અમારી પાસે પૂરા કાગળ હોવા છતાં પણ ગાયના નામે રોકી લેવાય છે."

હુમલામાં ઘાયલ ચારેય લોકો અલગીઢથી લગભગ 30 કિમી દૂર અતરૌલી કસબાના રહેવાસી છે. કદીમ કુરેશીનું ઘર પક્કી ગઢી મોહલ્લામાં છે. આ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં માંસ કારોબારીઓ પર ભીડના હુમલા બાદથી જ માંસની દુકાનો બંધ છે.

કદીમનો આખો પરિવાર માંસના કારોબારમાં જ છે. તેઓ હૉસ્પિટલમાં દાખલ છે અને દુકાનો બંધ છે. તેમના વૃદ્ધ પિતા મુન્ના કુરેશી દુકાનની બહાર ઉદાસ બેઠા છે.

મુન્ના કુરેશી કહે છે કે, "અમે આખું જીવન માંસનું જ કામ કર્યું, ક્યારેય મુશ્કેલી ન પડી. પરંતુ હવે દર મહિને - બે મહિને ગાયના નામ પર માંસ છીનવી લેવાય છે. અમારા પરિવાર પર ભારે દેવું થઈ ગયું છે."

માંસના આ કારોબારી દેવું લઈને કામ કરે છે. હૉસ્પિટલમાં દાખલ ઘાયલ અકીલ કુરેશી પોતાના પરિવારના એકલા કમાનાર છે. તેઓ કહે છે કે, "અમારું લાખોનું માંસ ફેંકી દેવાયું. અમે ઉધાર લઈને કામ કરીએ છીએ. ઘર પહેલાંથી જ ગીરો છે. હવે આ ભારે નુકસાન થયું. ખબર નથી ક્યાં સુધી હૉસ્પિટલમાં રહેવું પડશે. હૉસ્પિટલેથી ડિસ્ચાર્જ થશે તો દેવાની ઉઘરાણી કરનારા આવી પહોંચશે."

આ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં ભય સ્પષ્ટપણે જોવા મળે છે. એક યુવાન પોતાનું નામ ન જાહેર કરતાં કહે છે કે, "મુસ્લિમો પર સતત હુમલા થઈ રહ્યા છે. તેમની ખાણીપીણીની આદતો પર સીધો હુમલો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં મુસ્લિમો પાસે વિવશતા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી."

આ વિશ્લેષકો માને છે કે આ પ્રકારના હુમલા મુસ્લિમોની ખાણીપીણીની ટેવોનું અપરાધીકરણ છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના પ્રોફેસર ડૉ. મોહિબુલ હક કહે છે કે, "કાઉ વિજેલેન્ટિઝ્મ (ગાયના નામે હિંસા) એક સંગઠિત અપરાધનું રૂપ લઈ રહ્યું છે. આ એક પ્રકારે ખાસ સમુદાયની ભોજનની આદતોનું અપરાધીકરણ છે. જે લોકો પર આ હુમલા થયા છે તેઓ ખૂબ કમજોર વર્ગના છે. આ કારોબારીઓ પર હુમલાથી માત્ર બે-ચાર પરિવાર જ બરબાદ નથી થતા, બલકે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં માંસનો પુરવઠો લાંબા સમય સુધી કરાય છે અને આનાથી અહીં રહેતા લોકોની ભોજનની ટેવો પર અસર થાય છે. ભેંસનું માંસ મુસ્લિમોની ભોજનની ટેવનો ભાગ છે. ગરીબ લોકો પણ આ પ્રકારનું માંસ ખાય છે. લગ્નપ્રસંગ માટે પણ માંસ નથી મળી શકતું."

પ્રોફેસર મોહિબુલ હક કહે છે કે, "જો તંત્ર ઇચ્છે તો કડક કાર્યવાહી કરીને આવી ઘટનાઓને રોકી શકે છે, પરંતુ આના માટે રાજકીય ઇચ્છાશક્તિની કમી જોવા મળે છે. આવી ઘટનાઓથી દેશમાં નફરતનો માહોલ બની રહ્યો છે અને આ નફરતના નિશાન પર એક ખાસ સમુદાય છે."

આ હુમલાએ પહેલાંથી જ સંઘર્ષ કરી રહેલા કદીમના પરિવારને વધુ પાછળ ધકેલી દીધો છે. ચાર ભાઈઓનો આ પરિવાર એક નાના ઘરમાં રહે છે.

તેમનાં વૃદ્ધ માતા અકીલ બેગમ કહે છે કે, "અમારી પાસે બાળકોની ફી ભરવાના અને પુસ્તકો લેવાના પણ પૈસા નથી. મારી પૌત્રીઓ પોતાની જરૂરિયાતો માટે રડતી રહે છે. અમારા ઘરે ભોજન પણ નથી બની શકતું. વારંવાર અમારી દુકાનો બંધ થઈ જાય છે. અમે ખૂબ વિવશ અને બેહાલ છીએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન