'સ્ટેલ્થ' યુદ્ધવિમાન બનાવવાની ભારતની યોજના શી છે અને તેની જરૂર કેમ પડી?

    • લેેખક, શકીલ અખ્તર
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતના સુરક્ષા મંત્રાલયે અત્યાધુનિક 'ફિફ્થ જનરેશનનાં સ્ટેલ્થ' ફાઇટર વિમાનોના ઘરેલુ ઉત્પાદનને મંજૂરી આપી દીધી છે અને સુરક્ષા કંપનીઓને આ યુદ્ધવિમાનોના પ્રોટોટાઇપ બનાવવા માટે 'એક્સ્પ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ' (બોલીઓ) પ્રસ્તુત કરવા કહ્યું છે.

અત્યારે માત્ર અમેરિકા, રશિયા અને ચીન જ હવાઈયુદ્ધ માટે ખૂબ જ અસરકારક સ્ટેલ્થ યુદ્ધવિમાનો બનાવી રહ્યા છે.

ભારતીય સુરક્ષા જાણકારો અનુસાર, ભારતીય વાયુસેનાની યુદ્ધક્ષમતા વધારવા માટેની આ એક મોટી પરિયોજના છે અને આ પરિયોજનામાં ખાનગી કંપનીઓને પણ સામેલ કરવામાં આવી રહી છે.

ભારતીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે 'એડ્વાન્સ્ડ મીડિયમ કૉમ્બેટ એરક્રાફ્ટ' (એએમસીએ)ના મૉડલને મંજૂરી આપી દીધી છે અને તેની જવાબદારી ભારત સરકારની એરોનૉટિકલ ડેવલપમેન્ટ એજન્સી (એડીએ)ને સોંપવામાં આવી છે.

એરોનૉટિકલ ડેવલપમેન્ટ એજન્સી ભારતમાં કાર્યરત ખાનગી કંપનીઓના સહયોગથી આ પરિયોજના ક્રિયાન્વિત કરશે.

રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે, "આ પરિયોજના, સ્ટેલ્થ ફાઇટર જેટનું પ્રાયોગિક મૉડલ બનાવવા માટે દેશની વિશેષજ્ઞતા, ક્ષમતા અને યોગ્યતાનો ઉપયોગ કરવાની દિશામાં એક મોટું પગલું છે.

નિવેદનમાં કહેવાયું છે, "તે ભારતના એરોસ્પેસ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવામાં એક માઈલસ્ટોન સાબિત થશે.

હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (એચએએલ) એક સરકારી પ્રભુત્વ ધરાવતી ભારતીય કંપની છે, જે યુદ્ધવિમાન અને હેલિકૉપ્ટરના નિર્માણનો અનુભવ ધરાવે છે. એચએએલએ ભારતનું પ્રથમ હળવું યુદ્ધવિમાન 'તેજસ' બનાવ્યું છે, જે ભારતીય વાયુદળ અને નૌકાદળના કાફલામાં સામેલ છે.

હવે ફિફ્થ જનરેશનનાં સ્ટેલ્થ ફાઇટર જેટની જવાબદારી એરોનૉટિકલ ડેવલપમેન્ટ એજન્સીને સોંપવામાં આવી છે અને એજન્સી ટૂંક સમયમાં ખાનગી કંપનીઓના સહયોગ માટે 'ઇન્સ્ટ્રૂમેન્ટ ઑફ ઇન્ટરેસ્ટ' બહાર પાડશે.

ભારતીય સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ એટલા માટે સંભવ છે, કેમ કે, અન્ય ખાનગી સુરક્ષા ઉપકરણ નિર્માતા કંપનીઓ પણ વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરીને આ સ્થાનિક પરિયોજનામાં સામેલ થઈ જશે.

યાદ રાખવું જોઈએ કે ભારતમાં ટાટા ઍડ્વાન્સ્ડ સિસ્ટમ લિમિટેડ એક ખાનગી કંપની છે, જે ડિફેન્સ એરક્રાફ્ટ્સના નિર્માણ અને ઍસેમ્બ્લિંગમાં નિષ્ણાત છે.

ભારતની સુરક્ષાસંબંધી કૅબિનેટ સમિતિએ માર્ચ 2024માં આધુનિક પ્રકારનાં મધ્યમ યુદ્ધવિમાનનાં ડિઝાઇન અને નિર્માણ માટે મંજૂરી આપી હતી.

એરોનૉટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય એર-શોમાં સ્ટેલ્થ ફાઇટર જેટનું એક મૉડલ પ્રદર્શિત કર્યું હતું, જે સિંગલ સીટ અને ડબલ એન્જિન ધરાવતું ફિફ્થ જનરેશન યુદ્ધવિમાન હશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સંબંધમાં જે યોજના તૈયાર કરવામાં આવી છે, તેની હેઠળ 2035માં સ્ટેલ્થ વિમાન બનવાનું શરૂ થઈ જશે અને શરૂઆતમાં ઓછામાં ઓછાં 120 વિમાનોની ડિલિવરી કરવામાં આવશે.

આ પરિયોજના ભારત માટે કેટલી મહત્ત્વપૂર્ણ છે અને ભારતીય સુરક્ષા નિષ્ણાતો તેને કઈ રીતે જોઈ રહ્યા છે?

સ્ટેલ્થ તકનીક શું છે?

એલેક્સ પિત્સાસ એટલાન્ટિક કાઉન્સિલમાં વરિષ્ઠ ફેલો અને પેન્ટાગોનના પૂર્વ અધિકારી છે. તેઓ સંરક્ષણ, એરોસ્પેસ અને આધુનિક તકનીકી ક્ષેત્રોમાં એન્ટિ-ટેર્‌રિઝમ ઍન્ડ ડિજિટલ ટ્રાન્સફૉર્મેશનના નિષ્ણાત છે.

બીબીસીના મુંજા અનવર સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ફિફ્થ જનરેશનનાં યુદ્ધવિમાનોની મુખ્ય વિશેષતા 'સ્ટેલ્થ ટેકનોલૉજી' છે, જે વિમાનના રડાર ક્રૉસ-સેક્શન અને થર્મલ ડિટેક્શનને ઘટાડી દે છે, જેનાથી વિમાનની હાજરીની જાણકારી મેળવવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે.

એલેક્સ પિત્સાસ અનુસાર, આ વિમાનોએ શસ્ત્રપ્રણાલીઓ, ગતિશીલતા અને સતત સુપરસોનિક ઉડ્ડયન જેવાં ક્ષેત્રોમાં પણ મહત્ત્વની પ્રગતિ કરી છે.

તેઓ કહે છે, "ફિફ્થ જનરેશનનાં યુદ્ધવિમાન આધુનિક યુદ્ધવિમાન છે, જે સ્ટેલ્થ સુપરક્રૂઝ અને ડિજિટલ તકનીકોથી સજ્જ હોય છે. તેમાં રડારથી બચવાની ક્ષમતા હોય છે, પરિણામે દુશ્મનો તેને સરળતાથી જોઈ નથી શકતા."

પિત્સાસ અનુસાર, "નવી એન્જિન ડિઝાઇન, કૂલિંગ સિસ્ટમ અને આંતરિક શસ્ત્ર કક્ષ વિમાનના તાપમાન સંકેતોને ઘટાડી દે છે, જેના પરિણામે થર્મલ ટેકનોલૉજીનો ઉપયોગ કરીને તેની જાણકારી મેળવી મુશ્કેલ થઈ જાય છે.

"આ બધી વિશેષતાઓ, જેવી કે, સ્ટેલ્થ ટેકનોલૉજી, ઍડ્વાન્સ ગતિશીલતા અને લાંબા અંતરનાં શસ્ત્રો – આ બધું મળીને ફિફ્થ જનરેશનનાં યુદ્ધવિમાનોને અત્યંત ખતરનાક બનાવે છે. તેને શોધવું અને તેના પર નિશાન સાધવું સૌથી આધુનિક ટેકનોલૉજી માટે પણ ખૂબ મોટો પડકાર બની જાય છે."

ભારત માટે સ્ટેલ્થ યુદ્ધવિમાન શા માટે મહત્ત્વનાં છે?

સુરક્ષા વિશ્લેષક રાહુલ બેદીએ બીબીસીને કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરમાં થયેલા સૈન્યસંઘર્ષે સ્પષ્ટપણે હવાઈદળના મહત્ત્વને કે ભવિષ્યના યુદ્ધમાં વાયુસેના અને યુદ્ધવિમાનોના મહત્ત્વને બતાવી દીધું છે.

રાહુલ બેદીએ કહ્યું, "તાજેતરના સંઘર્ષમાં મુખ્ય રીતે બંને દેશની વાયુસેનાઓ સામેલ હતી. ચાર દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ફાઇટર પ્લેન્સ, ડ્રોન, મિસાઇલ અને એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો. વર્તમાન સમયમાં બંને દેશ પાસે જે વિમાનો છે, તે ફોર્થ અથવા તો ફિફ્થ જનરેશન વિમાન છે."

તેમણે કહ્યું કે, એવું લાગે છે કે ભારતમાં અધિકારીઓનું ધ્યાન હવે હવાઈદળ પર કેન્દ્રિત રહેશે. સ્ટેલ્થ ફાઇટર જેટ પરિયોજના પણ આ જ નીતિનો ભાગ છે અને ભૂમિદળનું મહત્ત્વ મર્યાદિત થઈ ગયું છે.

બીજી તરફ, સુરક્ષા વિશ્લેષક પ્રવીણ સાહનીનું કહેવું છે કે, ભારત માટે હવે ફિફ્થ જનરેશનનાં વિમાનોનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે, કેમ કે, '(મીડિયા સૂત્રો અનુસાર) ચીને પાકિસ્તાનને ફિફ્થ જનરેશનનાં સ્ટેલ્થ જે-35એ યુદ્ધવિમાનો આપવાનો નિર્ણય કર્યો છે'.

સાહની કહે છે, "જો આ યુદ્ધવિમાનો પાકિસ્તાન પાસે હશે, તો એવું પહેલી વાર બનશે કે આ પ્રકારનાં સ્ટેલ્થ યુદ્ધવિમાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવનો ભાગ હશે અને જો એવું થયું તો તે ભારતીય વાયુસેના માટે મુશ્કેલ સ્થિતિ હશે. તેનાથી બંને દેશની હવાઈશક્તિનું સંતુલન પાકિસ્તાનના પક્ષમાં થઈ જશે. બીજી તરફ, ભારત પાસે હજુ ફિફ્થ જનરેશનનું એક પણ વિમાન નથી."

પ્રવીણ સાહનીનું કહેવું છે કે ભારતે જે સ્ટેલ્થ યુદ્ધવિમાન પરિયોજનાને મંજૂરી આપી છે, તેનું પ્રોટોટાઇપ કે પ્રાયોગિક મૉડલ 2028માં તૈયાર થઈ જશે.

તેમણે કહ્યું, "આત્મનિર્ભરતા માટે સ્ટેલ્થ વિમાન પરિયોજના એક સારો વિચાર છે, પરંતુ વર્તમાન સ્થિતિ શાંતિપૂર્ણ નથી. 'ઑપરેશન સિંદૂર' પછી અત્યારે માત્ર યુદ્ધવિરામ છે, શાંતિ સ્થપાઈ નથી."

સાહની કહે છે, "તેથી આ પરિસ્થિતિઓમાં ભારતે ખૂબ ઝડપથી વિદેશમાંથી ફિફ્થ જનરેશન યુદ્ધવિમાનો ખરીદવાં પડશે (કેમ કે, ભારતીય યોજના અનુસાર ભારતમાં બનેલાં વિમાન આગામી 10 વર્ષોમાં ઉપલબ્ધ હશે). સ્ટેલ્થ યુદ્ધવિમાન પરિયોજના લાંબા સમયગાળા માટે તો ઠીક છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં તેનું કશું મહત્ત્વ નથી."

રાહુલ બેદી કહે છે, "આ પ્રોજેક્ટ ભારત માટે પણ મોટો પડકાર છે, કેમ કે ભારતમાં સૌથી મોટી સમસ્યા એન્જિનની છે. ભારતે હજુ સુધી એક પણ ફાઇટર જેટ એન્જિન નથી બનાવ્યું; ન તો નજીકના ભવિષ્યમાં કોઈ ઉત્પાદન થવાની કશી આશા છે. બે વર્ષ પહેલાં ભારતમાં એન્જિન નિર્માણ માટે અમેરિકા સાથે વાતચીત થઈ હતી, પરંતુ હવે તે વાતચીત પણ ધીમી પડી ગઈ છે."

