You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આ તારીખોમાં થઈ શકે છે વાવણીલાયક વરસાદ, વાવાઝોડાં પહેલાં કયા વિસ્તારોમાં વરસાદ વધી શકે છે?
ગુજરાત પર આગામી દિવસોમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે અને અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બનવા જઈ રહી છે.
બીજી તરફ ચોમાસું અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે અને તેની નિર્ધારિત તારીખ કરતાં આગળ વધી રહ્યું છે. થોડા દિવસોમાં જ કેરળમાંથી ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની શક્યતા દેખાઈ રહી છે. આવનારા કેટલાક દિવસોમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.
હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં આ અઠવાડિયાથી જ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પણ થઈ શકે છે.
મે મહિનામાં ગુજરાતમાં સામાન્ય રીતે ઉનાળાની ભારે ગરમી પડતી હોય છે પરંતુ આ વર્ષે પ્રથમ અઠવાડિયાથી જ રાજ્યમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. જેના કારણે ગરમીમાં ઘટાડો થયો હતો.
હાલ અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમ પર સૌની નજર છે કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં અને કઈ તરફ જશે.
ગુજરાતમાં વાવણીલાયક વરસાદ ક્યારે?
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હાલ જ કમોસમી વરસાદ પડ્યો છે અને હવે ચોમાસા પહેલાંના વરસાદની શરૂઆત થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વધવાની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, મંગળવારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લા, દીવ ઉપરાંત મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને મહીસાગર જિલ્લાના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
બુધવારે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ જિલ્લા અને દીવ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિસ્તારો તથા મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના વિસ્તારો તથા દમણમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુરુવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થાય તેવી શક્યતા છે.
હાલ છે એ મુજબ જ સ્થિતિ રહી અને તેમાં કોઈ મોટા ફેરફાર ના થયા તો આગામી 24 મેથી લઈને 28 મે સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
જો અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ગુજરાત પર આવી તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, સિસ્ટમ ક્યારે દરિયાકાંઠે પહોંચશે?
હવામાન વિભાગના કહેવા પ્રમાણે 21 મેના રોજ કર્ણાટકના દરિયાકાંઠાની પાસે અરબી સમુદ્રમાં એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે. જે પ્રાથમિક સિસ્ટમ છે અને તેમાંથી વાવાઝોડું બને એવું જરૂરી હોતું નથી. આવી સિસ્ટમો વર્ષમાં અનેક વખત બનતી હોય છે.
જોકે, હવામાન વિભાગની માહિતી અનુસાર આ સિસ્ટમ મજબૂત બનીને 22મેના રોજ લૉ-પ્રેશર એરિયા બનશે અને તે બાદ પણ વધારે મજબૂત બનવાની શક્યતા છે.
હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનનાં વિવિધ મૉડલો પ્રમાણે આ સિસ્ટમ કદાચ ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગનું પણ કહેવું છે કે તે ઉત્તર તરફ આગળ વધશે એટલે કે ગુજરાત તરફ આવશે અને રસ્તામાં તે મજબૂત બનતી જશે.
જોકે, આ સિસ્ટમ હજી વાવાઝોડું બનશે કે નહીં તે અંગે હવામાન વિભાગે કોઈ માહિતી આપી નથી. પરંતુ હવામાનનાં કેટલાંક મૉડલો દર્શાવી રહ્યાં છે કે કદાચ તે ડીપ ડિપ્રેશન કે વાવાઝોડું પણ બની શકે છે.
હાલની સ્થિતિ પ્રમાણે જો આ સિસ્ટમ વાવાઝોડું બને તો 28 કે 29 મેની આસપાસ તે ગુજરાતના દરિયાકાંઠે પહોંચે એવી શક્યતા છે. પરંતુ એવી પણ શક્યતા છે કે કદાચ આ સિસ્ટમ દરિયામાં વળાંક પણ લઈ શકે છે.
ગુજરાતની પાસે આ સિસ્ટમ પહોંચતાની સાથે જ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર તેની વધારે અસર થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
22મેથી 30 મે સુધી આ સિસ્ટમ પહેલાં કર્ણાટક, ગોવા, કોકણ અને મહારાષ્ટ્ર જે બાદ ગુજરાતને અસર કરે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.
વાવાઝોડું ત્રાટક્યું એમ ક્યારે કહેવાય?
દરિયામાં સર્જાતાં વાવાઝોડાં જ્યારે આગળ વધીને જમીન પર આવે તેને અંગ્રેજીમાં લૅન્ડફોલ કહેવામાં આવે છે. ગુજરાતીમાં સામાન્ય રીતે આ પ્રક્રિયા સમજાય તે માટે વાવાઝોડું ત્રાટક્યું અથવા જમીન સાથે ટકરાયું એવું કહીએ છીએ.
જોકે, જ્યારે વાવાઝોડાનું કેન્દ્ર જમીન પરથી પસાર થાય ત્યારે લૅન્ડફોલ થયો ગણાય. જ્યારે શક્તિશાળી વાવાઝોડું હોય તો કેન્દ્રમાં તેની આંખ બની જતી હોય છે આ આંખ જ્યારે જમીન પરથી પસાર થાય ત્યારે લૅન્ડફોલ ગણાય છે.
આ કેન્દ્રની આસપાસના ભાગમાં સૌથી શક્તિશાળી પવનો ફૂંકાતા હોય છે અને આ ભાગ જ્યાંથી પસાર થાય ત્યાં સૌથી વધારે નુકસાન થવાની શક્યતા હોય છે.
વાવાઝોડું દરિયામાં હોય અને તેની કોર એટલે કે તેના છેડાના પવનો જ્યારે દરિયાકાંઠે આવવા લાગે તેને લૅન્ડફોલ ગણાતું નથી, આંખ કે કેન્દ્ર જ્યારે જમીન પર આવે તે પહેલાં જ પવનો આવવા લાગે છે જેને અંગ્રેજીમાં ડાયરેક્ટ હિટ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે આંખ જમીન પર આવે ત્યારે જ તેને લૅન્ડફોલ ગણવામાં આવે છે.
સામાન્ય રીતે મોટાં વાવાઝોડાની લૅન્ડફોલની પ્રક્રિયા કલાકો સુધી ચાલી શકે છે. વાવાઝોડું દરિયામાં હોય ત્યારે જ જમીન પર તેના પવનોની અસર શરૂ થઈ જતી હોય છે અને એ પવનો પણ મજબૂત હોવાને કારણે લૅન્ડફોલ પહેલાં પણ નુકસાન થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન