ગુજરાતમાં હવામાન વિભાગની નવી આગાહી, કયા વિસ્તારોમાં વરસાદ પડશે અને ચોમાસું ક્યારે પહોંચશે?

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રીજનના વિસ્તારોમાં વરસાદનું ચિત્ર બદલાવાની સંભાવના છે.

ચોમાસું વહેલુ શરૂ થયા બાદ ખૂબ ઝડપથી આગળ વધ્યું અને મુંબઈ સુધી પહોંચી ગયું છે પરંતુ તે બાદ ચોમાસાની અરબી સમુદ્રની બ્રાંચમાં કોઈ પ્રગતિ જોવા મળી નથી. બંગાળની ખાડી તરફની ચોમાસાની બ્રાંચ હજી પણ ઝડપથી આગળ વધી રહી છે.

એક તરફ અરબી સમુદ્રના કાંઠે આવેલા વિસ્તારો પર વરસાદનું જોર ઘટી રહ્યું છે ત્યારે બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમને કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે ચોમાસું કેટલાક વિસ્તારોમાં ખૂબ ઝડપથી આગળ વધે તેવી સંભાવના છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચતા હજી વાર લાગશે.

ગુજરાતમાં સામાન્ય રીતે મે મહિનામાં ખૂબ જ ગરમી પડતી હોય છે અને હીટ વેવની સ્થિતિ જોવા મળતી હોય છે. જોકે, આ વર્ષે મે મહિનાની શરૂઆતથી જ કમોસમી વરસાદ શરૂ થતાં ઉનાળાની ગરમી અને હીટ વેવમાંથી રાહત મળી છે.

ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં હવે વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા છે અને વરસાદના વિસ્તારોમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ રાજ્યમાં વરસાદ ધીમો પડી જશે અને માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તથા સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

આગામી બેથી ત્રણ દિવસ સુધી એટલે કે 2 જૂન સુધી દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, તાપી સહિતના વિસ્તારોમાં હળવો અને છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. આ સિવાયના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે.

કચ્છ અને ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ હાલ વરસાદની શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે. મોટા ભાગના વિસ્તારોમાં ગરમી પડવાની શક્યતા છે.

આજથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ પવનની ગતિ વધે તેવી શક્યતા છે.

3 જૂનની આસપાસ રાજ્યમાં ફરીથી વરસાદી ગતિવિધિ વધે તેવી શક્યતા છે પરંતુ સાર્વત્રિક વરસાદ થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે. એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થોડું વરસાદનું પ્રમાણ વધી શકે છે.

ગુજરાતમાં ચોમાસું હવે ક્યારે પહોંચશે?

મે મહિનાના છેલ્લા દિવસોમાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ હતી અને તેના કારણે રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધી હતી અને કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થયો હતો.

આ સિસ્ટમ આગળ વધીને મહારાષ્ટ્ર તરફ ગઈ અને તેના કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ચોમાસું વહેલું પહોંચી ગયું. જો સિસ્ટમ ગુજરાત તરફ આવી હોત તો રાજ્યમાં ચોમાસાની વહેલી શરૂઆત થઈ હોત.

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર તારીખ 15 જૂન છે અને તેની આસપાસ કે તેના બાદ રાજ્યમાં ચોમાસું પહોંચતું હોય છે. સામાન્ય રીતે ચોમાસા પહેલાં કોઈ સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાય અને ગુજરાત તરફ આવે તો ચોમાસું વહેલું આવતું હોય છે.

હાલ બંગાળની ખાડીની સિસ્ટમ બાંગ્લાદેશ અને પૂર્વોત્તરનાં રાજ્યો તરફ જતાં ગુજરાતમાં હવે વરસાદી ગતિવિધિ વધે તેવી સંભાવના ઓછી છે.

આ ઉપરાંત હવામાનનાં વિવિધ મૉડલો તાજેતરમાં અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બને તેવી શક્યતા પણ દર્શાવતાં નથી.

હવામાન વિભાગે ચોમાસા વિશે જે માહિતી આપી છે તેમાં કહેવામાં આવ્યું છે કે ચોમાસું બંગાળની ખાડી તરફના વિસ્તારોમાં આગળ વધે તેવી સંભાવના છે પરંતુ ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના ખૂબ ઓછી છે.

ગુજરાતમાં જૂન મહિનામાં કેટલો વરસાદ થશે?

હવામાન વિભાગે મે મહિનાના અંતમાં ચોમાસાના ચાર મહિનામાં કેટલો વરસાદ થશે તે અંગેનું ફરીથી પૂર્વાનુમાન રજૂ કર્યું છે.

આ પૂર્વાનુમાન પ્રમાણે ચોમાસાના ચાર મહિના દરમિયાન સમગ્ર દેશમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. લાંબા ગાળાની સરેરાશના 106 ટકા વરસાદનું પૂર્વાનુમાન હવામાન વિભાગે રજૂ કર્યું છે.

દેશની સાથે ગુજરાતમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં તેની સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. એમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો થતા દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ થવાની શક્યતા છે.

જૂન મહિનામાં પણ ગુજરાતમાં સામાન્ય રીતે સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે, પરંતુ ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સરેરાશ અને ક્યાંક એકાદ બે વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થતી હોય છે અને સામાન્ય રીતે અડધા મહિના બાદ વધારે વરસાદ થતો હોવાથી રાજ્યમાં જૂનમાં સરેરાશ વરસાદ ઓછો રહે છે.

ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં પડે છે અને આ વરસાદ ખેતી માટે ખૂબ મહત્ત્વનો છે.