બેદી કહે છે, "ભારતની ફિફ્થ જનરેશન ફાઇટર જેટ પરિયોજનામાં ઘણો સમય લાગશે, અને વિમાન બનાવનારી આંતરરાષ્ટ્રીય કંપનીઓ તેમાં મુખ્ય ભૂમિકા ભજવશે."

ભારત પાસે બીજો કયો વિકલ્પ છે?

ભારતના સુરક્ષા નિષ્ણાતો અનુસાર, એવી સ્થિતિમાં કે જ્યારે ભારતમાં નિર્મિત ફિફ્થ જનરેશનનાં વિમાનો બનાવવામાં ઘણાં વર્ષ થઈ શકે છે, ત્યારે ભારત, દુનિયામાંથી—ચીન ઉપરાંત અમેરિકા પાસે એફ-35 અને રશિયા પાસે સુખોઈ એસયુ-57 ફિફ્થ જનરેશનનાં વિમાન છે—તે ખરીદી શકે છે.

થોડા મહિના પહેલાં વડા પ્રધાન મોદીની અમેરિકા યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહેલું કે અમેરિકા ભારતને એફ-35 વેચવા તૈયાર છે.

પરંતુ, રાહુલ બેદી કહે છે, "ભારતે આ વિમાન માટે હા કે નામાં જવાબ નથી આપ્યો. ભારતીય હવાઈદળને તેની સામે વાંધો છે. પહેલી વાત તો એ છે કે આ વિમાન ખૂબ મોંઘાં છે અને તેની એક કલાકની ઉડાનની કિંમત લગભગ 30 લાખ ભારતીય રૂપિયા છે. બીજી વાત એ છે કે હવાઈદળે તેનાં જાળવણી અને સમારકામ માટે અલગથી વ્યવસ્થા કરવી પડશે."

તેમણે કહ્યું, "ચીને યુદ્ધવિમાનના વિકાસમાં એક પગલું આગળ વધાર્યું છે અને હવે ચીનનો દાવો છે કે તેણે સિક્સ્થ જનરેશનનાં બે એન્જિનવાળાં યુદ્ધવિમાન પણ બનાવી લીધાં છે, જેનું પરીક્ષણ ઉડ્ડયન ગયા વર્ષે ડિસેમ્બરમાં કરવામાં આવ્યું હતું."

નોંધવા જેવી વાત એ છે કે, ભારત સરકારે ફિફ્થ જનરેશનનાં સ્ટેલ્થ ફાઇટર પ્લેન પરિયોજનાને મંજૂરી આપવા ઉપરાંત, ઇમરજન્સી યુદ્ધસાધનો ખરીદવા માટે ચાલુ મહિને 4.5 અબજ ડૉલર કરતાં વધારેના ભંડોળને પણ મંજૂરી આપી છે.

સમાચાર એજન્સી રૉઇટર્સ અનુસાર, ભારત પોતાની એર ડિફેન્સને વધુ સક્ષમ બનાવવા માટે એક-બે વર્ષમાં જ આ ફંડમાંથી લગભગ 500 મિલિયન ડૉલરની કિંમતનાં ડ્રોન ખરીદવાની તૈયારી કરી રહ્યું છે.

ચાલુ મહિનાની શરૂઆતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી ચાલેલા સંઘર્ષમાં પણ બંને પક્ષોએ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.

પ્રવીણ સાહની કહે છે, "જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય, તો ડ્રોન હવે એવી ભૂમિકા નહીં નિભાવે. ખરેખરી લડાઈ બંને દેશની વાયુસેનાઓ વચ્ચે થશે. 'ઑપરેશન સિંદૂર'માં ડ્રોને મુખ્ય ભૂમિકા ભજવી હતી. બંને દેશનાં હવાઈદળ વચ્ચે માત્ર એક રાત યુદ્ધ થયું, પરંતુ કોઈ પણ મોટા યુદ્ધની સ્થિતિમાં વાયુસેનાઓ વચ્ચે યુદ્ધ થશે."

સાહનીનું કહેવું છે કે, ભારત અને પાકિસ્તાનની વર્તમાન સ્થિતિના કારણે બંને દેશ વચ્ચે વર્તમાન તણાવ માત્ર ચાલુ રહેશે એટલું જ નહીં, પરંતુ વધી પણ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન